વિમાસણ : લાગણી અને તે પણ નિર્જીવ વસ્તુ માટે ?

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

સમીર ધોળકિયા મૂળ ભુજના પણ પછી અમદાવાદી બની ગયા તેને આજે અર્ધી સદીથી પણ વધારે સમય થઈ ગયો! LICમાંથી નિવૃત્ત થયા પછી એમણે કશા જ નિર્ણય ન લેવાનો નિર્ણય કર્યા પછી પણ નિર્ણય કર્યો કે હવે કંઈ ન કરવું. – અને આજ સુધી એમાં ડગ્યા નથી.

હા, વેબગુર્જરી પર ‘કોમેન્ટ્સ’માં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરનાર એક નિયમિત વાચક છે. સંગીત અને તેમાં પણ ફિલ્મી સંગીતના કેટલાક ગંભીર ચાહકો અને વિવેચકોમાં એમની પણ ગણતરી કરી શકાય. આજે તેઓ કદાચ એકાદ અભાન પળમાં આપણા હાથે ઝડપાઈ ગયા છે.

વેબ ગુર્જરી પર આ એમનો પહેલો લેખ છે. આશા કરીએ કે ભવિષ્યમાં પણ એમનો અને વેબગુર્જરીના વાચકોનો (સક્રિય) સંપર્ક ચાલુ રહેશે.

સંપાદકો

આપણે બધા લાગણીના સબંધે બંધાયેલા હોઈએ છીએ. માનવ -માનવ વચ્ચે,માનવ અને પશુ પક્ષી વચ્ચે,માનવ અને વૃક્ષ છોડ સાથે લાગણીના સબંધ રહેતા હોય છે. પણ શું માનવને નિર્જીવ વસ્તુઓ સાથે લાગણી બંધાઈ શકે?

ભલે આ બાબત પહેલી નઝરે તાર્કિક ના લાગે, પણ મને કેટલીયે વાર આ લાગણી થઇ છે અને આવી અમુક સ્મૃતિઓ વર્ષો પછી પણ મારી સામે આવે છે અને મને મૂંઝવે પણ છે !

મેં તા.૨૨/૪/૧૯૬૪ ના રોજ ભુજ છોડ્યું અને અમદાવાદમાં પગ મુક્યો. ત્યારે તો નવા અને મોટા શહેરમાં આવવાની ખુબ હોંશ હતી. હું જલ્દી અમદાવાદના નવા મિત્રો,નવું ઘર,નવી શાળામાં ગોઠવાઈ ગયો. જોકે ભુજ અને ત્યાંના મિત્રો તો ખુબ યાદ આવતા, પણ જયારે હું એક વર્ષ પછી ભુજ પાછો સામાજિક પ્રસંગે ગયો ત્યારે મને સમજાયું કે મને ફક્ત ભુજના મિત્રો કે સગાવહાલાં જ નહિ પણ અમારું જૂનું ઘર ‘અમૃત ભુવન’, ત્યાંના રસ્તાઓ,અમારી શાળા આલ્ફ્રેડ હાઈસ્કૂલનું અંગ્રેજી શૈલીનું મકાન પણ એટલુંજ પોતાનું લાગતું હતું. જેટલો મિત્રોસગાવહાલા ને યાદ હું કરતો હતો એટલોજ રસ્તાઓ મકાનો, ઘરમાં રોપાયેલી માટીની પૂતળી જેવી “નિર્જીવ” વસ્તુઓને પણ યાદ કરતો હતો. એ બધું જ પોતીકું લાગતું હતું .

નોકરી મળી એટલે સંગીતનો શોખ પોષવા પહેલું જ કામ રેકોર્ડ પ્લેયર લેવાનું કર્યું. રેકોર્ડ લેવાનું શરુ કર્યું અને ત્રણ -ચાર વર્ષમાં સારો એવો સંગ્રહ પણ થઇ ગયો. તે દરમ્યાન થોડા પૈસા પણ ભેગા થયા એટલે નવી સ્ટીરીઓ સિસ્ટમ લેવા ધાર્યું. થોડાક વખતમાં બુશની સિસ્ટમ લેવા ગયો અને દુકાનદારે જૂનું પ્લેયર પાછું લેવાનું પણ કબુલ્યું. જયારે નવી સિસ્ટમનું પેકીંગ ચાલતું હતું ત્યારે મારી નજર દુકાનના ખૂણામાં પડેલ (મારાં) જુનાં પ્લેયર પર પડી. ખૂણામાં તે એકલું અટુલું પડ્યું હતું. મને યાદ આવ્યું કે જયારે જૂનું પ્લેયર ઘરે આવ્યું ત્યારે અમે બધા ખુશીથી નાચ્યાં હતા અને તેની સાથે સંગીતની મજા પણ ખુબ માણી હતી. આજે એને છોડીને નવા પ્લેયર માટે હું જઈ રહ્યો છું. મારું મન ઉદાસ થઇ ગયું અને મને લાગ્યું કે હું રડી પડીશ ! મન મક્કમ કરીને નવી સિસ્ટમ લઇને બહાર નીકળ્યા, ઘરે જઇ ને સાંભળી-માણી પણ ખરી. અને તે પણ વર્ષો સુધી.જતે દા’ડે નવું લીધેલ સ્ટેરીઓ પ્લેયર પણ બગડ્યું અને કાઢવું પડ્યું. ધીમે ધીમે તેની પણ સ્મૃતિ ઝાંખી થઇ ગઈ પણ આજે ૪૦/૪૨ વર્ષે પણ જયારે એ ખૂણા માં પડેલ HMVનું જૂનું કેલિપ્સો પ્લેયર યાદ આવે છે ત્યારે મન ઉદાસ થઇ જાય છે અને મનમાં ગુનાઇત લાગણી થાય છે કે મેં એક જુના સાથીદારને છેહ આપ્યો હતો ! એ દુકાન પણ ક્યારની બંધ થઇ ગઈ છે અને ત્યાં નવી કાપડની દુકાન બિલકુલ નવા સ્વરૂપમાં ચાલે છે. પણ એ ઉદાસીનતા અને એ ગુનાઇત લાગણી હજી સતાવે છે !

મેં ૧૯૮૦માં પહેલી વાર એક સ્કૂટર લીધું હતું. પછી તે વેચી પણ નાખ્યું. તે પછી તો ૧૯૯૧માં પણ લીધું અને પછી વેચ્યું અને ૧૯૯૯માં BAJAJનું સ્કૂટર લીધું જે ૨૦૧૫માં ભંગારમાં આપ્યું ત્યાં સુધી વાપર્યું. આજે હું જયારે આ જ પ્રકારનું લાલ સ્કૂટર કોઈ જગ્યાએ પાર્ક થયેલું જોઉં છું ત્યારે મને એવી લાગણી થાય છે કે એક જુના મિત્રને જોઈ રહ્યો છું જેની સામેથી મેં મોં ફેરવી લીધું છે !

આપણે બધા જાણીયે છીએ કે નિર્જીવ વસ્તુમાં લાગણી હોતી નથી,પણ સાથે સાથે નિર્જીવ વસ્તુઓ માટે લાગણી હોવી તે કઈં નવું પણ નથી. ઘણા લોકો પોતાની જૂની વસ્તુઓને બીજાઓને અડવા પણ દેતા નથી. ભલે અતાર્કિક લાગે પણ આજે પણ એ બધી વસ્તુઓની યાદ આવે છે ત્યારે મન ઉદાસ થઇ જાય છે અને એવી લાગણી થાય છે કે જુના દિવસો પાછા આવે તો કેટલું સારું !

આપણે એ વસ્તુઓ સાથે માયા બંધાય છે જેની સાથે આપણે સ્મૃતિઓ સંકળાયેલી હોય અને લાંબા સમય સુધી તેની સાથે રહેવા અને વપરાશથી તેના પ્રત્યે પોતાપણાની લાગણી બંધાય છે. જયારે એ વસ્તુઓ કાળક્રમે આપણાથી દૂર થાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આપણે એક જુના મિત્રથી દૂર થઇ રહ્યા છીએ અને તે વસ્તુઓ આપણાથી દૂર થઇ ગઈ છે.

લાગણી એ લાગણી છે. એમાં તર્ક ન હોય અને તે સજીવ કે નિર્જીવ વસ્તુઓ વચ્ચે ભેદભાવ ના રાખી શકે.આ લાગણીઓથી જ સ્મૃતિઓ વૈવિધ્યપૂર્ણ તથા રંગીન બને છે. જો વિવિધ સ્મૃતિઓ ના હોય તો જિંદગીમાં જીવવા જેવું શું છે? ભલે તે સ્મૃતિઓ સજીવ વ્યક્તિઓ માટે હોય કે ખૂણામાં પડેલ રેકોર્ડ પ્લેયર માટે કે પાર્કિંગમાં પડેલ સ્કૂટર માટે હોય….

0-0-0-

શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

9 comments for “વિમાસણ : લાગણી અને તે પણ નિર્જીવ વસ્તુ માટે ?

 1. mahesh joshi
  August 29, 2017 at 12:48 pm

  yes, Samirbhai. I hope , we all have experienced such felling in our life for one or the other reason. Even in respect of any thing utilised by our dear and near especially when they are no more. Nice and touchy article.

  • samir dholakia
   August 29, 2017 at 2:22 pm

   Thanks,Maheshbhai !

 2. August 29, 2017 at 6:14 pm

  બે મહિના પહેલાં જ મુળાના પતિકા જેવા રૂપિયા ખર્ચીને ખરીદેલી સીડીઓ મંદિરમાં મુકી આવ્યા ! કેસેટો તો રિસાયક્લ બીનમાં પધરાવી દીધી.

  એક દા’ડો બૌ બૌ વ્હાલા આ દેહને પણ છોડીને જતા રેશું !
  नष्टं म्रुतं अतिक्रान्तं नानुशोचन्ति पण्डिताः ।

  Don’t worry, Be happy !

  • samir dholakia
   August 29, 2017 at 6:54 pm

   સુરેશભાઈ ,
   બિલકુલ સાચું પણ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય !
   પ્રતિભાવ બદલ ખુબ આભાર

   સમીર

  • August 30, 2017 at 11:00 am

   “બે મહિના પહેલાં જ મુળાના પતિકા જેવા રૂપિયા ખર્ચીને ખરીદેલી સીડીઓ મંદિરમાં મુકી આવ્યા !
   કેસેટો તો રિસાયક્લ બીનમાં પધરાવી દીધી.”
   આતો કાલાનુક્રમે કરવુંજ પડે ને ભાઈ સુ.જા.?! જોહુઈ ઘટના /જો હૈ/હુઆ સો સહી ! નહીં ?

   “…….. Be happy ! ” આ શક્ય છે ખરું? અગર ,જવાબ છે -“હા” તો, કેટલી હદે ?
   મનગમતી લાગણીઓ કોઈ ક્રિયેટ કરી શકે ? શું એ સ્વયંભૂ નથી ?
   આપણે “રીયેક્શન આપ્યા વિના રહી શકીએ છીએ ખરા?”

   “જો ચલા ગયા ઉસ ભૂલ જા”, કહેવું, સ્હેલ,”કરી શકવું” અતિ-મુશ્કેલ,દુર્ભર,અઘરું નહીં?

 3. P.K.Davda
  August 29, 2017 at 8:03 pm

  ૨૦૧૨ માં અમેરિકામાં કાયમી વસવાટ માટે આવતાં પહેલાં, ૪૦ વરસ દરમ્યાન વસાવેલું રાચરસિલું અને ઘરવખરી (આસરે ૧૦ થી ૧૫ લાખની) સગાં-સંબધી, દોસ્ત-બિરાદર, અડોસી-પડોસી, નોકર-ચાકર, ધોબી, છાપાંવાળો, કાછીયા, ફ્રૂટવેંડર, વોચમેન, ઝાડુવાડા વગેરેને હસતાં હસતાં વહેંચી આવ્યા. જે ભૂમિમાંથી બધું પેદા કરેલું એ ભૂમિને સોંપી આવ્યા. આજે પણ એનો આનંદ છે.

 4. September 1, 2017 at 3:31 pm

  very nice kaleidoscope of memories…we all have this–and your article reignited in me and many more–like old scooter and many other such electronic gadgets-which we parted–and also like freeze -washing machine and many more comes in memory…and sure leaving old place of childhood–still it comes in dream and old friends whose contact is lost for ever in-spite of present media..

 5. Kishor Thakr
  October 30, 2017 at 8:56 am

  સમીરભાઈને અભિનંદન આપવામાં ખૂબ મોડો પડ્યો છું. પરંતુ આનંદ એ વાતનો છે કે તેઓ ખાસ કરીને ગુજરાતીમાં લખી શકતા નથી એવો તેમનો પોતાનો જ ખ્યાલ જાતે જ ખોટો પાડ્યો છે. અહીં સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં દેશવાસના વિષે લખ્યું છે. નાનપણમાં તેમને ઝાડ પરથી પડવાથી વાગ્યું હતું જેની નિશાની તેમના પગ પર હતી . ભગવાન થયા પછીથી પણ જ્યારે તેઓ એ વાગ્યાની નિશાની જોતા ત્યારે તેમને વતન એ પીપળો તળાવ વગેરે યાદ આવતું. સંત હોવાથી આ બાબતને તેઓ વાસના કહેતા આપણે તેને એક લગાવ કહીએ છીએ.

 6. November 1, 2017 at 9:36 pm

  સર, લેખ ખૂબ જ સરસ બન્યો છે. ભાગ્યે જ કોઇ એવું હશે જેણે તમે લેખ માં વ્યક્ત કરેલ ભાવ ક્યારેય ના અનુભવ્યો હોય ! અને એટલે લગભગ દરેક જણ આ લેખમાં પોતાની લાગણી વ્યક્ત થઇ હોય એવું અનુભવશે . પહેલો જ લેખ કેટલો જોરદાર ! યે દિલ માંગે મોર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *