લ્યો,આ ચીંધી આંગળી :: શાંતારામની સામગ્રીવાળા…. (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

“પ્યારી…. પ્યારી…. પ્યારી…. પ્યારી….”

1943ની સાલ. મુંબઈનું સ્વસ્તિક સિનેમા. એક મિત્રે ‘સાવ બંડલ છે’ એમ કહ્યા છતાં રાજકોટથી આવેલો જયદેવલાલ ગોવર્ધનદાસ વાગડિયા નામનો બાવીસ વરસનો છોકરો વી. શાંતારામનું ‘શકુંતલા’ ચિત્રપટ જોવા ગયો. જો કે એ તો માંડી પણ વાળત, પણ થિયેટર પર શણગાર એટલા બધા કર્યા હતા કે ખુદ દુષ્યંત પસાર થતો હોય તો એ પણ બ્લેકની ટિકિટ લઈને ફિલ્મ જોવા થિયેટરમાં પેસી જાય. જયદેવને તો ‘અમર જ્યોતિ’ અને ‘અમૃત મંથન’ એમ બે જ ફિલ્મો જોવાના કારણે વી. શાંતારામ એટલા બધા પસંદ કે એણે પોતાનું નામ પણ વાગડિયાનો ‘વી’ અને જયદેવનો આખો કટકો ઉપાડીને વિ. જયદેવ એટલે કે વિજયદેવ કરી નાખ્યું. હવે જે છોકરાને શાંતારામ આટલા બધા જાં-જિગર હોય એ કંઈ એમની ફિલ્મ શરૂ થતાંવેંત બાંકડેથી ઊભો થઈ જાય ? બનવાજોગ તો નથી, છતાં બન્યું. જયશ્રી, જોહરાબાઈ, પરશુરામ અને સાથીઓના સ્વરમાં શરૂમાં મજનુદેશમના રાષ્ટ્રગીતના મુખડા જેવા “પ્યારી…. પ્યારી…. પ્યારી…. પ્યારી….” બોલ કાને પડતાં જ એને બકારી આવી. શું શાંતારામને આવા હલકા ચાલુ શબ્દોથી ફિલ્મનો પ્રારંભ કરવાનું સૂઝ્યું ? છી… વિજયદેવ ઊભો થઈ ગયો. બાજુમાં બેઠેલા ગંડેરી ખાતા માણસને ટાંટિયેથી હલાવીને બહાર જવાની પેરવી કરતો હતો ત્યાં જ ગીતના પૂરા શબ્દો કાને પડ્યા :

“પ્યારી… પ્યારી…. પ્યારી…. પ્યારી

યે સુખદ માતૃભૂમિ અપની

આર્યવર્ત હૈ સુનામ જીસકા

શોભા જગસે ન્યારી, પ્યારી….પ્યારી…..પ્યારી…..પ્યારી….”

(વિજયદેવની રગરગમાં વ્યાપેલી શાંતારામની ‘શકુંતલા’)

ગંડેરી-સ્વાદુએ જવાની જગ્યા કરી આપી હતી તોય વિજયદેવ પાછો બેસી ગયો. વિજયદેવે એ ગીત સાંગોપાંગ માણ્યું ને પૂરું સમજ્યા વગર જ શાંતારામને ભાંડવા બદલ પોતાની જાતને ભાંડી. પૂરી ફિલ્મ જોતાં સુધીમાં તો સાવ ઢાળિયો થઈ ગયો. શાંતારામ પર એટલો બધો આફરીન, કાંઈ આફરીન તે બે વર્ષમાં એણે આ ફિલ્મ બાવન વાર જોઈ. ફિલ્મના એકએક દૃશ્ય, એક એક ફ્રેમ, જયશ્રી અને ચંદ્રમોહનનાં વ્યક્તિત્વ, એમનાં અભિનય, સંવાદ, ઉચ્ચારણ, કણ્વ ઋષિના આશ્રમના તપસ્વીઓ, પર્ણકુટીઓ, ઋષિકન્યાઓ, એનાં ગીતો, નૃત્યો, દૃશ્ય પરીવર્તન ટેકનીક અદભૂત. છેલ્લે… ‘સુખરામ, સુખભરા, ભારત યહ પ્યારા હમારા’થી ફિલ્મનો અંત આવ્યો; ત્યાં સુધીની ફિલ્મની એકે એક ફ્રેમનો એટલો ઝીણવટથી અભ્યાસ કર્યો કે એનાં રૂંવેરૂંવે ‘શકુંતલા’ છવાઈ ગઈ. એની રગેરગમાં એ હકીકત વ્યાપી ગઈ કે કવિ કાલિદાસની અમર કૃતિને શાંતારામે પોતાના દિગ્દર્શનની કલા દ્વારા રૂપેરી પડદા દ્વારા જિવંત કરી છે. કેમેરા તો જે ઝીલવા માગે તે ઝીલી આપે, પણ એને વાપરનાર માણસ પ્રતિભાવંત કલાકાર હોય તો જ પડદા ઉપર કેમેરા વડે કાવ્યકૃતિને પ્રકાશિત કરી શકાય. વાહ, શાંતારામ એ એક આવી જ કોટિના કલાકાર હતા !

વિજયદેવ એટલે કે જયદેવ વાગડીયા નામનો એ છોકરડો પોતે લેખક તો નહોતો, છતાં રહેવાયું નહીં એટલે પોતાની આ બધી જ લાગણીને ઓળઘોળ અંગ્રેજીમાં પચ્ચીસ પાનાં ભરીને એક પત્રરૂપે ઠાલવી અને એ પત્ર શાંતારામને ટપાલમાં મોકલી આપ્યો. સાથે ટાંક મારીકે ‘ફિલ્મ દિગ્દર્શન જો આવી સંજીવની કલા હોય તો મારે એ કલા હસ્તગત કરવી છે. મારી ઉંમર બાવીસ વરસની છે. હું સૌરાષ્ટ્રનો છું. જેતપુરથી આવું છું. 1942ની ચળવળને કારણે રાજકોટની કોલેજનો અભ્યાસ અર્ધેથી જ ફગાવી દીધો છે. નોકરી માટે મુંબઈ આવ્યો છું અને છેલ્લાં બે વર્ષથી જેવી તેવી નોકરી ફૂટી ખાઉં છું. મારે તમારી હેઠળ ફિલ્મ ડાયરેકશન શીખવું છે. આપ મને એવી તક આપશો ?’

જવાબ : “ભાઈશ્રી, આપે પત્રમાં દર્શાવેલ ભાવોથી શાંતારામજી બહુ રાજી થયા છે. હાલ તમને કામ આપી શકાય એવી કોઈ તક નથી. હશે ત્યારે જરૂર જણાવીશું .લિ. સેક્રેટરી, રાજકમલ કલામંદિર.”

મતલબ કે પત્ર કારગર ન નીવડ્યો, પણ બીજી રીતે કામમાં આવ્યો. એ વખતે ‘મિરર’ નામનું અંગ્રેજી સામયિક ચાલતું હતું. વિજયદેવે પોતાનો એ પત્ર ‘મિરર’માં મોકલ્યો તો એ એક લેખ તરીકે છપાયો, વંચાયો, વખણાયો.

ક્યારેક, ક્યાંક કોઈએ પૂછ્યું હશે, ‘કોણ છે આ વિજયદેવ ? લાગે તો છે કોઈ નવો લેખક, પણ શાંતારામે શકુંતલાને જેટલી નહીં પચાવી હોય એટલી એણે પચાવી છે.”

જ્યારે વિજયદેવ કહેતા હતા, ‘મારે ક્યાં લેખક બનવું છે ? મારે તો ફિલ્મ-દિગ્દર્શક બનવું છે !’

***** *** ****

વિજયદેવના જન્મ પહેલાં બે મહિને જ રેવન્યુ પટેલ એવા પિતા ગોવર્ધનદાસ વાગડિયા સૌરાષ્ટ્રના ઉપલેટા પાસેના ઢાંક ગામે ગુજરી ગયા. વિજયદેવ વિધવા માતાની સાથે મોસાળમાં જુનાગઢ નજીક વંથળી ગામે અને પછી ફુઆ-ફોઈની સાથે રહીને બરાડના બેરડી ગામે ભણ્યા. પછી એક અલગ ઘટનાવશ પાછા રાજકોટ આવીને કોલેજમાં ભણતા હતા ત્યાં બેતાલીસની લડતના તામાં ને તામાં અભ્યાસ છોડી દીધો. પણ તકદીરમાં કોલેજનો ક્લાસ હજી એક વાર લખાયો હતો. રાજકોટનો છોડેલો ક્લાસરૂમ છેક મુંબઈમાં કોટે આવીને વળગ્યો. મામી કહેતી હતી ક્લાસમાં બેસ, પણ વિજયદેવે એમના સૌમ્ય સ્વભાવ વિરુદ્ધ જઈ, જરા અકળાઈને ના ભણી.

‘ના, હું ક્લાસમાં નહીં બેસું.’

મામા ચીમનલાલ પંડ્યા, કે જે હજી સવારે જ દેશમાંથી મુંબઈ આવ્યા હતા તે ભાણાની આ ગુસ્તાખી જોઈને ધગી જવાને બદલે હસી પડ્યા, ‘અરે…’ એ માંડ હસવાનું ખાળીને બોલ્યા, ‘તું જરી મારી વાત તો સાંભળ !’

‘શું સાંભળે ?’ વિજયદેવ મોં મચકોડીને બોલ્યો, ‘રાજકોટમાં કોલેજ છોડી તે શું અહીં મુંબઈમાં જોઈન કરવા ?’

‘તો તારી મરજી.’ મામા ગંભીર થઈ ગયા, ‘આ તો તું કહેતો હતો કે તને ફિલ્મલાઈનનો શોખ છે એટલે…’

‘આમાં ફિલ્મલાઈનની વાત ક્યાં આવી ?’ વિજયદેવ બોલ્યા, ‘એની વાત કરતા હો તો મારું તે કંઈ ભવન ફર્યું છે તે હું આડો ફાટું ?’

‘પણ ડફોળ, તો આ અહીં વાત શેની થાય છે ?’

‘પણ તમે તો કંઈ કોલેજના ક્લાસની વાત કરો છો ને !’

‘હા, પણ એ અસલી નહીં.’ મામા બોલ્યા, ‘ફિલ્મી…ફિલ્મી.’

પાછી ધીરેધીરે વાતનું પૂરું પડીકું ખોલ્યું. મામા જામનગરની દીપક ટોકીઝમાં મેનેજરપદે હતા, પણ ક્યારેક ક્યારેક મુંબઈ આવીને ફિલ્મીજગતમાં કોણી ઘોંકાવી જતા હતા. નાના મોટા છૂટાછવાયા રોલ મળે તો એ કરીને જે પાંચ પૈસા મળે તે માથે ચડાવીને પાછા જામનગર આવી જતા હતા. જામનગરની એ ટોકીઝમાં પોતાની ફિલ્મ લાગે ત્યારે ખુરશી પર પલોંઠી વાળીને પોતાનો સીન જોઈજોઈને રાજી થઈ જતા હતા. આ એમની મોટી તૃપ્તિ હતી. હવે જ્યારે એવી રીતે એક વાર મુંબઈ આવ્યા ત્યારે પોતાના ભેગી ભાણાની પણ સગવડ થશે એમ લાગ્યું; ત્યારે ડાયરેક્ટર નરી ઘડિયાળીને કહીને એનાય પાટિયાં ગોઠવ્યાં હતાં. નરી ઘડિયાળીએ કહ્યું હતું, ‘સારું,લાવજો તમારા ભાણાને. કોલેજના ક્લાસરૂમનો સીન છે. એમાં મારે અમસ્તીય થોડા છોકરાઓની જરૂર છે. જો કે, ગેરંટી નથી આપતો. એનામાં વેતા હશે તો લઇશ.’ મામાએ આ ખુશખબરની વાત ‘તારે કોલેજના એક ક્લાસરૂમમાં બેસવાનું છે’ એમ કહીને ભાણાને કરી; ત્યાં તો ભાણો ભડક્યો હતો. અલબત્ત પછી પૂરી ગડ પડતાં રાજી થયો. ચાલો, ડાયરેકશન નહીં તો કંઈ નહીં, ફિલ્મ-કિલ્લામાં જવા માટે બીજું છીંડું તો મળ્યું. ફિલ્મનું નામ શું ? મામા બોલ્યા, ‘નથી ખબર.પ્રોડકશન નંબર અમુક છે એટલું જાણું.’

પણ એમાં આ એકસ્ટ્રા જેવો રોલ કરવા માટેય દસની જગ્યાએ ચાલીસ વછેરા જેવા જુવાનિયાઓ ઊભા હતા. માટલા ઉપરની ટકોરા જેવી નજરથી નરી ઘડિયાળીએ એમાંથી દસેકને પસંદ કર્યા. એમાં આ વિજયદેવ નહીં જ. મન ખાટું થઈ ગયું. એક તરફ ઊભા રહીને શૂટિંગ જોવા માંડ્યા. પછી એકાએક મનમાં ચમકારો થયો. પાસ થયેલા બધા જ જુવાન નેકટાઈવાળા છે, હું તો ઉઘાડ-ગળો છું એટલે નાપાસ થયો હોઈશ ? તો તો ગજવામાં ટાઈ પડી છે એ કામની શી ?તરત જ બોલ્યો, ‘નરીસાહેબ, મારા ગજવામાં ટાઈ પડી છે. લગાવું ? તો સિલેક્ટ થઈશ ?’

ડાયરેક્ટરે ઘુરકિયું કર્યું, ‘તો ક્યારનો બોલતો કેમ નથી ?ચાલ, લગાવ જલદી.’

ટાઈ લગાવી. ચહેરો નમણો તો હતો જ. ઠીક લાગવા માંડ્યો. પણ આગલી પાટલીઓ ભરાઈ ગઈ હતી. કેમેરામાંથી તો પાછળ ઝીણું ટપકું લાગે એવી જગ્યા મળી. પણ શૂટિંગમાં રસ પડતો હતો.. ત્યાં વળી પહેલી પાટલીવાળો છોકરો રૂડોરૂપાળો છતાં ડાયલોગ બોલતી વખતે ડાફોરિયાં મારતો હતો, અનેક રિહર્સલ કરાવ્યાં તોય. ડાયરેક્ટરનો પિત્તો જવાની તૈયારીમાં, ત્યાં વિજયદેવે ટમકું મુક્યું, ‘નરીસાહેબ, હું બોલી બતાવું ?’

‘રાહ કોની જુએ છે ?’ ડાયરેક્ટર બરાડ્યા. એટલે વિજયદેવે મનોમન શાંતારામનું ડાયરેક્શન લીધું (ગુરુદ્રોણ-એકલવ્યવાળી રિમોટ-લર્નિંગ સિસ્ટમ) ડાયલોગ બોલી બતાવ્યો. અફલાતુન ! ડાયરેક્ટર બોલ્યા, ‘આવી જા, પહેલી પાટલી ઉપર.’ અને વિજયદેવ પહેલી પાટલીવાળા એકસ્ટ્રા બની ગયા.

આ લેખકે ઈન્‍ટરવ્યુ કર્યો ત્યારે સિત્તેર ઉપરની ઉંમરે વિજયદેવ એ ફિલ્મનું નામ યાદ નહોતા કરી શક્યા . પણ એ ફિલ્મનું નામ મેં વાચકો માટે શોધી કાઢ્યું છે. એ ફિલ્મનું નામ હતું ‘લહેરી બદમાશ.’ સંગીત અવિનાશ વ્યાસનું, બેન્જામિન, યુસુફ એફેન્દી અને હુશનઆરા ઈદન જેવા એ ફિલ્મના કલાકારો હતા. 1944માં એ ફિલ્મ રજુ થઈ હતી.

(હરમંદીરસીંઘ ‘હમરાઝ’ દ્વારા સંપાદિત ગીતકોશ ખંડ-2માં ‘લહેરી બદમાશ’ની વિગત. ક્રેડીટમાં પણ નામ જોવા ન મળે એટલી નાની ભૂમિકા)

શાંતારામ બનતા પહેલાં ‘લહેરી બદમાશ’ પણ બનવું પડે. સૌંદર્યો પામતાં પહેલાં કુરૂપને સમજવું પડે.

અલબત્ત, જિંદગીનું આ એમનું પહેલું અને છેલ્લું જ અભિનય સાહસ, પણ એ સાહસથી એટલું જરૂર થયું કે ના, ના…. દિગ્દર્શનનો દરવાજો દૂર નથી.

**** ***** ******

એ દિવસો હતા, જેમાં સંવાદનું ડબિંગ તો મહાપાતક ગણાય જ, પણ પ્લેબેક સિસ્ટમ પણ કલાનું છિનાળવું ગણાતી. અરે, કોઈકનું ગળું ને કોઈનો અભિનય ? આ તો રીતસર કલાહત્યા જ ગણાય. કરણ દીવાન ભલે “સાવનકે બાદલો, ઉનસે યે જા કહો” બાથરૂમમાં શરીરે ઝડપથી સાબુ ચોળતાં ચોળતાં ગાતો હોય એવા અવાજે ગાય, પણ ગાવું તો એણે જ પડે. રફી નામના છોકરાએ ગાવું હોય તો અભિનય કરવાની તૈયારી બતાવવી જ જોઈએ. બાકી આમ ગળા-હોઠનાં ઘરઘરણાં ના ચાલે. ટીકાની ઝડીઓ વરસે છાપાઓમાં.

એ વખતે વિજયદેવે ‘વેણી’ નામના ગુજરાતી સાપ્તાહિકમાં એક લેખ લખ્યો, ‘દિગ્દર્શકો જો માણસનાં આંખ,કાન નાક, હાથ-પગ બધું જ ઉછીનું લઈ શકે અને પડદા ઉપર અનેરું સૌંદર્ય ખડું કરી શકે, તો તેને પણ હું આવકારીશ.’

‘વેણી’ના તંત્રી બદરી કાચવાલા ખુશ થઈ ગયા અને પૂરા શણગાર કરીને આ લેખ છાપ્યો. પણ પછી વિજયદેવે ચાર-છ લેખ ફિલ્મ-દિગ્દર્શન વિષે લખ્યા એ ન છાપ્યા કે ન પરત મોકલ્યા. થનગનતા વિજયદેવ એક વાર તંત્રીને મળવા ‘વેણી’ની ઓફિસે ગયા, તો ત્યાં આવકારેય મળ્યો ને નવી ઓળખાણેય થઈ – ‘ફખ્ર’ માતરીની. એ વખતે માતરી ‘લક્ષ્મી પ્રોડક્શન’ના પબ્લિસિટી ઈન્ચાર્જ હતા. માતરીએ કહ્યું કે, ‘તમે પણ અંધેરી રહો છો ને હું પણ. ક્યારેક આવતા રહેજો. કંઈક કામ હશે તો બતાવીશ. બાકી સ્ટુડિયોમાં આવવું હોય તો આવજો. વાંધો નથી…’ જવાબમાં વિજયદેવ મૂછમાં મરક્યા ને બોલ્યા, ‘માણસની યોગ્યતા જ માણસને જે તે સ્થળે જવા લાયક બનાવે છે. નહીં કે માત્ર પગ. મારા પગને તો તમે સ્ટુડિયોમાં આવવા દેશો માતરીસાહેબ, પણ સ્ટુડિયોમાં તો હું યોગ્યતા મેળવ્યા પછી જ આવીશ.’ પછી મનમાં બોલ્યા હશે, ‘એમ તો નરી ઘડિયાળીએ બીજી ફિલ્મ માટે પણ મને કહેવડાવ્યું છે, પણ મને એકટિંગની ઈચ્છા નથી.’

(નરી ઘડિયાળીએ બીજી ફિલ્મ ‘લહેરી કેમેરામેન’ બનાવી હતી.)

બાકી ડાયરેક્શન ? એનો ક્યાંય ચાન્સ મળે ? કોને પૂછે ?

વિજયદેવને વહેલી સવારે ખુલ્લી હવામાં ફરવા જવાની ટેવ હતી. એક દિવસ સવારના છ વાગ્યે અંધેરી-ઈર્લા બ્રિજ પરથી ઘોડબંદર રોડ પર ટહેલવા નીકળ્યા હતા. સવારે સાડા આઠે ઘેર પાછા ફરતા હતા, ત્યારે લગભગ રોજરોજ સામે મળતા એક અત્યંત પ્રભાવશાળી સજ્જનને એક કુટિર જેવા બંગલામાં દાખલ થતા જોયા. સજ્જન શરીરે ધીંગા, ઝીણો સદરો અને ધોતિયાના પહેરવેશમાં, આંખે જાડા કાચનાં ચશ્માં, માથે વેપારી જેવી કાળી ટોપી. રોજેરોજ આ કાકા ધ્યાન ખેંચતા હતા, આજે તેમને પેલા બંગલામાં પેસતા જોયા. ક્યાં જતા હશે ? પછી વિચાર આવ્યો કે સદરો પહેરીને માણસ કોઈના ઘેર થોડો જ જાય ? પોતાનું જ ઘર હશે અને એમાં જ પેઠા હશે. ચાલ જરા જોઉં તો ખરો, એમ વિચારીને વિજયદેવ તેમની પાછળ અંતર રાખીને ચાલ્યા. પેલા જેવા અંદર ગયા કે તરત જ બંગલાની તક્તી પર નામ વાંચ્યું ને આભા જ થઈ ગયા.

કિસ્મત તેમને કોને આંગણે લઈ આવ્યું હતું ?

આ તો શેઠ નંદલાલ જશવંતલાલનો બંગલો ! ફિલ્મ ઉદ્યોગના મહારથી ! મશહૂર ફિલ્મ દિગ્દર્શક !

ત્યાં તો બંગલાના અંદરના બારણેથી અવાજ આવ્યો, ‘ત્યાં કેમ ઊભા છો ? આવો ને અંદર!’

આ પણ અણધાર્યું આમંત્રણ હતું. આ કોઈ બીજા નંદલાલ જશવંતલલ નામના વેપારી નહીં હોય ને! બાકી ફિલ્મ ડાયરેક્ટર તો કરડા, બરડ, ગ્લેમરવાળી અને ‘હમ ભી કુછ’ની હવાવાળા હોય. એ કંઈ ‘આવો’ કહે?

વિજયદેવ અંદર ગયા. નંદલાલે સોફા પર બેસાડ્યા. પછી કહ્યું, ‘રોજ ફરવા જતાં તમને જોઉં છું. આપણે અવારનવાર ભેગા થઈ જઈએ છીએ. આપણા જેવા સવારની ઊંઘ બગાડવાવાળા આ મુંબઈમાં બહુ ઓછા… બોલો, શું કરો છો ? ક્યાંથી આવો છો ?’

‘આવું છું તો સૌરાષ્ટ્રથી,’ વિજયદેવ બોલ્યા અને પછી શકુંતલા-ડે થી માંડીને આજ લગીની કથની કહી.

નંદલાલ જશવંતલાલે મરકીને કહ્યું, ‘એ વાત તો સમજ્યો, પણ મને તમારી અગાઉની કથામાં રસ છે. કોણ જાણે કેમ મને તમારી આંખોમાં એક જુદી જ ચમક દેખાય છે. વાત કરો.’

એક નાની કથા હતી. સૌના જીવનની કોઈ ને કોઈ કથા-વ્યથા તો હોય જ છે. ચોવીસ વરસના વિજયદેવની પોતાની જુદી તો કોઈ કથા નહોતી, પણ ફિલ્મની કથા બને એવી એક સત્ય કથાના એ નાનકડા ભાગીદાર હતા. અને એ કથા એમણે નંદલાલ જશવંતલાલને કહેવા માંડી.


(ક્રમશ:)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

6 comments for “લ્યો,આ ચીંધી આંગળી :: શાંતારામની સામગ્રીવાળા…. (૧)

 1. harnishjani52012
  August 28, 2017 at 4:04 am

  સાહેબ બહુ સરસ જમાવટ હવે પછીના ભાગની રાહ જોઈળુ ધન્યવા.દ

 2. Piyush
  August 28, 2017 at 10:36 am

  દરેક લેખમાં કશુંક ને કશુંક એવું જડી જાય છે કે જે બેજોડ હોય. આજે પ્લેબેક માટે કરેલો પ્રયોગ ‘ગળા અને હોઠનું ઘરગરણું’ બહુ જ ભાવી ગયો.

 3. Yogendra K.Jani.
  August 28, 2017 at 11:24 am

  khuba j rasprad, atyant sunder rite vijaydev nu vyaktitva alekhi aturta vadhari didhi.
  Dhanyavad.

 4. August 29, 2017 at 12:36 pm

  આનું નામ ‘લક્ષ્યવેધ’ ! ખરા બાણાવળી !

 5. navin trivedi
  August 29, 2017 at 6:25 pm

  What a researcher of science cannot do, has been done by you. We all wonder, how many days and hours you have spent for completing this article? Sir, you are true write keeping aside usual stories – navin trivedi

 6. August 30, 2017 at 10:57 pm

  Dear shri pandya sahib
  U are very cruel.I was in the. Midst of heavenly pleasure while reading yr article on vijay bhai. Buthe you abruptly. Stopped and asked yr readers for nextra instalament as a result iwas suddenly dropped dead cursing u.anyway excellent article .waking eagerly for the next.love u so much sir piyush patha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *