નૂતન ભારત: ઘડપણની ઉંમરે યુવાનીનો ઉત્સાહ

Facebooktwitterredditpinterestlinkedinmail

લેખક – હેન્રી શાસ્ત્રી

સંકલન અને રજૂઆત: સુરેશ જાની

image

 

નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ શું? આ સવાલ આજે ૬૦ વર્ષની આસપાસના ઘણાં લોકોને સતાવી રહ્યો છે. એ સવાલનો જવાબ નહીં મળવાને કારણે એ લોકો કોઈને કોઈ કામમાં જોતરાયેલા રહે છે. ભક્તકવિ નરસિંહ મહેતાના નગર તરીકે જાણીતા એવા જૂનાગઢ શહેર નજીકના એક ગામમાં વસતા ૯૫ વર્ષના વલ્લભભાઈ મારવણિયાને આ કે આવો કોઈ પ્રશ્ર્ન નથી સતાવતો. સાચું પૂછો તો તેમના જીવનમાં આવા કોઈ સવાલનું અસ્તિત્વ જ નથી. નિવૃત્તિ શું છે અને કોને કહેવાય એની એમને ખબર જ નથી. તેમના શબ્દકોશમાં નિવૃત્તિ નામનો શબ્દ જ નથી, પ્રવૃત્તિ નામનો શબ્દ છે. એટલે આજે ૯૫ વર્ષની ઉંમરે પણ કડેધડે છે અને અઠવાડિયામાં બે-ત્રણ વાર પોતાના ખેતરે આંટો મારવા જાય છે. એટલું જ નહીં પણ ત્યાં જઈને પોતાને સૂઝ પડે એવું નાનુંમોટું કામ કરીને પુત્ર અને પૌત્રને મદદરૂપ થઈને સંતોષનો ઓડકાર ખાય છે. આ વર્ષે માર્ચ મહિનામાં (ચોથી માર્ચે) તેમને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ગ્રાસરુટ્સ ઇનોવેશન અવૉર્ડ એનાયત થયો છે. વલ્લભભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે ન કેવળ પ્રેરણાદાયી છે, પણ ઝાઝા ભણતર વિના સમજદારીથી આગળ વધી એક ઊંચાઈ હાંસલ કરતા ગુજરાતીઓનું ગર્વ લઇ શકાય એવું એક વિશિષ્ટ ઉદાહરણ પણ છે. આવો ઓળખીએ ગાજરની ખેતીમાં નામ અનોખી સિદ્ધિ મેળવનાર આ અનોખા દાદાજીને.

ગામનું નામ ખામધ્રોળ. જૂનાગઢથી ફક્ત દોઢ કિલોમીટરનું અંતર. નરસિંહ મહેતા ઉપરાંત ગિરનાર માટે જાણીતા જૂનાગઢના આ નાનકડા ગામને વલ્લભભાઈના ગામ તરીકે પણ ઓળખવું જોઈએ એવી એમની સિદ્ધિઓ છે. આરોગ્ય સ્વસ્થ છે, પણ મોબાઈલમાં વાત કરવાની અને સામે માણહ ન હોય તો વાર્તાલાપ કરવાની ફાવટ ન હોવાથી તેમના પુત્ર અરવિંદભાઈ ‘મુંબઈ સમાચાર’ સાથે તેમના વતી વાત કરે છે. તેઓ વાતચીતનો છેડો છેક ૬૩ વર્ષ પાછળ લઇ જાય છે. ‘૧૫ વર્ષની ઉંમર સુધી બાપુજી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારણ નામના ગામે મોસાળમાં રહેતા હતા,’ અરવિંદ ભાઈ ઉત્સાહથી શરૂઆત કરે છે, ‘પાંચ ધોરણ પાસ કર્યા પછી તેઓ વેકેશનમાં ખામધ્રોળ આવ્યા ત્યારે મારા દાદા એટલે કે એમના બાપુજીએ એમને કહી દીધું કે બસ, હવે આગળ ભણવાની જરૂર નથી. ખેતીવાડીના કામે લાગી જા. આમ ૧૫ વર્ષની ઉંમરે જ બાપુજી પર મોટી જવાબદારી આવી ગઈ. વાત છે ૧૯૩૭ની. મારા દાદા અને એમના ભાઈઓ પાસે વિશાળ જમીન હતી. એમાં શાકભાજી વાવવાની સાથે સાથે ગાજર અને જુવારનો પણ પાક લેવાતો. એ સમયમાં મકાઈ, ગાજર અને જુવાર લોકો ન ખાતા. એ તો કેવળ જનાવરનું ખાણું કહેવાતું. આ સમજણ રૂઢ થઇ ગઈ હતી. બધાની જેમ કુમળી વયે બાપુજીએ પણ આ વાત માની લીધી. ૧૯૪૩માં ૨૧ વર્ષની ઉંમરે એમને એક વિચાર આવ્યો. તમને શહેરના લોકોને કદાચ ખબર નહીં હોય, પણ એ સમયે પશુધાન ગણાતા હોવા છતાં ખેડૂતો જુવાર અને ગાજર નિયમિત ખાતા. એમાંથી બાપુજીને વિચાર આવ્યો કે આ ગાજર તો સ્વાદિષ્ટ લાગે છે એનું વેચાણ લોકોને કરીએ તો? દાદા સમક્ષ રજૂઆત થઇ, પણ ‘તું તો મૂરખ છો. તારામાં અક્કલ જ નથી. આ તો ઢોરનું ધાન છે. માણહને વેચવા ન લઇ જવાય’ એમ કહીને ચૂપ કરી દીધા બાપુજીને.’ 

એ સમય વડીલોની આમન્યા રાખવાનો અને મર્યાદા જાળવવાનો હતો. એટલે વલ્લભભાઈએ તેમના બાપુજીનો વિરોધ તો ન કર્યો, પણ એક દિવસ તો ગાજર વેચવા લઇ જ જવા છે એવી મનમાં ગાંઠ વાળી લીધી. અને એક દિવસ હિમ્મત કરીને એ વિચાર અમલમાં મૂકી દીધો. કોઈને ખબર ન પડે એમ ૧૦ -૧૦ કિલોની બે પોટલી બનાવી અને શાકભાજીના પોટલામાં સંતાડીને લઇ ગયા બજારમાં. શાકભાજીના કેટલાક કાયમી ગ્રાહકોને એ ગાજર ચખાડ્યા અને એમને એ બહુ ભાવ્યા પણ. વાતનું અનુસંધાન જોડીને અરવિંદ ભાઈ ‘મુંબઈ સમાચાર’ને જણાવે છે કે ‘ગ્રાહકોએ રસ દેખાડ્યો એટલે ૧૦ કિલોના ચાર રૂપિયાના ભાવે વેચી દીધા. લોકોએ પણ રાજીખુશીથી એ રકમ ચૂકવીને ગાજર ખરીદ્યા. જરા વિચાર કરી જુઓ કે જે ગાજર પશુઓના આહાર તરીકે ચાર આને કિલો વેચતા હતા એના ચાર રૂપિયા ઉપજ્યા. ચાર આનાના ચાર રૂપિયા! બાપુજીના આનંદનો કોઈ પર નહોતો. ઘેરે આવીને બાપુના હાથમાં આઠ રૂપિયા મૂક્યા. આટલા બધા પૈસા એક સાથે જોઈને દાદાએ બાપુજીને સવાલ કર્યો કે ‘કેટલા સમયથી ભેગા કરેલા પૈસા તું મને આપી રહ્યો છે? કે કોના બાકી રહી ગયેલી રકમ તું લઇ આવ્યો છે?’ બાપુજી હસી પડ્યા અને બોલ્યા કે આ આઠેઆઠ રૂપિયા માત્ર ગાજરના ઉપજ્યા છે. હોય નહીં એમ કહેતા દાદાએ બાપુજીને બાથમાં લઈને છાતી સરસો ચાંપીને ખૂબ ધન્યવાદ આપ્યા અને દીકરાએે પરિવારનું નામ ઉજાળ્યું એવી પ્રતિક્રિયા આપી.’

અને ૨૧ વર્ષના યુવાન વલ્લભદાસને દોડવા માટે ઢાળ મળી ગયો. ૧૯૪૩થી તેમણે અલાયદી જમીનમાં રીતસરની ગાજરની ખેતી શરૂ કરી દીધી. ૧૦ વર્ષ સુધી એકલા હાથે ખેતી કરી. એમને ગાજરનો મબલક પાક લઈને ધૂમ કમાણી કરતા જોઈને ગામના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી. કેવળ પોતેે જ નહીં, અન્ય ખેડૂતો પણ ગાજરનો પાક લઈને એમાંથી બે પૈસા કમાય એવી વલ્લભભાઈની ઉદાત્ત ભાવના હતી અને આજે પણ છે. ખેતી વધી હોવાથી એક સમયે ગાજરનું બિયારણ ક્યાંથી લાવવું એની મુશ્કેલી ઊભી થઇ હતી. એમાંથી વલ્લભભાઇને બીજ તૈયાર કરવાની પ્રેરણા મળી. ગાજરનું સારું બીજ દરેક ખેડૂતને મળવું જોઈએ એ નિષ્ઠા સાથે ૧૯૮૫થી તેમણે એનું કામ પણ શરૂ કરી દીધું. સારી ગુણવત્તાવાળાં બીજ તૈયાર કર્યાં જેને કારણે ગાજરનો બહેતર પાક ઊતર્યો. પુત્ર અરવિંદભાઈ પણ નવમું ધોરણ પાસ કર્યા પછી બાપુજી સાથે ખેતીમાં જોડાઈ ગયા. જોકે, ૧૯૮૩માં તેમની સાથે એક દુર્ઘટના થઇ. એ વિશે અરવિંદ ભાઈ જણાવે છે કે ‘એક દિવસ હું અચાનક કૂવામાં પડી ગયો. મારું થાપાનું હાડકું ભાંગી ગયું. અમે પરિવારમાં બે ભાઈ અને પાંચ બહેનો. મોટા ભાઈ તો શિક્ષક હતા અને તેમને ખેતીમાં રસ નહોતો. મારા દાદા અને એમના ભાઈઓ છૂટા થયા ત્યારે અમારે ભાગે ૩૫ વીઘા જમીન આવી હતી જેમાંથી સંજોગવશાત ૨૫ વીઘા જમીન અમારે વેચી નાખવી પડી. બાકી રહેલી ૧૦ વીઘામાં ખેતી શરૂ કરી. ગાજર અને સાથે શાકભાજી પણ વાવતા. ગાજરની ખેતી ચાર જ મહિના થાય અને એટલે બાકીના સમયમાં બીજો પાક લઇ શકાય. બાપુજીએ સૂઝબૂઝ અને મહેનતથી પ્રયોગો કરીને અઢી ફૂટ સુધીના ગાજરનો પાક લીધો. જૂનાગઢની એક લૅબોરેટરીમાં ગાજરનું ઍનેલિસિસ કરાવ્યું અને એમાં અન્ય ખેતરોમાં પાકતા ગાજરની સરખામણીમાં અમારે ત્યાં પાકતા ગાજરમાં બીટા કેરોટિન નામનું ઉપયોગી ઘટકનું પ્રમાણ વધારે હોવાનું સાબિત થયું. અમે અત્યારે જે ગાજરની જાત વિકસાવીએ છીએ એના માટે રાષ્ટ્રપતિ તરફથી અવૉર્ડ અને એક લાખ રૂપિયાનો ચેક મળ્યો.’

સમગ્ર જમીનના વાવેતરમાં માત્ર અરવિંદભાઈ, તેમના પત્ની અને પુત્ર જ કામ કરે છે. કાયમી ધોરણે કોઈ માણસ નથી રાખ્યો. હા, ક્યારેક જરૂર પડે તો મદદ લઇ લેવાય છે. વલ્લભદાદા નાની મોટી મદદ તો કરતા જ રહે છે. જે જમીનમાં લોહી રેડીને પોતે મોટા થયા છે એ જમીનથી સાવ અલગ તેઓ નથી રહી શકતા અને ખેતરે આંટો મારવાથી પ્રફુલ્લિત રહી શકાય છે. સિવાય ગાજરની ખેતીમાં પ્રયોગો પણ કરતા રહે છે. ભણતર ન હોવા છતાં માત્ર આવડતના જોરે ગાજરની ખેતીમાંથી એના હલવા જેવું વળતર મેળવનાર વલ્લભભાઈ મારવણિયા આપણા ગુજરાતનું જ નહીં બલકે દેશનું ગૌરવ છે.

—————————–
નવાબના ૪૨ રૂપિયા બાકી

યુવાન વલ્લભના ગાજરની લોકપ્રિયતા ૧૯૪૩માં એ સમયના જૂનાગઢના નવાબના કાને જઈ પહોંચી. તેઓ પણ ગાજર મગાવતા. રકમ મોટી થાય એટલે એક સાથે પૈસા ચૂકવી દેતા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો. ભારતના ભાગલા પડ્યા અને નવાબ રાતોરાત જૂનાગઢ છોડીને પાકિસ્તાન નાસી ગયા. એ દિવસ યાદ કરીને મલકાતા મલકાતા વલ્લભદાદા જણાવે છે ‘મારે નવાબ પાસેથી ૪૨ રૂપિયા લેવાના નીકળે છે.’


મૂળ સ્રોત –

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=359098


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

1 comment for “નૂતન ભારત: ઘડપણની ઉંમરે યુવાનીનો ઉત્સાહ

  1. August 27, 2017 at 11:25 pm

    ગાજરની ખેતીમાંથી એના હલવા જેવું વળતર મેળવનાર વાલ્લ્સભ વલ્લભભાઈ મારવણિયા આપણા ગુજરાતનું જ નહીં બલકે દેશનું ગૌરવ છે.

    સાચી વાત છે. વલ્લભ દાદા બીજા આળસુ ખેડૂતો માટે પ્રેરણા રૂપ છે. ખેતી માટે એમ કહેવાય છે કે જો કરતાં આવડે તો ખેતી નહિતર ફજેતી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *