કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

આખો રૂમ ગંધાતો હતો અને ધનુબા ફોનવાળા ટેબલ પાસે ડરના માર્યાં ધ્રુજતાં ઊભાં હતાં. એક સેકંડ માટે તો મનુભાઈ નાકે હાથ દબાવી પાછે પગલે શૉપમાં આવી ગયા. રાજુ કોઈ ગ્રાહકો સાથે વાત કરતો હતો. તેણે પણ મનુભાઈની રાડ સાંભળી અને ત્યાં જાય તે પહેલાં તો મનુભાઈને પાછલા પગલે શૉપમાં આવતા જોયા એટલે ટીલ (કાઉંટર) છોડી દોડ્યો.

‘ માય ગોડ, ડોસી ત્યાં બેઠા છે તે તો હું ભૂલી જ ગયો હતો !’ બેબાકળા મનુભાઈની વાત સાંભળી રાજુએ શું થયું તે પૂછ્યું.

મનુભાઈનાે તામસી સ્વભાવ અને તેમાં ય આજે થઈ ગયેલી ઘટના પછી ટૉયલેટ ક્યાં છે તે પૂછવાની હિંમત ભેગી કરતાં કરતાં બિચારા ધનુબાથી સાડલામાં જ પેશાબ-ઝાડો થઈ ગયા !

‘ હવે ?’

મનુભાઈ માથે હાથ દઈને ત્યાં નીચે જ બેસી પડ્યા. નજીક આવેલા રાજુને મનુભાઈએ અંદરના રૂમમાં શું થયું તે એકદમ ટૂંકમાં કહ્યું. ટીલ પાસે બે – ત્રણ ગ્રાહકો પણ શું થયું તેનો અચંબો વ્યક્ત કરતા ઊભા હતા. રાજુ મનુભાઈને પડતા મૂકી ટીલ પાસે ગયો અને ગ્રાહાકોનાં કામ જલ્દી જલ્દી પતાવ્યાં. રાજુ બાજુની જ સ્ટ્રીટમાં જ રહેતો હોવાથી તેની પત્ની મીનાને ફોન કરી જલ્દી શૉપ પર આવવા કહ્યું.

મનુભાઈ સાચે જ જિંદગીમાં કદી પણ આટલા મુંઝાયા નહોતા. તેમણે તો તેમના પોતાનાં બાળકોનાં નૅપી –  ડાયપર પણ કોઈ દિવસ બદલાવ્યા નહોતાં,  તો પછી ધનુબાને સાફ કરવાની વાત જ ક્યાં આવી? એટલામાં મીના આવી અને રાજુ પાસેથી પરિસ્થિતિ જાણી. તરત જ સ્ત્રી સહજ સૂઝથી તે અંદરની રૂમમાં ગઈ. ધનુબાને થયું, ‘આ વળી કોણ આવ્યું?’

મીનાએ ‘કેમ છો બા?’ પૂછી, શ્વાસ રોકી, પોતાની ઓળખાણ આપી, ‘ મારું નામ મીના અને હું મનુભાઈના ફ્રેંડ રાજુની વાઈફ છું. તમે જરાય ગભરાતા નહીં ‘. માંડ માંડ શ્વાસ લેતાં મીનાએ નજીક પડેલું ન્યુઝપેપર પાથરી પહેલાં તો ધનુબાને છાપાં પર ઊભા રાખ્યાં. નાક ફાટી જાય તેવી વાસ આવતી હતી તોય એક carerની હેસિયતથી તેણે ટૉયલેટ રોલ લીધો અને નીચેના કપડાં કાઢવામાં મદદ કરતી વખતે તેને ખ્યાલ આવ્યો કે બા પાસે બીજી જોડ કપડાં અહીં દુકાનમાં ક્યાંથી હોય ?

આમે ય થોડો શ્વાસ લેવા રૂમમાંથી બહાર નીકળ્યા વગર મીનાને છૂટકો નહોતો, તેથી માજીને ત્યાં જ ઊભા રાખી એક જોડ કપડાં પોતાના ઘરેથી લાવવાનું રાજુને કહેવા માટે રૂમની બહાર નીકળી ગઈ. શૉપમાં આવી રાજુને તેના ઘરેથી તેનો ચણિયો, સાડી, ટુવાલ અને પાણીને ડોલ લઈ આવવાનું કહ્યું. મનુભાઈ ટીલ ઉપર ઊભા રહ્યા અને રાજુ ઘેર ગયો. મનુભાઈ માટે જિંદગીમાં કોઈ પરાઈ સ્ત્રી સામે લાચારીથી  ‘ થેંક્યુ ‘ કહેવાનો આ પહેલો પ્રસંગ હતો. તેમાં પાછો બા તરફનો ગુસ્સો કેવી રીતે કંટ્રોલ કરવો તે સમજ ન પડી તેથી તેના મોઢેથી, ‘ સૉરી, મીના, આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ? ડોસીમાએ અમને આજે ખૂબ પજવ્યા છે,’ જેવા શબ્દો માંડ નીકળ્યા.

‘ હોય એ તો, ઘડપણ છે. હું કેરરનું કામ કરું છું તેથી આ કામ તો મારે રોજે કરવું પડે છે. ચાલો ને, એ બહાને વૃધ્ધોની સેવા થાય , બીજું શું !’

એટલામાં રાજુ મીનાએ મંગાવેલી બધી વસ્તુઓ લઈને આવી ગયો. કપડાંની બૅગ, ડોલ અને એક ઊંડો શ્વાસ લઈને મીના ફરી પેલી દુકાનની પાછળની રૂમમાં ગઈ.

મીનાને જોઈ ધનુબા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. મીના તેમને સાંત્વન આપતી ગઈ અને સાફ કરતી ગઈ ; થોડી વારમાં તેણે રૂમ સાફ કરી નાખ્યો અને ધનુબાને ખાટલા પર સુવડાવ્યાં. રૂમની બહાર પાછળના ગાર્ડનમાં પડતુ બારણું તેણે ખોલી નાંખ્યુ અને શૉપમાંથી એર-ફ્રેશનર લાવી, છાંટીને રૂમને થોડો શ્વાસ લઈ શકાય તેવો બનાવ્યો. આજનો દિવસ કેટલો કિસરાણી (સ્વાહિલી શબ્દ : અર્થ – “ખરાબ”) ઊગ્યો છે તે વાત મનુભાઈ રાજુને કહેતા હતા ત્યાં મીના બહાર દુકાનમાં આવી. 

રાજુએ મીનાને કહ્યું કે તે ઘેર જાય અને થોડીવારે તે પણ ઘેર પહોંચશે.

રાતના દસ થવા આવ્યા હતા. રાજુએ મનુભાઈને ટીલનું કામ પતાવવાનું કહી તેમની કારની ચાવી લઈ કારને શૉપ પાસે લઈ આવવા નીકળી ગયો.

વંટોળિયાની ક્ષમતા ધરાવતો મોટ્….ટો નિઃસાસો નાંખી મનુભાઈએ ટીલનું કામ પૂરું કર્યું.

રાજુએ ધનુબાને હાથ પકડીને કારમાં બેસાડ્યા. મનુભાઈ દુકાનમાં એલાર્મ સેટ કરી, બારણું બંધ કરી કારમાં બેઠા.

આખે રસ્તે ધનુબાએ ડરના માર્યા ફફડ્યા કર્યંુ. મનુભાઈના સ્વભાવ વિરૂધ્ધ મનુભાઈ કારમાં ખાસ કાંઈ બોલ્યા નહી. ઘરે આવ્યા એટલે ‘ હું નહાવા જાઉં છું અને મને ભૂખ નથી , તું જમી લે જે ‘ કહી ધનુબા ધીમે ધીમે દાદર ચઢી ઉપર તેમની રૂમમાં જતાં રહ્યા.

મનુભાઈનો પણ જમવાનો મૂડ ઑફ થઈ ગયો હતો.

રાતપાળીનું કામ કરવા ગયેલાં સરલાબહેન રાત્રે દુકાનમાં બનેલા બનાવથી સાવ અજાણ હતાં. સવારે સાડા છ વાગે શિફ્ટ પતાવી રોજની જેમ નાના બોક્સ રૂમમાં જઈને સૂઈ ગયા. માંડ હજુ આંખ મળી જ હશે ત્યાં ઓચિંતા મનુભાઈનો મોટેથી બોલવાનો અવાજ સાંભળી જાગી ગયાં. થોડીવાર માટે તો સ્વપ્નમાં છે કે જાગતા તે પણ સરલાબહેન નક્કી ન કરી શક્યાં. પછી સાચે જ નીચેથી મનુભાઈનો મોટેથી કોઈની સાથે ઝગડતા હોય તેવો ઘાંટો સાંભળી, ગાઉન ચઢાવી નીચે ગયા. મનુભાઈ ફોન ઉપર લતાબેન સાથે આગલે દિવસે જે થયું તેમાં લતાબેનનો જ દોષ હતો અને હવે પછી આ રીતે તેમના ઘરમાં માથું ન મારવાનું કહેતા હતા.

આખરે, સાંજે બાની સંભાળ રાખવાની ગોઠવણ વિષે વાત કરવા માટે લતાબહેનને ઘરે આવવા કહ્યું. સરલાબહેન પ્રશ્નાર્થભરી નજરે મનુભાઈ સામે જોઈ રહ્યા. બાનો વાંક હોય તોપણ હમેશાં બાનું ઉપરાણું લઈને સરલાબહેનને ખખડાવી નાખતા મનુભાઈને વાત કહેતા સંકોચ થતો હોય તેમ ટૂંકમાં જ ગઈકાલે જે બનાવ બન્યો તે સરલાબહેનને કહ્યો. સંાભળીને ચિંતાથી સરલાબહેન બોલ્યા, ‘ મને ફોન કરવો હતો ને! તો પછી સાફ સફાઈ કોણે કરી ?’

‘ ગામના છેવાડે તારી ફેક્ટરી આવી છે ત્યાંથી તું કઈ રીતે આવવાની હતી ? એ તો સારું થયું કે રાજુએ એની વાઈફ મીનાને બોલાવી. તેણે જ બધું કર્યું.’

સરલાબહેનથી હવે કહ્યા વગર ન રહેવાયું : ‘ વચ્ચેય એક દિવસ ખાટલો બગાડ્યો હતો.’

‘ મને કેમ કહ્યું નહી ?’

સરલાબહેન ચૂપ રહ્યાં, તેમને ખબર છે કે જો તે વખતે તેમણે મનુભાઈને કહ્યું હોત તો શું શું સાંભળવું પડત ! આ તો તેમને પોતાને જ અનુભવ થયો એટલે. બાકી…..

થોડી વારે શૉપ પર જવા માટે નીકળતાં પહેલાં મનુભાઈ સ્વગત બોલ્યા, ‘ એટલે જ તો હું સાંજે બાને હલકું અને ઓછું ખાવાનું કહું છું.’ 

સરલાબહેનને આગલે દિવસે લતાબહેને જે કહ્યું હતું તે યાદ આવી ગયું ; પરંતુ કશું બોલ્યા નહીં.

ઝેર જેવા કડવા ઘૂંટડા ગળી ગળી અને તેને ન તો પેટમાં કે ન તો મનમાં ઊતરવા દેવાનું કેટલું વસમું છે તે એક શંકર ભગવાનને ખબર અને બીજી સરલાબહેનને! સૂવા માટે તેઓ ઉપર જવા ફર્યા અને મનુભાઈ શૉપ પર જવા માટે. કોટ પહેરતાં ‘ બાને હોમમાં રાખવા કે નહીં તેની વાત કરવા સાંજે લતાને બોલાવી છે ‘ કહી મનુભાઈ દુકાને જવા નીકળી ગયા. તેમણે દાદર પર પગ મૂક્યો અને બાને ઉપરને પગથિયે બેસીને ચુપચાપ રડતાં જોયા. આખી જીંદગી બાએ તેમને રડાવ્યાં છે તે ભૂલી સરલાબહેન બાને આશ્વાસન આપવા તેમના પડખે બેસી ગયા.

‘ કાંઈ નહી, બા. આવું ન થાય એટલે જ મનુ તમને સાંજે હળવો ખોરાક લેવાનું કહે છે બા.’ કહી સરલાબહેન બાને વાંસે હાથ ફેરવતા રહ્યા.

‘ એ તો મને ….. ખબર નહોતી કે શૉપમાં ટોયલેટ ક્યાં છે અને મનુને પૂછવા જવાની બીક લાગતી હતી….એટલે….’

‘ કંઈ નહી, જે થઈ ગયું તે થઈ ગયું ‘ કહી સરલાબહેન સૂવા ગયા.

જતાં જતાં બા સ્વગત બબડતા હતા તે સાંભળ્યું, ‘ હવે તમે લોકો જે કહેશો તે કરીશ પણ મને ઘરડાઘરમાં મહેરબાની કરીને નહીં મોકલતા !’

સરલાબહેને પાછળ જોવાનું કે જવાબ આપવાનું ટાળ્યું. તેમને ખબર હતી કે તેમનું કહેલું કોઈ સાંભળવાનું નથી, તેથી ‘ખોટું આશ્વાસન આપવાનો શો અર્થ ?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *