





નિરંજન મહેતા
૧૯૬૦-૮૦નાં ગાળામાં ફિલ્મીગીતોમાં વપરાતા વાહનોમાં એક છે હોડી. હોડીમાં ગવાતા ગીતો પણ એટલા જ સુંદર અને કર્ણપ્રિય બન્યા છે જેમાંથી થોડાકનો આસ્વાદ આ લેખ દ્વારા લઈશું.
૧૯૬૪મા આવેલ ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું આ ગીત તો સદાબહાર બની રહ્યું છે.
ये चाँद सा रोशन चहेरा जुल्फों का रंग सुनहरा
ये जील सी नीली आँखे कोई राज़ है उनका गहेरा
કશ્મીરની સુંદરી શર્મિલા ટાગોરને જોઇને શમ્મીકપૂર હોડીમાં પોતાના નખરા સાથે આ ગીત ગાય છે ત્યારે તે એક નટખટ ગીત બની જાય છે. આ ગીત માટે જાણવા મળ્યું છે કે તેમાં આવતા શબ્દો तारीफ़ करूँ क्या उसकी…..જેટલી વાર આવે છે ત્યારે દરેક વખતે શમ્મીકપૂર તેને માટે અલગ અંદાજમાં ચેનચાળા કરે છે.
ગીતકાર એસ. એચ. બિહારીના શબ્દોને સ્વરાંકન કર્યા છે ઓ.પી. નય્યરે અને કંઠ છે રફીસાહેબનો.
૧૯૭૦મા આવેલી ફિલ્મ ‘ખામોશી’નું ગીત છે:
वो शाम कुछ अजीब है, ये शाम भी अजीब है
वो कल भी पास पास थी, आज भी करीब है
એક દર્દભર્યું આ ગીત સાંભળતા જ આપણા મનમાં પણ ખામોશી છવાઈ જાય તેવા શબ્દોના રચનાકાર છે ગુલઝાર, જેને સ્વરબદ્ધ કર્યા છે હેમંતકુમારે અને ગાયું છે કિશોરકુમારે. કલાકાર રાજેશ ખન્ના.
૧૯૭૦ની અન્ય ફિલ્મ ‘સફર’નું આ હોડી ગીત જીવનની ફિલસુફીને ઉજાગર કરે છે. આ ગીત પશ્ચાદભૂમિમાં દેખાડયું છે જેના મૂક સાક્ષી છે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર.
ओ ओ हो नदिया चले चले रे धारा
चाँद चले चले रे तारा तुज़ को चलना होगा
ગીતકાર ઇન્દીવરનાં શબ્દો છે અને સંગીત છે કલ્યાણજી આનંદજીનું. સ્વર મન્ના ડેનો.
ફરી એકવાર રાજેશ ખન્ના પર ફીલ્માયેલું ગીત છે ૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નું.
जिस गली में तेरा घर ना हो बालमा
उस गली से हमें तो गुज़रना नहीं
પોતાના પ્રેમભાવને વ્યક્ત કરતુ આ ગીત ગાયું છે મુકેશે. જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આર.ડી.બર્મનનું.
ચાંદની રાતમાં હોડીની સફર અને એવા રોમાંચક વાતાવરણમાં પ્રેમી પોતાની લાગણી જે શબ્દોમાં વ્યક્ત કરે છે તે છે ૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’નું:
चलो दिलदार चलो चाँद के पास चलो
हम है तैयार चलो हम है तैयार चलो
આ ગીતના રચયિતા છે કૈફ ભોપાલી. સંગીત છે ગુલામ મહમ્મદનું અને સ્વર છે લતાજીનો અને રફીસાહેબનો. કલાકારો રાજકુમાર અને મીનાકુમારી. કલ્પનાસભર શબ્દો અને સુમધુર સંગીતને કારણે આજે પણ તે કર્ણપ્રિય બની રહ્યું છે.
૧૯૭૨ની અન્ય ફિલ્મ છે ‘અમર પ્રેમ’ જેનું આ ગીત પણ ફિલસૂફીભર્યું છે:
चिंगारी कोई भड़के तो सावन उसे बुजाये
सावन जो अगन लगाए उसे कोन बुजाये
હોડીમાં સફર કરતાં કરતાં રાજેશ ખન્ના શર્મિલા ટાગોરને ઉદ્દેશીને આ ગીત ગાય છે. ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર.ડી.બર્મનનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ખુશ્બુ’નું આ ગીત ખુલ્લી હોડીમાં જીતેન્દ્ર પર ફિલ્માવાયું છે.
ओ माझी रे, ओ माझी रे
अपना किनारा नदिया की धारा है
નદીના પ્રવાહ સાથે સરકતી હોડીમાં ગવાતું આ ગીત આજુબાજુના સંધ્યાના ખુબસુરત વાતાવરણને કારણે જોવું અને સાંભળવું એમ બંને રીતે ગમે તે સ્વાભાવિક છે.
ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર.ડી.બર્મન અને કંઠ કિશોરકુમારનો.
આજ વર્ષની અન્ય ફિલ્મ ‘અમાનુષ’નું આ દર્દભર્યું ગીત નાસીપાસ પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.
दिल ऐसा किसीने मेरा तोड़ा
बर्बादी की तरफ ऐसा मोड़ा
एक भले मानुस को
अमानुष बना के छोड़ा
જેને કારણે તે નાસીપાસ થયો છે તે પ્રેમિકા (શર્મિલા ટાગોર) તે જ હોડીમાં હાજર છે તેની ઉત્તમકુમારને જાણ નથી હોતી અને પોતાના ભાવો ખુલ્લા દિલે વ્યક્ત કરે છે. ઉત્તમકુમાર માટે રચાયેલ આ ગીતને ગાયું છે કિશોરકુમારે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે શ્યામલ મિત્રનું.
તે પછી યાદ આવે છે ૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ રોમાંચક ગીત:
दो लफ्जों की है ये दिल की कहानी
या है मुहब्बत
या है जवानी
વેનીસની ગલીઓમાં હોડીઓ જ આવનજાવનનું એક માત્ર સાધન છે. આવી એક સફરમાં ગીતની શરૂઆતમાં હોડી ચલાવનાર સ્પેનિશ ભાષામાં એક ગીત છેડે છે જેનો અર્થ શું તે જાણવા તેમાં બેઠેલા અમિતાભ બચ્ચન ઝીનત અમાનને પૂછે છે. ઝીનત અમાન તેના ભાવાર્થ સાથે આ ગીત સંભળાવે છે.
આનંદ બક્ષીના ગીતને સ્વરબદ્ધ કર્યા છે આર. ડી. બર્મને. સ્પેનિશ શબ્દો શરદકુમારે ગાયા છે સાથે સાથે અમિતાભ બચ્ચનનો અવાજ પણ સામેલ છે. ઝીનત અમાન માટે સ્વર છે આશા ભોસલેનો.
એવા કેટલાક ગીતો પણ છે જે હોડીમાં બેસીને ગાતા હોય પણ પૂરેપૂરું ન પણ હોય. ફિલ્મ ‘મિલન’ (૧૯૬૭)નું આવું એક ગીત છે
तो हे साँवरिया नाही खबरिया
तुमरे कारण अपने देश में बलम
हम हो गए परदेशी
સુનિલ દત્ત માટે ગવાતા જમુના પર ફીલ્માયેલ આ ગીતના રચનાકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર લતાજીનો.
આવા બીજા કેટલાક ગીતો પણ હશે જે પૂરા હોડીમાં બેસીને નહિ ગવાયા હોય. એ બધાની નોંધ અહી લીધી નથી.
તે જ રીતે સરતચૂક થઇ હોય અને કોઈ ગીત રહી ગયું હોય તો તે તરફ રસિકો ધ્યાન ખેંચે તેવી વિનંતી.
સંપર્ક સૂત્રો :-
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta < nirumehta2105@gmail.com>
બંદિની નું છેલ્લું ગીત રહી ગયું , ભાઈ ભલે સ્ટીમર હતી, પણ પાણીમાં હતી.
મારા ધ્યાનમાં હતું જ પણ તમે કહ્યું તેમ તે સ્ટીમર હતી એટલે તેનો ઉલ્લેખ નહોતો કર્યો.