અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૧ ::

Facebooktwitterredditpinterestlinkedinmail

“કિશોર કુમારનાં પોતાનાં સંગીતમાં રચાયેલાં ગીતોની શ્રેણી ‘અય મેરે દિલ સુના કોઈ કહાની’ આપણે શરૂ કરી હતી. તેનો પહેલો અંક એપ્રિલ, ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો. વેબ ગુર્જરીની મૂળ સાઈટ તકનીકી સમસ્યાને કારણે હાલ ઉપલ્બ્ધ નથી, તેથી આ શ્રેણીના હવે પછીના લેખો સાથે સાતત્ય જળવાઈ રહે તે માટે પહેલો અંક આજે ફરીથી પ્રકાશિત કર્યો છે.
                                                                                                                                                                                          -સંપાદકો”

મૌલિકા દેરાસરી

 

તેઓ હતા ૧૯૪૬થી શરૂ કરીને ૧૯૮૭ સુધીના સંગીતમય સફરી.

જેવા ધૂની, તરંગી, જીદ્દી એવા જ સાલસ અને સાફ-હૃદયી ગાયક, અભિનેતા, સંગીતકાર, ગીતકાર, નિર્દેશક અને પટકથા લેખક, સિનેમા જગતના આ સર્વકુશળ વ્યક્તિ અને ‘અવાજ ઊંચેરા માનવી’ અર્થાત કિશોરકુમાર.

તેઓને યાદ કરીએ ત્યારે મનમાં ઘણાં બધા ગીત તો એક સાથે ઝગમગ ઝગમગ કરતા નિકળે અને એ જ ક્ષણે એમનો મનમૌજી ચહેરો પણ આંખ સામે આવ્યા વિના રહે નહીં.

ગમતા ગીતો, ગમતો અવાજ અને ગમતું સંગીત માત્ર સાંભળવા માટે જ નથી હોતા. જિંદગીની ઘણા બધા પ્રસંગોમાં ચડતી, પડતી, સુખ, દુઃખ, આનંદ, વેદનામાં એ આપણી અંદર ગૂંજતાં રહે છે.

આવા જ ગીત, સંગીત અને સ્વરની સફરમાં ‘આયે તુમ યાદ મુઝે’ શ્રેણીમાં કિશોરકુમાર અને સચિનદેવ બર્મનની જોડીએ રચેલા ખુબસુરત ગીતો આપણે માણ્યા. હવે ‘અય મેરે દિલ સુના કોઈ કહાની’માં કરીશું સફર એવાં ગીતોની, જે કિશોરકુમારની જ ફિલ્મના છે. ઉપરાંત સ્વર અને સંગીત પણ તેમણે આપ્યું છે.

તેમના નિર્માણમાં કુલ ચૌદ ફિલ્મો બની હતી, જેમાંની છ ફિલ્મ અધૂરી રહી. પોતે નિર્મિત કરેલી ફિલ્મોમાં સંગીત પણ તેમણે જ આપ્યું,

આ ફિલ્મો એટલે ઝુમરૂ (૧૯૬૧), દૂર ગગન કી છાંવ મેં (૧૯૬૪), હમ દો ડાકુ (૧૯૬૭), દૂર કા રાહી (૧૯૭૧), ઝમીન આસમાન (૧૯૭૨), બઢતી કા નામ દાઢી (૧૯૭૪), શાબાશ ડેડી (૧૯૭૯), ચલતી કા નામ ઝિંદગી(૧૯૮૧), દૂર વાદિયોં મેં કહીં (૧૯૮૨) અને મમતા કી છાંવ મેં (૧૯૯૦).

૧૯૬૧માં આવેલી ફિલ્મ ‘ઝુમરૂ’, એક હૃદયસ્પર્શી પ્રેમ કથા હતી. કિશોરદાએ નિર્માણ કરેલી આ પ્રથમ ફિલ્મ; જેમાં અભિનેતા, લેખક, ગાયક અને સંગીતકાર પણ તેઓ ખુદ હતા.

ફિલ્મનું ફક્કડ ટાઈટલ સોંગ ‘મેં હું ઝુમ ઝુમ ઝુમ ઝુમ ઝુમરુ’- એક એવું ગીત છે, જે માત્ર અને માત્ર કિશોરકુમાર જ ગાઈ શકે. એમનું એ અજોડ ‘યોડલિંગ’ અને શબ્દે શબ્દે ટપકતી મસ્તી – ગાતાં ગાતાં મન મસ્ત ન બને તો જ નવાઈ!

એક તરફ અવાજની આ મસ્તી અનુભવ્યા પછી બીજા છેડે એ જ અવાજમાંથી ટપકતું દર્દ સાંભળવું એ પણ એક લ્હાવો બની જાય છે. કિશોરદાનો અવાજ ફક્ત મસ્તીનો જ માલિક ન હતો, વેદનાને અવાજમાં ઘૂંટીને કઈ રીતે વહાવી શકાય એ સાંભળવા માટે તેઓના ઉદાસીભર્યા ગીતો સાંભળવા જ રહ્યા.

ઘેરી વળેલી ઉદાસીથી ભર્યા ભર્યા મિજાજને બહેલાવતું ગીત-

હમ કિસી કે ન રહે, કોઈ હમારા ન રહા…
કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા.

ઊગતી રાત અને કોઈ નદીના પ્રવાહ સંગ વહેતા સંગીતની સંગત હોય ત્યારે હળવેકથી સૂર છેડાય . કોઈ ચાંદની રાતે દિલ પાસેથી દાસ્તાન-એ જિંદગી સાંભળવાનું મન કરે ત્યારે ગાઈ ઉઠાય –

ઠંડી હવા યે ચાંદની સુહાની.. અય મેરે દિલ સુના કોઈ કહાની,
લંબી સી એક ડગર હૈ ઝિંદગાની.. અય મેરે દિલ સુના કોઈ કહાની..

ગિરતે જન કો ઉઠા ઉઠા કે, હર રોતે કો હંસા હંસા કે

ગાયે જા તું જબ તક હૈ દમ..
મતવાલે હમ મતવાલે તુમ, ચલતે રહે યૂં હી કદમ…

જિંદગીની રાહ ભલે મુશ્કેલીઓથી ભરેલ હોય, પણ સંભાળી સંભાળીને શું ચાલવું!
મસ્તીથી કદમ માંડે જા, હે જીવ!

પ્રેમ થયા પછી પ્રિયજનની યાદમાં આ ભોળું મન ક્યાંક ખોવાઈ જાય છે, કદમ લડખડાઈ જાય છે અને દિલ ગાય છે –

એ ભોલા-ભાલા મન મેરા કહીં રે સાજન ખો ગયા

બહકે કદમ કુછ હમેં ભી સનમ હો ગયા…

કિશોરકુમાર અને આશા ભોંસલેના અવાજમાં મજરૂહ સુલતાનપુરીએ લખેલું ગીત છે આ.

કિશોરદાનો મસ્તીભર્યો અવાજ અને અંદાજ ગાવામાં તો ખરો જ પણ જોવા જેવો ય ખરો –

કિશોરકુમાર અને ઉષા મંગેશકરનો અવાજ –

એ જમાનાના ભરાયેલા બજારમાં ફિલ્માવાયેલા આ મજાના ગીતમાં જ આખું બજાર ઝલકે છે.

કિશોરકુમાર, મધુબાલા ને એમની મસ્તીખોર ટોળીની ધમાલ, કરે છે કમાલ.

પણ સાથે સાથે બજારની આ વિશાળ જાળથી બચવાના કરે છે સવાલ!

કિશોરકુમાર અને આશા ભોંસલેના અવાજમાં હતું આ ગીત અને સાથે સાથે અન્ય એક અલબેલું ગીત પણ ખરું, દિલની ભાષાને દિલ સુધી પહોંચાડતું ગીત-

દિલ ઝુમાવી નાખતું ગીત, જેમાં કિશોરકુમારના અવાજમાં મસ્તી તો છલકે જ છે પણ ગીત જોતાં જોતાંય કિશોરદા અને મધુબાલાની મસ્તી ઊડીને આંખે વળગે છે.

પંછી હૂં ઉસ પથકા અંત નહીં જિસકા

કિશોરકુમારને એક અચ્છા ગાયક અને કોમેડિયન તરીકે તો બધાં ઓળખે જ છે પણ કરુણરમુજી ફિલ્મોના રચયિતા તરીકે બહુ ઓછા ઓળખે છે. ઝૂમરૂ, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી કે પછી દૂર વાદિયોં મેં કહીં આ બધી આવી જ ફિલ્મો હતી.

clip_image001

‘દૂર ગગન કી છાંવ મેં‘

આ ફિલ્મ એટલે મહત્વની છે કે એમાં કિશોરકુમાર જાણે સોળે કળાથી ખીલ્યા છે.

અભિનેતા અને ગાયક તો છે જ, સાથે કંપોઝર છે, નિર્માતા છે, અને નિર્દેશક તરીકે પણ આ ફિલ્મથી ઉભર્યા હતા. આ ઉપરાંત ફિલ્મ એ માટે પણ મહત્વની છે કે એમાં એક કોમેડીયન તરીકે જાણીતા એવા આ અભિનેતાએ એમની છબીથી સાવ જ અલગ ભૂમિકા નિભાવી હતી. હંમેશા હસતા-હસાવતા કિશોરદા આ ફિલ્મમાં રડાવી દે છે. ઉછળતા-કૂદતા આ કલાકાર ગંભીર અને શાંત- સંવેદનાથી સભર ભૂમિકા પણ બખૂબી નિભાવી જાણે છે, એનો એહસાસ આ ફિલ્મ જોયા પછી જ થશે.

આ ફિલ્મમાં એમની હરેક ભૂમિકા દિલને સ્પર્શી જાય છે, ચાહે એ ગાયક હોય, અભિનેતા હોય, ગીતકાર હોય કે નિર્માતા અને નિર્દેશક.

આખીય ફિલ્મમાં એક અનોખી ધૂન ધીમા અવાજે જાણે આપણા કાનમાં ગુનગુનાતી રહે છે.

એમના ખુશમિજાજી ‘યોડલિંગ’ની જરા પણ કમી ના લાગવા દે એવા મધુર અને દિલકશ ગીતો છે આ ફિલ્મમાં.

કિશોરકુમારનું સંગીત અને હેમંતકુમારના રેશમી અવાજમાં ગવાયેલું આ ગીત જાણે આખી ફિલ્મ પર છવાયેલું રહે છે. ફિલ્મ શરૂ થતાં જ પિતા-પુત્રની સફર પણ શરૂ થાય છે.

રાહી તુ મત રૂક જાના, તૂફાં સે મત ઘબરાના
કભી તો મિલેગી તેરી મંઝિલ, કહીં દૂર ગગન કી છાંવ મેં…

મંઝિલ ધૂંધળી છે પણ પિતા કટિબદ્ધ છે પુત્રને ત્યાં પહોંચાડવા માટે.

પિતાએ પુત્રને એક એવું આકાશ આપવું છે જ્યાં પ્રેમ જ પ્રેમ છવાયેલો હોય. કોઈ દુઃખ ન હોય, આંસુ ન હોય, ન કોઈ વેર હોય, ન કોઈ ગૈર હોય. આ વેદનાભર્યા જગતથી દૂર, જ્યાં હંમેશ માટે ખોવાઈ જવાનું મન થાય.

આ ગીત સાંભળતા સાંભળતા આપણે પણ એવા જ આકાશ નીચે ખોવાઈ ગયા હોઈએ એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી.

મરીઝની જેમ ભલે આપણને કાયમ કહેતા રહેવાનું મન થાય કે- એક વિતેલી પળ પાછી દઈ દે અય ખુદા – પણ વીતી ગયેલા ખુબસુરત દિવસો ક્યારેય પાછા નથી આવતા. એ ફક્ત મનોપ્રદેશ પર યાદરૂપી એના પગલાં છોડી જાય છે, જે જિંદગીભર ભૂંસાતા નથી. બસ, મન ગુનાગુનાવાતું રહે છે એને-

અલબેલે દિન પ્યારે, મેરે બિછડે સાથ સહારે
હાય કહાં ગયે…
કોઈ લૌટા દે મેરે બીતેં હુએ દિન..

જિંદગીની કેટલીક રાતો એવી લાંબી ચાલે છે કે આપણને એમ થઈ જાય કે હવે ફરી કોઈ સવાર ઉગવાની જ નહિ હોય. સમંદર જેવા ગહેરા દુઃખોમાં ડહોળાયેલું દિલ ગાય છે –

લૂંટ ગઈ તકદીર મુઝે, મેં જીત કે બાઝી હાર ગયા.
જીન રાતો કી ભોર ન હો, આજ ઐસી હી રાત આઈ.

પંછી હૂં ઉસ પથકા અંત નહીં જિસકા

શૈલેન્દ્રએ લખેલા ફિલ્મના અન્ય ગીતો મન્નાડે અને આશા ભોંસલેએ પણ ગાયેલાં છે.

કિશોરકુમારનો ઉત્કૃષ્ટ અભિનય છે આ ફિલ્મમાં અને એવા જ દિલકશ ગીતો, જે ફક્ત સાંભળવાની જ મજા નથી. આખી ફિલ્મ જોતાં જોતાં એના સંગીત સાથે મનના તાર મેળવી સમાધિસ્થ થવાની પણ કંઈક ઓર જ મજા છે.

તો આ હતી આજની કહાણી. ફરીથી મળીશું આ જ સફરમાં એક નવી કહાણી સાથે. ત્યાં સુધી –

આ ચલ કે તુઝે મેં લે કે ચલું, એક ઐસે ગગન કે તલે
જહાં ગમ ભી ન હો, આંસુ ભી ન હો, બસ પ્યાર હી પ્યાર પલે…..


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

2 comments for “અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૧ ::

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *