સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૫) : વિશિષ્ટ સુક્ષ્માધિક ‘મહાનુભાવો’

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

આજે આપણે વાઈરસ વિશે વધુ માહિતી મેળવીએ. આ લેખમાળાના ત્રીજા મણકામાં જણાવ્યા મુજબ ‘વાઈરસ’ નામાભિધાન તમાકુના પાકને વ્યાપક નુકસાન કરનારા વિષયુક્ત પ્રવાહીને અનુલક્ષીને તે અંગેનું સંશોધન કરનારા વૈજ્ઞાનિક મિત્રી આઈવાનૉસ્કી દ્વારા કરવામાં આવ્યું હતું. સજીવ અને નિર્જીવ સૃષ્ટીની વચ્ચે કડીરૂપ બની રહેલા આ વિશિષ્ટ સુક્ષ્માધિક ‘મહાનુભાવો’નો ઉલ્લેખ આપણે સુક્ષ્મ ‘સજીવો’ તરીકે નહીં પણ સુક્ષ્મ ‘હસ્તીઓ’ તરીકે કરીશું. ગુજરાતી વૈજ્ઞાનિક પરીભાષામાં તેઓને ‘વિષાણુઓ’ તરીકે ઓળખાવવામાં આવે છે.

આવો, આ હસ્તીઓ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ. વિષાણુઓનું કદ ઉચ્ચ કક્ષાના સજીવોના બંધારણમાં મળી આવતા કેટલાક મહત્વના રાસાયણિક અણુઓ કરતાં થોડું જ મોટું હોઈ શકે છે. અતિશય સુક્ષ્મ કદ ધરાવતી આ હસ્તીઓના કદના માપન માટે સ્વાભાવિક રીતે જ આપણાં પરંપરાગત એકમોનો ઉપયોગ ન કરી શકાય. અહીં જે એકમ ઉપયોગે લેવાય છે, તે છે ‘એન્ગસ્ટ્રોમ એકમ’. આ એકમ શું છે તે સમજી લઈએ.

એક ફૂટના બાર ઈંચ અને ત્રીશ સેંટીમીટર હોય છે, જે સર્વવિદિત હકિકત છે. આ એક સેંટીમીટરના દસ સમાન ભાગ કરતાં મિલીમીટરનું એકમ મળે છે. એક મિલીમીટરના એક હજાર સમાન ભાગલા કરતાં એક માઈક્રોન(µ) મળે છે. આ સુક્ષ્મ એકમના જો એક હજાર સરખા ભાગ પાડીએ તો મળતું એકમ મિલીમાઈક્રોન (mµ) કહેવાય છે. કલ્પના કરીએ, કેટલી સુક્ષ્મ સૃષ્ટીમાં ડોકીયું કરવા જઈ રહ્યા છીએ, આપણે! એક મિલીમીટર એટલે કેટલું અંતર એ જોવા માટે હાથવગી ફૂટપટ્ટી ઉપર જોઈ લેવા અહીં ખાસ અનુરોધ છે. એ જોયા પછી વિચારવાનું છે કે એ મિલીમીટરનાclip_image002 દસલાખ એકસરખા ભાગ કરીએ તો એક મિલીમાઈક્રોન મળે! હજી થોડું આગળ વધવાનું છે. એક મિલીમાઈક્રોનના દસ સરખા ટુકડા કરતાં જે એકમ મળે, તેને એન્ગસ્ટ્રોમ એકમ(A0) તરીકે ઓળખાય છે. આપણા આ સુક્ષ્માધિક સુક્ષ્મ મિત્રોના કદનું માપન મિલીમાઈક્રોન અને એન્ગસ્ટ્રોમ એકમમાં કરવામાં આવે છે.

આપણે જાણી ગયા છીએ એમ વિષાણુઓ/વાઈરસ બાબતે વ્યવસ્થિત અને સુગ્રથીત અભ્યાસ ત્યારે જ શરૂ થયો, જ્યારે વિજાણુ સુક્ષ્મદર્શકો/Electron Microscopes ઉપલબ્ધ બન્યાં. આ શકવર્તી શોધે જૈવવૈજ્ઞાનિક સંશોધનોની પૂરી પરીપાટી બદલી નાખી. વૈજ્ઞાનિક આલમ આ માટે બે જર્મન ભૌતિકશાસ્ત્રીઓ મેક્સ નૉલ/Max Knoll અને અર્ન્સ્ટ રસ્કા/Earnst Ruskaને સદાકાળ યાદ કરતી

રહેવાની છે. એક વાર આવાં શક્તિશાળી સુક્ષ્મદર્શકો હાથમાં આવ્યાં પછી માઈક્રોબાયોલોજીના સંશોધકોએ પાછું વાળીને જોયું નથી. હવે તો વાઈરસની ક્યાં વાત કરવી, રાસાયણીક અણુઓના બંધારણનો અભ્યાસ કરતી વેળાએ એમના ફોટા પાડવાનું પણ શક્ય બન્યું છે. જો કે આપણે આપણા મૂળ વિષયને જ અનુલક્ષીને આગળ વધીએ.

બહોળા અભ્યાસ દ્વારા જણાયું છે કે આ સંપૂર્ણપણે પરોપજીવી હસ્તીઓને ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય. આ વહેંચણી તેઓના યજમાનને અનુલક્ષીને કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સજીવ સૃષ્ટી પ્રાણી, વનસ્પતી અને સુક્ષ્મ સજીવોની બનેલી છે. આ ત્રણેય પ્રકારની સૃષ્ટીને પોતપોતાનાં વિશિષ્ટ વિષાણુઓ હોય છે. એ હિસાબે વિષાણુઓના ત્રણ મુખ્ય પ્રકાર છે….

૧)પ્રાણીઓનાં વિષાણુઓ/Animal Viruses,

૨) વનસ્પતીઓનાં વિષાણુઓ/Plant Viruses અને

૩) સુક્ષ્મ જીવોનાં વિષાણુઓ/Microbial Viruses.

આ દરેક વિભાગના હજારો પેટાપ્રકારો છે.

વાઈરસનાં કદ, આકાર અને યજમાન બાબતે નોંધપાત્ર તફાવતો હોવા છતાં કેટલાંક સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ. અતિશય સુક્ષ્મ કદ ધરાવતી આ હસ્તીઓ કનિષ્ઠતમ દૈહિક સંરચના ધરાવે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે વાઈરસનું ‘શરીર’ માત્ર કેન્દ્રીય અમ્લ/ન્યુક્લીઇક એસિડ અને એના કવચ રૂપે પ્રોટીનનું બનેલું બાહ્યાવરણ એમ બે જ ઘટકો વડે બનેલું હોય છે. લાક્ષણિક સજીવસૃષ્ટીના સભ્યોમાં અનિવાર્યપણે મળી આવતા બે પ્રકારના ન્યુક્લીઇક એસિડ્સ – DNA અને RNA – પૈકી કોઈ એક જ ન્યુક્લીઇક એસિડ વાઈરસની સંરચનામાં હોય છે! આપણને જાણ છે એ પ્રમાણે કોઈ પણ સજીવ પ્રણાલીનાં તમામ લક્ષણો અને દેહધાર્મીક પ્રક્રીયાઓ માટેની માહિતી તેના DNA પાસે હોય છે. એ માહિતી RNAના માધ્યમ વડે આગળ વધી, જે તે સજીવના શરીરમાં ચોક્કસ સમયે ખાસ પ્રકારનાં પ્રોટીન્સનું નિર્માણ પ્રેરે છે. આ પ્રોટીન્સ ઉત્સેચકીય ગુણધર્મો ધરાવતાં હોય છે અને વિશિષ્ટ દેહધાર્મીક રાસાયણીક પ્રક્રીયાઓનું સમયોચિત નિયમન કરે છે. હવે તમામ પ્રકારનાં વાઈરસને માટે તો આ મોટી ખોટ છે. તેઓના બંધારણમાં DNA અને RNA બન્ને એકસાથે ક્યારેય હોતા નથી. કેટલાક અપવાદો બાદ કરતાં મોટે ભાગે પ્રાણીય વાઈરસ/Animal Virusesમાં અને સુક્ષ્મ જીવોનાં વાઈરસ/ Microbial Virusesમાં DNA હોય છે, જ્યારે વાનસ્પતીય વાઈરસ/ Plant Virusesમાં RNA હોય છે. કોઈ પણ વાઈરસ એના યજમાનના સંપર્કમાં આવે છે, ત્યારે તે યજમાન શરીર/કોષમાં પોતાનો કેન્દ્રીય અમ્લ – DNA અથવા RNA – દાખલ કરે છે. જો DNA હોય, તો તો કુદરતી ઘટનાક્રમ મુજબ કાર્યપધ્ધ્તી ચાલે છે. પણ જો આ કેન્દ્રીય અમ્લ RNA હોય તો અત્યંત ચાલાકીથી એ RNA યજમાનની અંદર દાખલ થયા પછી કાર્યકારી રીતે DNAમાં ફેરવાય છે. અને પછી DNA–à RNA –à પ્રોટીન્સ વાળી કુદરતી ઘટમાળ આકાર લે છે. ખગોળશાસ્ત્રમાં કેટલીક વાર અમુક ગ્રહોની ચાલમાં જણાતા બદલાવને જે તે ગ્રહ ‘વક્રી થયો’ એમ કહેવામાં આવે છે, એમ જ અહીં આપણે કહી શકીએ કે RNA વક્રી થયો! આવી કાર્યપધ્ધ્તી ધરાવતાં વિષાણુઓને રીટ્રોવાઈરસ/Retroviruses કહેવામાં આવે છે.

વાઈરસમાં જોવા મળતી અન્ય વિશિષ્ટતા એ છે કે દરેક વાઈરસ માટે યજમાન સુનિશ્ચિત હોય છે. કોઈ ચોક્કસ પ્રકારનાં વાઈરસ એને માટે પૂર્વનિર્ધારીત યજમાન સજીવ ઉપર જ આધાર રાખી શકે છે. વાઈરસની આ યજમાન માટેની વિશિષ્ટ પસંદગી એટલી તો ચુસ્ત છે કે કોઈ ખાસ સજીવ ઉપર અવલંબતાં વાઈરસ એ સજીવથી ખુબ જ ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં હોય, એવાં અન્ય સજીવો સાથે પણ સંબંધ નથી રાખી શકતાં. જેમ કે બેસિલસ મેગાટેરિયમ નામે જાણીતાં બેક્ટેરીયા ઉપર નભતાં વાઈરસ, બેસિલસ સટીલીસ પ્રકારનાં બેસિલસ મેગાટેરિયમ નાં અતિ નિકટનાં સગાં એવાં બેક્ટેરીયાથી આકર્ષાતાં નથી. જૂજ અપવાદો બાદ કરતાં વાઈરસ અને તેમના યજમાનની પારસ્પરીક વફાદારી સાર્વત્રીક રીતે વ્યાપક છે અને તેથી ઉદાહરણીય બની રહે છે. નીચે મુકેલી આકૃત્તિમાં ડાબી બાજુએથી જોતાં લાક્ષણીક પ્રાણીય, વાનસ્પતીય અને બેક્ટેરીયલ વાઈરસ જોઈ શકાય છે. કદ અને આકારમાં વિપુલ વૈવિધ્યપૂર્ણ તફાવતો હોવા છતાં આપણે આજે જે મૂળભૂત ગુણધર્મો વિશે વાત કરી, એ આ ત્રણે સંવર્ગમાં સમાવિષ્ટ તમામ સભ્યોમાં જોવા મળે છે.

clip_image004

આવનારી કડીમાં આપણે આમાંનાં પસંદગીના સભ્યો વિશે વિગતવાર વાત કરીશું.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

2 comments for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૫) : વિશિષ્ટ સુક્ષ્માધિક ‘મહાનુભાવો’

  1. August 25, 2017 at 10:30 am

    વાહ! સરસ જાણકારી.

  2. September 20, 2017 at 2:15 am

    Very Elementary…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *