ડિઝાસ્ટર સામે ‘હારાકીરી’ને બદલે ‘ફાઈટ બેક’નો જપાની મંત્ર

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

તા. ૧૧ -૮-૨૦૧૭ના અંકમાં ‘એક્ટ ઓફ ગોડ’ તરીકે ઓળખાતી કુદરતી આફતોની વાત કરી. ટચુકડો દેશ જાપાન આખા વિશ્વને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે લીડ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. કોઈ વાર લડાઈમાં હારવાનો સંયોગ ઉભો થાય, ત્યારે પોતાની ટેક અને સ્વાભિમાન માટે વિખ્યાત સામુરાઈ યોદ્ધાઓ તલવાર વડે પોતાનું જ ગળુ વીંધીને આત્મહત્યા કરે છે, જે ‘હારાકીરી’ તરીકે પ્રખ્યાત છે. પરંતુ ‘એક્ટ ઓફ ગોડ’ સામે ટક્કર ઝીલવાની આવે ત્યારે આ જ જાપાનીઓ હારાકીરીને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને તાર્કિક વિચારસરણીના સમન્વય દ્વારા બનાવાયેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન દ્વારા કુદરતને વળતી લડત આપીને ટકી જાય છે.

જાપાન દેશ મૂળે પ્રશાંત મહાસાગરની પશ્ચિમે આવેલો એવો ટાપુ છે, જેની ભૌગોલિક પરિસ્થિતિ ભારે વિચિત્ર છે. આશરે પોણા ચાર લાખ વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલા જાપાનનો ૭૦% જેટલો વિસ્તાર તો પર્વતીય છે! જે પૈકીના કેટલાય વિસ્તારો પ્રશાંત મહાસાગરના, જ્વાળામુખીથી પ્રભાવિત છે! વાત માત્ર આટલી જ નથી, ટચૂકડા જાપાનમાં ગોડ બહુ ‘એક્ટિવ’ હોવાથી ‘એક્ટ ઓફ ગોડ’ લગાતાર થતાં જ રહે છે. વિશ્વમાં ભૂકંપના સૌથી વધુ ઝાટકા જાપાનમાં આવે છે. અગાઉ જાપનની ચારેબાજુ સમુદ્ર હોવાને કારણે ભૂકંપના ઝાટકા સમુદ્રના મોજાઓમાં વારંવાર ત્સુનામી અસરો પેદા કરતાં રહે છે. (‘ત્સુનામી’ શબ્દ જાપાની ભાષાનો જ છે, જેનો અર્થ થાય દરિયા કિનારે ઉછળતું વિનાશક મોજું!) ભૂકંપની માફક જ, ત્સુનામીનો ભોગ બનવા બાબતે પણ જાપાન વિશ્વમાં પ્રથમ નંબરે છે! ભૂકંપ, ત્સુનામી અને જ્વાળામુખી પર વાત પૂરી નથી થઇ! જાપાનનું પર્યાવરણ એવું છે કે એક જ દિવસ દરમિયાન ચારેચાર ઋતુઓનો અનુભવ થાય. સાઈબીરીયાથી ફૂંકાતા બર્ફીલા પવનો શિયાળામાં ભારે બરફવર્ષાની પ્રસાદી આપે છે તો બીજી તરફ પ્રશાંત મહાસાગર પરથી ફૂંકાતા પવનો જાપાનને મે મહિનાથી જુલાઈ સુધી વર્ષા અને ભેજમાં તરબોળ રાખે છે. વળી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન વાવાઝોડું જાપાનની ‘શુભેચ્છા મુલાકાતે’ અચૂક આવી ચડે! આ તમામ પ્રાકૃતિક વિષમતાઓને ટક્કર આપીને જાપાન આજે ઔદ્યોગિક મહાસત્તા બનવા તરફ છે અને પોતાના અણુઉર્જા મથકો પણ ધરાવે છે. આનું કારણ છે જાપાને વિકસાવેલી ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ’, જેમાં દુર્ઘટનાની મોકડ્રીલ અને દુર્ઘટનાની અસરોને ઓછી કરે એવા બાંધકામ-આયોજનો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે.

જાપાનમાં ભૂકંપ જેવી દુર્ઘટનાઓ માટેની મોકડ્રીલ નિયમિત થતી રહે છે, જેમાં વડાપ્રધાનની કક્ષા સુધીની વ્યક્તિઓ ભાગ લે છે. અહીં સ્કુલના પ્રથમ દિવસે ‘પ્રવેશોત્સવ’ ઉજવવાને બદલે બાળકે ભૂકંપથી બચવાની તાલીમ માટેની મોકડ્રીલમાં ભાગ લેવાનો હોય છે. જાપાન દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ માત્ર મોકડ્રીલ્સ કરવા માટે ફાળવે છે. છેક ઇસ ૧૯૫૨થી અહીં ત્સુનામીની આગોતરી ચેતવણી માટેની ‘સેન્સરી’ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ભૂકંપ પ્રતિરોધક ડિઝાઈન દ્વારા બની હોવાને કારણે, વારંવાર ભૂકંપના ઝાટકા આવતા હોવા છતાં જાપાની બિલ્ડીંગ્સ પડી નથી જતી! ઉપરાંત, બિલ્ડીંગ ડિઝાઈન કોડને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. બિલ્ડર્સ પણ ડિઝાઈન કોડમાં સ્વીકારાયેલા સ્ટાન્ડર્ડ મુજબ જ બિલ્ડીંગ ડિઝાઈન કરે છે! (ભારતમાં આવી કલ્પના થઇ શકે?!)

ગત સપ્તાહે આપણે મચ્છુ ડેમ દુર્ઘટના વિષે વાત કરેલી. આપણું તંત્ર અને લોકો આવી દુર્ઘટનાને ‘એક્ટ ઓફ ગોડ’ ગણીને નિસાસા નાખી બેસી રહે છે, જ્યારે જાપાન ટેકનોલોજીને શરણે જાય છે. મચ્છુ ડેમ જેવી જ ઘટના ઇસ ૨૦૧૩ના ફેબ્રુઆરીમાં જાપાનમાં ઘટી. પડોશી દેશ ઇન્ડોનેશિયામાં એક કુદરતી રીતે બનેલો ડેમ હતો. આ ડેમનું પાણી પડોશી દેશ જાપાન સુધી પહોંચે. છેક ઇસ ૨૦૧૨માં જ જળ દુર્ઘટનાઓ વિષે સતત જાગૃત રહેતી જાપાની સંશોધકોએ શોધી કાઢ્યું કે આ ડેમના ધોવાણની શરૂઆત થઇ ચૂકી છે. બીજી તરફ ઈન્ડોનેશિયાની પ્રજા-સરકારી તંત્ર દ્રઢપણે એવું માનતા કે સખત ખડકોમાંથી બનેલો આ ડેમ કદી તૂટે એમ નથી! આ સમયે જાપાને ટેકનોલોજીનું શરણું લીધું. કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી ડેમની સાઈટ, આસપાસના સ્રાવ ક્ષેત્રોનું ઈમેજીનરી મોડેલ બનાવાયું, અને ડેમ જો તૂટે તો એનું પાણી ક્યા સુધી પહોંચે અને કેટલી તબાહી નોતરી શકે, એનું પ્રેઝન્ટેશન બનાવીને ઇન્ડોનેશિયન સરકારને બતાવાયું. એ સિવાય, પાણીની આવકની સચોટ ગણતરી કરતી અને એનો રીપોર્ટ જાપાની-ઇન્ડોનેશિયન સરકારને મોકલતી પ્રણાલી ઇન્સ્ટોલ કરવામાં આવી. આ અગમચેતીનો શું ફાયદો થયો?

૨૦૧૩ના ફેબ્રુઆરીમાં ડેમના વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો, ડેમ તૂટ્યો, પણ અગાઉથી લેવાયેલી સાવચેતીને કારણે ઓછામાં ઓછું નુકસાન થયું. ડેમ તૂટ્યો ત્યારે ઓલિમ્પિક સાઈઝના ૫,૨૦૦ મેદાનો ભરાઈ જાય એટલું પાણી ફરી વળ્યું, છતાં માત્ર ત્રણ જ વ્યક્તિએ જીવ ગુમાવ્યો!

ટચૂકડું જાપાન વિજ્ઞાન-ટેકનોલોજીના સહારે આફતો સામે લડી લે છે, ત્યારે ભારત જેવો વિશાળ દેશ કુદરતી આફતો સામે સામુરાઈ યોધ્ધાની ઢબે ‘હારાકીરી’ કરી લેતો હોય એવું ચિત્ર ખડું થાય છે!

હવે પછી ૮-૯-૨૦૧૭ના રોજ ડિઝાસ્ટર સામેની ભારતીય વ્યવસ્થા અને આદર્શ વ્યવસ્થાની વાત કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની શ્રેણી પૂરી કરીશું.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *