ફિર દેખો યારોં :: ટાગોર અને ગાલિબના શબ્દોમાં ફેરફાર સૂચવે છે આ મહાન શિક્ષણવિદ્‍

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

“જન્નત કી હકીકત હમેં માલૂમ હૈ લેકિન, દિલ કો ખુશ રખને કો ‘ગાલિબ’, યે ખયાલ અચ્છા હૈ.”

“અરે! ગાલીબનો આટલો જાણીતો શેર તમે આમ ખોટી રીતે કેમ બોલો છો? ‘ખુશ રખને કો’ને બદલે ‘બહલાને કો’ આવે.”

“હા. મને ખ્યાલ છે, પણ હું તો આ પાઠ્યપુસ્તકમાં છપાયેલું છે એ વાંચું છું.”

આ સંવાદ ભલે કાલ્પનિક રહ્યા, પરિસ્થિત તદ્દન વાસ્તવિક બની રહેવાની છે. અને તેનું નિમિત્ત છે દીનાનાથ બત્રા. સંસ્કૃતિગૌરવની લ્હાયમાં ઈતિહાસને પોતાના રંગે રંગવાના કિસ્સાઓની નવાઈ રહી નથી. પણ આમાં કેવળ ઈતિહાસની વાત નથી, કેટલાક સર્જકોની રચનાઓમાં રહેલા શબ્દોને બદલવાની ચેષ્ટા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંલગ્ન ‘શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ’ના વડા દીનાનાથ બત્રાએ ‘નેશનલ કાઉન્‍સિલ ઑફ એજ્યુકેશનલ રીસર્ચ એન્‍ડ ટ્રેનિંગ (એન.સી.ઈ.આર.ટી.)’નાં વિવિધ પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવા માટે પાંચ પાનાં ભરીને ભલામણો કરી છે. બત્રા અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શૈક્ષણિક પાંખ ‘વિદ્યાભારતી’ના ભૂતપૂર્વ વડા રહી ચૂક્યા છે. બત્રાએ કવિ પાશ, મિર્ઝા ગાલીબ, રવીન્‍દ્રનાથ ટાગોર દ્વારા તેમની રચનાઓમાં વપરાયેલા કેટલાક શબ્દો તેમજ ચિત્રકાર મકબૂલ ફિદા હુસેનની આત્મકથામાંના કેટલાક શબ્દોને બદલવા સૂચવ્યું છે, જેમાંનું એક જ્વલંત ઉદાહરણ આ લેખના આરંભે મૂક્યું છે. આ ઉપરાંત ઘણા અંગ્રેજી, અરબી તેમજ ઉર્દૂ શબ્દોને બદલવાની ભલામણ કરવામાં આવી છે.

પહેલી નજરે હાસ્યાસ્પદ ગણાવાઈ જાય એવી પરિસ્થિતિ વાસ્તવિકતા બને, અને એથી આગળ જઈને તેનું ગૌરવ કરવામાં આવે એનાથી મોટી વક્રતા બીજી શી હોઈ શકે? ભૂતકાળમાં પ્રવેશ કરીને ઈતિહાસને બદલવાની ચેષ્ટા કરવાની વાત આપણે કોઈ વિજ્ઞાનકથામાં વાંચી હશે કે એવી કોઈ ફિલ્મમાં જોઈ હશે. આવી કાલ્પનિક કથાઓમાં વૈજ્ઞાનિક તથ્યોનો આધાર લઈને આખરે રમૂજભરી સ્થિતિ નીપજાવવામાં આવે છે. પણ બત્રાસાહેબ કે તેમની સંસ્થા ‘ન્યાસ’ પૂરેપૂરી ગંભીરતાથી આ કામ કરવા માટે કટિબદ્ધ છે. ઐતિહાસિક ઘટનાઓને પોતાના રંગે રંગવાની ચેષ્ટા સ્વીકૃત નથી, છતાં સમજી શકાય એવી છે. પણ અંગ્રેજી, અરબી કે ઉર્દૂ શબ્દો દૂર કરવા પાછળ નરી સંકુચિતતા સિવાય બીજું કશું નથી. બારમી સદીની વિખ્યાત કન્નડ શિવભક્ત કવયિત્રી અક્કા મહાદેવીની કથા તેમના પછી સોળમી સદીમાં થઈ ગયેલી કૃષ્ણભક્ત કવયિત્રી મીરાબાઈની જેમ અત્યંત જાણીતી છે. તેની સાથે પરાણે લગ્ન કરનાર રાજા કૌશિકે અમુક શરતોનો ભંગ કરતાં મહાદેવીએ ભર દરબારમાં પોતે ધારણ કરેલાં વસ્ત્રો સહિત પતિની તમામ ચીજો ત્યાગીને તેની વિદાય લીધી હતી. આવું ‘નગ્ન સ્ત્રીનું વર્ણન’ ન્યાસના અભિપ્રાય મુજબ ‘સ્ત્રીસ્વાતંત્ર્યના નામે હિન્‍દુત્વ પરનો હુમલો’ છે. ઓગણીસમી સદીનાં મરાઠી નારીવાદી તારાબાઈ શિંદેના ઐતિહાસિક પુસ્તક ‘સ્ત્રી પુરુષ તુલના’નો એક અંશ આઠમા ધોરણમાં એક પ્રકરણ તરીકે છે. પિતૃપ્રધાન સમાજવ્યવસ્થા પર આકરા પ્રહાર કરતા આ પુસ્તકના પ્રકરણમાં વિધવાઓની ‘કમનસીબી’ અને તેમની ‘સામાજિક બહિષ્કાર’ની સ્થિતિનું વર્ણન છે. આ પ્રકરણ સામે પણ ન્યાસને વાંધો છે. નવમા ધોરણના હિન્‍દી પાઠ્યપુસ્તકમાં રામધારીસિંહ ‘દિનકર’ની કવિતા પછી એક સવાલ ‘પ્રેમીની તડપ’ અંગેનો છે. ન્યાસને લાગે છે કે તે ‘બાળકોને ગેરમાર્ગે દોરે છે અને તેમના ચરિત્ર પર અવળી અસર કરે છે.’ વર્ણવ્યવસ્થા અંગેના બારમા ધોરણના ઈતિહાસના એક પ્રકરણમાં લખાયું છે: ‘આ વ્યવસ્થામાં વર્ણ સંભવત: જન્મ થકી નિર્ધારીત થતો હતો. હતો. બ્રાહ્મણોએ લોકોને એમ સમજાવવા પ્રયાસ કર્યો કે તેમની પ્રતિષ્ઠા જન્મઆધારીત છે….મહાભારત જેવા ગ્રંથો થકી આવા માપદંડો અવારનવાર દૃઢ બનતા ગયા.’ આ આખા પ્રકરણને કાઢી નાખવાનું સૂચન ન્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. સીધીસાદી અને સમજી શકાય એવી વાત છે કે હિન્‍દુ ધર્મ વિશેનાં લખાણોની આ સ્થિતિ હોય તો મુસ્લિમ શાસકોનો કે વિપક્ષી શાસનનો ઉલ્લેખ કરતાં લખાણો બાબતે ન્યાસની ભૂમિકા શી હશે એ સમજવું મુશ્કેલ નથી.

કેટલાક નમૂના જોઈએ. ઈતિહાસમાં જહાંગીરનાં સંસ્મરણોમાં ઉલ્લેખ છે કે તેમણે ત્રીસ ગજ લાંબી ન્યાયની સાંકળ મૂકાવડાવી હતી, જેને સાઠ ઘંટડીઓ લાગેલી હતી. તેથી ન્યાય ઝંખતી કોઈ પણ વ્યક્તિ તેને ખખડાવીને સત્તાધીશોનું ધ્યાન દોરી શકે. આ પ્રકરણને હટાવી લેવાની ભલામણ કરવામાં આવી છે. મોગલ કાળના એક પ્રકરણમાં ઉલ્લેખ છે કે શાસકોનો લોકો તરફનો અભિગમ અતિશય ઉદાર હતો. તમામ મોગલ શાસકો ધર્મસ્થાનોના નિર્માણ તેમજ જાળવણી માટે અનુદાન આપતા. યુદ્ધ દરમ્યાન મંદીરો ધ્વસ્ત થયાં ત્યારે તેમની મરમ્મત માટે પછી અનુદાન આપવામાં આવ્યું હતું. ઈતિહાસના આ પ્રકરણને પણ રદ કરવાનું સૂચવવામાં આવ્યું છે.

પોલિટીકલ સાયન્‍સના બારમા ધોરણના પાઠ્યપુસ્તકમાં અનેક ફેરફારો સૂચવવામાં આવ્યા છે. નમૂનારૂપ કેટલાક જોઈએ. 2002માં થયેલી ગોધરાની દુર્ઘટનાનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે: ‘ટ્રેનમાં આગ લાગી. મુસ્લિમોએ તે લગાડી છે એવી શંકાએ….’ અહીં ‘આગ લાગી’ને સ્થાને ‘આગ લગાડવામાં આવી’ તેમજ ‘શંકા’ શબ્દ કાઢી નાંખવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1984માં તત્કાલીન વડાંપ્રધાન ઈન્‍દિરા ગાંધીની હત્યાને પગલે ફાટી નીકળેલાં રમખાણોનો ઉલ્લેખ ધરાવતા પ્રકરણનો છેલ્લો ફકરો આમ છે: ‘2005માં સંસદમાં પોતાના વક્તવ્ય દરમ્યાન વડાપ્રધાન મનમોહન સીંઘે આ રક્તપાત બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો અને શીખવિરોધી હિંસા બાબતે દેશની જનતાની માફી માંગી હતી.’ આ ફકરો રદ કરવો જોઈએ એવી ન્યાસની ભલામણ છે.

પોતાની કલ્પનાનું રાજ્ય બનાવવા તરફની ચોક્કસ વિચારધારાવાળાની ગતિ હોય એ સ્વીકારી ન શકાય તો પણ, સમજી શકાય એવી માનસિકતા છે. જ્યારે ભૂતકાળમાં જઈને, દૂરના કે નજીકના ઈતિહાસને મરડીને પોતાની કલ્પનાનું રાજ્ય હોવાની ભ્રામક છબિ ઉભી કરવી એ મનોવિકૃતિ નહીં, અપરાધ છે. વ્યક્તિગત ધોરણે કોઈ એકલદોકલ માણસ દ્વારા આવું કરવામાં આવે તેને પાગલ હરકત માનીને અવગણી શકાય, પણ સંસ્થાકીય ધોરણે, આયોજનબદ્ધ રીતે આવું થાય એને શું કહેવું?

શું આ સંસ્થાઓ એમ માને છે કે દેશની પોતાને ફાવે એવી ભૂતકાળની છબિ રચવાથી પોતાની સંસ્કૃતિ મહાન ગણાશે? આવી ચેષ્ટા દ્વારા સંસ્કૃતિની ભૂતકાળની છબિનું જે થવાનું હોય એ થાય, વર્તમાન છબિ અવશ્ય ખરડાઈ રહી છે. સંસ્કૃતિ અંગેનો લગાવ અને ગૌરવ આટલાં બધાં હોય તો પછી તેની કાલ્પનિક છબિ ઉભી કરવાની કવાયત અને છાશવારે તે ભયમાં આવી જવાની ભીતિ શા માટે? કોઈ પણ દેશની સંસ્કૃતિની છબિ તેના શાસકો નહીં, પ્રજા થકી ઉપસતી હોય છે. આ માનસિકતા ખરેખર મિથ્યાગૌરવ લેવાની નહીં, ઈતિહાસની વાસ્તવિકતાથી ઉભા થયેલા ડરને લઈને પેદા થયેલી છે. બત્રાસાહેબ એમ તો કેટકેટલા ફેરફારો કરશે? તેને બદલે તેઓ ઈતિહાસનાં પાઠ્યપુસ્તકોને બદલે આપણાં પુરાણોને જ પાઠ્યપુસ્તક તરીકે જાહેર કરી દે તો તેમની બાપડાની મહેનત ઘણી ઘટી જાય! એમ થાય ‘અવતારપુરુષ’ તરીકે તેમને ગણાવતું એક પ્રકરણ પણ પાઠ્યપુસ્તકમાં મૂકી શકાશે! એવા અવતારપુરુષ કે જેમની પાસે ભૂતકાળ બદલી શકવાની માયાવી શક્તિ હતી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૮-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં :: ટાગોર અને ગાલિબના શબ્દોમાં ફેરફાર સૂચવે છે આ મહાન શિક્ષણવિદ્‍

  1. Piyush Pandya
    August 24, 2017 at 9:18 am

    આવા અધૂરિયાઓ દેશનું ભાવિ ઘડવા બેઠા છે. અને આવું જ ચાલશે તો એકાદ સદી પછી દીનાનાથ બત્રા ભારતવર્ષના મહાન ઋષિ તરીકે પાઠ્યપુસ્તકોમાં બિરાજમાન હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *