





– આરતી નાયર
બાળક શાળાએ – આજે તો હવે પ્લે સ્કૂલ – જવાનું શરૂ કરે ત્યારથી તેને પૂછવાનું શરૂ થઈ જાય છે કે મોટું થઈને તે શું થવા માગે છે. બાળક મનમાંને મનમાં આશ્ચર્ય અનુભવે છે કે જીવન તો મોજમજા કરવા માટે હતું, એમાં વળી મોટા થઈને કંઈ બનવાનું આ વળી કયું નવું છટકું છે! બાળકની એ આશ્ચર્ય પ્રક્રિયામાં મોટાં લોકો પોતાનાં માબાપ કે કુટુંબના કોઈ નામી વ્યક્તિ જેવાં બનવાના સહેલાથી માંડીને અવનવા વિચારો ઉમેરવા લાગે છે.
મોટા ભાગનાં મધ્યમ આવકવાળાં કુટુંબોમાં પૈસેટકે સુખી હોય એવી વ્યક્તિનાં ખાસ માનપાન હોય છે.પહેલાં પહેલાં ‘આ બધા પૈસા ક્યાં આવે છે’ એવી કાનાફૂસી થાય પણ આખરે તો પૈસાના ભારમાં એ બધું દટાઈ જાય છે. કમનસીબે થાય એવું કે એ માનપાન પામતી વ્યક્તિ માબાપને મન પોતાનું બળક મોટું થાય તો એના જેવું થાય એવો આદર્શ બનવા લાગે છે.
જોતજોતામાં તો પૈસો બધું જ ખરીદી શકે છે તેવી પ્રબળ લોકમાન્યતા અચેતનાવસ્થામાં વણાવા લાગે છે. પૈસાનાં મહત્ત્વ વિરૂધ્ધ અહીં કોઇ દલીલ કરવાનો આશય નથી. તેની જરૂર તો છે જ.
સવાલ એ છે કે જે વ્યક્તિ પૈસાની પાછળ દોડતી નથી તેને આપણે કેમ ગણકારતાં નથી ? જેમાંથી પૈસા ન ફળતા હોય તેવી મહત્વાકાંક્ષાને કિનારે કરવાનું આપણે શા માટે કહીએ છીએ?
કહેવાનો મતલબ એમ પણ નથી કે જે સારૂં કમાતાં હોય છે એ બધાં ખુશ નથી હોતાં. પણ એ બધાં જ ખુશ હોય છે એમ પણ નથી બનતું હોતું. સારા પગારવાળી પણ કંટાળાજનક નોકરીમાં વ્યક્તિ ખુશ ન હોય તે તો સમજાય. તો વળી, બીજે છેડે, મહિનાને અંતે ‘પગાર’ ન મળે એવો વ્યવસાય પણ જોખમી ગણાતો હોય છે. ખાસ તો કળા જેવા વ્યવસાય. દુનિયામાં કંઈકેટલાય ચિત્રકાર, લેખકો, ડીઝાઈનર્સ, અભિનેતાઓ વગેરે સારૂં એવું રળતાં હોય છે. ફિલ્મોમાં, પુસ્તકોમાં તેમના વિશે જોવું વાંચવું ગમે, પણ પોતાનું બાળક કે આપણું કુટુંબીજન એવી કારકીર્દીમાં જાય તે આપણને ન ગમે.
લોકોથી જોયું જ નથી જતું કે જેમાં પૈસા કેન્દ્રસ્થાને ન હોય એવી જિંદગી જ કેમ હોઈ શકે. હું તો બહુ ચોક્કસપણે માનું છું કે તમારૂં ખરેખરનું સબળું પાસું શું છે એ જો તમે પારખી શકો તો પૈસા તો મળી જ રહેશે. તમે એમાંથી પૈસા રળી શકશો. જોકે તમે ‘મુશ્કેલ માર્ગ’ પસંદ કર્યો હોય તો વાત જૂદી છે. મહત્ત્વનું એ છે કે જેમાં તમે ખુશ હો એ જ કામ કરો.
લોકો આ વાત સમજવા નથી માગતાં હોતાં. ઠીક છે, લોકો સમજે યા ન સમજે, પૈસા સિવાય પણ જેમાં બીજી મહત્વાકાંક્ષા મહત્વની હોઈ શકે એવી પણ જિંદગી જીવી તો શકાય.
મારા પિતાજી હંમેશાં પોતાના એક વડીલ મિત્રના દીકરાની વાત કહેતા હોય છે. નીચલા મધ્યમ વર્ગમાં જન્મેલો એવો એ ખૂબ મહેનત કરીને ભણ્યો અને એમબીબીએસ ડૉક્ટર થયો. શરૂઆતનાં વર્ષોની સફળ પ્રેક્ટીસ પછી તેણે પોતાના બેગબિસ્તર બાંધીને ગામડે જતો રહ્યો.એણે ત્યાં દવાખાનું શરૂ કર્યું અને ગામનાં લોકોની સારવાર કરવા લાગ્યો. તેને ત્યાં જે સારવારના પૈસા ખર્ચી શકે ન હોય તેમણે પૈસા નહીં આપવાના. પોતાની પત્ની અને બાળકો સાથે હવે તે ખુશખુશાલ જીવન ગાળે છે. પોતાનાં આંગણામાં તેઓ તેમની જીવનજરૂરિયાતની મોટા ભાગની વસ્તુઓ ઉગાડી લે છે.
અનુકંપાની આ અનુભૂતિને તમે ક્યાં ત્રાજવે તોળશો?
હકીકત એ છે કે આવા અંતિમ પ્રકારના કરૂણાના સદ્વ્યવહારો પર દુનિયા નભે છે. કોઇ તેમની નોંધ લે છે કે નહીં તેની પરવા કર્યા સિવાય જ આ લોકો પોતાનું કામ કર્યે જતાં હોય છે.
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.
વાત સાવ સાચી. બધા આમ કહેતા તો હોય જ છે. પણ, આંતરિક જાગૃતિ વિના કોઈ સારો વિચાર ‘અંદર’ ન પ્રવેશી શકે.