લ્યો,આ ચીંધી આંગળી :: ગોંડલના વિદ્યાપ્રેમી અને ખુદ વિદ્વાન મહારાજા ભગવતસિંહજી શબ્દને બ્રહ્મ માનતા

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

પ્રાચીનથી માંડીને અર્વાચીન એવા બધા જ લેખકોના નામ અને કામ વિષેની સંક્ષિપ્ત ટિપ્પણી ધરાવતો ગ્રંથ ‘ગુજરાતના સારસ્વતો- ખંડ-1 અને 2’ ગુજરાત સાહિત્યસભાનું એક અતિશય મૂલ્યવાન પ્રકાશન છે. આપણા મહાવિદ્વાન એવા કે.કા. શાસ્ત્રીએ તેનું લેખન અતિ ખંત અને ચીવટથી કરેલું. તેની પ્રથમ આવૃત્તિ 3 જી માર્ચ 1977 ના રોજ પ્રકાશિત થયેલી અને તે પછી તરત જ તે બે ભાગનો ગ્રંથ અપ્રાપ્ય બનેલો. એ પછી છેક 2013 ના જાન્યુઆરીમાં તેને સંવર્ધિત કરીને બીજી આવૃત્તિ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો, જેને ત્રણ મહિલા સંપાદિકાઓ (ડો શ્રધ્ધા ત્રિવેદી, ડૉ. કીર્તિદા શાહ અને ડૉ. પ્રતિભા શાહ)એ તૈયાર કર્યો છે.

એના પાનાં ફેરવતા અમુક લઘુ રાજવી સાહિત્યકારોને બાદ કરતા ચાર નોંધપાત્ર રજવાડી પાત્રોનાં નામ નજરે ચડે છે. લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’, ગોંડલના રાજઘરાનાના બે સભ્યો અને પાજોદ દરબારબાબી ઈમામુદ્દિખાન ઉર્ફે રુસ્વા મઝલૂમી. એ ચાર નામો તેમના સત્વશીલ અને માતબર પ્રદાનને કારણે ધ્યાન ખેંચે છે. ગોંડલ મહારાજા જેમનું નામ ભગવતસિંહજી સંગ્રામજી જાડેજા (જન્મ 24-10-1865 અને અવસાન 9-12-1944) તરીકે મુકવામાં આવ્યું છે અને તેમના રાણીસાહેબા જેમનું નામ નંદકુંવરબા નારણ દેવજી / નંદકુંવરબા ભગવતસિંહજી જાડેજા (જન્મ ઈ.સ. 1961) અવસાન તારીખ લખી નથી પણ રાજેન્દ્ર દવેના પુસ્તક મુજબ તે 1936ના માર્ચની 9મી છે.) તરીકે મુકવામાં આવ્યું છે. નારણ દેવજી તેમના પિતાનું નામ હતું.

આઝાદી મળ્યા પહેલાં રજવાડાના રાજકુંવરો રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણતા હતા તો અનેકો ભારતમાં આવેલી બીજી એ જ કક્ષાની શિક્ષણસંસ્થાઓમાં અભ્યાસ કરતા હતા. વિદેશોની નામાંકિત શાળા-કોલેજોમાં ભણવા જનારા પણ અનેક. ભણવામાં તેજસ્વી હોય એ બધા કંઈ હાથમાં કલમ પકડીને લેખકો બનતા નથી અને એ જરૂરી પણ નથી. પણ જેમનામાં નિઃસર્ગદત્ત લેખનપ્રતિભા હોય તેઓ રાય હોય કે રંક પણ લેખનક્ષેત્રે પ્રવૃત્ત બને છે. રજવાડી પરિવારના સભ્યો જો પોતે રાજ્યધૂરા સંભાળવાના હોય તો એમને માટે રાજપદ અનુકુળતા આપનારું પણ છે અને અવરોધક પણ છે. કમાવાની કોઈ ચિંતા નહિ. ભરપૂર સુખસગવડભરી જિંદગી, બધી રીતની અનુકુળતા અને વાચનની ઈચ્છે તેટલી સવલત. આ બધાં પરિબળો તેમની લેખનપ્રવૃત્તિને અનુકુળ પવન આપનારા છે, તો સામે પક્ષે રાજકાજનો ભાર, બેતહાશા એશોઆરામ, ભોગવિલાસની કોઈ પણ રોકટોક વગરની છત. આ બધાં પરિબળો તેમને નિષ્ક્રિયતાના માર્ગે પ્રેરનારાં છે. અને એટલે જ ભરપૂર રાજસી ઠાઠ ધરાવનારા રાજઘરાનાઓમાંથી બહુ ગણ્યાગાંઠ્યા કલમકારો પાક્યા છે.

પણ જે છે તેમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને તેમના રાણી નંદકુંવરબા ઝળહળતાં રત્નો જેવાં છે. તેમને બેઉને રજવાડાની કોઈ રંગીનીઓ કે ભોગવિલાસ કદિ સ્પર્શી જ શક્યા નહિ. એ બધા ભપકા કે ઠાઠ વચ્ચે તેઓ જલકમલવત્‍ જ રહ્યા. એમની એ અંગત વિરક્તિઓ વિષે રાજકોટના પ્રવીણ પ્રકાશને પ્રગટ કરેલા વિગતપ્રચુર પુસ્તક ‘ભગવત-ગુણભંડાર’ (લેખક રાજેન્દ્ર દવે)માં બહુ અધિકૃત આલેખન છે. અહીં તેનું પુનરાવર્તન કરવાનો ઈરાદો નથી.

માત્ર નવ વર્ષની વયે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ મેળવનારા ભગવતસિંહજી 1883ની સાલમાં ઉચ્ચ અભ્યાસ માટે યુરોપ ગયા. 1884માં રાજ્યની ધૂરા સંભાળી 1885માં મુંબઈ યુનિવર્સિટીમાં ફેલો નિમાયા (જે પદ હોંશિયાર વિદ્યાર્થીને જ મળે) 1886માં તબીબી અભ્યાસ માટે સ્કોટલેન્ડ ગયા. 1892માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.સી.એમ.ની પદવી મેળવી. આર્યુવેદનો સંક્ષિપ્ત ઈતિહાસ અથવા આર્યુવેદિક વિદ્યાનો ઈતિહાસના તેમના ડોક્ટરેટના મહાનિબંધ પર તેમણે 1859માં એડિનબરો યુનિવર્સિટીમાંથી એમ.ડી. (ડોક્ટર ઓફ મેડિસીન)ની પદવી મેળવી.

આ તો થયું તેમનું અભ્યાસલક્ષી લેખન અને કાર્ય. પણ વિદેશમાં તેમણે જે જોયું તેની વિશેષતાઓ જોઈને તેમણે પોતાના રાજ્યમાં એને અનુસારી કાર્યો કર્યાં. પોતાના રાજ્યના મુખ્ય શિક્ષણાધિકારી ચંદુભાઈ બહેચરભાઈ પટેલ પાસે અક્ષરમાળાથી માંડીને વાચનમાળા સુધીના પુસ્તકોની રચના કરાવી. નવાં પાઠ્યપુસ્તકોનું દૃષ્ટિપૂર્વકનું લેખન કરાવ્યું. એ અગાઉની વાત કરીએ તો પોતાની માત્ર વીસ વર્ષની ઉંમરે તેમણે પોતાના 1883ના ઈંગ્લેન્ડના પ્રથમ પ્રવાસનું વર્ણન પોતાના પુસ્તકમાં અંગ્રેજી ભાષામાં કાવ્યાત્મક બાનીમાં કર્યું. એમાં જેટલી કાવ્યાત્મકતા હતી એટલી જ ચિત્રાત્મકતા હતી. માત્ર ત્યાંના ત્યાંના સૃષ્ટિસૌંદર્યનું જ નહિ પણ ત્યાંના સામાજિક રીતે રિવાજો, રહેણીકરણી, રમતગમતો, ધાર્મિક ક્રિયાઓ વગેરેનું બહુ વિશદ વર્ણન આપણે ત્યાંની એવી વસ્તુઓ સાથે તુલનાત્મક ઢબે કર્યું, એમનું આ પુસ્તક અંગ્રેજીમાં હોવાથી આંગ્લ વિદ્વાનોમાં પણ. બહુ સારી રીતે ચર્ચાયું અને વિદ્વપ્રિય બન્યું.

પણ સૌથી મહત્ત્વનું અને ગુજરાતી ભાષામાં જેનું સ્થાન ચિરંજીવ અને અવિચળ ધ્રુવતારક જેવું ગણી શકાય તેવું કાર્ય તો ગુજરાતી ભાષાના જ્ઞાનકોષ વત્તા અર્થકોષ જેવા ભગવદગોમંડળ ખંડ 1 થી 9ની રચનાનું મંડાણ કરવાનું હતું. શબ્દને તેઓ બ્રહ્મ માનતા અને એના અર્થો અને અધ્યાસોને પામવાની લગની પોતાના વારંવારના વિદેશગમનને લઈને એમને લાગી હતી. એ વિચાર એમના મનમાં સતત ઘોળાતો રહેતો હતો. પોતે એકત્ર કરેલા બે લાખ શબ્દો પ્રારંભિક પ્રદાન તરીકે રાજ્યની પોતે શરૂ કરેલી કોષકચેરીને અર્પણ કરીને એમણે 1928માં એ ભગીરથ કાર્યની જવાબદારી રાજ્યના શિક્ષણાધિકારી વિદ્વાન એવા ચંદુલાલ બેચરલાલ પટેલને સોંપી અને પોતે જોડાજોડ એ કામમાં જોડાયા. અહીં એ નોંધવું જોઈએ કે ચંદુભાઈના પિતા બહેચરલાલ પટેલ પણ કવિ વિહારીનું ઉપનામ ધરાવતા બહુ સારા કવિ હતા.

(ચંદુલાલ બહેચરદાસ પટેલ)

એનું છાપકામ ક્યાં કરાવેલું તે હકીકત જાણવા જેવી છે. ભગવતસિંહજી બાપુએ ગોંડલના કેવળચંદ કાનજીભાઈ પારેખના શ્રી ભગવતસિંહજી લીથો એડ પ્રિન્ટિંગ પ્રેસમાં કોશનું તમામ છાપકામ કરાવેલું, એમ કહેલું કે તમે કિફાયત ભાવે આ કરી આપો તો તમને રાજ્યનું બીજું કામ પણ આપું. પણ કામ ટંચન (પરફેક્ટ) કરો. સાધનસામગ્રી પૂરાં નહોતાં તે અપાવ્યાં. અમુક પ્રકારના અક્ષરના ટાઈપ નહોતા તે ત્યાં ને ત્યાં ખાસ ફાઉન્ડ્રી નાખીને બનાવડાવ્યા. વળી એ શરત કરી કે કંપોઝ થયેલાં પાનાં છપાઈ જાય તો પણ દસ વરસ સુધી તેને વીંખવા નહીં. તેનો નાશ પણ ના કરવો. અરે, કોઈ પણ જોડિયો અક્ષર છાપવાનો હોય ત્યારે બે ખંડિત અક્ષરોને જોડીને છાપવાનેબદલે આ અક્ષરોની નવી મેટ્રિક્સ (શ્રેણી) બનાવેલી, અને પ્રૂફ માટે તો શું કહેવું. તમને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે છેલ્લા પ્રૂફ તો ચંદુબાપા અને બાપુ ખુદ જ જોતા.

(આ સાથે તેના ક્વોટેશન્સ-કે ખર્ચના કાગળ મુક્યા છે જે મને ગોંડલના સંગ્રાહક સંગ્રાહક નિરંજન દવેના સૌજન્યથી પાસેથી થયા છે.)

1928માં આરંભાયેલો એ શબ્દયજ્ઞ તેમના 1944માં દિવંગત થયા પછી પણ ચંદુભાઈની રાહબરી અને સંપાદન હેઠળ આગળ ચાલ્યો તે છેક સૌરાષ્ટ્ર સરકારના અમલ દરમ્યાન 1954માં સંપન્ન થયો.

એમાં શું હતું તેની વિગતો મેં જાતે ચંદુભાઈના રાજકોટ (હવે અમદાવાદ) રહેતા ઈન્કમટેક્સ સલાહકાર પુત્ર કૃષ્ણચંદ્રને ઘેર કબાટમાં ગોઠવાયેલા તેના સેટને જોઈ ઉતારેલી, તે આ પ્રમાણે છે. (તેમાં થોડો સુધારો છે તે ભાવનગર રહેતા વાચકમિત્ર બુધર ઘોરેચાએ સૂચવેલો છે. હાલ તો તે જ મેં ટપકાવેલો તે અહીં ઉતારું છું.) ભાગ 1 થી 9, અ થી બ સને 1928થી 1954 વર્ષ – સાડા છવ્વીસ, છાપકામનું ખર્ચ રૂ. 1,64,096, કોષ કચેરીનું ખર્ચ 1,08,353, કુલ 500 પ્રતનું ખર્ચ 2,52,449. વજન મણ 1 શેર 15, 28 રૂપિયાભાર, ઘનમાપ 1.9 (એક પોઈંટ નવ)ઘનફૂટ, છપામણી અને કાગળના ખર્ચ પૂરતી વેચાણકિંમત રૂ. 146, ચારેનું પડતર ખર્ચ રૂ. 545, પૃષ્ઠ 925, શબ્દ 28135 અર્થ, – 5,40,445 રૂઢિપ્રયોગ 28,156,ગુજરાતી ભાષામાં જુદી જુદી 23 જેટલી ભાષાના ઘણા શબ્દો રૂઢ થયા છે.

આ શબ્દભાગિરથી ગોંડલની ધરતી ઉપર મહારાજા ભગવતસિંહજી અને ચંદુભાઈ પટેલ જેવા સરસ્વતિના તપસ્વિઓ દ્વારા ઉતરી અને ગુજરાતી ભાષા કાયમને માટે રળીયાત થઈ. એ એટલો જાજવલ્યમાન અલૌકિક હતો કે ખુદ ગાંધીજીએ લખ્યું, ‘આની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી.’ આગળ જતાં ચંદુભાઈને આ કાર્ય બદલ આપણી ભાષાનો અતિ પ્રતિષ્ઠિત રણજિતરામ ચંદ્રક એનાયત થયો ત્યારે એ સન્માનના પ્રતિભાવમાં એ બોલ્યા કે મને એમ લાગે છે કે આ ચંદ્રક હું ભગવતસિંહજી બાપુના વાણોતર તરીકે સ્વીકારી રહ્યો છું. (ચંદુલાલ પટેલ અને મહારાજા ભગવતસિંહજીનો એક વિશિષ્ટ પ્રસંગ મારા બ્લૉગ ‘ઝબકાર’ પર અહીં http://zabkar9.blogspot.in/2014/10/blog-post.html આલેખવામાં આવ્યો છે.)

ખેર, મહારાજાની વાત કરવાની સાથોસાથ મહારાણીની વાત પણ અવશ્ય કરવી જોઈએ. એટલી એ વજનદાર છે. મહારાજા સાથે તેમનું લગ્ન થયું ત્યારે તેમની વય પંદર વર્ષની હતી. શાળાએ જવાને બદલે તેઓ ઘરમાં જ વાંચતા-લખતાં શિખ્યાં, છતાં બહુ ઉચ્ચસ્તરનાં ચરિત્રકાર અને પ્રવાસ-લેખિકા બન્યાં. 1890માં તેમને બીમારીને કારણે બે વર્ષ ઈંગ્લેન્ડ રહેવાનું થયું તે વખતે તેમણે માત્ર પથારીવશ ના રહેતાં એ દેશમાં પરિભ્રમણ કર્યું અને પ્રવાસવર્ણનનું સુંદર પુસ્તક આપ્યું. તેનું નામ ‘ગોમંડલ પરિક્રમા’.

મહારાણી નંદકુંવરબા

એ અદભુત પુસ્તક લાંબા સમય સુધી અપ્રાપ્ય રહ્યું. હું જ્યારે 1982-83માં નવસારી હતો ત્યારે ચં.ચી. મહેતા જેવા સમર્થ સાહિત્યકારને વારંવાર મળવાનું થતું. અવારનવાર એ આ પુસ્તક માટે પ્રશંસાત્મક ઉદગારો કાઢતા અને એ અપ્રાપ્ય હોવાનો અફસોસ વ્યક્ત કરતા. અને એ પછી એમના જ દોરીસંચારથી એ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યું અને પછી તો તેની બે-ત્રણ આવૃત્તિઓ થઈ,( ટાઇટલ કદાચ બીજું હોય પણ પુસ્તકનાં લેખિકા મહારાણી નંદકુંવરબા છે)

હાલ તે ઉપલબ્ધ છે.

(સરનામું:
પ્રકાશન વિભાગ, ગુજરાત સાહિત્ય અકાદમી
અભિલેખાગાર ભવન,સેક્ટર 17,
ગાંધીનગર-382017
(ફોન: 079-23256798 અને 23256797)

મહામાત્ર શ્રી મનોજ ઓઝા (97241 51323)ને પણ આ લેખનો સંદર્ભ પણ આપી શકાશે)

એ અનન્ય પુસ્તક ઉપરાંત એમની એક પદ્યકૃતિ નામે ‘ગીતાંજલી’ 1919માં પ્રગટ થઈ અને અંગ્રેજીમાં પણ ‘ફિલ્ડમાર્શલ અર્લ કિચનર ઓફ ખાર્તુમ’ એક જીવનચરિત્ર તેમણે આપ્યું.

ખેર, એ રીતે શું શા પૈસા ચારનું મેણું ખાધેલી ગુજરાતી ભાષાને, એના જખમ ધોઈ, સાફ કરી, તંદુરસ્ત, નરવી અને ગૌરવશાળી બનાવનારાઓનાં નામ સાવ સ્મૃતિશેષ બની જાય તે પહેલાં ફરી એના પર સંજીવની છાંટનારા ‘પ્રવીણ પુસ્તક ભંડાર’વાળા ગોપાલભાઈ જેવા પણ બહાર આવ્યા. પહેલી વાર 1986માં એનો સેટ બહાર પાડ્યો અને એ પછી ફરીવાર 2005માં.વર્ષો પહેલાં કોઈએ આ ભાગીરથીને પૃથ્વી પર ઉતારી હતી, પણ પછી એનાં જળ જ્યારે પાછાં સુકાઈ જવા આવ્યાં હતાં, ત્યારે ગોપાલભાઈ જેવા કોઈએ ફરી એના તળને ખરું બનાવી દીધું. અત્યારે મારા ધારવા મુજબ એ ગ્રંથરત્ન પણ ઉપલબ્ધ છે.

ગોંડલના આ રાજયુગલે આમ ગુજરાતીભાષાને ચીરસ્થાયી એવા કરીને ઈતિહાસમાં પોતાનું સ્થાન અમર બનાવી દીધું છે.


(નોંધ:

આ ગ્રંથનું વીજાણુ માધ્યમમાં અવતરણ કરવાનું બીડું ઉદ્યોગપતિ રતિલાલ ચંદરયાએ ઝડપ્યું. અથાક શ્રમ પછી હવે આ ગ્રંથના તમામ ખંડ ઈન્‍ટરનેટ પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે, અને તે મોબાઈલ ફોન પર પણ જોઈ શકાય છે. તેમાં શબ્દોની શોધ અંગેની સુવિધાઓ પણ છે, જેથી વપરાશકર્તા માટે તે અતિ સરળ બની રહ્યો છે.)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

9 comments for “લ્યો,આ ચીંધી આંગળી :: ગોંડલના વિદ્યાપ્રેમી અને ખુદ વિદ્વાન મહારાજા ભગવતસિંહજી શબ્દને બ્રહ્મ માનતા

 1. August 21, 2017 at 2:15 am

  બહુ જ અભ્યાસુ લેખ. એની પીડીએફ બનાવીને ભગવદ સિંહજીના પરિચયમાં ઉમેરી દીધી –

  https://sureshbjani.wordpress.com/2017/08/20/gondal_bapu/

 2. ગુણવંત ધોરડા...જેતપુર
  August 21, 2017 at 11:21 am

  સરસ નવી પેઢી માટે ખુબજ માહીતી પ્રદાન કરતો લેખ

  સાર ભાવતસિંહજી બાપુ તથા રાણી સાહેબ ને તેમના આ ઉમદા કાર્ય બદલ સલામ…

 3. Piyush Pandya
  August 21, 2017 at 2:01 pm

  આ કાર્યમાં પાયાના પથ્થર સમા ચંદુલાલ બહેચરદાસનું નામ તો સાંભળ્યું હતું પણ તેઓના પ્રદાન વિશે તમે આંગળી ચીંધી ત્યારે ખ્યાલ આવ્યો. જિજ્ઞાસુઓ માટે ખુબ જ ઉપયોગી માહિતી આપી.

 4. Gajanan Raval
  August 21, 2017 at 6:55 pm

  Dear Rajnibhai,
  Shabda Brahma na Upasak no Parichay aapva badal aabhar…You Yourself is serving as an exponent to the shabda Bhagirathi Gujarati..
  With unending Love,
  Gajanan

 5. August 21, 2017 at 11:03 pm

  રજનીભાઇ, આ તમે એક વધારાનો સારો અને ઉપકારક લેખ કર્યો છે. અભિનન્દન. લેખ માહિતીસભર છે જ પણ એમાં તમારી પણ આવાં કામોને વિશેની નિસબત પણ દેખાઇ અવે છે. હું આને save કરી લઉં છું. સુમન શાહ.

 6. August 22, 2017 at 1:01 am

  અદભુત લેખ.
  વર્ષો પહેલાં હું ગોંડલ ગયેલો ત્યારે પૂજ્ય ચંદુભાઈ બહેચરદાસ પટેલની મુલાકાત લીધેલી જે ‘નવચેતન’ માસિકમાં પ્રગટ થયેલી. ‘ભગવદગોમંડળ’નું સર્જન કેવી રીતે થયેલું એ વિશે મુલાકાતમાં પૂજ્ય ચંદુભાઈએ વિગતવાર વર્ણવેલું.

  • Rajnikumar Pandya
   August 23, 2017 at 1:07 am

   વાહ,ગિરીશભાઇ, બહુ આનંદ થયો. એ લેખ જોવા -વાંચવા મળી શકે ?
   -રજનીકુમાર પંડ્યા

 7. August 24, 2017 at 2:54 am

  ‘રણજીતરામ સુવર્ણચન્દ્રક વિજેતા શ્રી. ચંદુલાલ બેચરલાલ પટેલની મુલાકાત’ ‘નવચેતન’ માસિકના સપ્ટેમ્બર ૧૯૫૭ના અંકમાં પ્રગટ થઈ હતી. મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે જતનપૂર્વક લેખ સાચવી રાખેલો તથા મારાં પ્રગટ થયેલાં ગદ્યસર્જનોની પાકા પૂંઠાની ફાઈલ બંધાવેલી એમાં એ પણ છે. ફાઈલમાંથી સ્કેન કરવાનું ફાવે એમ ન લાગતાં મુલાકાતને કોમ્પ્યુટરમાં એન્ટર કરીને ક્રમશઃ http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે.

 8. Gulabrai D. Soni
  August 27, 2017 at 5:17 pm

  શ્રી રજનીભાઈ,
  રજવાડા વિષે સામાન્ય રીતે એવી છાપ છે કે રાજા મહારાજા ભોગ વિલાસ અને એશોઆરામમય જીવન જીવતા હોય છે. પણ મહારાજ ભગવતસિંહજી એ બધાથી જુદા છે.ખૂબ જ ઉપયોગી અને ગુજરાતી ભાષાને જીવંત બનાવી ગયા છે. પૈસા જીવનમાં કદાચ ના રહે પણ આવા કાર્ય કરી જનારના નામ જરૂર અમર થઇ જાય છે.તેમના પત્ની નંદકુંવર બા પણ તેવા જ વિદુષી હતા તે આજે પહેલી વાર જાણ્યું.
  તમે પણ આવા છૂપા રત્નોની ખાણ શોધીને જાહેર જનતા જગ મૂકો છ તે પણ એક સત્કાર્ય છે.તે બદલ તમને પણ ધન્યવાદ ઘટે છે.ખૂબખૂબ અભિનન્દન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *