





— નિરુપમ છાયા
જીવન એક વિશાળ અને એ કરતાંય વ્યાપક ઘટના છે. એને સમજીને જીવવું એ એક મોટી કળા છે. આવી કળા બહુ ઓછા લોકોને સાધ્ય હોય છે. જીવનને યોગ્ય રીતે જીવવા કોઈ ઉચ્ચ લક્ષ્ય સાથે જોડવું એ ઉત્તમ ઉપાય છે. આવાં ઉચ્ચ કહી શકાય તેવાં અનેક લક્ષ્યો છે. શિક્ષણ પણ એવું એક લક્ષ્ય છે. શિક્ષણને જીવનકાર્ય બનાવી પૂરા રસ સાથે એમાં રમમાણ થનારા લોકો થકી શિક્ષણક્ષેત્ર રળિયાત બને છે. આજે તો અન્યની જેમ શિક્ષણ પણ એક વ્યવસાય બની ગયું છે. રળતર, મળતર અને વળતર શિક્ષણ સાથે જોડાઈ ગયાં છે. પણ એવાયે લોકો હજુ મળે છે જેઓએ આ ત્રિકોણમાંથી બહાર નીકળી, શિક્ષણને જીવન બનાવ્યું છે. આવા સમર્પિત લોકો થકી શિક્ષણમાં જીવન ઉમેરાયું છે, શિક્ષણ ચેતનવંતુ બન્યું છે, એટલું જ નહિ એ ચેતના સહુને સ્પર્શીને પ્રેરિત પણ કરી રહે છે. આવા શિક્ષકોને મળેલો આનંદ અસીમિત હોય છે અને એજ તેમની મૂડી હોય છે, ચારેય દિશાઓમાંથી પ્રાપ્ત થયેલો , ચારસો ટકા આનંદ.
આવા જ , શિક્ષક અને કેવળ શિક્ષક જ શ્રી હરેશભાઈ ધોળકિયાએ ‘ચારસો ટકા આનંદ’ પુસ્તકરૂપે પોતાનો આનંદ વહેંચ્યો છે. પુસ્તકના ચતુર્થ આવરણ પૃષ્ઠ પર લખ્યું છે એમાં પુસ્તકનું હાર્દ પ્રગટ થાય છે. “આ પુસ્તકમાં (લેખક) શિક્ષણ જગતમાં જે અદ્ભુત અને અનંત આનંદ મેળવ્યો તેની પ્રેરણાત્મક વાત સરળ રીતે રજુ કરે છે. બાળકને પ્રેમ કરતાં આવડે તો આ સમગ્ર વિશ્વ કેટલું આનંદમય છે તે આ પુસ્તકમાંથી સમજાશે, તથા દરેક વ્યક્તિને બાળકો માટેનાં ઉત્તમ કામ કરવા માટેની પ્રેરણા અવશ્ય મળશે જ.” આ પુસ્તકને લેખકે પોતાની આત્મકથા નહિ પણ શૈક્ષણિક આત્મકથા ગણાવી છે, એ જ બાબત લેખકનું શિક્ષણ સાથેનું કેટલું અદ્વૈત છે એ દર્શાવી જાય છે. જીવનમાં જે કઈ છે તે શિક્ષણ જ છે. આ પહેલાં લેખકે આયર્ન રેન્ડના વિચારોથી પ્રભાવિત થઈને તે ઉત્તમ વિચારોને ગુજરાતીમાં મૂકવા વિચાર્યું. અને સ્વાભાવિકપણે જ, પોતે જ્યાં અનુભવો મેળવ્યા એ શાળાનાં જ વાતાવરણને આધાર બનાવી નવલકથા લખી, ‘અંગદનો પગ’. આ નવલકથાને બહુ જ આવકાર મળ્યો. એની ૧૨ આવૃત્તિઓ થઈ. આનાથી અને શિબિરોમાં પોતાના શિક્ષણના પ્રયોગોના અનુભવો કહેતા ત્યારે શિક્ષકોના ‘આવું કેમ બને?’ જેવા નવાઈભર્યા પ્રશ્નોથી પ્રેરાઈને શૈક્ષણિક અનુભવોની વાત મૂકવી જોઈએ એવું લાગ્યું જેના પરિપાકરૂપે આ પુસ્તક આવ્યું. લેખકે ૨૦ વર્ષ ભુજની એક જ શાળામાં શિક્ષક તરીકે કાર્ય કર્યું અને પછી પાંચ વર્ષ અન્ય શાળામાં આચાર્ય તરીકે કાર્ય કર્યું. પણ શિક્ષક કે આચાર્ય આ બન્ને વચ્ચે એમના માટે કોઈ ભેદ જ નહોતો કારણકે અગાઉ કહ્યું તેમ એમનો અદ્વૈત ભાવ હતો (અને છે) – શિક્ષણ. અને લેખક બીજી કોઈ જગ્યાએ કોઈ કામ મળતું નહોતું એટલે શિક્ષક થયા એવું પણ નથી. શિક્ષક શા માટે થયો એની સ્પષ્ટતા કરતાં એમણે કલેકટર કચેરી, બેંક, એસ. ટી. વગેરેમાં જોડાવા મળેલા અવસરોની વાત કરી જ છે. એમ તો ગ્રંથપાલ થવાની કે આઈ એ એસ થવાની ઈચ્છા પણ થઈ હતી. પણ બાળપણથી જ વાચનનો શોખ અને તે પણ કેવો કે પુસ્તકાલય શરુ થયું તો પ્રથમ સભ્ય થવાની જ ઈચ્છા. વાંચતા વાંચતા દયાનંદ, ગાંધીજી, વિવેકાનંદ, અને પ્રિય લેખક ર વ દેસાઈની ગ્રામલક્ષ્મી અને અન્ય નવલકથા વગેરેના પ્રભાવોમાં ઝોલાં ખાધાં એની પણ એક ઘેરી અસર ખરી. અને લેખક કહે છે તેમ, શિક્ષક પણ, આમ નક્કી કર્યું અને નથી થઈ જવાયું. બે ત્રણ ઇન્ટરવ્યુ આપ્યા પછી, પસંદગી થઈ. છેવટે, ૪થી જુલાઈ ૧૯૬૬ નો એ દિવસ આવી પહોંચ્યો અને લેખક નોંધે છે તેમ ‘-અને હું શિક્ષક બન્યો.’
આ પુસ્તકને મુખ્ય રીતે ત્રણેક ભાગમાં વહેંચી શકાય. પ્રથમ શાળા અને વાતાવરણ, પ્રયોગ અને આ પ્રયોગો માટે પ્રેરિત કરતી પ્રવૃત્તિઓ અને આનંદ સાથે પછી મળેલી કેટલીક સંતોષની પળો. પુસ્તક પરથી જાણી શકાય છે કે લેખકે જે કઈં કર્યું છે તેમાં શિક્ષણભાવનો જ વિસ્તાર અને સતત એનું જ સંવર્ધન કરવાની ખેવના વર્તાય છે. એટલે જ વિવિધ પ્રકરણોમાં પોતાને જ્યાં જ્યાં જવાનો કે જોડાવાનો અવસર મળ્યો છે, પ્રવૃત્તિ કરી, તેની લેખકે વાત કરી છે ત્યાં પોતે સમૃદ્ધ જરૂર થયા છે , પણ છેવટે તો એમના થકી શિક્ષણ જ સમૃદ્ધ થયું છે. શિક્ષક તરીકે પ્રથમ દિવસ ઘણો હળવાશ ભર્યો રહ્યો. શાળામાં વાતાવરણ કડક હતું, એમાં અંગ્રેજી જેવા મોભાદાર વિષયને લીધે અને હળવાશભર્યા વર્તનને કારણે વિદ્યાર્થીઓએ પણ હળવાશ અનુભવી. આ ઊંચા અને પડછંદ તરુણોના જીજ્ઞાસાભાવને સમજી લેખકે પોતે વાંચેલી રહસ્યકથાઓના માધ્યમથી પણ આકર્ષીને સંતોષ્યો અને પછી તેમના મિત્ર બની રહ્યા. વિદ્યાર્થીઓ તેમની સાથે ઊભા રહી વાતો પણ કરતા. આ તેમના વર્ગશિક્ષણનો પ્રભાવ હતો. શિક્ષકો અને શિક્ષકખંડના વાતાવરણની વાત કરતાં આ બાબતો પણ શિક્ષણને કેવી પોષક રહી તે નોંધે છે. આચાર્ય જૂની પેઢીના પણ વિવિધ પ્રવૃત્તિઓ, તાલબદ્ધ પી. ટી., એનસીસી, સ્કાઉટ, વિશિષ્ટ દિવસોની ઉજવણી વગેરે દ્વારા તેમની પ્રતિભાને દર્શાવીને પોતા પ્રત્યે પૂર્વગ્રહ છતાં કામને કારણે કેવા અંગત વડીલ બની રહ્યા તે બધી વાતો રસપ્રદ રીતે જણાવી છે. સમયના પ્રવાહ સાથે પરિવર્તન આવતાં રહે છે અને છેવટે લેખક એ શાળામાંથી વિદાય લઈ આચાર્ય તરીકે બીજી શાળામાં જાય છે ત્યાં પણ શિક્ષણનું વાતાવરણ કેવી રીતે રચાય છે અને છેલ્લે નિવૃત્ત થાય છે એ બધી ઘટનાઓ ક્રમિક રીતે મૂકી છે.
આ પ્રથમ તબકકો એવું લાગે કે ઝડપથી પસાર થઈ જાય છે. પણ અહીં કાર્યનો અનુભવ પ્રાપ્ત કરતાં કરતાં, શિક્ષણ લેતે લેતે શિક્ષણનું કાર્ય કરે છે. આ ગાળા દરમિયાન જ તેઓ સ્કાઉટની જવાબદારી સંભાળે છે, રાષ્ટ્રીય કક્ષાએ શિબિરમાં વિદ્યાર્થીઓ સાથે શાળાનું પ્રતિનિધિત્વ પણ કરે છે. આ પ્રથમ તબક્કાનાં ત્રણ-ચાર વર્ષ એક રીતે ઘડતરકાળ છે પણ અહીયે આત્મીયતાપૂર્વક શિક્ષણ સાથે જોડાતા રહે છે. આ જ તબક્કામાં તેમના કાર્યકાળનો છેડો પણ છેલ્લાં પાંચેક વર્ષોમા સ્પષ્ટ જાણી શકાય છે.
બીજો ભાગ એવો છે જેમાં પ્રયોગો અને પોતે સંચિત કરેલા અનુભવોની વાતો છે. પણ એક ભર્યું ભર્યું શૈક્ષણિક જીવન કેવું હોય તેનો એક ચિતાર – માર્ગદર્શક પણ ખરો- મળે છે. શિક્ષકે પોતાનાં ક્ષેત્રમાં કેવી રીતે શિક્ષકત્વને ચેતનવંતું રાખવું જોઈએ એ સમજવા મળે છે. પ્રયોગોની વાત કરીએ ત્યારે સહુથી પ્રથમ પ્રાર્થનાસભા આવે છે. શાળાનો પ્રારંભ જેનાથી થાય, વિદ્યાર્થીને સમગ્ર દિવસ દરમિયાન જિજ્ઞાસુ અને સ્ફૂર્તિલા રાખે એ પ્રાર્થનાસભા શાળાના મોભ સમાન ગણાય. એને ચેતનવંતી બનાવવા, વિદ્યાર્થીના ઘડતરનું મહત્વનું અંગ બનાવવા એમણે જે પ્રયોગો કાર્ય તે અદ્ભુત છે. શહેરમાં કોઈપણ મહત્વની વ્યક્તિ આવે તેને શાળામાં સંવાદ માટે નીમંત્રવી, ફિલ્મોનો પરિચય –તે કેમ જોવાય – દિગ્દર્શનકળા , છબિકળા , અભિનય વગેરે તમામ પાસાં સાથે કરાવવો, ફિલ્મ સંગીત, તેમાં વાદ્યોનો ઉપયોગ, શાસ્ત્રીય વાદ્યો અને સંગીત સંભળાવી વિદ્યાર્થીઓને રસ લેતા કરવા, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયના પાઠોની નાટ્ય રૂપે ભજવણી, પ્રાર્થનાનો વિસ્તૃતપણે અર્થ, આ અને આવું તો ઘણુંયે પ્રાર્થના સભામાં સમાવાતું. સત્ર શરૂ થાય ત્યારે દરરોજ એક શિક્ષક પોતાનો પરિચય આપે, પોતાના અનુભવો કહે અને આમ વિદ્યાર્થીઓનો શિક્ષક સાથે એક અનુંબંધ રચાય. કેટલાય પ્રયોગો પ્રાર્થનાસભામાં થયા અને વિદ્યાર્થીઓ માટે જાણે ક્ષિતિજો ઉઘડતી. વિદ્યાર્થીઓ પ્રાર્થનાસભામાં આજે શું હશે એની જિજ્ઞાસા અને ઉત્કંઠાથી રાહ જોતા. એ જ રીતે સમાજવિદ્યા ખંડ,. કારકિર્દી માર્ગદર્શન ખંડમાં અનેક વિવિધતાઓ રચી. વિવિધ દેશોની એલચી કચેરીઓ સાથે પત્રવ્યવહાર કરી એ દેશોની માહિતી એકઠી કરી. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા, પટાવાળાથી લઈને ઉચ્ચ અધિકારીઓનો ઇન્ટરવ્યુ લેવા વિદ્યાર્થીઓને મોકલી જાતે દરેક વ્યવસાયની ઊંડી જાણકારી અપાવી. સગવડ નહોતી અને વાચનની ટેવ વિકસાવવા વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ છાપાં, સામયિકો વગેરે મગાવી તેને વાચન માટે ગોઠવી વાચનની વ્યવસ્થા કરી. વિદ્યાર્થીઓની વક્તૃત્વની કળા વિકસાવવા તેમણે વ્યવસ્થિત તાલીમ આપવા જે પદ્ધતિ અપનાવી તે પણ ઘણી પરિણામકારી રહી અને આને કારણે કેટલાય વિદ્યાર્થીઓ તૈયાર થયા. આવી બધી જ પ્રવૃત્તિઓને કારણે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ વિશિષ્ટ સંબંધો ગાઢ થતા રહ્યા.
લેખક એક સ્નાતક હતા અને શિક્ષક થયા. શિક્ષણની સ્નાતક પદવી તેમની પાસે નહોતી અને શિક્ષણતંત્રના નિયમ અનુસાર એ જરૂરી હતી એથી એ માટે અલિયાબાડા ગયા. આ સમય પણ તેમણે માણ્યો છે. એક શિક્ષક જ્યારે વિદ્યાર્થી તરીકે ભણે ત્યારે પણ કેવો આદર્શ ઊભો કરી શકે છે તે ખ્યાલ આવે છે. સુંદર પુસ્તકાલયનો ઉત્તમ ઉપયોગ, જિજ્ઞાસા, ઉત્તમ વ્યક્તિઓ પાસે હોવા છતાં પ્રભાવિત થયા વિના તેમના જ્ઞાન અને અનુભવમાંથી શીખતા રહેવું વગેરે ઘણી બાબતો પ્રત્યક્ષ થાય છે. લેખક જેમ શિક્ષક તરીકે પ્રયોગો કરતા રહી વિદ્યાર્થીઓનો પ્રેમ મેળવતા રહ્યા તેમ, વિદ્યાર્થી તરીકે પણ એટલા જ જિજ્ઞાસુ, શીખવાની ધગશ ધરાવતા અને સારું મળે તેને મુગ્ધતાથી માણવું એ તેમનો મુખ્ય ભાવ જણાય છે. વ્યાખ્યાન માટે આવતા વક્તાઓ સાથે પ્રશ્નોત્તરી, વિવિધ આયોજનો , કાર્યક્રમોમાં નેતૃત્વ, રજનીશજીને સાંભળવા ખાસ રાજકોટ જવું, ગાંધી જયંતિને દિવસે પોરબંદરમાં જ્યુથિકા રોયને સન્મુખ સાંભળવાનો લ્હાવો જેવા તેમણે આલેખેલા પ્રસંગો આપણને રોમાંચિત કરી દે છે. એ જ રીતે, અસંખ્ય શિબિરો, ગુજરાત અને દેશના શિક્ષણકારો, લેખકો, સર્જકો સાથેનો એમનો સંપર્ક એમનાં શિક્ષક્ત્વને સતત સંમાર્જિત કરતાં રહે છે અને એનો લાભ પરોક્ષપણે વિદ્યાર્થીઓને પણ મળે જ ને? કારણકે છેવટે તો બધું ઇદમ ન મમ, શિક્ષણાય સ્વાહા હતું ને?
આ પુસ્તકનો ત્રીજો ભાગ એટલે વિદ્યાર્થીઓ સાથે વિવિધ સમયે થતા અનુભવો, જે તેમને પોતાને પણ જાણે આશ્ચર્યચકિત કરી દે છે. વિદ્યાર્થીઓને આપેલો પ્રેમ આવા મહાસાગરની છાલક જેમ ભીંજવે છે એ એમને માટે પણ કલ્પનાતીત લાગે છે. પણ પુસ્તકને અંતે લેખક નોંધે છે તેમ, ‘….પણ હા, તેના માટે જરૂરી છે વિદ્યાર્થીઓ પ્રત્યે અનર્ગળ વહાલ અને પ્રેમ. તેમને પળેપળ આપવી પડે છે. તેઓ ઘડાતા હોય ત્યારે તેમના સાથે ઊભા રહેવું પડે છે, માતાપિતા,મિત્ર, શિક્ષક, એવી અનેક ભૂમિકાઓ ભજવવી પડે છે.’
‘ચારસો ટકા આનંદ’ ફક્ત શિક્ષકો માટે જ છે એવું નથી, માતાપિતા માટે પણ પોતાનાં બાળકોને કેવી રીતે ઉછેરી શકાય, કેવા કેવા પ્રયોગો દ્વારા તેમને જિજ્ઞાસુ બનાવી શકાય, તાલીમ કઈ રીતે આપી શકાય તે માટે માર્ગદર્શક બની શકે છે. ૨૧મી સદીના પડકારોને ઝીલવાની તૈયારી પણ અહીંથી જ મળશે.
‘ચારસો ટકા આનંદ’
પૃષ્ઠ: ૧૬૫, મૂલ્ય રૂ. ૧૩૫
પ્રકાશક: આર. આર. શેઠ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ -૪૦૦૦૦ર.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com
બહુ જ સરસ પુસ્તક પરિચય. શિક્ષણમાં રસ હોય તે સૌએ વાંચવા જેવું પુસ્તક. તમને જાણીને આનંદ થશે કે, અહીં આ લેખના અંશ પ્રકાશિત કર્યા છે –
http://evidyalay.net/archives/813959