કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

શૉપમાં પ્રવેશતાં જ પોલીસે પૂછ્યું, ‘આર યુ મિસ્ટર કાલુ ?’

‘યસ, કમ ઈન’ બોલતી વખતે મનુભાઈના તોછડા અવાજાઅં અચાનક નમ્રતા આવી ગઈ, પૂછ્યું, ‘ વોટ કેન આઈ ડુ ફોર યુ ?’

બે પોલીસમાંથી એક આફ્રિકાથી આવેલા પંજાબી ભાઈ હતા અને ગુજરાતી પણ સારું બોલતા હતા. તેમણે પૂછ્યુ, ‘તમારા મધરનું નામ ધનુબેન છે ?’

અત્યાર સુધી મનુભાઈને હતું કે કદાચ પેલા છોકરાઓએ ધમાલ કરી તેને લગતું કાંઈ હશે, પરંતુ અચાનક તેમના મધરનું નામ પૂછાતાં જ ગભરાઈ ગયા, ‘યસ, વોટ હેપન્ડ ?’

અંગ્રેજ પોલીસે કહ્યું, ‘વી ફાઉન્ડ હર ઈન ધ પાર્ક ક્રાઈંગ. ‘( પાર્કમાંથી અમને મળ્યા ત્યારે રડતા હતાં )

પંજાબી પોલીસે આગળ સંભાળી લીધું, ‘ડોન્ટ વરી. અમને એમના ડ્રેસના પૉકેટમાંથી અહીંનુ એડ્રેસ મળ્યું એટલે અમે એમને અહીં લઈ આવ્યા છીએ.’

થોડીવાર પહેલાનો ગુસ્સો ગભરાટમાં ફેરવાઈ ગયો, ‘ ક્યાં છે ?’

‘કારમાં એક લેડી પોલીસ સાથે બેઠા છે.’ કહી પેલા પંજાબી પોલીસ તેમને લેવા ગયા. 

એ દરમ્યાન શૉપમાં આવતા ગ્રાહકને ‘શૉપ બંધ છે’ કહી પાછા વાળ્યા અને ઘરે સરલાબહેનને ફોન કરવા જાય છે ત્યાં તો તેમના બાને લઈને પેલી મહિલા પોલીસ અંદર આવી. એમની પાછળ જ પેલા પંજાબી પોલીસે પ્રવેશ કર્યો. 

મનુભાઈને જોતાં જ ધનુબા એમને વળગી પડ્યાં અને જોર જોરથી રડવા લાગ્યાં.

મનુભાઈના ગુસ્સાએ ફરી દેખા દીધી. વળી તેમાં ‘માની સંભાળ ન રાખતા હોય’ એવા પોલીસના વણ-બોલાયેલા વર્તનથી અકળામણ અને ક્ષોભ તેમાં ઉમેરાયા. પછી તો પૂછવું જ શું, તમે ઘરમાંથી બહાર કઈ રીતે નીકળ્યા ? અને બહાર નીકળ્યા જ કેમ તમે ?’ પંજાબી પોલીસે થોડી કડકાઈથી મનુભાઈને શાંત મગજે કામ કરવાની સલાહ આપી અને તેમને પાણી આપવા કહ્યું. શૉપના ફ્રીજમાંથી ચાર પાણીની બોટલો લઈ આવીને પોલીસ અને બાને આપી. મનમાં ધુંધવાયેલા મનુભાઈને હવે શું કરવું તે સમજાયું નહીં. પોલીસવાળાઓએ મનુભાઈને તેમની બાનું ધ્યાન રાખવાનું કહી રજા લીધી. હવે શું કરે ? ત્યાં તો ફોન આવ્યો. ફોન ઉપાડતાં જ સરલાબહેનનો અવાજ સાંભળીને મનુભાઈ તેમના પર વરસી પડ્યા, ‘ કેમ આટલી બધી વાર લાગી ઘરે પહોંચતા ?’

ઘરે બાની ગેરહાજરીથી અકળાયેલા અને મુંઝાયેલા સરલાબહેને મનુભાઈના ગુસ્સાને અવગણીને ગભરાયેલા અવાજે બા ઘરમાં નથીના સમાચાર આપ્યા. ધનુબાને હમણાં જ મુકી ગયેલા પોલીસોનો રુઆબ ત્યાં રહી ગયો હતો તે મનુભાઈ પર સવાર થઈ ગયો, ઊલટ તપાસ કરતાં હોય તેમ પૂછ્યું, ‘અહીં આવી ત્યારે ડોર સરખું લૉક કર્યું હતું ?’

સરલાબહેન પણ જાણે ગુન્હેગાર હોય તેમ સંકોચથી બોલ્યા, ‘હા, મેં તો બરાબર લૉક કર્યું હતું…પણ હવે એમને ક્યાં શોધીયે ?’

પોલીસ પાસે નીચા જોણું થયું તેનો ભાર ઉતારવા બે જણ હવે તો મનુભાઈને મળ્યા એટલે ધનુબા સામે ગુસ્સાથી જોઈને તમણે સરલાબહેનને કહ્યું, ‘આ અહીં બેઠા.’

સરલા બહેને આવી કોઈ શક્યતા વિચારી જ નહોતી એટલે ભારોભાર આશ્ચર્ય સાથે પૂછ્યું , ‘ત્યાં કઈ રીતે આવ્યા ? સવારના ય આજે તો…’

બોલતા બોલતા અટકી ગયા.

હવે આશ્ચર્ય બતાવવાનો વારો મનુભાઈનો આવ્યો, ‘શું કર્યું હતું સવારે ? અને પછી તું અહીં આવી તો ય મોંમાંથી ફાટતાં શું થતું હતું ?’

સવારના બની ગયેલી એ ઘટનાથી સરલાબહેન અપસેટ તો હતા પણ વચ્ચે ઘણું બધું બની ગયું હતું. ધનુબાએ લીધેલા આ પગલાથી ભાગ્યે જ ગુસ્સે થતા સરલાબહેને પોતાના ગુસ્સાને પ્રયત્નપૂર્વક સંયમમાં રાખી બાએ મોટીબહેન લતાને ‘સાંજે વહુ જમવાનું ઓછું આપે છે ‘ની ફરિયાદ કરી હતી તે કહ્યું.

મનુભાઈને ખબર છે કે ધનુબાને અંગ્રેજી ન આવડતું હોવાથી સામાન્ય સંજોગોમાં કોઈને પણ ફોન કરતા નથી એટલે લતાને બાએ ફોન કેવી રીતે કર્યો તેનું આશ્ચર્ય બતાવ્યું. તેના ખુલાસામાં સરલાબહેને જણાવ્યું કે ધનુબાએ નહીં પરંતુ લતાબહેનનો સામેથી ફોન આવ્યો હતો.

લતાબહેન, મનુભાઈના મોટાં બહેન થાય. બાની ખબર કાઢવા સવારના ફોન કર્યો ત્યારે ડોસીમાથી ફરિયાદ થતાં તો થઈ ગઈ, પણ પછી લાગ્યો ડર !

સરલાબહેન શૉપ ઉપર જવા માટે નીકળતાં હતાં અને લતાબહેનનો ફરીથી ફોન આવ્યો અને ભાભીને ખૂબ ખરી-ખોટી સંભળાવી. ‘ બાને ભૂખે મારવાનું પાપ કરો છો તો નરકમાં જશો….’ જેવો શ્રાપ પણ આપ્યો. સરલાબહેન ઝગડાથી કાયમ દૂર રહેવામાં માનતા હોવાથી ચુપચાપ સાંભળ્યું અને પછી ફક્ત એટલું જ કહ્યું, બાને સાંજે ખોરાક પચવામાં તકલિફ પડે છે એટલે તમારા ભાઈએ જ…’

ભાગ્યે જ સામે જવાબ આપતા ભાભીને તતડાવાનું સહેલું હતું એટલે લતાબહેને નણંદપણું બતાવવા માંડ્યું. ‘ બધું મારા ભાઈને નામે ન ચઢાવો તમે. સાંજે જમવાનું તો તમે જ એને આપો છો ને ? ગરીબ ઘરનાં છો એટલે તમારો જીવ ટૂંકો હોય તેમાં શું નવાઈ ? તમારાથી બા સંભાળાતા ન હોય તો હું લઈ જઈશ,’  વિગેરે વિગેરે કહી ફોન મૂક્યો

સરલાબહેન જેવા શૉપ પર જવા નીકળ્યા કે તરત જ ‘મનુ ખીજવાશે’ના ડરે ધનુબા પાછલે દરવાજેથી લતાને ત્યાં જવા નીકળી તો ગયા અને ડાબે-જમણે વળીને બસ સ્ટોપ શોધવા ગયા પરંતુ રસ્તાથી અજાણ્યા ધનબા પહોંચ્યા એક પાર્ક પાસે. ગજવામાં લતાના સરનામાની ચિઠ્ઠી રાખી છે તે કોઈને બતાવીને બસમાં જવાનો વિચાર પસીના ભેગો વહી ગયો. લતા પાસે બહુ વખત પહેલાં તેમણે તેના ઘરનું, મનુભાઈના ઘરનું, મોટી વહુ વનિતાના ઘરનું, મનુભાઈની શૉપનું એવા જરૂરી સરનામાઓની ચિઠ્ઠીઓ અંગ્રેજીમાં લખાવી રાખી હતી. અંગ્રેજી વાંચતા ન આવડે એટલે પહેલી જે ચિઠ્ઠી હાથમાં આવે તે લઈને નીકળી તો ગયા જે મનુભાઈના શૉપના સરનામાની ચિઠ્ઠી હતી, પાર્કમાં ફરતા થોડા લોકોને ચિઠ્ઠી બતાવી પરંતુ બધાએ માથું હલાવી ના કહી એટલે પછી બાંકડે બેસી પડ્યા. પાછા ઘરે જવાનો વિચાર તો કર્યો પરંતુ પાછલા બારણા પર યેલનું લૉક હતું અને તેની ચાવી ધનુબા પાસે નહોતી. હવે ઘરમાં કઈ રીતે જાય ?

પાર્કમાં અંદર બહાર જતી આ ‘ઑલ્ડ ઈન્ડિયન લેડી’ને પાર્ક સામે રહેતી એક અંગ્રેજ સ્ત્રી ક્યારની જોતી હતી. પછી જ્યારે તેણે જોયું કે તે ડોસી બાંકડે બેસી રડે છે ત્યારે તેની પાસે એ ગઈ, ‘શું તકલીંફ છે’ પૂછ્યું પરંતુ એ ઓલ્ડ લેડીને અંગ્રેજી આવડે તો જણાવે ને ! આખરે તેણે મોબાઈલ પરથી પોલીસને ફોન કર્યો.

શૉપ પર જતાં બસમાં બેઠેલા સરલાબહેન વિચારે ચઢ્યા,ં આ ઘરની વહુ બન્યાને પણ ત્રણ ત્રણ દાયકા થઈ ગયા તો પણ હજુ ય તેમને ‘ગરીબ ઘરની દીકરી’નું મ્હેણું સાંભળવું પડે છે. બધા તો એ મ્હેણું મારે, મનુભાઈ પણ સમય આવ્યે આ સંભળાવ્યા વગર છોડે નહીં.

મનુભાઈએ ધનુબાને પાછળના રૂમમાં સુવડાવી શૉપ ફરી ખોલી. કારણ ‘ઑફ લાયસન્સ’ (શરાબ)ની ઘરાકી સાંજે જ થાય એટલે શૉપ ઝાઝીવાર બંધ રાખવી પાલવે નહીં. મનમાં ડોસીમા પર ગુસ્સો તો એવો આવ્યો હતો ને ! ભલે મારી સાથે દસ વાગ્યેજ ઘરે લઈ જઈશ ત્યાં સુધી અહીં જ પડી રહેવી દઉં, બીજી વાર આવી ધમાલ કરતાં સો વાર વિચાર કરશે. ત્યાં ફરી સરલાબહેનનો ફોન આવ્યો અને બીતાં બીતાં સૂચવ્યું કે ‘ બાને ટેક્સીમાં ઘરે મોકલી દો. ‘ સરલાબહેન સામાન્ય રીતે સાત-સાડા સાત વાગ્યે બા ભેગા જ જમી લે અને આઠ વાગ્યે રાતની શીફ્ટ કરવા જતા રહે. આજે હવે શું કરવું તેની મુંઝવણમાં મનુભાઈને ફોન તો કર્યો….

‘ કેમ પૈસા બહુ વધી પડ્યા છે? ટેક્સીનો ખર્ચ તારો બાપ આપવાનો છે ? ભલે આજે અગિયાર વાગ્યા સુધી ભૂખ્યા ટીચાય, ખબર તો પડે કે તેમનો દીકરો કેટલા વીસે સો કરે છે!’

કંપાલામાં ભરયુવાનીમાં વિધવા થયેલા ધનુબાએ ત્રણ બાળકો – ગનુ, મનુ અને લતાને એકલે હાથે મોટા કર્યા હતા.  ‘કેટલા વીસે સો ‘થાય તેની ખબર મનુભાઈ કરતાં ધનુબાને વધારે હશે તે વાત મનુભાઈ ભૂલી ગયા !

સરલાબેહને ચૂપચાપ ફોન મુકી દીધો. મનુભાઈ બીજાને સજા કરીને પોતાના અહ્‍મને પોષે અને માને છે કે તેથી જ તો એમના ઘરના લોકો સીધા ચાલે છે. તેમને ખબર નથી કે બે દીકરા અને દીકરી તેમનાથી દૂરને દૂર કેમ રહે છે !

લગભગ સાડા આઠેક વાગ્યે મનુભાઈની શૉપમાં તેમનો એક ગ્રાહકો જે હવે ફ્રેંડ થઈ ગયો છે, રાજુ- આવ્યો એટલે રોજના નિયમ મુજબ મનુભાઈ ટૉયલેટ જવા અને પછી બન્ને માટે ચા બનાવવા પાછળના રૂમમાં ગયા. કામમાં વ્યસ્ત મનુભાઈ ભૂલી ગયા હતાં કે બા પાછળના રૂમમાં છે. શૉપ અને રૂમની પાછળ ટૉયલેટ છે એટલે રૂમમાંથી જ ટૉયલેટમાં જવાય. મનુભાઈ જેવા રૂમમાં પ્રવેશ્યા તેવી જ તેમનાથી રાડ પડાઈ ગઈ.


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

1 comment for “કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨

  1. niru
    August 24, 2017 at 7:36 am

    wow!nicely narrated….especially the end….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *