





–અનિલ ચાવડા
ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?
કંઠ સુધી આવેલી ચીસને દબાવવાનો પાડ્યો આ કોણે રિવાજ?
અંદર ને બ્હાર બેઉ બાજુથી પીગળીએ
તોય કેમ રેલો દેખાય નૈં?
કુહાડી વાગતાં જ વૃક્ષમાંથી નીકળતાં
પાણીને આંસુ ક્હેવાય નૈં?
નવા નક્કોર મળે શ્વાસ તોય કેમ નથી રહેવાતું કાયમ નવા જ?
ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?
ક્યાંથી આ આવે છે અદકેરું પંખી
જે છાતીમાં બાંધે છે માળો?
જાય વળી ઊડી ક્યાં અધકચરી ઇચ્છાની
બટકેલી મૂકીને ડાળો?
એવા તે જીવતરને શું કરવું બોલો જે આવે છે પાછું જવા જ?
ધબ્બ્બ… દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?
* * *
સંપર્ક સૂત્રો :-
ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com મો. 09925604613
ર.પા. યાદ આવી ગયા.
ઘણા વખત પછી આ સરસ મજાનું પ્રશ્ન ગીત વાંચવા મળ્યું. અનીલ ભાઈ અને વેગુ નો આભાર.
આભાર,મુ.સુરેશભાઈ..
અમે ( વે.ગુ.) આવા સુંદર ગીતોની શોધમાં હરહંમેશ હોઈએ છીએ અને આપના જેવાના પ્રોત્સાહનથી એમાં ઉમેરો થયા કરે છે.