





કવિ શ્રી મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ (૨૪-૧-૧૯૨૭ // ૨૫-૬-૧૯૭૬). જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીનો અભ્યાસ. પોતાના જાતિગત વ્યવસાય (ચૂડી-બલૈયા બનાવતા ચૂડગર)ની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. અમદાવાદમાં અવસાન. (ગુ.સા.પ)
+ + + + +
કવિ શ્રી પ્રિયકાન્ત મણિયારની રૂબરૂ મુલાકાત : ગુજરાત સાહિત્ય અકાદમી માટે તૈયાર કરનાર લેખક અને નિર્દેશક શ્રી સુભાષ શાહ
+ + + + +
રાધા-કૃષ્ણ માટે લખાયેલા અર્વાચીન કાવ્યોમાં આ કાવ્ય શિરમોર જેવું છે.
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !
(સાભાર સૌજન્ય: www.tahuko.com)
:: રસદર્શન ::
આ કાવ્યમાં એક પછી એક આવતાં કલ્પનની તાજગી આપણા કાનને વિસ્મિત કરે એવી છે. દ્વૈત અને અદ્વૈત ની એક અનન્ય લીલા લયમાં પ્રગટી ઊઠી છે. અદ્વૈત ની અનુભૂતિ માટે પણ દ્વૈત અનિવાર્ય છે. અને દ્વૈતની પરમ સાર્થકતા અદ્વૈતમાં છે. બંને જુદા છે અને બંને સાથે છે. બને એક છે એકરૂપ છે અને એકાત્મક છે. આ એક અનોખા સંગનું કાવ્ય છે. નિરખને ગગનમાં એમ કહ્યા વિના જ આપણી આંખને કવિ સીધી આકાશ તરફ લઇ જાય છે. આ ઝૂકેલું આકાશ કાનજી છે. અને એ પ્રસરેલી ચાંદની રાધા છે. આકાશ ન હોય તો ચાંદની પ્રસરે ક્યાંથી ?
નભથી પાછા ધરતી પર. આ સરવર જળ તે શ્યામ ને એમાં ઝૂલતી પોયણી તે રાધા.
આ રાધાનો ઉલ્લેખ ભાગવતમાં તો ક્યાંય નથી. એમ પણ કહેવાય છે કે કૃષ્ણે પોતાના વામાંગમાંથી રાધાને પ્રગટાવી છે. કૃષ્ણ ને રાધા કે રાધા ને કૃષ્ણ. પ્રેમનાં અપૂર્વ પ્રતીકો છે. અહીં જાણે રાધા-કૃષ્ણની નવે નામે – નવે રૂપે જુદીજુદી રીતે કવિ આપણને ઓળખ આપે છે. જાણે કશુંક આંગળી ચીંધી ને બતાવતા ન હોય ? આ બાગ ખીલ્યો તે વૃંદાવનવિહારી છે અને દેખાતી નહીં, છતાંયે અંગે અંગને સ્પર્શી જતી પવનની લહેરખી તે રાધા છે. આ પર્વત-શિખર કાનજી છે અને કેડી તે રાધા છે.
કાવ્ય એટલું સરળ છે કે ખરેખર તો એને સમજવાની જરૂર જ ન પડે. જેમજેમ મનમાં ઘૂંટો તેમતેમ એનો અર્થ આપમેળે પ્રગટ થતો આવે. કવિ કોઈ સ્થૂળ સમીકરણમાં નથી સરી પડ્યા. આ વહી જતા ચરણ એ કાનજી છે અને પડી રહેતી પગલી રાધા છે, આ કાળા કેશ તે કાનજી અને આ સેંથી તે રાધા છે. આ દીપ તે કાનજીને આરતી રાધા છે. છેલ્લી પંક્તિ પરાકાષ્ટા છે. લોચન એ કાનજી છે અને નજરુ છે એ રાધા છે. કથાનો સારાંશ આપી શકાય, કવિતાનો કેમ આપી શકાય ? …અને છતાંયે આપ્યો.
કવિતાની ખૂબી એ છે કે કવિએ આકાશ બતાવ્યું આંખને અને આખું કાવ્ય સમેટાયું પણ આંખમાં. પ્રકૃતિનાં તત્વોને એટલે કે, સરવર જલને, બાગને અને પર્વતને કવિએ સાંકળી લીધાં. આકાશથી ધરતી સુધીનાં તત્વોમાં વ્યાપેલું રાધા-કૃષ્ણનું સત્વ આપણને બતાવ્યું. પણ કવિ અહીં જ અટકી ન ગયા એ સારું થયું. આપણા અંગેઅંગમાં પણ એ કઈકઈ રીતે વ્યાપ્ત છે અને આપણે એના વડે કેટલી હદે સંપૂર્ણ છીએ એનો પણ અણસારો આપ્યો। કેશ અને સેંથીમાં સમાયેલું સૌભાગ્ય, દીપ અને આરતીમાં રહેલો માંગલ્યપૂર્ણ ભક્તિભાવ અહીં પ્રગટ કર્યો. એક વખત ચંદ્રવદન મહેતાએ હરીન્દ્ર દવેનાં પ્રસિદ્ધ ગીત નજરું લાગીનાં સંદર્ભમાં કહ્યું હતું કે કવિએ નજર શું છે એ આપણને કાવ્યાત્મક રીતે કહ્યું છે. બે પાંપણની વચ્ચેથી સરકી આવતી સાપણ તે નજર છે.
આદિથી અંત લગી પ્રિયકાન્તનું આ ગીત કોરા કાગળ પર વૃક્ષની જેમ ઊગે છે અને દ્વૈત-અદ્વૈતની અખિલાયનો અનુભવ આપે છે.
– લેખક: સુરેશ દલાલ
પુસ્તક: “ભજન યોગ”
આ સુંદર કવિતાની મીશ્ર ખમાજમાં સંગીત રચના અજીતભાઈ અજિત શેઠ કરી અને એ જ બંદિશ ઘણાં લોકપ્રિય ગાયકોએ પ્રેમથી ગાઈ અને પ્રેક્ષકોની દાદ પણ ખુબ મળી.
અજિત શેઠની બંદિશ, હરીશ ભીમાણી ની પ્રસ્તાવના અને નિરુપમા શેઠનો કંઠ
હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં
ભુજનાં હેમાબેન નાણાવટી
https://youtu.be/UD1dqMUmYOc
હવે સાંભળો હેમાબેન અને આશિત દેસાઈ
આનલ વસાવડા
સોનલ શાહના સ્વરમાં
આ જ ગીત પર નૃત્ય: કલાકાર રેખા દેસાઈ
એક સુંદર રજૂઆત – “મોરપિચ્છ” આલ્બમમાં આરતી અને શ્યામલ મુનશી
હવે સાંભળીયે એક સમુહ ગાન
ગીત ક્રમાંક ૩૯ [1.03.0 થી 1.04.32 સુધી] – લગભગ દોઢ મિનિટનું સરસ કોરસ
આડવાત:
ગુજરાતી ગીતોમાં કોઈએ એક ગીતની બંદિશ બનાવી અને લોકપ્રિય થઇ અને અન્ય ગાયકોએ પોતાની રીતે રજૂઆત કરી પણ વિવિધતા જોવા ભાગ્યે જ મળે. જેમ કે અવિનાશ વ્યાસે રાખનાં રમકડાં લખ્યું અને બંદિશ બનાવી ૧૯૪૯ની સાલમાં. આજે પણ એ સુમધુર ગીત એ જ રીતે તાલ અને લઢણ માં ગવાય છે. કોઈએ ફ્યુઝન વર્ઝનનો પ્રયોગ કરે તો રસપ્રદ થાય.
જોકે આમાં અપવાદો પણ જોવા અને સાંભળવા મળે છે – જેવા કે ભક્ત કવિ નારસિંહ મહેતાનાં ભજનોનાં સૂફી, ફ્યુઝન, કવ્વાલી વગેરે રૂપે સાંભળવા મળેછે જે અગાઉનાં ‘એક બંદિશ અનેક રૂપ’માં આપણે માણી છે.
ખાસ નોંધ:
આ કોલમ માટે ગીતો, ગ઼ઝલો કે કાવ્યો માટેનાં સૂચનો / સુઝાવ આવકાર્ય છે.
E&OA.
Errors and omissions are accepted.
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
નિતીનભાઈ ખુબ -ખૂબ આભાર “આ નભ ઝુક્યુ ને..’ માટે . રાધા કાનજીના રણકારથી ઘર્ગુંજી ઉઠ્યુ.બોનસમાં
૪૪ ટોપ -હીટ ગુજરાતી ગીતોની લ્હાણી!!! વાહ મોજ પડી ગઈ.
આભાર,આભાર,આભાર..
Thank you for your kind comments. This lovely song is selected to celebrate Janmashtami.
My regards
એક ભૂલ : આ ગીત ની કર્ણપ્રિય રચના જે શ્રીમતી નિરુપમાબેન મર્ચન્ટ ના અવાજમાં અહીં રજુ થઇ છે તેની બંશીશ શ્રી અજીતભાઈ મર્ચન્ટની છેઃ
નિતીનભાઇ,
વાહ..મઝા આવી ગઈ મારું પ્રિય ગીત જુદા જુદા સ્વરમાં …
વાહ! બહુ જ ગમતીલું ગીત આટલા બધાંએ ગાયું છે – તે જાણીને આનંદ થયો.
वाह! अंग-अंगने रोमांचित करे तेवु गीत जुदा जुदा स्वरूपे प्रस्तूत करीने आपे कमाल करी! आभार, नितिन भाई! ख़ूब आनंद थयो।
Nitinbhai . khub saras. mazanu che.
sache j NITIN ek reet anek.
વાહ વાહ .ધન્ય નીતિનભાઈ
નવીનભાઈ,
ખબર નહિ પણ શું કમાલ છે તમારી સૂઝ સમઝમાં ! જ્યારે તમારી કોઈ પણ રચના નું ટાઇટલ વાંચીએ ત્યારે એક સવાલ થાય કે આ ગીત માં કેટલી વિવિધતા હોય શકે? કેટલા લોકોના કંઠે અને કેટલી રીતે ગવાયું હશે? પણ જ્યારે આખો આર્ટિકલ વાંચીએ ત્યારે જ ખ્યાલ આવે કે આ કૈંક જુદી જ જાતની કળા લાગે છે.
ધન્ય છે તમારી સોચ સમજ અને અને ધીરજને.
ખૂબ ખૂબ અભિનંદન !
-પ્રકાશ મજમુદાર-