ફિર દેખો યારોં : રોપા પર અકાળે ફળ બેસી જાય તો?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ટી.વી. પર તે કાર્ટૂનની શ્રેણી જોઈને સમય પસાર કરે છે. ક્યારેક હિન્‍દી ફિલ્મો પણ જુએ છે. મન થાય ત્યારે વાર્તાની ચોપડીઓ વાંચે છે. શેરીનાં બે ગલૂડિયાં સાથે તે રમે છે. શાળાએ તે જતી નથી. દસ વર્ષની બાળકી બીજું કરે પણ શું? તેની માતા પોતાની દીકરીને રમતી જોઈને મલકાય છે, પણ તેનું હૈયું ફફડાટ અનુભવે છે કે પોતાની દીકરીનું શું થશે?

ચંડીગઢમાં રહેતા એક સામાન્ય પરિવારની આ બાળકી કોઈ રોગનો ભોગ નથી બની. પણ તેની સ્થિતિ વિશે જાણ્યા પછી મગજ ચકરાઈ જાય એવું છે. તેના પિતા એક સામાન્ય ચોકીદાર છે, અને માતા ઘરોમાં કામ કરે છે. થોડા વખત પછી આ બાળકીના ફૂલેલા પેટ પર તેમની પાડોશણની નજર ગઈ. તેને આ બાબત અસામાન્ય જણાઈ અને બાળકીના માબાપને તેણે આ બાળકીની તબીબી તપાસ કરાવવા માટેનો આગ્રહ કર્યો. બાળકીના માતાપિતાએ આખરે તપાસ કરાવી અને તેનો અહેવાલ આવ્યો એ સાંભળીને સ્તબ્ધ થઈ જવાય એમ હતું. એ બાળકીના પેટમાં 26 થી 27 સપ્તાહનો ગર્ભ વિકસી રહ્યો હતો.

સ્વાભાવિક છે કે બાળકીને પોતાની સાથે શું કરવામાં આવી રહ્યું હતું તેનું ભાન સુદ્ધાં ન હતું. પૂછપરછ કરતાં જાણ થઈ કે તેના મામાએ જ આ દુર્વ્યવહાર આચર્યો હતો. હવે આ મામલામાં તબીબો ઉપરાંત પોલિસ તેમજ ન્યાયતંત્રનો પ્રવેશ થયો. બાળકીના મામાની ધરપકડ કરવામાં આવી. પણ એથી વધુ અગત્યની બાબત બાળકીના સ્વાસ્થ્યની હતી. તેનો ગર્ભપાત કરવો કે પછી પ્રસૂતિ થવા દેવી? દસ વર્ષની, સાવ માસૂમ કહી શકાય એવી બાળકી બાબતે નિ:શંકપણે ગર્ભપાત કરી દેવાનો નિર્ણય જ વાજબી અને ન્યાયી ગણાય. પણ મુશ્કેલી એ હતી કે આ ગર્ભ ઘણો વિકસીત થઈ ગયો હતો. અહીં હવે તબીબીની સાથે સાથે કાનૂની મુદ્દો ઉપસ્થિત થયો. ‘મેડીકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્‍સી‘ (એમ.ટી.પી.) ના 1971માં રચાયેલા કાયદા મુજબ વીસ સપ્તાહ સુધીનો ગર્ભ હોય તો જ તે ગર્ભપાતને પાત્ર છે. એથી વધુ સપ્તાહની ઉંમર ધરાવતા ગર્ભ કાઢવાથી માતાના આરોગ્ય પર જોખમ રહેલું છે. આ બાળકીના કિસ્સામાં તેને ગર્ભ રહ્યાની જાણ છેક છવ્વીસમા-સત્તાવીસમા સપ્તાહ દરમ્યાન થઈ હતી. આ કારણે તેના ગર્ભપાત માટે કાનૂની મંજૂરી લેવી આવશ્યક હતી. સ્થાનિક અદાલત દ્વારા આ બાળકીનો ગર્ભપાત કરવાની મંજૂરીની દરખાસ્ત ફગાવી દેવામાં આવી. અદાલતે ચંડીગઢની ‘ગવર્ન્મેન્‍ટ મેડીકલ કૉલેજ એન્‍ડ હોસ્પિટલ’ (જી.એમ.સી.એચ.)ના તબીબો દ્વારા બાળકીની તબીબી તપાસ પછી આપેલા અહેવાલને આધારે આ ચૂકાદો આપ્યો હતો.

ત્યાર પછી વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી. સર્વોચ્ચ અદાલત દ્વારા આ અરજીની સુનવણી વેળાસર થાય એ જરૂરી હતું, કેમ કે, સમય વીતે એમ બાળકીના ગર્ભની વય વધતી જતી હતી. દસ વર્ષની બાળકીના ગર્ભનિકાલના આદેશ માટે અદાલતની સૂચનાની રાહ જોવી પડે એ સ્થિતિ જ કેટલી નાજુક કહેવાય!

અદાલતના નિર્ણયનો આધાર ચંડીગઢ સ્થિત ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ મેડીકલ એજ્યુકેશન એન્‍ડ રીસર્ચ’ (પી.જી.આઈ.એમ.ઈ.આર.)ના આઠ ચુનંદા ડૉક્ટરોની પેનલ દ્વારા અપાતા અભિપ્રાય પર હતો. બાળકી પર બન્ને રીતે જોખમ છે. નિર્ધારીત સમયમર્યાદા પછી કરવામાં આવતો ગર્ભપાત જોખમી નીવડી શકે એમ છે. અને તે ન કરવામાં આવે તો તેણે બાળકને જન્મ દેવો પડે. આટલી કુમળી વયે તેનાં શરીરનાં આંતરિક અવયવોનો વિકાસ ગર્ભધારણ કરી શકવા જેટલો ન થયો હોય એ સ્વાભાવિક છે. આથી પ્રસૂતિ પણ તેના માટે જીવલેણ નીવડી શકે એમ છે. છેલ્લા અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતે નિષ્ણાત તબીબોના અભિપ્રાયને અનુસરીને ગર્ભને રાખવાનો ચૂકાદો આપ્યો છે. સાથેસાથે આ બાળકીના સ્વાસ્થ્યની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે એવો આદેશ પણ આપ્યો છે.

બાળકી હજી પોતાની સ્થિતિની ગંભીરતા સમજી શકવા જેટલી પકવ નથી. લેખના આરંભે જણાવ્યું એ તેનું રોજિંદું વર્તન છે, જે એક રીતે આશ્વાસનરૂપ છે. દરમ્યાન સમાજકલ્યાણ વિભાગમાંથી બે મહિલાઓ તેની સાથે રોજ થોડો સમય ગાળે છે. તેની સાથે વાતચીત કરે છે અને સલાહસૂચના પણ આપે છે. જરૂરી આહાર કે સ્વાસ્થ્યસંબંધી દરકાર લેવાનું પણ તેઓ વાતવાતમાં સૂચવે છે.

આ છોકરીનો પરિવાર સાવ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે. પણ એવું જરાય નથી કે આવી ઘટના અમુક જ પ્રકારના સ્તરનાં કુટુંબોમાં થાય. માનવીય વૃત્તિ કોઈ પણ સંજોગોમાં વિકસી કે વકરી શકે છે. બાળકોના જાતીય શોષણના કિસ્સાઓ હમણાં હમણાં વધી ગયા છે એમ લાગતું હોય તો તેનું કારણ એ છે કે પ્રસારમાધ્યમોને કારણે હવે તે પ્રકાશમાં આવવા લાગ્યા છે. પહેલાં આમ થતું હશે, પણ તે પ્રકાશમાં આવતું નહોતું. બાળકો મોટે ભાગે પોતાના પરિચીતો કે ઘણા ખરા કિસ્સામાં સગાંવહાલાં દ્વારા જ જાતીય શોષણનો ભોગ બનતાં હોય છે. આવા કિસ્સામાં ભોગ બનનાર બાળકી હોય તો તેના ભાગે ગર્ભાવસ્થા જેવું દુષ્પરિણામ ભોગવવાનું આવે છે. બાળક છોકરો હોય તો તેને વધુ અસર માનસિક થતી હોય છે. આ સંજોગોમાં પ્રત્યેક માબાપ કે વાલીએ પોતાના બાળક દ્વારા કોઈ પરિચીત કે સગા દ્વારા આવા કોઈ વ્યવહારની ફરિયાદ કરવામાં આવે તો તેને પૂરેપૂરી ગંભીરતાથી લેવી જોઈએ. અખબારોમાં આવતા કિસ્સાઓ વાંચીને ‘આવું બધું બીજાં રાજ્યોમાં બહુ થાય છે. આપણી સાથે આમ ન થાય’ એ હદની નિશ્ચિંતતા રાખવાની જરૂર નથી. એથી વિરુદ્ધ બાળક સાથે પ્રેમથી વર્તતા દરેક પરિચિત માટે ‘એમનો ઈરાદો આવો જ લાગે છે’ જેવી રજ્જુસર્પભ્રાંતિ અનુભવવાની પણ જરૂર નથી. પોતાના બાળક સાથે સતત સંવાદ સાધતા રહેવું કે જેથી તે કશા સંકોચ વિના માબાપને કંઈ પણ કહી શકે એ સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. આર્થિક, પારિવારિક કે વ્યવસાયિક પ્રાથમિકતાઓ ગમે એટલી હોય, પોતાનાં સંતાનથી વધીને કંઈ નથી, એ માન્યતા સૈદ્ધાંતિક રીતે નહીં, વ્યાવહારિક રીતે પણ અપનાવવી જરૂરી બની રહે છે. બીજાને ‘ખરાબ ન લાગે’ એમ વિચારીને આવો વ્યવહાર આચરનાર પરિચીતને ઝટ કહી શકાતું નથી. આ બાબત આવું દુષ્કૃત્ય આચરનાર સુપેરે જાણતા હોય છે. તેને કારણે તેમની હિંમત ખૂલતી હોય છે. આ ઉંમરે થયેલા આવા વિપરીત અનુભવની અસર ભૂંસાતા વરસો લાગી જતા હોય છે.

આવી દુર્ઘટના બનતી અટકાવવાનો કોઈ પ્રમાણિત ઉપાય નથી એ હકીકત છે. આપણા દેશમાં પારિવારિક સંબંધોના તાણાવાણા એ હદે ગૂંથાયેલા છે કે ઘણા લોકોનું આખું જીવન સગાંઓને સાચવવામાં જ વીતી જાય છે. મહેમાનોને અંદાજ સુદ્ધાં ન હોય, અને આવા યજમાનો યજમાનગીરીને પોતાના જીવનની સાર્થકતા ગણતા હોય એ યુગ હજી સાવ સમાપ્ત થયો નથી. આ સંજોગોમાં સાવચેતીની સાથેસાથે પોતાનાં બાળકો સાથે સતત સંવાદ કરતા રહેવું એ શ્રેષ્ઠ માર્ગ છે. તેને લઈને બાળક સલામત રહેશે તેમજ તેની સમજણ પણ વિકસતી રહેશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૮-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : રોપા પર અકાળે ફળ બેસી જાય તો?

  1. August 17, 2017 at 6:35 pm

    ચોંકાવી દે તેવા સમાચાર અને તેનું પૃથક્કરણ.

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *