બાળઉછેરની બારાખડી : ૫: બાળકો માટે અરીસાનો ઉપવાસ

Facebooktwitterredditpinterestlinkedinmail

બાળકને અરીસાના વધુ પડતા ઉપયોગથી દૂર રાખો.

– અલીહુસેન મોમીન

તમને આ પ્રકારનું શીર્ષક જોઈને ચોક્કસ નવાઈ લાગતી હશે કે વળી બાળકોને અરીસામાં જોવાથી શું નુકસાન થતું હશે? વળી, આ અરીસા અને બાળવિકાસને પાછું શું લેવાદેવા? પણ આ તમારી ગેરસમજ છે. અરીસાનો વધુ પડતો ઉપયોગ એ ચોક્કસ પણે બાળકના માનસવિકાસ પર વિપરીત અસર પાડે છે. એનો મતલબ એમ પણ ના લેતા કે બાળકને અરીસાથી બિલકુલ દૂર રાખવું. ના. પણ કોઈ કારણ વગર સતત અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને જોવી એ હાનિકારક છે. જયારે આપણે તૈયાર થતા હોઈએ અથવા બીજાં વ્યાજબી કારણોને લીધે અરીસાનો ઉપયોગ કરીએ એ સ્વાભાવિક અને સામાન્ય છે. આજના વિજ્ઞાને આ વિષય પર કરેલાં સંશોધનોથી એ પુરવાર થયું છે કે વગર કોઈ કારણે અરીસામાં જોવાની આદત બાળપણથી જ પડતી હોય છે. તો ચાલો, આપણે એ જાણીએ કે બાળપણથી જ આને કઈ રીતે અંકુશમાં રાખવું.

સૌ પ્રથમ આમાં જવાબદાર છે, આજનો માહોલ અને સારા દેખાવને જ સાચી સુંદરતા તરીકે જોવાની ગેરસમજ. આપણી આસપાસના લોકો પણ મહદ્ અંશે આપણા બાળકને આ જ રીતે જોવા ટેવાયેલા હોય છે! આના કારણે આપણું બાળક પણ પોતાની જાતને વારંવાર અરીસામાં જોઈને એ સારો/સારી લાગે છે કે નહિ એ જાણવા માગે છે અને કોશિશ પણ કરે છે. અરીસો જ એક વસ્તુ છે જે તમને અને તમારા બાળકને સ્પષ્ટ અને દેખીતી રીતે તમારું પ્રતિબિંબ બતાવે છે. બાળક અને તમે જયારે અરીસા સામે હોવ છો, ત્યારે મનમાં ને મનમાં તો એક જ પ્રશ્ન જાતને કરતા હોવ છો કે હું કેવો/કેવી લાગુ છું? ફલાણા કરતાં સારો લાગુ છું કે ખરાબ? જો હું આવી હેર સ્ટાઈલ કરું તો કેવો/કેવી લાગું? આ ફેસ ક્રીમથી હું ખરેખર ગોરો લાગુ છું? આવા અગણિત પ્રશ્નો આપણા મનને ઘેરી લેતા હોય છે. જયારે આપણે અરીસા સામે વારંવાર કે લાંબા સમય સુધી ઊભા રહીએ છીએ, ત્યારે બાળકના મનમાં દેખાવ એટલે અરીસામાં દેખાતું સૌંદર્ય એવી એક માન્યતા સર્જાય છે. આપણે એને ક્યારેય સમજાવતા નથી કે વ્યક્તિત્વની સુંદરતા એ જ સાચી સુંદરતા છે. દિવસે દિવસે આ આદત એટલી હદ સુધી પહોંચી જાય છે કે આપણું બાળક એના ચહેરા, કપડાં કે સૌંદર્ય ને લગતી વસ્તુઓ બાબતે અતિ સંવેદનશીલ થઈ જાય છે. અને એનાથી અદૃશ્ય પણ ચોક્કસપણે વધતો સ્ટ્રેસ પેદા થાય છે. ઘણી વાર એવું પણ થાય છે કે આપણું બાળક એની જાતને કોઈ નાના કારણસર પણ સુંદર નથી ગણતું અને આખો દિવસ ઉદાસ થઈ ને રહે છે.

આવો પદ્ધતિસર જોઈએ કે અરીસામાં સતત જોવાથી થતા ગેરફાયદા શું છે?

· એ તમારા બાળકને સૌંદર્ય પ્રત્યે સંવેદનશીલ બનાવે છે જે હકીકતમાં બાળકની વિચારશક્તિ અને એને લગતી પ્રક્રિયામાં અડચણરૂપ બને છે.

· મોં પરની નાની ફોડી, ખીલ, તલ કે બીજી નાની નિશાની આપણા બાળકને એનાથી કઈ રીતે લડવું એના જ વિચાર કરાવ્યા કરે છે. બીજી ઘણી અગત્યની વસ્તુઓ જે આ સમયે વિચારવી જોઈએ એનાથી બાળક દૂર થતું જાય છે.

· જો આપણા બાળકના દેખાવનો અમુક અંશ કોઈ હીરો/હિરોઈન જેવો દેખાતો હોય, તો બાળક પછી એ હીરો/હિરોઈનનું બીજું પણ અનુકરણ કરવાની કોશિશ કરે છે. આ એક નાની પણ ખતરનાક શરૂઆત છે, બાળકના માનસ પર થતી અસરોની.

· સંશોધનોથી એ પણ પુરવાર થયેલ છે કે આ આદતના લીધે આપણું બાળક ચીડચીડિયું, ગુસ્સાવાળું અને હતાશ પણ થઈ શકે છે.

· અરીસામાં વધુ પડતું જોવાની આદતવાળું બાળક બીજા બાળકોના દેખાવની પોતાની સાથે સરખામણી કરતું થઈ જાય છે. અહીં મોટો ગેરફાયદો એ છે કે બાળક માત્ર દેખાવની જ સરખામણી કરતાં શીખે છે. સામેના બાળકના ગુણો તરફ એનું ધ્યાન જ જતું નથી.

· સારા દેખાવાની ઇચ્છાથી બાળક બધુ પડતા વખાણની પણ આશા રાખતું થઈ જાય છે. જે દેખાવની ભ્રામિક છબિ બાળક પોતાના મનમાં લઈ ને ફરતું હોય છે એની બીજાં બાળકોને અને મોટાંઓને કંઈ પડી પણ નથી હોતી.

ચાલો હવે જોઈએ કે અરીસામાં વધુ પડતું જોવાના ફાયદાઓ શું છે?

· તમારું બાળક એવાં કાર્યો તરફ પ્રેરિત થાય છે કે જે એને આંતરિક સંવેદના તરફ ખેંચે છે, ના કે એના બહારના દેખાવથી.

· પોતાનું સારું હોવું અને સારું દેખાવું એ બંને અલગ અલગ વસ્તુઓ છે એવી સમજણ બાળક માં પેદા થાય છે.

· પોતાના દેખાવ પર લોકોના પ્રતિભાવ અને બીજાઓ શું વિચારશે એવું વિચારવાથી બાળક દૂર રહે છે અને આનાથી બાળક સરળતાથી બીજી કામની વસ્તુઓ પર વિચારી શકે છે.

· આપનું બાળક એ સમજતું થાય છે કે દેખાવ કરતાં ગુણો વધારે અગત્ય ના છે.

· જયારે બાળક પોતાના દેખાવ પ્રત્યે બહુ સંવેદનશીલ નથી હોતું, ત્યારે એ બીજાને પણ એના દેખાવથી મૂલવતું નથી. સામેની વ્યક્તિ હકીકતમાં કેવી છે એના પર જ એનું ધ્યાન કેન્દ્રિત થાય છે.

· બાળકને એની આજુબાજુની સુંદરતા વધુ આકર્ષે છે અને એને આનંદિત પણ બનાવે છે.

બાળક ને આદતથી દૂર રાખવા શું કરવું?

· ઘર માં જરૂર પૂરતા અરીસા રાખવા અને બહુ જ ઓછા અરીસા એની પહોંચ માં હોય એ રીતે રાખવા.

· માતાપિતાએ પોતે પણ ખાસ કરી ને બાળકની હાજરીમાં સતત અરીસા સામે ઊભા રહીને એમાં ખોવાઈ ન જવું. બાળક જે જુએ છે, એ જ શીખે છે.

· દિવસમાં બાળકનું અરીસામાં ૫ થી ૭ વખત જોવું એ સામાન્ય છે. એનાથી વધુ વખત આપણું બાળક અરીસાનો ઉપયોગ કરતું હોય તો માબાપે એ બાબતે વિચારવાની ચોક્કસ જરૂર છે.

ખરી હકીકતમાં અરીસાનો આપના બાળક પરનો ઓછો પ્રભાવ આપના બાળકની આંતરિક શક્તિ મજબૂત કરવા માટેનું અગત્ય નું પરિબળ છે.


નોંધ : આ જ આર્ટિકલને અંગ્રેજીમાં વાંચવા માટે વિઝિટ કરો : http://in.parentingnations.com/not-let-child-look-mirror-frequently/

* * *

સંપર્કસૂત્રો :-

Alihusen Momin < ali@parentingnations.com >

Mob. +91 99250 41865

Blog : Parenting Nations – www.parentingnations.com

1 comment for “બાળઉછેરની બારાખડી : ૫: બાળકો માટે અરીસાનો ઉપવાસ

  1. August 17, 2017 at 6:39 pm

    આખી શ્રેણી યુવાન માબાપને માટે બહુ અગત્યની અને કામની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *