





-ઈશાન કોઠારી
જુલાઈ, 2017માં અમારે દક્ષિણ ગુજરાતના વ્યારાથી આગળ આવેલા ખાંજર ગામે જવાનું બન્યું. ત્યાં અમે કયા કામ માટે ગયા તેની વિગતે વાત બીરેન કોઠારીના બ્લોગ પર ‘દુલ્હન કી તરહ હર ખેત સજે… માં કરવામાં આવી છે.
એ સમયે ચોમાસાને લીધે આખા પ્રદેશમાં લીલોતરી છવાયેલી હતી. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી પર નભે છે. કુદરતી સૌંદર્ય ધરાવતા આ ગામની અને તેની આસપાસના વિસ્તારોની કેટલીક તસવીરો અહીં મૂકું છું.
આ ફોટામાં વાદળીયા વાતાવરણના લીધે મુખ્ય 3 ટોન મળે છે. સૌથી પહેલાં ઘેરો રંગ દેખાય છે, પછી થોડોક આછો અને છેલ્લે સાવ આછો. રંગીન હોવા છતાં આ ફોટો મોનોક્રોમ (એકરંગી) લાગે છે.
****
સામાન્ય રીતે બોટ પાણીમાં જોવા મળતી હોય છે. પણ અમે જોયું તો રસ્તાને કિનારે હારબંધ બોટ મૂકાયેલી હતી. ખબર નથી કે તે કયા કામે અહીં લાવવામાં આવી હશે.
****
આ ફોટામાં આ વિસ્તારની ખાસિયત ગણી શકાય એવી તમામ બાબતો નજરે પડે છે. સાંઠીની બનાવેલી દીવાલો પર અહીંની લાલ માટીનું લીંપણ છે. છત તરીકે પતરાં તેમજ નળીયાં છે. આંગણામાં ભેંસ બાંધેલી છે અને વાડામાં થોડા શાકભાજી ઉગાડેલાં છે. ઘરની માલિકણ પાણી ભરીને આવી રહી છે. ખેતરને અડકીને જ ઘર છે.
****
પોતાના ખેતરમાં કામ કરવું એ સ્ત્રી અને પુરુષ બંને માટે જરૂરી છે. અહીં એક બેન પોતાના ખેતરમાં શ્રમ કરી રહ્યાં છે અને સાથે તેમની દિકરી પણ છે.
****
સામાન્ય દેખાતા આ બાળકના વૈભવની કલ્પના આવવી મુશ્કેલ છે. શહેરમાં બાળકોને રમવાની ખુલ્લી જગ્યાઓ સતત ઘટી રહી છે. ધૂળમાટીને બદલે તેઓ આર.સી.સી.ની ભોંય પર રમે છે. અને છતાં તેમનાં માબાપને ચિંતા હોય છે કે પોતાના સંતાનને ‘વાગી ન જાય.’ આ સંદર્ભે આ બાળકની તસવીર જોઈએ તો તેના વૈભવની ઈર્ષ્યા આવશે.
****
ડાંગરના ધરુઓની રોપણી થઈ ગયા પછીનું આ દ્રશ્ય છે. અહીં ધરુઓ અને પાણીમાં પડતું તેનું પ્રતિબિંબ લેવા માટે અંદર ઉતર્યો તો મારા પગ ખૂંપી ગયા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ધરુ રોપનારની પણ એ જ સ્થિતિ થતી હશે અને તેણે ઘણા લાંબા સમય સુધી પાણીમાં રહેવું પડતું હશે.
****
આ ફોટામાં મકાનની પાછળ એક પહાડની ધૂંધળી આકૃતિ દેખાય છે. એ પહાડનો આકાર અને તેની આગળ આવેલા મકાનનો આકાર સરખા જેવા લાગે છે. તેથી મકાનનું પ્રોજેક્ષન કોઈ મોટા પડદા પર પાડવામાં આવ્યું હોય એમ લાગે છે. ફોટો પાડીને ફરી જોયું ત્યારે મને આ વિચાર આવ્યો અને એટલે આ ફોટો અહીં મૂક્યો.
****
શહેરમાં ‘ફળિયું’ શબ્દ સાંભળતાં એકબીજા સાથે જોડાયેલા મકાનોનો વિચાર આવે. તેને બદલે અહીં ફળિયું ઘણું મોટું અને મકાનો છૂટાછવાયા છે. આવા એક ફળિયાનો ફોટો.
****
ખાંજર જતાં રસ્તામાં ડોસવાડા નામે નાનકડો બંધ આવે છે. વરસાદને કારણે તેની એક તરફ પાણી છલોછલ ભરેલું હતું.
****
આ બંધના પાછળના ભાગે ખાંજર જવાનો રસ્તો પડે છે. ત્યાં એક ભવ્ય ખંડેર આવેલું છે. અમે દરવાજો ખોલીને અંદર ગયા તો ખ્યાલ આવ્યો કે કોઈ જૂના જમાનાના બાંધકામને બગીચામાં ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પછી તેને પડતો મૂકવામાં આવ્યો હતો. અહીં કમાનોનું બાંધકામ હતું. આ મૂળ બાંધકામ શેનું હતું એ ખ્યાલ આવવો મુશ્કેલ હતો, કેમ કે અહીં જૂની તકતીને કાઢીને નવી તકતી લગાવવામાં આવી હતી.
આમ, આ અજાણ્યા ગામમાં સરસ સમય ગાળીને અમે પાછા ફર્યા.
ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.
સુંદર. કમાનો અને ખંડેરનું બાંધકામનો ફોટો ઈસ્લામિક બાંધકામ તરફ ઈશારો કરે છે.
સરસ સફર રહી હશે. મકાન અને ડુંગરની સામ્યતા ગમી. શુભેચ્છા.
સાંઠી અને વાંસની દિવાલો પર લાલ લિંપણ … જેને સ્થાનિક ભાષામાં “ખપેડા” કહેવામાં આવે છે.
ડાંગ જિલ્લાના મારા કાર્યકાળ સન ૧૯૮૦-૮૧ યાદ આવ્યો.
આભાર.
સરસ ફોટા. ગમ્યા.
wah ishan khub saras images keep it up
ફરી એક વાર બહુ જ રસપ્રદ ફોટોગ્રાફ્સ.
ડાંગરના ધરૂમાં આટલી બધી સુંદરતા તો અહીં જોયા પછી જ દેખાણી……
સરસ વર્ણન શૈલી અને તસવીરો ?. દીકરી કે દીકરાની જોડણી અહીં મેં લખી છે તે સાચી છે. રોપણી પછીનું ચિત્ર તો કામિનીની રંગોળીની યાદ અપાવી ગયું.
સૌથી પહેલી વાદળછાયા વાતાવરણ વાળી અને ડાંગરનાં ધરુ વાળી તસ્વીરો સવિશેષ ગમી. ભાઈ ઈશાન, ફોટોગ્રાફીની તારી આવડતની નવી નવી બારીકીઓ વિકસી રહી છે. અભિનંદન.