બાલકૃષ્ણના સખા મધુમંગલ

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

કૃશકાય, ગૌરવર્ણીય ( કેટલાક ગ્રંથો અનુસાર ગેંહુલો વર્ણવાળા ), મસ્તકમાં કેવળ એક ચોટી અને બાકીનું મસ્તક વાળ વગરનું, ખભા પર જનોઈ ધારણ કરેલ, તિલક ધારણ કરેલ, ખોડાયેલ અંગવાળો, ફાટેલી પોતડી પહેરેલો, દાઉ બલરામ સાથે મળીને કૃષ્ણને વારંવાર ચિડવતો એવું દ્રશ્ય યાદ કરતાં જ આંખો સમક્ષ કૃષ્ણસખા મધુમંગલનું ચિત્ર આપણી સમક્ષ રજૂ થઈ જાય છે. કૃષ્ણના સખાઓમાં જેને સૌથી વધુ યાદ કરાય છે તે મધુમંગલ છે; પણ મધુમંગલ કોના પુત્ર હતા તે વિષે સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી છતાં તેમનાં વિષે ત્રણ માન્યતાઓ છે. પ્રથમ માન્યતા છે કે તેઓ શાંડિલ્યમુનિના પુત્ર છે. બીજી માન્યતા તેઓ શાંડિલ્યમુનિના પુત્ર નહીં પણ ભાણેજ કે ભત્રીજા હતા. ત્રીજો મત કહે છે કે તેઓ શાંડિલ્યમુનિના કોઈ જ ન હતા, પણ કેવળ એક ગોત્રનાં બ્રાહ્મણ હતા. આ બધી જ માન્યતાઓમાંથી ત્રીજી માન્યતાને વધુ વેગ આપી ઇતિહાસે શાંડિલ્યમુનિ સાથે મધુમંગલના સંબંધને નકાર્યો છે, ત્યાં મધુમંગલનો સંબંધ ભગવતી પૂર્ણા સાથે પણ જોડ્યો છે.

ભગવતી પૂર્ણાને શ્રીમદ્ ભાગવદમાં પૂર્ણામાસી તરીકે ઓળખવાંમાં આવે છે. કથા છે કે વારાણસીમાં “સુધર્મ” નામનો નિષ્ઠવાન વિવાહિત બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની મધુમંગલ નામના પુત્રને જન્મ આપી મૃત્યુ પામી, ત્યારે પોતાના નાના પુત્રનાં પાલનપોષણ અર્થે સુધર્મએ વારાણસીમાં રહેતા “અભિલેખ” નામના શૈવપંથી બ્રાહ્મણની કન્યા પૂર્ણા સાથે પુનઃવિવાહ કર્યા. આ તે કન્યા હજુ બાલિકા હોઈ નક્કી કર્યું કે હજુ પાંચ વર્ષ તે તેની માતા સાથે જ રહેશે, ત્યાં સુધીમાં તેનો પોતાનો બાલક પણ પાંચ વર્ષનો થઈ જશે. સમય જતાં એ બાલિકા પૂર્ણા પતિગૃહે આવી; પણ તેનાં ઓછા નસીબે તે પોતાના પતિ સાથે વધુ સમય રહી ન શકી. તેનો પતિ પોતાના પુત્રને પૂર્ણાની ગોદમાં મૂકી યમધામ ગયો. ભગવતી પૂર્ણાએ પોતાના પતિના પુત્રને અપનાવી માતાનો સ્નેહ આપ્યો. આ અભિલેખ બ્રાહ્મણને પુત્રી પૂર્ણા સિવાય “સાંદીપની” નામનો એક પુત્ર પણ હતો. ( જેને આપણે ભગવાન કૃષ્ણના ગુરુ તરીકે ઓળખીએ છીએ ) મધુમંગલ જ્યારે ૬ વર્ષના થયા ત્યારે તેના ઉપનયન વિધિસંસ્કાર કરવામાં આવ્યાં. આ સંસ્કાર બાદ પૂર્ણાદેવી મધુમંગલને સાંદીપની મુનિને ત્યાં ઉજૈન્નમાં મોકલવાનો વિચાર કરવા લાગ્યાં. ત્યારે મધુમંગલે વ્રજભૂમિ જવાની જીદ કરીને કહ્યું કે ત્યાં મારા સખાઓ આવવાના છે માટે હું આશ્રમમાં નહીં જાઉં. ઘણું સમજાવ્યા પછી યે મધુમંગલ માન્યા નહીં, ત્યારે મહર્ષિ સાંદીપનીએ પોતાની બહેનને વ્રજભૂમિ જઈને રહેવા કહ્યું. આથી પૂર્ણાદેવી પુત્ર સાથે વ્રજમાં પધાર્યા અને શાંડિલ્યમુનિનાં આશ્રમની એક કુટીરમાં રહેવા લાગ્યાં.

એક દિવસ વ્રજરાણી હોવાને કારણે યશોદાજી ભગવતી પૂર્ણાને મળવા માટે પધાર્યા ત્યારે મધુમંગલે તેમને “મૈયા” ને નામે સંબોધિત કર્યાં. આ સાંભળી ત્યારે યશોદાજીએ ફિક્કું હસીને કહ્યું કે; પુત્ર તારી સાથે ખેલવા માટે મારા આંગણમાં કોઈ સખા નથી તો મને મૈયા કેમ કહે છે? ત્યારે મધુમંગલે કહ્યું કે અત્યારે ભલે નથી પણ એ આવશે જરૂર, થોડો મોડો આવશે પણ મારી સાથે ખેલવા એની અનુજા સાથે જરૂર આવશે. આ સાંભળી યશોદાજી મનોમન કહે છે કે એ ઉંમર તો જતી રહી પુત્ર તને કેમ કરીને સમજાવું? યશોદાજીનાં મુખની ઉદાસી જોઈ ભગવતી પૂર્ણાએ કહ્યું કે મારા મધુમંગલનાં મુખમાં માતા શારદાનો નિવાસ છે, ઉપરાંત તેનાં હૃદયમાં ભગવાન શિવનો વાસ છે માટે જો તે કહે છે કે તેમનો સખા આપના આંગણે આવશે તો તે ચોક્કસ આવશે. આ પ્રસંગ પછી રોહિણી જ પણ વ્રજભૂમિમાં આવ્યાં અને દાઉજીને જન્મ આપ્યા બાદ યશોદાનું ગૃહ આંગણ પણ બાલકિલકારીથી ભરાઈ ગયું. મધુમંગલની વાણી સત્ય થઈ હોવાથી મધુમંગલજી “અવધૂત”ને નામે ઓળખાવા લાગ્યા અને વ્રજભૂમિનાં પ્રત્યેક ગોપગોપીઓ મધુમંગલને નાની વયનાં ત્રિકાળજ્ઞાની બ્રહ્મપુત્ર તરીકે માનવા લાગ્યાં. યશોદાએ જોડકાને જન્મ આપ્યો જેમાંથી એક પુત્રીને વસુદેવજી લઈ ગયા. પણ આ વાતની જાણ યશોદાને ન હતી. જ્યારે કૃષ્ણ બે વર્ષનાં થયા ત્યારે શ્રી નંદજીના મોટાભાઇ ઉપનન્દજીને ત્યાં પુત્રી થઈ અને તેની સાથે મધુમંગલ અને કૃષ્ણ બંને ખેલ્યા.

મધુમંગલજીનો એક પ્રસંગ બહુ જાણીતો છે. એક દિવસ કનૈયાએ વ્રજભૂમિમાં ઉજાણી કરવા માટે બધા સખાને પોતાને ઘેરથી એક-એક સામગ્રી લાવવા કહ્યું. બીજે દિવસે બધાં સખાઓ  પોતાને ઘેરથી એક એક સુંદર સામગ્રી લઈ આવ્યા. આ બાજુ મધુમંગલે પણ પોતાની માતા પૂર્ણા (માસી) ને સામગ્રી બનાવવા કહ્યું ત્યારે તેની માતા કહે પુત્ર કહે કે હું એવું શું બનાવું જે કનૈયાની ઉજાણીમાં કામ આવે? કારણ કે ગૃહમાં તો કેવળ ફળ જ છે, જે આપને વનમાં મળી જ જાય છે. આમ મૂંઝાયેલાં પૂર્ણામાસીને અંતે ઘરમાંથી ખાટી છાશ મળી આવી જે તેમણે ખાંડ નાખી વઘારી આપી. બીજે દિવસે વઘારેલી છાશ લઈને ઉજાણીમાં ગયેલાં મધુમંગલે જ્યારે બીજા બાલકોની સામગ્રી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યાં કે લાલાને આવી ખાટી અને શીત છાશ શી રીતે અપાય? આથી તેઓ લાલાનું ધ્યાન માટલી પર પડે તે પહેલાં જ પોતે પીવા લાગ્યા. કન્હાઇનું ધ્યાન પડ્યું ત્યારે તેમણે માટલી ઝૂંટવવા પ્રયત્ન કર્યો તેથી મધુમંગલના મોમાંથી છાશનો રેલો છૂટી પડ્યો જે કૃષ્ણ ચાટવા લાગ્યા. આ જોઈ મધુમંગલે કાન્હાને પૂછ્યું શું કરે છે? ત્યારે કૃષ્ણ કહે તું બ્રાહ્મણ છે તારી પ્રસાદી ખાઈશ તો મારી બુધ્ધિ શુધ્ધ થશે. આ પ્રસંગને બ્રહ્માજીએ જોયો જેને કારણે તેમની બુધ્ધિ શંકિત બની. આ બહુ જાણીતા પ્રસંગ સિવાય મધુમંગલનો ઉલ્લેખ જ્યાં સુધી કૃષ્ણ વ્રજભૂમિમાં રહ્યા ત્યાં સુધી અને કૃષ્ણના વ્રજ છોડ્યા પછી કેવળ એકવાર મધુમંગલનો ઉલ્લેખ જોવા મળે છે. કંસનો વધ કર્યા બાદ કૃષ્ણ જ્યારે ઉજૈન્નમાં સાંદીપની મુનિને ત્યાં ગયા ત્યારે વ્રજસખા મધુમંગલ પણ ત્યાં અભ્યાસ અર્થે આવેલા. કારણ કે કૃષ્ણનાં વ્રજ છોડ્યા બાદ વ્રજમા હવે મધુમંગલ શું કરે? માટે તેઓ મામા સાંદીપનીને ત્યાં વિદ્યા ગ્રહણ કરવા ગયા. આ જ આશ્રમમાં મળેલા સુદામાજી સાથે પણ કૃષ્ણનો અનન્ય સંબંધ બંધાયો. પણ આ વિદ્યાભ્યાસ પછી આશ્રમમાંથી નીકળેલાં મધુમંગલજીનો આશ્રમ ક્યાં હતો અને કૃષ્ણને તેઓ ફરી મળ્યા કે નહીં તે વિષે ઇતિહાસમાં વધુ માહિતી પ્રાપ્ત થતી નથી.


©૨૦૧૭ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ :: purvimalkan@yahoo.com

2 comments for “બાલકૃષ્ણના સખા મધુમંગલ

  1. Pravina
    August 20, 2017 at 1:09 am

    મધુમંગલ , કૃષ્ણ સખા મધુમંગલ વિષે નવી જાણકારી મળી. આ અગાઉ ક્યારેય આ પાત્ર વિષે આટલી જાણકારી પ્રાપ્ત નથી થઈ.

  2. Bharti
    October 18, 2018 at 6:06 am

    Madhumangal vishe janvu gamyu. Aa lekh FB par vanchyo hato, Koi shastri na name hato. Aaje we.gu ma farta aa lekh najre padyo, fari vanchyo etle khyal aavyo Ke e shastriji e aa lekh ne potana name chadhavi Didho che.chalo Teiyar vastu Mali gai emne.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *