





-બીરેન કોઠારી
ગયા મહિને સ્વર્ગમાં ગાંધીજીને દર્શાવતાં કેટલાક કાર્ટૂનો જોયા પછી આ સપ્તાહે એ જ શ્રેણીનાં કેટલાક વધુ કાર્ટૂન. અગાઉ જણાવ્યું છે એમ આ કાર્ટૂનોમાં મુખ્ય એક-બે કથાવસ્તુ હોય છે. ગાંધીજી કે તેમના સિદ્ધાંત સાથે સંકળાયેલી કોઈ અગત્યની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ગાંધીજીની સ્વર્ગમાં પ્રતિક્રિયા દર્શાવી હોય એવો એક પ્રકાર છે. બીજા પ્રકારમાં પૃથ્વી પર હિંસાચારની ઘટના બને કે ગાંધીજીને ગમે એવી અહિંસાને લગતી કોઈ ઘટના બને ત્યારે સ્વર્ગમાં રહેલા ગાંધીજી પ્રતિભાવ આપતા બતાવાયા હોય છે.
**** **** ****
ગઈ કડીમાં આઈન્સ્ટાઈને પોતાના માટે વાપરેલા શબ્દોથી ગાંધીજી નેલ્સન મન્ડેલાને સ્વર્ગમાં આવકારતા હોય એવું સુધીર તેલંગનું અદ્ભુત કાર્ટૂન જોયું તેની સરખામણીએ રોબર્ટ આરીઆઈલનું આ કાર્ટૂન સામાન્ય જણાય. (રોબર્ટનાં અન્ય કાર્ટૂનો તેમની વેબસાઈટ http://robertariail.com/ પર માણી શકાશે.) અહીં માર્ટીન લ્યુથર કીંગની સાથે ગાંધીજી બતાવાયા છે, અને ગાંધીજી કહે છે, ‘મન્ડેલા આવી રહ્યા છે.’ કોલમ્બીયાના અખબાર ‘ધ સ્ટેટ’ના કાર્ટૂનિસ્ટ રોબર્ટનાં રેખાંકનો સુરેખ છે, છતાં તેમણે બન્ને મહાનુભાવોની ઓળખ વાચકોને મળી રહે એટલા માટે તેમનાં નામ લખેલાં છે. એ કદાચ વર્તમાન પેઢીના વાચકોને ધ્યાનમાં રાખીને હોઈ શકે! આ કાર્ટૂનમાં વાદળોનો જથ્થો અને ઉપરના ભાગે વાદળોમાંથી પથરાતો પ્રકાશ સ્વર્ગની દિવ્યતાનો અહેસાસ કરાવે છે.
****
દક્ષિણ આફ્રિકાના ફ્રીલાન્સ કાર્ટૂનિસ્ટ ક્યુઅન માઈલ્સના આ કાર્ટૂનમાં પણ સ્વર્ગના નિવાસીની ઓળખ ધરાવતા એ જ ચાર મહાનુભાવો- માર્ટીન લ્યૂથર કીંગ, મધર ટેરેસા, ગાંધીજી અને મન્ડેલા- દર્શાવાયા છે. (માઈલ્સનાં અન્ય કાર્ટૂનો તેમના બ્લૉગ http://cartoonsbymiles.blogspot.in/ પર જોઈ શકાશે.)
મન્ડેલાના અવસાન નિમિત્તે બનાવાયેલા આ કાર્ટૂનમાં સ્વર્ગના દરવાજે તેમને આવકારતાં માર્ટીન લ્યૂથર કીંગ બોલી ઉઠે છે: ‘ફિકર ન કરતા. આ દરવાજાને કદી તાળું નહીં દેવાય.’ મન્ડેલાએ 95 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું, જેમાંથી તેમણે 27 વર્ષ જેટલો ગાળો જેલમાં વીતાવ્યો હતો. માર્ટીન લ્યૂથર કીંગની ટીપ્પણી આ સંદર્ભે છે. અહીં કાર્ટૂનિસ્ટે દરેક પાત્રોના અભિવાદનની તેઓ જે દેશના નિવાસી છે તેની સંસ્કૃતિ મુજબ દર્શાવી છે. ગાંધીજી ‘નમસ્તે’ની મુદ્રામાં બે હાથ જોડીને આવકારે છે, મધર ટેરેસાએ આશીર્વાદની મુદ્રામાં જમણો હાથ ઉંચો કર્યો છે, તો કદમાં સૌથી લાંબા માર્ટીન લ્યુથર કીંગ બન્ને હાથ પહોળા કરીને મન્ડેલાને આવકારી રહ્યા છે. માઈલ્સે મન્ડેલા સિવાયનાં દરેક પાત્રોનાં નામ લખ્યાં છે. જો કે, તેમનાં કેરીકેચર તરત ઓળખાઈ જાય એવાં છે. ગાંધીજીની કાયમી સંગાથી એવી લાકડી અને કમરે લટકતી ઘડીયાળ અહીં ગેરહાજર છે.
માઈલ્સની બીજી એક શૈલી આ કાર્ટૂનમાં તેમજ તેમનાં અન્ય કાર્ટૂનમાં જોવા મળી કે તેમનાં પાત્રો તેઓ સામાન્ય રીતે ગોળમટોળ ચીતરે છે, જે અમુક અંશે ‘મૅડ’ના ચિત્રકાર અલ જૅફી/Al Jafee ની શૈલીની યાદ અપાવે છે. નવાઈ લાગે એવી બીજી વાત એ છે કે સામાન્યપણે ચિત્રોમાં સ્વર્ગનો દરવાજો તેમજ વાડ આ રીતની- એટલે કે માણસોના મકાનોની હોય એવી લોખંડની જ બતાવવામાં આવે છે. કોઈ કૂદીને પ્રવેશી ન શકે એ માટે ઉભા સળીયાઓની ટોચ પણ અણિયાળી રાખવામાં આવી છે. આ જોઈને સ્વામી આનંદનો એક અદ્ભુત લેખ ‘માણસ અને સ્વર્ગ’માં વાંચેલી વિગતોનું સ્મરણ થાય છે. મનુષ્યના સ્વર્ગની પરિકલ્પના પણ તેના પોતાના ભૌગોલિક પ્રદેશ મુજબની હોય છે, એવું સ્વામી આનંદે અનેક ઉદાહરણો દ્વારા દર્શાવ્યું હતું. (આ લેખ કદાચ ‘નવલાં દરશન’ પુસ્તકમાં વાંચ્યો હોવાનું યાદ છે.)
****
સ્વર્ગમાં રહીને પૃથ્વી પર અને ખાસ તો ભારતવર્ષમાં થતી હિંસાચારની ઘટનાઓથી વ્યથિત થતા કે તેની પ્રતિક્રિયા આપતા ગાંધીજીનાં કાર્ટૂન સામાન્ય છે. આર.કે. લક્ષ્મણે અહીં કોઈ ઘટનાવિશેષ બાબતે નહીં, પણ સમગ્ર દેશ બાબતે અફસોસ વ્યક્ત કરતા ઉદ્ગારો કાઢતા ગાંધીજીને બતાવ્યા છે. એક બાબતની હંમેશાં નવાઈ લાગે છે કે જે તે વ્યક્તિ સ્વર્ગમાં રહ્યે રહ્યે પૃથ્વીના સમાચાર અખબાર દ્વારા જ મેળવતી હોવાનું મોટા ભાગના કાર્ટૂનિસ્ટો કેમ દેખાડતા હશે? પૃથ્વી અને સ્વર્ગમાં કેવળ ભૂમિનો જ ફરક હશે, અને દિનચર્યાનો નહીં?
****
મુંબઈસ્થિત કલાકાર અશોક ડોંગરેના બનાવેલા આ કાર્ટૂનમાં નહેરુ અને ગાંધીજીની બહુ જાણીતી તસવીરી મુદ્રા બતાવવામાં આવી છે. યોગાનુયોગે સ્વર્ગમાં ગાંધીજી અને નહેરુને દર્શાવતાં ત્રણ કાર્ટૂનો આ કડીમાં સામેલ છે. (અશોક ડોંગરેનાં અન્ય કાર્ટૂનો http://www.boloji.com/index.cfm?md=Content&sd=Writers&WriterID=268&CategoryID=3 પર જોઈ શકાશે.) આ કાર્ટૂન 2006 માં રજૂઆત પામેલી ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મ પછીના અરસાનું છે. આ ફિલ્મમાં મુન્નાભાઈનું પાત્ર ભજવતા સંજય દત્તને અમુક સંજોગોમાં મૂકાતાં ગાંધીજી હોવાની ભ્રાન્તિ થાય છે એવી કથા હતી. તેને પગલે ‘ગાંધીજીની પ્રસ્તુતતા’ની ચર્ચા પણ ઠીક ઠીક થયેલી. અહીં ગાંધીજી નહેરુને પોતાના મનની મૂંઝવણ જણાવતાં કહે છે, ‘મને રોજ વિચિત્ર સપનું આવે છે કે સ્વર્ગનો મારો સમય હવે પૂરો થયો…અને હવે હું ફરી ભારતમાં સંજય દત્ત તરીકે જન્મ્યો છું.’ આ કાર્ટૂનમાં ગાંધીજીના ચહેરા પરની વ્યથા અને જવાહરલાલ નહેરુના ચહેરા પર સ્તબ્ધતાના ભાવ બહુ સરસ રીતે ચીતરાયા છે.
****
તમિળ દૈનિક ‘દિનમણિ’માં તમિળ કાર્ટૂનિસ્ટ મતિ (Mathi-ઉચ્ચારની ભૂલચૂક લેવીદેવી) એ પણ નહેરુ અને ગાંધીજીને સ્વર્ગમાં બતાવ્યા છે. આ કાર્ટૂનમાં નહેરુ ગાંધીજીને કહે છે, ‘ઈશ્વરનો આભાર માનો, બાપુ, કે તમે વર્તમાન સરકાર સામે નહીં, પણ અંગ્રેજી સરકાર સામે લડ્યા. વર્તમાન સરકાર સામે તમે ભ્રષ્ટાચાર, લાંચ કે કાળા નાણાં માટે લડ્યા હોત તો તેમણે તમને પકડીને તિહાર જેલમાં પૂરી દીધા હોત!’
આ કાર્ટૂનમાં નહેરુ ગાંધીજીને કોઈ અખબારમાં છપાયેલા સમાચાર બતાવીને આમ કહી રહ્યા છે. તમિળ લિપિમાં હોવાને કારણે એ જાણી શકાતું નથી કે ચોક્કસપણે કઈ ઘટનાનો સંદર્ભ લેવામાં આવ્યો છે, પણ એની ખાસ જરૂર નથી પડતી. નહેરુએ કહેલી વાત કોઈ પણ સરકાર માટે સાચી પડી શકે એમ છે.
****
આર.કે. બેલૂર નામના કન્નડ કલાકાર ‘બ્લૉગ કાર્ટૂનિસ્ટ’ છે અને ‘Rambling with Bellur’ નામનો તેમનો વૈવિધ્યસભર બ્લૉગ (https://bellurramki18.wordpress.com/category/blog-cartoons/ ) છે. તેમણે પણ ગાંધીજી અને નહેરુને વાતચીત કરતા બતાવ્યા છે. લેખન, લેખન અને સતત લેખન થકી પ્રત્યાયન કરતા રહીને વિશ્વ સમક્ષ પોતાની વાત મૂકનાર ગાંધીજી નહેરુને કહે છે, ‘આપણા દિવસોમાં બ્લૉગ હોત તો! રાષ્ટ્રની એકતા માટે આપણે કેટલું કામ કરી શક્યા હોત!’ આના પ્રતિભાવમાં નહેરુ કહે છે, ‘અને તમે (‘ફાધર ઑફ ધ નેશન’-રાષ્ટ્રપિતાને બદલે) ‘બ્લૉગર ઑફ ધ નેશન’ તરીકે ઓળખાતા હોત. આ કાર્ટૂનમાં કાર્ટૂનિસ્ટે અત્યંત સરળ રેખાઓમાં ગાંધીજી અને નહેરુ ચીતર્યા છે અને તેમની એ જ જાણીતી મુદ્રાનો ઉપયોગ કર્યો છે.
નહેરુની વાત કેટલી સાચી પડત એ ખબર નથી, પણ એ હકીકત છે કે ગાંધીજી પોતે બ્લૉગ નથી ચલાવતા, છતાં ‘બ્લૉગ’ પર અનેક બાળ, પિતા, પિતામહ, દાદામહ ઉપલબ્ધ છે. આ બધામાં ગાંધીજી ક્યાંના ક્યાં ખોવાઈ ગયા હોત એ કલ્પી લેવું અઘરું નથી.
****
‘સ્વર્ગમાં ગાંધીજી’ શ્રેણીના અંતે શ્રેયસ નવરેનું હલબલાવી નાંખતું કાર્ટૂન જોઈએ. 2013માં બિહારમાં એક અકલ્પ્ય કરુણાંતિકા સર્જાઈ હતી. મધ્યાહ્ન ભોજનમાં કોઈ જંતુનાશક દવાની ભેળસેળ હોવાને કારણે એક શાળામાં 23 બાળકોનું મૃત્યુ થયું. અસલમાં ગરીબ બાળકોને એક ટંકનું ભોજન મળે એ હેતુથી આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. અહીં અપમૃત્યુ પછી સ્વર્ગમાં પહોંચેલાં બાળકો ગાંધીજીને વળગીને રડે છે અને કહે છે, ‘ભોજન કરતાં તો ભૂખ સારી હતી, બાપુ!’ ગાંધીજીની આંખમાંથી પણ આંસુ સરતા બતાવાયા છે.
આ સાંભળીને ઘડીભર એ કમનસીબ બાળકોનો વિચાર કરતાં નિ:શબ્દ થઈ જવાય છે. શ્રેયસ નવરેના કાયમી પાત્ર ‘ઝીરો’ નામના ગધેડાએ નિ:શબ્દ બનીને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પી છે એવી જ હાલત આ કાર્ટૂન જોનારની થાય છે.
****
ગાંધીજી પરના વધુ એક વિષયનાં કાર્ટૂનો આગામી કડીમાં.
(ક્રમશ: )
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
Wonderful collection and classification. You must have gone through a lot of these cartoons – to say the least. Enjoying thoroughly its humor and can see their tragic implications too.
Thanks for the series.
એવું કહેવા/માનવામાં આવે છે કે રમૂજનું વિશ્લેષણ કરીએ એ એનું વિચ્છેદન કર્યા સમાન છે અને એમ કરવા જતાં રમુજની ધાર બુંઠી થઈ જાય. આ શ્રેણી શરુ થઈ ત્યાં સુધી હું એવું જ માનતો હતો. પણ સળંગ નવ હપ્તા વાંચ્યા/માણ્યા પછી કહું છું કે આવી રોચક શૈલીમાં થતું વિશ્લેષણ તો વ્યંગને સમજવાના નવા આયામો ખોલી આપે છે. આ શ્રેણી શક્ય એટલી લંબાવશો.
આ શ્રેણી માણતા માણતા એવી લાગણી થાય છે કે માત્ર એક દાયકા માટે ચુકી ગયો!
બાપુની એકાદ ઝલક માણી શક્યો હોત અને યાદ રાખી શક્યો હોત!