અસમયાત્રા : રાઈટર ટુ વેઈટર

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

કેન્દ્રિય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા દર વર્ષે સાહિત્યના પ્રદેશમાં પ્રવેશેલા ને એ પ્રદેશને જાણવા-પામવા ઇચ્છતા સર્જકોને દેશના કોઈ એક સાંસ્કૃતિક પ્રવાસ કરવા માટે પસંદ કરવામાં આવે છે. આ સંદર્ભે અસમ-મેઘાલયના પ્રવાસે જવાનું થયું. અસમના ચાર મુખ્ય સર્જકો પ્રો.નીલમણિ ફૂકન, પ્રો. નિર્મલપ્રભા બર્દલઈ, શ્રી હિરેન ભટ્ટાચાર્ય ને શ્રી સમીર તાંતી સાથે સાહિત્યિક મુલાકાત થઈ ને થયું અદભુત ભૂમિપ્રદેશ અસમનું મનોહર દર્શન. જેની વાત અહીં માંડીને કહેવાનું મન થાય છે.

કેન્દ્રિય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા દેશના કોઈ એક પ્રદેશનો સાંસ્કૃતિક પ્રવાસ કરવાનું નિમંત્રણ મળ્યું ત્યારે બે અનિત્મ પ્રદેશ પર આંખ ઠરેલી. કેરાલા ને અસમ. છેવટની પસંદગી અસમ પર ઊતરી ને બાર દિવસનો અસમપ્રવાસ આરંભાયો.

ભુજથી દિલ્હી થઈને ગૌહત્તીની ટિકિટ મળેલી પણ અસમપ્રવાસ ના અનુભવી યાત્રીઓએ કોલકતા થઈને જવાનું સૂચવતાં ભુજથી કોલકતા પ્રવાસ આરંભાયો. ત્રીજી પરોઢે કોલકતાની ભૂમિનું દર્શન થયું. ત્યાં બાર કલાકનો વિરામ હતો. જેનો લાભ લઈને બેલૂર મઠના પ્રશાંત વાતાવરણમાં સવાર ગાળીને બપોરે ગૌહતી જવા માટે સરાઈઘાટ એક્સપ્રેસ પકડી ને શરૂ થયું સુજલામ્ સુફલામ્ સોનાર બાંગ્લાનું દર્શન. ટ્રેન અસમ ભણી ધસતી ગઈ ને આંખ સામે કુદરતનો કેમેરો ફરતો રહ્યો. નાળિયેરી, શણ, સોપારી, વાંસ, ખેતરોમાં છલોછલ જળ, જળની વચાળે નાળિયેરીનાં ઝૂંડ ને ઝૂંડમાં છુપાયેલું ઝૂંપડું. ઝૂંપડાંમાં ખેતરની રખેવાળી કરતા ખેડૂતલોક. આખોય ચિત્રલોક ઊઘડતો ગયો, વિસ્તરતો ગયો.

રણના મહોલથી રજોટાયેલાં અમે ચાર સહપ્રવાસીઓ બહારનાં જળૅસભર ખેતરો ભીની આંખે પીતાં રહ્યાં. બંગાળના જ રહેવાસી એવા સહપ્રવાસીઓ અમારા વિસ્મયને વિસ્મતાપૂર્વક નિહાળતા રહ્યા, રણમાં ખેતી કરતા, ગરમ પવનોના ધક્કાથી રવડી પડતા, બાવળ ને ચેરિયાંની વચાળે શ્વસતા અમારા વિસ્મયને એ શું જાણે ? અમારાં વિસ્મયને તાકતાં એમણે કહ્યું : ‘ હજુ અસમ તો આવવાનું બાકી છે !’

પાંચ વાગ્યે જ સાંજ ઢળી જતાં ‘સોનાર બાંગ્લા’ અંધકારમાં ઢબૂરાઈ ગયો ને દર્શન અધૂરું રહ્યું. સૂર્યનારાયણે લીધેલી વહેલી વિદાયથી તેમના પ્રત્યે ચઢેલી રીસ સવારે સાડાચાર વાગ્યામાં જ તેમના પ્રત્યક્ષ થવાથી ઓસરી ગઈ ને ફરી બારી બહાર ડોકિયું કરતાં વિસ્મયલોકનો દરવાજો ખૂલ્યો. કુદરતના આશીર્વાદથી નત થયેલ ભૂમિ હજુય ‘સોનાર બાંગ્લા’ની હતી. કોલકતા છોડ્યાના છેક પંદર કલાક પછી ‘શ્રીરામપુર’ નામક ગામથી અસમનો પ્રદેશ આરંભાયો. સાચે જ, રામવનવાસનું એ અંતિમ સ્થળ તો નહીં હોય ને એવા રોમાંચ સાથે સ્ટેશનનું બોર્ડ જોતાં ઘેરાયેલાં ઘટાદાર વૃક્ષોની પછવાડે ભાથામાં તીર લઈને ધનુષ્ય સહિતના રામ હમણાં પ્રત્યક્ષ થઈ જવાનો આભાસ પ્રગટ્યો. સવારના સાતથી બપોરના બાર લગી ‘ઝૂકી ઝાડનાં ઝૂંડની ઝાઝી ઝાડી’ એ પંક્તિ અમારી લગોલગ ગણગણાટ કરતી રહી. ખેતરોમાં તાજા જ વરસેલા વરસાદનાં પાણી પર વહેલી સવારના ચળકતાં સૂર્યકિરણો કમળનાં વનોને આલિંગી રહ્યાં હતાં. પ્રિયતમના સ્પર્શથી હસું હસું થતાં કમળોનું એકસરખું ઉત્ફૂલન જોઈને દેવ-નગરીનો પ્રવેશ અનુભવ્યો. આ જ હશે કુબેરનું કમળવન ? દ્રૌપદી માટે કમળ શોધતા ભીમસેનનાં ચરણની રજ અહીં જ હવામાં ઊડી હશે ? નીચે સફેદ કમળો, પછવાડે કેળવૃક્ષનો થપેડો, એની પછવાડે ક્યાંક વાંસ ને સોપારી ! લીલોતરીના શણગારના આ ત્રણ થન બંગાળની શસ્ય શ્યામલા ભૂમિનેય હંફાવી ગયા. ઘોર તપશ્ચર્યા પછી શિવદર્શન થતાં ‘કુમારસંભવમ્’ની પાર્વતીની જેમ ‘ન યયૌ ન તસ્થૌ’ની સ્થિતિમાં મુકાયેલા સૌને સાદ પાડીને ચેરાપુંજી જતા એક સહપ્રવાસીએ કહ્યું : ‘ગૌહત્તી આવી રહ્યું છે, તે પહેલાં આવશે બેવડા પુલવાળી બ્રહ્મપુત્ર.’ ‘રું રું’માંથી હરિ જપતા અખાના ભક્તની જેમ સૌના હૃદયમાં બ્રહ્મપુત્રનો જાપ શરૂ થયો ને ટ્રેન ધીમી પડી. તમ્મર આવી જાય તેટલાં પાણીની ઉપર ટ્રેનની ગતિ આરંભાઈ. ચારે કોર નિબિડ જંગલની વચ્ચે વિશાળ જળરાશિ-તાંડવ પછી ધીરા પડેલા શિવની વિખેરાઈને ભેગી થતી જટાનો આભાસ કરાવતો ઘૂઘવી રહ્યો હતો. આનંદના આક્રમણનો અહેસાસ ને લોહીહી નદીનાં દર્શનથી મનના સુપ્ત ખૂણે ભરાયેલા ભયનો સાથેલાગો અનુભવ ! કૃષ્ણના વિરાટ સ્વરૂપદર્શનથી ભયાનંદ અનુભવતા અર્જુન-શા સ્તબ્ધ થઈ જવાયું. ચારે સહપ્રવાસીઓનાં આંગળા એકબીજાના હાથમાં ભીડાયાં તે છેક સ્ટેશન આવતાં ખૂલી શક્યાં. છેક ચાર સવારો પછી ખોડાયેલાં ચરણો સળવળ્યાં, થયું : ‘ઘરનો આ તે ક્યો છેડો ?’

ગૌહત્તી એક સમયના અસમનું પાટનગર. ધાંધલ-ધમાલથી વ્યસ્ત પણૅ ભારતનાં અન્ય મહાનગરોના ચળકાટ ને અમુક ચમક-દમકથી તદ્દન નોખું. દિવસ ગનો તો સવારના ચારથી સાંજના ચાર સુધીનો જ. ચાર વાગતાંવેંત સૂર્યનારાયણ પીઠ ફેરવે તે પાછું વળીને ન જુએ. ધંધા-ધાપા, વેપાર-વણજ, ધામ-ધૂમ, સ્વિચ ઑફ થતાં જ બંધ થતા પ્રકાશની જેમ ઓઝપાઈ જાય. ઑફિસોને તાળાં, ઘરનાં પ્રવેશદ્વારોને અંદરથી સાંકળ, રસ્તામાં પડતાં પગલાંઓ પર આપમેળે આવતી પાબંદી, આઠ વાગતાંમાં તો સૌ ઝોલે ચઢે.

ગૌહત્તીનું કેટલુંક નોખાપણું સ્પર્શી જાય-આકર્ષી જાય તેવું. લ્યૂના, સ્કૂટીથી માંડીને ગુજરાત જેવાં રાજ્યોમાં મહાનગરઓમાં ઘૂમતાં, લ્ક્સે ચૂંથતાં, એક કોરે કરી દેતાં વાહનો ત્યાં લગભગ અદ્રશ્ય હતાં. ખૂણે-ખાંચરે જઈને પ્રિયતમ કે પ્રિયતમાના કાનમાં ગણગણતા હોઠોની જેમ ગમે ત્યાં રણકતા મોબાઇલ ને સ્થગિત થઈ જતું એકાંત – ત્યાં ન વરતાયું. ત્યાંની વ્યક્તિઓ એક આમ આદમી – બલકે અદના આદમી સમી જણાઈ. સાદો પોશાક, સરળ રહેણી, અસ્મિત વદનો, પ્રેમાળ નમ્રતાની ઝલક વારંવાર અનુભવાયાં. અમારા જેવાં અજાણ્યાં પ્રવાસીઓ સિટી બસમાં ગોઠવાઈને મૂંઝાયેલા ચહેરે પહોંચવાની જગાનું નામ આપીએ ને બસમાંના દરેક સહપ્રવાસીનો તંતુ અમારી સાથે જોડાય. સ્થળ આવતાંવેંત એ અમારો હાથ પકડે, સાથે ઊતરે, પોતે પણ એ જ સ્થળે જતો હોય તેમ છેક લગી સાથે આવે ને મુકામે પહોંચાડીને અમારી કૃતજ્ઞતા ઝીલવા પાછું વાળીને જોવાનીય દરકાર ન લે !

બ્રહ્મપુત્રમાં નૌકાવિહાર કરતી વેળાએ તો કોઈ અજાણ્યા જણને નાવિક સાથે તકરાર કરીને ભાડું ઉચિત ભાવમાં નક્કી કરાવીને જ જંપ વળેલો ! બહારની લીલપના આ ભીતરી પ્રતિબિંબે સૌને વિશેષ પ્રભાવિત કર્યાં.

અસમના સાહિત્યકારોની મુલાકાત કર્યા પછી આરંભાયો શિલોંગ-ચેરાપુંજીનો પ્રવાસ. ગૌહત્તીથી સાડા ત્રણ કલાકની શિલોંગયાત્રા એટલે કુદરતના મખમલી માર્દવનો સુંવાળો સ્પર્શ. પર્વતીય ઢાળોને લાંઘતી ગાડીની બારીમાંથી લવંડર રંગના ફૂલોની બિછાને મહાપુરુષોના સંગ જેવી મુલાયમ ને દર્શનીય બની રહી. આખાય અસમ પ્રદેશમાં આ ફૂલો બિછાવીને કુદરતે એકસરખી મહેર વરસાવ્યાનો અહેસાસ થયો.

શિલોંગમાં ઍલિફન્ટા ફોલ્સ, ઉદ્યાનો, બંગભૂમિની દૂરથી દેખાતી સરહદ, વર્ષોથી તપ તપતા કોઈ ઋષિની વધેલી દાઢી જેવું, દૂધે ધોયેલું અગમ્ય પ્રદેશમાંથી વહી આવેલ ઝરણાનો દદડાટ – શું શું જોવા ન મળ્યું ?

શિલોંગથી બે કલાક ચેરાપુંજીને રસ્તે શાળામાં ભણાવાતી ભૂગોળ સમક્ષ થતી ગઈ. આખા દેશમાં સૌથી વધુ વર્ષાને ધારન કરતો પ્રદેશ કલ્પનામાં મંડારાતો રહ્યો. બહારની પ્રશાંત કુદરતે અમારીય વાચા હરી લીધી. ગાડી સમાધિસ્થ પર્વતોની ધારે અટકી જ્યાં ઊભું હતું રામકૃષ્ણ મિશન. એના સંન્યાસીઓ ને વહેતું વ્યસ્ત જીવન. ચેરાપુંજીના હંમેશા વરસતા રહેલા આકાશે અમને જોઈને કોરા રહેવાનું પસંદ કર્યાનું જણાયું. રણનો ચેપ આટલો વ્યાપક ! વાદળાઓની આવ-જા વચ્ચે મેઘરાજાએ જાહેર રજાનું એલાન કરતાં ચેરાપુંજીના ઘરોમાં સૂકાયેલાં કપડાં ફરફરી રહ્યાં હતાં. ‘આજ બારિશ નહીં હૈ’ કહેતાં મલકાતાં લોક જોઈને મને નિલમણિજી યાદ આવ્યા. મેં તેમને કહ્યું : ‘આપ કેવા સદભાગી ! આ લીલોતરીને વચાળે તમારો વાસ!’ ઉત્તરમાં હસીને તેમણે કહેલું : ‘પણ તમારા ભાગ્યમાં આવેલ દરિયો ને રણ અમારી પાસે ક્યાં ?’ તો વાત આમ હતી. ન મળ્યું તેની ઝંખનાની, જેણે મેળવ્યું હતું એના પ્રત્યેની મીઠી ઈર્ષાની ને જેને એ મળ્યું હતું એનાથી એ ન પમાયાની, કે કદાચ જે નથી એનેય હાથવગું કરવાની.

ને છેલ્લે કુદરતી કરિશ્મા શા કાઝીરંગા – અભ્યારણ –નો પ્રવાસ આરંભાયો. ગૌહત્તીથી સાડા પાંચ કલાકનો એ સ્વર્ગીય પ્રવાસ ! ચારે કોર લદાયેલાં લવંડર ફૂલોને જોઈને હવે ન રહેવાયું ને આ ફૂલોને સ્પર્શવા દેવા માટે ગાડી થોભાવવા ચાલકને વિનવણી કરી ત્યારે તેણે હસીને જણાવ્યું : ‘ આ તો જંગલી ફૂલ છે. એને સ્પર્શતાંવેંત ખંજવાળ ઊપડે છે.’ થયું ! પોતાના સૌંદર્યને સાચવવા આ ફૂલોએ કરેલી યુક્તિ પાસે હારી જવાયું. પ્રકૃતિયે ક્યારેક મનુષ્ય જેવી થઈ બેસતી હશે તેની પહેલી જ વાર ખબર પડી !

આરંભાયું કાઝીરંગાનું ઘોર જંગલ, જંગલી ઝાડોની વચ્ચે અમારી લાકડાની હોટેલ, ચોપાસ ઘેરાયેલું સૌંદર્ય ને સૌંદર્યથી ઘેરાયેલાં અમે ! બપોરના સાડા ચારનું ઘોર અંધારું ને ઝળકતા આગિયાનો ચમકાર. દૂ…ર ગોટમોટ થઈને અભ્યારણમાં સૂતેલાં હિંસક પ્રાણીઓના અવાજો ને રાત્રિનો જંગલી સન્નાટો. બારી પાસે માથું રાખીને સૂવે એ બીજા ! બારીને તો ધરી દીધાં ચરણો – કોઈ તાણે તોય જીવ નીકળતાં વાર લાગે એ માટે.

સવારે સાડા ચારે નીચેથી હાકલ પડીને સૌ સહપ્રવાસીઓ સાથે જ નીકળી પડ્યાં હાથીની સવારી દ્વારા જંગલનાં દર્શનાર્થે. કાઝીરંગાનું એ પરોઢદર્શન. આખાય આકાશની બરોબર વચ્ચે ધુમ્મસની પટી ઉષાએ બાંધેલી ચુસ્ત રિબનની જેમ ફરફરતી હતી, જંગલની એ સવારે આરણ્યકોની જેમ વિહરતાં અમ સૌના હોશકોશ હરી લીધા ! પ્રકૃતિની નિશ્રામાં દેશ-કાળ, ગામ-સ્વજન ઓગળી ગયાં. ચર્મચક્ષુથી ન વેઠાતું આ દિવ્યદર્શન, દિવ્યચક્ષુને ઝંખી રહ્યું. વિરાટ કુદરતનું આ ઘોર આહવાન સૌની વાણીને અવરોધી રહ્યું. અમને વહી જતા હાથીના ગળા સુધી આવતું ને તેથી ‘હાથી ઘાસ’ તરીકે ઓળખાતું ઘાસ અમને આલિંગતું રહ્યું ને નીચે હમણાં જ ખોતરેલી બ્રહ્મપુત્ર જંગલના કાદવ રૂપે અમને ખરડતી રહી. ‘પશ્ય યે યોગાઐશ્ચર્યમ્’ કહેતા કૃષ્ણનો હાથ ફેલાતો રહ્યો.

ગૌહત્તીની છેલ્લી સવારે કરવાનું બાકી હતું દેવી કામાક્ષી મંદિરનું દર્શન. શૈલપુત્રી પાર્વતીનું આ તપસ્યાસ્થાન. શિવને જોઈને પર્યુત્સુકા બનેલી પાર્વતીના દર્હ્સન માટે મન વ્યાકુળ હતું. મંદિરનો રસ્તોય અતીવ રમણીય. પર્વતમુખે વસેલી પાર્વતી પ્રતિ સવારે ઊઠતાંવેંત જ મન પહોંચી ગયેલું પણ એ સ્થળે પહોંચતાંવેંત મલિન, ધૂમિલ ને માંદલા માહોલે સૌને ઘેરી લીધા. અંધશ્રદ્ધાના આક્રમણથી હણાયેલ અનેક આમલોકને ત્યાં પંડાઓને ચરણે-શરણે અનુનય કરતા જોઈને બંગાળના પ્રચંડ, પ્રખર સુધારકોના પ્રયત્નોની ગરિમાની, એમના શ્રમની સૌએ ન લીધેલી દરકારે મનને ખિન્ન કરી નાખ્યું. મંદિરની વચ્ચોવચ શબ થઈને પડેલા ગાયના દેહની અંગભંગિ ને ગાળ બકરાંના બે સુંવાળા દેહની બલિ માટે શણગારાયેલી આકૃતિ જોઈને પાર્વતીની તપોભૂમિનું આકર્ષણ ક્ષણમાત્રમાં નંદવાઈ જતાં પારોઠના પગલાં ભરાયાં. જીવન પ્રત્યેની માંગોએ, અધૂરાં શિક્ષણે ને કહેવાતા ધર્મારાધકોએ પાર્વતીના તપ પ્રત્યે આદરેલી બેઅદબી જોઈને આગલી સવારોએ અંજાયેલી પ્રકૃતિ બહાર ઊભા રહીને, પાર્વતીને અર્ધ્યરૂપે ધરીને તેમજ આ દ્રશ્યો જોવા બદલ તેમની ક્ષમા યાચીને કામાક્ષીને ઉંબરેથી પાછા ફરતાં થયું – ‘સૌએ કહેલું, કામાક્ષીદર્શન વિના અસમયાત્રા અધૂરી ગણાશે. સાચે જ, કામાક્ષીદ્વારે થયેલાં આ વિરૂપદર્શન વિના અસમદર્શન અધૂરું જ ગણાત !

અસમદર્શને સર્વ શ્રી નીલમણિજી, નિર્મલપ્રભા, શ્રી હિરેન ભટ્ટાચાર્ય ને શ્રી સમીર તાંતીનો પરિચય કરાવ્યો એ તો અસમ દ્વારા મળેલી મોટી ભેટ. પણ સાથોસાથ હૈયાસોસરવા ઊતર્યા તે અમારી હોટલના વેઇટરો, હોટલનો રિક્ષાચાલક બહાદુર, ટુરિઝમ ઑફિસનો વાણીચાલક નીલમણિજી વગેરેનું નામ લેતાંવેંત જ ‘હમારે રાઇટર્સ કો આપ મિલને આઈ હૈ ?’નું વિસ્મય દર્શાવીને પોતાના સર્જકો પ્રત્યે આદરથી છલકાતા અસમના આ આમલોક ને સર્જકોએ પણ લોકને પ્રદેશની લીલપની આપેલી બક્ષીસનો પરસ્પર પ્રતિસાદ સહનૌભુનક્તુનું મંત્રગાન શીખવી ગયો.

અસમની પ્રકૃતિથી ભીતર રંગીને કચ્છમાં પ્રવેશતી ટ્રેનમાંથી ડોકિયું કરતાં થયું : કેટૅલું દૂરદૂરનું મારું ગામ ! આખાય પ્રવાસમાં આ દૂરી સતાવતી રહેલી. ન કરે નારાયણ ને કોઈ પણ સફર અંતિમ સફર બને તો ત્યારે મૃત્યુને ઇચ્છ્યું તો હતું મારા ધગધગતા રણની વચાળે જ ! તે એ રણનું દર્શન થતાં જ મળ્યું જીવન. મારું સોનાર બાંગ્લા, મારું અદભુત અસમ !

******

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

3 comments for “અસમયાત્રા : રાઈટર ટુ વેઈટર

 1. Purvi
  August 14, 2017 at 3:35 am

  Prakruti nu Varnan Bahu j Sundar rahyu Darshna bahen. pan Bangla ane Aasami Vangi o no swad Aape na Karayo. Have aa tour ma lidhela local food no bijo swadisht lekh bhale Thai jay.

 2. Anila Patel
  August 14, 2017 at 12:44 pm

  Adabhoot varnan ane kalpana shakti. Aapani kalpanani pankhe besine Aasamne sakshat nihalavano abubhav atyant romanchak rahyo.bahu maja aavi bija pravas varnano vachava man lalchai rahyi chhe. Jaldi nava lekho mooko evi apeksha.

 3. August 17, 2017 at 7:00 pm

  દર્શનાબેન તમારી આંખે અમે અસમ જોયુ. ખુબ સુંદર વર્ણન. આપણા જ લોકો પણ ઘણા બધા કારણૉથી મુખ્ય પ્રવાહથી દુર.
  હવે સમચારો થકી થોડો ઉલ્લેખ પામે છે. બાકી ભુપેન હજારીકાને કોણ ભુલી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *