





(ગયા સપ્તાહથી ચાલુ)
“આપ કોણ ?”
એરકન્ડિશન્ડ ચેમ્બરમાં, અપ-ટુ-ડેટ કાંતિભાઈ દ્વારા, સામે ઊભેલા એક અપ-ટુ-ડેટ દંપતીને પૂછાયેલો આ પ્રશ્ન.
જવાબ : “અમે વીણાનાં મામા-મામી છીએ. કનુમામા અને કાંતામામી.”
કાંતિભાઈએ યાદ કર્યું, “હા, હા, હા, આપણે એક વાર મળ્યાં હતાં. ખરું ? વરતેજ…વરતેજ…” ને સામેની ખુરશીઓ તરફ આંગળી ચીંધી.
ઓફર કરાયેલી જગ્યા પર બેસતાં કનુમામાએ નવાઈ પામીને પૂછ્યું : “આપણે ? આપણે તો ક્યારેય મળ્યાં નથી !”
“મળ્યાં છીએ. વીણાની નાની બહેનની સગાઈ વખતે. ભૂલી ગયા ?”
“હા, પણ એમાં તો તનસુખલાલ આવ્યા હતા ને…”
“તે હું તનસુખ જ છું ને ?” કાંતિભાઈ ખડખડાટ હસ્યા અને હાથ મેળવ્યા. “હું કોણ છું ?તનસુખ જ ને !”
“કેમ ?” કાંતામામીએ વચ્ચે જ પતિને ટોક્યા : ”વીણાના પત્રમાં શું લખ્યું છે ? ભૂલી ગયા ? એટલે તો આપણે આવ્યાં છીએ.”
“યસ… યસ…યસ…યસ…” કનુમામા બોલ્યા :”રાઈટો, રાઈટો… આ પત્ર…” એમણે ગજવામાંથી એક પત્ર કાઢ્યો.
“આપ તો પાછા નૈરોબી હતા, ખરું ને ?” કાંતિલાલે હસીને પૂછ્યું.
“હા, રાઈટો… નૈરોબી હતા. હાલમાં જ દેશમાં આવ્યાં એમાં આ વીણાનો લેટર આવ્યો. આવવું પડ્યું, રાઈટો…”
પત્ર હાથમાં લઈને કાંતિભાઈએ વાંચ્યો. વીણાના જ અક્ષર હતા : “પૂ. મામા ને મામીથી માંડીને પુત્રીતુલ્ય વીણા” સુધીના કાગળમાં તનસુખના પુન:વતારની વાત વિસ્તારીને લખી હતી. છેલ્લે લખ્યું હતું : “તમે બન્ને મારો આધાર છો. હવે છતે ધણીએ હું વિધવા તરીકે જીવવા માગતી નથી. મારે મારા વર સાથે રહેવું છે. સમાજની મને પરવા નથી. પણ અહીં કોઈ એ વાત સમજતું નથી. તમે જિંદગી પરદેશમાં ગાળી છે. એમને તમે સમજો- તમારી વાતનું વજન પણ પડે. આવો અને મને આમાંથી ઉગારો.”
કાગળ વાંચીને કાંતિભાઈએ પાછો આપ્યો. નિઃશ્વાસ નાખ્યો.
“અમે આ બાબતમાં વીણાની પડખે છીએ.” કનુમામા બોલ્યા :“પણ તમે મક્કમ છો ? ચાલો, સીધી વાત કરો…” પછી પત્ની તરફ જોઈને કહ્યું : રાઈટો ?”
પત્નીએ ગરવાઈથી હા કહી.
“કઈ બાબતમાં ?” કાંતિભાઈએ પૂછ્યું અને પાણી મગાવવા માટે કોલબેલ મારવા પાછળ હાથ લંબાવ્યો.
“ના,” કનુમામા બોલ્યા, “હમણાં પટાવાળાને પણ ના બોલાવશો. એકદમ ખાનગી વાત છે ! પૂછવાનું મારે એટલું જ કે સમાજની સામે પડીને અને સરલાબહેન તેમજ સૂર્યાની સામે પણ જોયા વગર તમે અને વીણા જુદું ઘર માંડીને રહેવા તૈયાર છો ?”
કાંતિભાઈના મોં પર લાલી આવી ગઈ. બોલ્યા : “એમાં બે-મત નથી. હું મારી પત્ની વીણા વગર દહાડા કેમ કાઢું છું એ મારું મન જાણે છે. એની સાથે રહેવા માટે હું મારો જાન પણ આપી દેવા તૈયાર છું.”
“એક વાર તો આપ્યો છે, તનસુખલાલ,” કનુમામા બોલ્યા, “અને એ આપ્યો એમાં તો આ બધા પ્રોબ્લેમ ઊભા થયા છે–રાઈટો ?”
કાંતિભાઈએ લમણે હાથ દીધો.
“ઓ.કે.” કનુમામા બોલ્યા, “લાવો, જરા ફોન આ તરફ. વીણાને જણાવીએ કે અમે આવી ગયાં છીએ.”
ફોન શું, કાંતિભાઈએ નંબર જ મેળવી આપ્યો અને ફોન એમની તરફ ધકેલ્યો. કનુમામાએ વીણા સાથે વાત કરી. કાંતામામીએ પણ કરી. “બેટા, મૂંઝાઈશ નહીં” એવું આશ્વાસન પણ આપ્યું. એ પછી કનુમામાએ બીજો એક ફોન એમના કોઈ મિત્રને કર્યો. ને કહ્યું કે અમે આવી ગયાં છીએ. અનુકૂળતાએ મળીશું.”
“ઘેર તો આપણે જોડે જ જઈએ.” કાંતિભાઈ બોલ્યા. ટેબલ પરના કાગળ સમેટ્યા અને નોકરને બોલાવીને મામા-મામીની બ્રીફકેસ પણ ઊંચકાવી ને ડ્રાઈવરને ગાડી બહાર કાઢવાની સૂચના આપી ને સાથે જ નીકળ્યાં. વરઘોડાની જેમ !
**** **** ****
કાંતિભાઈ સાથે દીવાનખાનામાં દાખલ થતાવેંત કનુમામા અને કાંતામામીએ ચોતરફ નજર ફેરવી. વીણા દીકરી ક્યાંય દેખાય છે ? પણ એ તો ક્યાંથી હોય ? હા, સૂર્યા બેઠી હતી અને સામે મધ્યમ વયના બે પુરુષો. સૂર્યાએ જ કાંતિલાલને કહ્યું : “આ બે જણા સુરેન્દ્રનગરથી આવે છે. બન્ને લેખકો છે. જમનાદાસભાઈ ને અનિરુદ્ધભાઈ. સાહિત્ય સંગમમાં લેકચર આપવા આવેલા. એટલે અહીં ચાપાણી માટે બોલાવી લાવી છું.”
થોડો અણગમો–અજાણ્યાઓ પ્રત્યે,કટાણે આવવા બદલ પ્રગટે એવો – કાંતિભાઈના ચહેરા પર પ્રગટ્યો. પણ પછી મામા-મામીની આગતા સ્વાગતામાં વિલાઈ ગયો. દીવાનખંડ ઘણો મોટો હતો ને ! એને એક ખૂણે બેઠેલા કેવી રીતે નડવાના હતા ? કદાચ હમણાં ચાલ્યા પણ જાય.
ત્યાં જ વીણા અંદરના ઓરડેથી દીવાનખંડમાં આવી. અને મામા-મામીને જોતંવેંત ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. (વિધવા થયા પછી, ને ફરીથી સધવા થયા પછી પહેલી જ વાર મળાતું હતું.)
એને રડતી જોઈને નજીકમાં બેસી ગયેલા કાંતિભાઈના કાનમાં જમનાદાસે હળવેથી કહ્યું, “બહેનનાં કોઈ નિકટનાં સગાં લાગે છે, નહીં ?”
“હા,” કાંતિભાઈએ જવાબ આપ્યો :“એનાં મામા-મામી છે.”
એટલી જ વારમાં સરલાબહેન પાણીના ગ્લાસની ટ્રે લઈને અંદર આવ્યાં. ત્યાં જ કાંતિભાઈ બોલ્યા, “ભાભી, તમારે મહેનત લેવાની શી જરૂર હતી ? નોકરને કહેવું હતું ને ?”
એ સાથે જ રડીને લાલ થઈ ગયેલી આંખોવાળી વીણાએ આંખ ઊંચી કરી. ડૂસકાં બંધ થઈ ગયાં અને આંસુ જાણે કે વરાળ બનીને ઊડી ગયાં. નજરમાંથી અંગારા ઝરે જાણે કે ! લગભગ તરડાઈ ગયેલા અવાજે કાંતિભાઈ તરફ જોઈને બોલી : “હવે ક્યાં સુધી મારી જેઠાણીને તમે ‘ભાભી ભાભી’ કહ્યા કરશો ? હવે તો અટકો!”
કાંતિભાઈ એકદમ ડઘાઈ ગયા. એમના હાથમાં પણ પાણીનો પ્યાલો થંભી ગયો. પછી વળી માંડ ગળા નીચે ઊતરતું હોય એમ ઘૂંટડો પાણી પીધું ને પછી બોલ્યા : “અરે વીણા, શું થયું છે તને ? કેમ આજે આમ બોલે છે ? હું તનસુખ ને તું મારી પત્ની વીણા–તારી સરલા જેઠાણી તે મારી ભાભી ! કાંઈ નવી વાત છે ?”
“આજ સુધી એ નવી વાત નહોતી, કારણ કે હું તમારી વાત માની લેતી હતી, પણ આજ સુધી બહુ છેતર્યાં સૌને. મારી જિંદગી પણ તમે એમ જ ધૂળધાણી કરવા બેઠા હતા. પણ ભાગ્યજોગે બચી ગઈ. હવે તો…”
“વીણા,” એકદમ ઠંડકથી કાંતિભાઈ બોલ્યા :“તું જરા હોશમાં આવ. મેં તને તમામ પુરાવા તો આપ્યા છે! ભૂલી ગઈ? એ બધી વાત થોડી આમ જાહેરમાં…..” પછી જમનાદાસ અને શુક્લ તરફ જોઈને બોલ્યા, “ આ અજાણ્યાઓ વચ્ચે ચર્ચવાની છે ? તું જરા સમજ તો ખરી…”
એકાએક અનિરુદ્ધ શુક્લ સંવાદમાં પ્રવેશ્યા અને કાંતિભાઈ તરફ જોઈને બોલ્યા : “ભાઈ, સંકોચ રાખશો નહીં. અમે તમારી જ પડખે છીએ. તમારી ઘટના તો બીજી ‘જિગર અને અમી’ બની શકે એમ છે. અમને સૂર્યાબહેને બધી જ વાત માંડીને કરી છે. અમે લેખકો છીએ. અમને ઘટનામાં રસ છે. વીણાબહેન બાળક કહેવાય. કોઈની વાતોમાં આવી ગયાં હોય. ભલે ને બખાળા કાઢે ! આપણે…” અનિરુદ્ધ શુક્લે ‘તમે’ને બદલે “આપણે” શબ્દ પર ભાર દીધો, “એ માગે તેવા પુરાવા આપો – “
“પણ મારી ક્યાં ના છે ?” કાંતિભાઈ બોલ્યા : “એ પૂછે ને હું જવાબ ન આપી શકું તો કહેજો.”
તરત જ વીણાએ પૂછ્યું, “લગ્ન પછી આપણે માઉન્ટ આબુ ગયાં હતા. ત્યાં કઈ હોટેલમાં ઊતર્યાં હતાં ?”
થોડું યાદ તો કરવું પડ્યું કાંતિભાઈને, પણ અંતે બોલ્યા: “નવજીવનમાં, અને ઉપરના માળે રૂમ નંબર સત્તાવીસમાં…. કેમ બરાબરને ?”
વીણા એક ક્ષણ ઓઝપાઈ ગઈ. વાત તંતોતંત સાચી હતી. અરે, આ વાત તો ભાગ્યે જ કોઈ જાણતું હોય !
કાંતિભાઈ રાજી થઈ ગયા. કોટેચા તરફ જોઈને બોલ્યા : “તમે તો લેખકો છો. સમજી શકશો. આ બધી વાત મારા એટલે કે તનસુખ સિવાય કોને યાદ હોય ? ને ચાલો…” એ અનિરુદ્ધ શુક્લ તરફ જોઈને બોલ્યા: “મારી પત્ની…” ફરી એમણે વીણા તરફ આંગળી ચીંધીને કહ્યું : “એનું માનભંગ થાય તેવી વાત છે. છતાં માત્ર તમારી ખાતરી માટે અમારી એ ટ્રીપની એક વાતનું પણ વર્ણન કરું. જે સાચું હોય તો વીણા હા પાડે, નહીં તો…” એણે વીણા સામે વીંધી નાખતી નજરે જોયું. બોલ્યા : “નહીં તો ના…”
“બોલો તમતમારે,” અનિરુદ્ધભાઈ ડહાપણની અદામાં બોલ્યા :“ભાઈ, બોલો તમતમારે…. અમને તો ખાતરી જ છે.”
કનુમામા અને કાંતામામી તો ક્યારનાંય ડઘાઈને બેસી ગયાં હતાં. “સાંભળ વીણા,” કાંતિભાઈ બોલ્યા :“આપણે એ આબુની ટ્રીપ દરમિયાન જ એક વાર ફરવા ગયાં હતાં. સનસેટ પોઈન્ટ, ખરું ?” એમણે ફરી વીણા તરફ નજર નોંધી – “સાચું હોય તો જ હા ભણજે હોં ! નહીં તો તને અંબામાતાના સોગન છે…”
વીણા જોઈ જ રહી.
“એક સાંજે એ રીતે ફરીને આવ્યાં અને તું બાથરૂમમાં નહાવા ગઈ. હું બહાર રૂમમાં સિગારેટ પીતો બેઠો રહ્યો ને થોડી વારમાં તારા બાથરૂમમાં હોવાના વિચારમાત્રથી જ બહુ ઉત્તેજિત થઈ ગયો. ને તે વખતે મેં બાથરૂમનાં બારણાં ખખડાવ્યાં. તેં “શું છે પણ ?” કહેતાં જરી બારણું ખોલ્યું કે તરત જ હું બાથરૂમમાં પ્રવેશી ગયો.ને તને ત્યાંથી ઊંચકીને…”
“નથી સાંભળવું મારે,” વીણા એકદમ બોલી, “આવી વાતો બંધ કરો. બહુ થઈ આવી વાતો ! ભલે સાચી વાત છે. પણ બીજીય વાતો કરો ને ? એ તો કહો કે આબુમાં તમે જુગારમાં કેટલા રૂપિયા હારી ગયા હતા ?”
કાંતિભાઈની ગતિને એકાએક જાણે કે બ્રેક લાગી ગઈ. પણ બીજી જ પળે સ્વસ્થ થઈને બોલ્યાં : “એવું તે કાંઈ અત્યારે યાદ આવે ? મીઠી પળો જ યાદ આવે ને ? બાકી જુગાર તો ઠીક છે. ક્યારેક જીતીએ તો ક્યારેક હારીએ પણ ખરા.”
“બહેન,” અનિરુદ્ધભાઈ બોલ્યા: “આવા સવાલ પૂછવાની શી જરૂર?”
“જરૂર છે,” વીણા બોલી :”હું જાણું છું ને ?” વળી કાંતિભાઈ સામે નજર નોંધીને બોલી : “વડોદરાવાળા તમારા ગાઢ ફ્રેન્ડ વિનુભાઈ પણ એમની વાઈફ સાથે ત્યાં આવેલા. તેમની સામે જુગારની બાજીમાં રૂપિયા બારસો હારી ગયેલા, તે ત્યારના બાકી રાખેલા. તે હજી મોકલ્યા ?”
કાંતિભાઈના કપાળે કરચલીઓ પડી પડીને વિખરાઈ ગઈ. એ તરત જ બેફિકરાઈથી બોલ્યા : “અરે, એ તો મારો એવો જિગરી મિત્ર છે કે કદી માગે પણ નહીં. છતાં તું કહે છે તો કાલે જ મોકલી આપીશું, એમાં શું ?”
“પાંખડી, ધુતારા, નીચ, નાલાયક,” એકાએક વીણા રણચંડી બનીને ગાળો પર આવી ગઈ :”કાલે શા માટે ? જો તમે તનસુખ હો તો અત્યારે આપી દો ને ? આ તમારી સામે બેઠાં છે વિનુભાઈ અને એમનાં વાઈફ વિમળાબહેન !”
વીણાએ જેમની સામે આંગળી ચીંધી તે હતાં ક્યારનાંય કનુમામા અને કાંતામામી તરીકે ઓળખાતાં પતિપત્ની, જેમનું ખરું નામ વિનુભાઈ અને વિમળાબહેન હતું.
એકાએક મોટા હવા ભરેલા ચિતરામણવાળા ફૂગ્ગામાં નાનકડી ટાંચણી પડી. એક સાથે હવા બહાર નીકળી ગઈ. ફૂગ્ગો રબ્બરનો એક સંકોચાયેલો ડૂચો બની ગયો.
કાંતિભાઈનાં રૂંધાયેલાં ગળામાંથી માત્ર ‘પણ…પણ…’ જ નીકળ્યું, જે ડૂબતા માણસનાં બડબડિયાંથી વિશેષ કશું જ નહોતું.
“શું પણ….પણ ?” વીણા લાલચોળ થઈને બોલી, “હવે તમારા આ ગાઢ મિત્ર વિનુભાઈ અને વિમળાબહેનને ઓળખી શકતા નથી ? ને તનસુખ બનીને જે નથી તે શ્વેતને જન્માવી આપવાની વાતો કરો છો ? મારાં શરીરને ભ્રષ્ટ કરવાની મુરાદ રાખો છો – ધિક્કાર છે તમને અને તમારા મરનારની સાથેના ભાઈપણાને ! થૂ….”
કાંતિલાલ પાસે બોલવા માટે શબ્દ રહ્યો નહીં. કાળી શાહી રેલાઈ ગઈ સૂરત પર. એ નીચું જોઈ ગયા. માત્ર એટલું નમાલું નમાલું અને વજન વગરનું જ બોલી શક્યા : “ભૂલ થઈ ગઈ.”
**** **** ****
ટપાલ આજે એવા માણસ મુકામે પહોંચે છે કે જ્યાં માણસ ‘ભૂલ થઈ ગઈ’ના નામે અનેક પ્રકારની ખંધાઈઓ આચરે છે. “માફી મળી જશે”ના મીઠા સધિયારાની ઓથે અનેક ગુનાઓ આચરી લે છે.
નહીં તો વાત સાવ સાદી છે–કાંતિલાલ અને તનસુખ સગ્ગા ભાઈઓ ખરા, પણ ફરક આસમાન જમીનનો. કાંતિભાઈ જેટલા ચાલાક અને ખંધા એટલો જ તનસુખ ભોળિયો અને મૈત્રીભાવથી ભર્યોભર્યો. નિખાલસ અને માણસમાત્રમાં વિશ્વાસ રાખે એવો. કાંતિભાઈ તેના માટે ભાઈ કરતાંય, મિત્રથી ય વિશેષ હતા. લઘુતાગ્રંથિથી પીડાયા કરતો એટલે શયનખંડની નાનામાં નાની વાતો વાર્તારસથી રસીને મોટા ભાઈને સંભળાવ્યા કરતો.
પણ તરત જ તનસુખનું અવસાન થયું અને એની તમામ ગુપ્તકથાઓનો માલિક-નાયક કાંતિલાલ બની ગયો. કારણમાં તનસુખનો દસ લાખ રૂપિયાનો પાકી ગયેલો વીમો, કે જેની રકમ વીણાના જ હાથમાં આવવાની હતી. ને બીજું જુવાનીથી રસબસતી સુંદરી વીણા ખુદ.
અને માત્ર નામ બદલાવવાથી આ બધું મળી જતું હોય તો ખોટું શું હતું ?
**** **** ****
નવલકથા બની શકે એવી આ નાનકડી કથાનો ઉપસંહાર :
આ કથાને ત્રીસ વરસ ઉપર થઈ ગયાં છે. આ આખાં રહસ્યનું ઉદઘાટન કરવા માટે પ્રવૃત્ત થવાનો યશ સૂર્યાને, જેના પગ વીણાએ એ ભત્રીજી હોવા છતાં પકડી લીધા હતા : “તમે નારી ન હોત તો મારી લાજ જાત” એમ કહીને – એ સૂર્યા પણ આજે પરણીને એક સુંદર બાળકની માતા બની છે (જેની વય પણ હવે ત્રીસ ઉપરની થઇ હશે.) વીણાનાં મામા-મામી તરીકે પેશ થઈને કાંતિલાલને વિશ્વાસમાં લેનાર વિનુભાઈ-વિમળાબહેન તે તનસુખના ખાસ મિત્ર ખરાં.( બન્નેમાંથી હવે કોઇ હયાત નથી) તનસુખ તેમની પાસે બારસો હારી પણ ગયેલો. પણ વાતમાંથી વાત નીકળતાં તેમનો ઉપયોગ પુરાવા તરીકે કરવા માટે સૂઝ્યું અનિરુદ્ધ શુક્લને ને તેમનું સરનામું વીણા પાસે ન હોવાથી છેક આબુ જઈને નવજીવન હોટેલના જૂના રજિસ્ટરમાંથી તેમનું સરનામું ખોળી લાવનાર પણ તે જ.
આ લખનાર તો આમાં માત્ર આંગળી ચીંધનાર તરીકે જ. હવે ઉપસંહારનોય ઉપસંહાર એ કે કાંતિભાઈ ફરી સરલાબહેન સાથે સંસારે મંડાયા છે ને વીણા ?
વીણાને એના જૂના એકપક્ષી પ્રેમી પ્રવીણ સાથે કાંતિભાઈએ જાતે જ પરણાવીને કન્યાદાન કર્યું હતું ને!
એક અર્ક જેવો ઉપસંહાર :
વીણા એક પુત્રની માતા પણ પ્રવીણ થકી બની છે. એનું નામ રાખ્યું છે શ્વેત ! (આજે એ શ્વેત પણ ત્રીસ વર્ષનો જ હોય.)
**** **** ****
અગત્યની નોંધ : જમનાદાસ કોટેચા અવસાન પામ્યા છે ,તેમનું, અનિરુદ્ધ શુક્લ અને આ લખનાર, એ ત્રણ સિવાયનાં અન્ય પાત્રોનાં નામ તેમની ઈચ્છાનુસાર બદલવામાં આવ્યા છે. અન્યથા આ સત્યઘટના જ છે.
(નોંધ: તસવીર પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.)
લેખક સંપર્ક: રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
માન્યામાં ન આવે એવી ઘટનાનું ખુબ જ રોચક અને રોમાંચક શૈલીમાં નિરૂપણ વાંચ્યું. કેવું કેવું જાણીને બહાર લાવતા રહો છો! વળી કહેવાની ઢબ એવી છે કે કથાનું એકાદ પાત્ર પણ પોતાની કથની વાંચે તો ક્યાંય એની લાગણી ન ઘવાય.
બાપ રે ! આવું આવું ય બને છે ! ઘા ખાઈ જવાય ! અને રજનીભાઈને કલમમાંથી ઝરતી વાર્તારસની સરવાણીને તો કહેવું જ શું ?
લતા હિરાણી
આ ધૂર્ત કથા નોન ઈ -રૂપમાં વાંચી ત્યારે રજની ભાઈની ખાંખાં ખોળા વૃત્તિ અને વાત જમાવવાની અદભૂત કળા પર ફિદા થઈ ગયો હતો.
આવી બીજી કથાઓ પણ રજની ભાઈના ‘રોમાંચ રેખા’ પુસ્તકમાં છે.
એકદમ સાચી વાત..
WEL RAJNIBHAI SHERLOK HOMES NE TAKKR MARI RAHSHY NE AABAD SACHVI RAKHYU ANE CLIMATE PAN WAH !
સજેશનઃ
ગુજરાતી ટીવી શ્રેણી ‘છૂટાછેડા’ ખૂબ જ લોકપ્રિય થઈ હતી.
‘રોમાંચરેખા’ ગુજરાતી તથા હિંદી ટીવી શ્રેણી પણ ખૂબ જ લોકપ્રિય થઈ શકે. ‘છૂટાછેડા’ના ડીરેક્ટર હોમી વાડિયા ‘રોમાંચરેખા’ (એક શબ્દ) ટીવી શ્રેણીનું સર્જન કરી શકે!
Dear Rajnibhai
Loved the story yes we have read many such stories and the existence of soul is undouteble wheather soul is within our body or our body is within our soul is disputable I have come across many such incidences where soul enters the dead body and starts speaking .soul leaves the body when you are asleep and sees what is happening around And soul returns evil soul take control of living body and creates problems to the extent of compelling to commiet sucide.During my carrier as doctor I had some such wonderful experiences and if I Say to the patient that he is under the control of evil soul I was never wrong
Dr Madhu Rana
Rajnibhai
Aa Romanch Katha Ek j sathe vanchavathi alag j romanch thayo
kona upar vishvas karvo ?
Rajni bhai ..excellent thrill . Way you narrated story remind Sir Arther conan Doyal .