કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

મનુભાઈ શૉપમાં બિઝી છે. લંચટાઈમ છે એટલે ગ્રાહકોની લાઈન લાગી છે. સરલા હજુ આવી નથી તેની અકળામણ વારંવાર બારણા તરફ જતી એમની નજરમાં વર્તાય છે. શૉપમાં મદદ કરવા રાખેલા નરેશને આ સમયે ઉભો રાખવો ન પાલવે. એક તો નવો છે, અંગ્રેજી અવડતું નથી અને વળી આ દેશમાં ગેરકાયદે કામ કરે છે. ઓછે પૈસે મનુભાઈ તેની પાસે કામ કરાવતા હોવાથી પકડાઈ જવાનો મોટો ડર! પણ આ સરલાડી ક્યાં….

ત્યાં તો સરલાબહેન હાંફળાફાંફળા આવ્યાં. મોઢા ઉપર અપરાધ ભાવ સાથે જલદી જલદી આવી, ટીલ નીચે પર્સ મૂકી અને મનુભાઈને ‘સૉરી’ કહી ટીલ (કાઉંટર) સંભાળી લીધું.

ગ્રાહકે ખરીદેલી સેન્ડવિચ, ક્રીસ્પ્સ અને ડ્રિંક્સને તેમણે બેગમાં મૂકી, તેને બૅગ આપી અને પૈસા લીધા.  મનુભાઈનો પારો આસમાને પહોંચ્યો. બબડતાં બબડતાં ખસ્યા, ‘બપોરના સાડા બાર થયા, ભાન પડે છે કે નહી? ઘરે ખબર નહીં શું ધાડ મારે છે! કેટલીવાર કહ્યું સમયસર આવ, પણ..’

ભલે સામે ઊભેલા ગ્રાહકને ગુજરાતી ન સમજાતું હોય તોય ટોન ન સમજે એવાં તેઓ બુધ્ધુ થોડાં હોય કાંઈ! વધુ અપમાન ટાળવા અને વાત ને ત્યાં જ સમાપ્ત કરતાં સરલાબહેન બોલ્યાં, ‘બસ, હવે સૉરી તો કહ્યું! આ બધાનાં દેખતાં….’ કહ્યું અને ગ્રાહકને પ્લાસ્ટિકી સ્માઈલ આપતાં આપતાં રોજની ઘટમાળમાં પરોવાઈ ગયાં.

દર સોમવારે મનુભાઈને ‘ કેશ એન્ડ કેરી ’ (હોલસેલ સમાના વેચતા વૅરહાઉસ સ્ટોર)માં જવાનું હોય ત્યારે સરલાબહેનને શૉપમાં સમયસર આવી જ જવું પડે, આમ તો સરલાબહેન વર્ષોથી પેકેજીંગની ફેક્ટરીમાં નાઈટ શીફ્ટ કરે છે. છતાંય રોજ બપોરનાં મનુભાઈને શૉપમાં મદદ કરવા આવવાનો નિયમ થઈ ગયો છે. ઘણીવાર ખૂબ થાક લાગે, પરંતુ ધૂંસરીમાં જોડાયેલા બળદને મન થાય ત્યારે થોડું જ ઉભા રહેવા મળે?

‘ કેશ એન્ડ કેરી ’ માંથી ખરીદી કરી અઢી-ત્રણ વાગ્યે મનુભાઈ પાછા આવે પછી સેન્ડવિચ, ફ્રુટ કે ઘરેથી સરલા લઈ આવી હોઈ તે ભોજન ખાઈ અને શૉપની પાછળ આવેલા નાનકડા રૂમમાં રાખેલા સિંગલ બેડ ઉપર વસ્તુ ખસેડી સ્ટૉકના એક ભાગ બની આડે પડખે થાય. બન્ને પતિ-પત્ની હવે રોજની પાંચ-છ કલાક ની ઊંઘથી ટેવાઈ ગયા છે. મનુભાઈને તો બપોરનાં ય થોડો પોરો ખાવા મળે પરંતુ સરલાબહેનને સવારના થોડું સૂવા મળ્યું એ જ!

ચાર વાગ્યે ચા પીધા પછી મનુભાઈ શૉપનો ચાર્જ સંભાળી લે.

સરલાબહેનને પણ રોજ આ સમયે તૈયાર ચા મળે બાકી તો…

એક વાર તેમના જેઠાણી – વનિતાબેન શૉપમાં આવી ચઢ્યા. મનુભાઈ એ જ વખતે સરલાબહેનને ચા આપતા હતા, તે જોઈ તે દિવસથી ‘બાયલા’નું ઉપનામ મનુભાઈને મળી ગયું ! તેમ છતાં મનુભાઈ હિંમતવાન છે.  પેલું ઉપનામ મળ્યા પછી પણ હજુ રોજ સરલાબહેનને ચા આપે છે!

સરલાબહેન આવ્યા ત્યારથી મનુભાઈને ‘ પેલી ’ વાત કઈ રીતે કરવી તેની ગડમથલમાં છે. આજે એને લીધે તો મોડું થયું.એમને ખબર છે કે મનુભાઈને તેમના બા વિષેની કોઈ પણ ફરિયાદ સાંભળવી ગમે નહીં અને તેમનું ફેમિલી ભલે ને ન સ્વીકારે પરંતુ સરલાબહેન પણ ‘માણસ’ છે ! જ્યારે હદ આવી જાય ત્યારે તેમના મનનું પ્રેશર કુકર ફાટે તેમાં તેમનો શો વાંક ? કેટલીયવાર કુકર સિટી વગાડે પરંતુ તેનો અવાજ ‘ બૈરાઓની ટકટક ’ માં ખપી જાય.

હશે, સરલાબહેન પણ તેમના જેવા કેટલાંય બહેનોની જેમ મનને મારતાં શીખી ગયાં છે. તેઓ નાના હતાં ત્યારે તેમના બા ઘણીવાર શિખામણ આપતાં – બૈરાંનો અવતાર મળ્યો છે ને દીકરી, એટલે મન નામની વસ્તુને જનમતી વખતે કપાઈ ગયેલી નાળ સાથે જ ફેંકીને જીવવાનું.’ પરંતુ લાગણી તંત્રમાં સજ્જડ ચોંટી ગયેલા મનને કઈ રીતે ફેંકી દે? ‘સ્ત્રીએ પિતાને ઘરે પિતાના કહ્યામાં રહેવાનું, લગ્ન પછી….’ આ વાક્ય તેની અંદરના અર્થ અને ભાવનાના શબને લઈને વર્ષોથી સમાજમાં તરફડ્યા કરે છે. તોય સરલાબહેનને મનને મનાવવામાં ક્યારેક કામ આવે છે !

સવા ત્રણ વાગ્યે સ્કુલનાં છોકરાઓનું ધાડું રોજની જેમ આવ્યું. નરેશ ‘ કેશ એન્ડ કેરી ’ માંથી આવેલા માલને પ્રાઈસિંગ (વસ્તુની કિંમતના લેબલ ચોંટાડવાનું કામ) કરતો હતો. સરલાબહેન ટીલ ઉપર બિઝી હતાં. ત્યાં પ્રાઈઝ કરતાં નરેશે જોયું કે એક છોકરાએ ચોકલેટ તેની બૅગમાં પૈસા ચૂકવ્યા વગર મૂકી. અંગ્રેજી આવડે નહીં તો પણ, ‘ એય, યુ, ચોકલેટ ગીવ, ચોકલેટ ગીવ ’- કહેતાં કહેતાં પેલા છોકરા તરફ દોડ્યો એટલે પેલો છોકરો પણ ત્યાં ઊભેલા સૌને ધક્કા મારતો બહાર ભાગી ગયો. શૉપમાં દેકારો બોલી ગયો. આ બધી ધમાલમાં મનુભાઈ પણ જાગીને બહાર આવ્યા તેમણે જોયું કે આ અવ્યવસ્થાનો લાભ લઈને બીજી બે છોકરીઓ પણ હાથમાં આવ્યું તે લઈને ભાગી. 

આ બધું એટલું ફાસ્ટ બન્યું કે સરલાબહેનને કાંઈ સૂઝ્યું નહીં તે અવાચક ઊભા જ રહી ગયાં. સૌ પ્રથમ તો મનુભાઈએ બાકીના ઊભેલા છોકરાઓને બારણું ખોલી, ‘ આઉટ, કમ ઓન, ઓલ આઉટ ’ કહીને શૉપમાંથી બહાર કાઢી મૂક્યા. પછી ટીલ પાસે આવી સરલાબહેનને ધક્કો મારી બાજુ પર હટાવી મનુભાઈ ટીલ પર આવી ગયા. સરલાબહેન પડતંા પડતાં રહી ગયા તોય પાછળ સિગરેટની શેલ્ફનો ખૂણો તો માથામાં વાગ્યો જ. ઉપરથી અંગ્રેજી અને ગુજરાતી ગાળોથી મનુભાઈએ તેમની મલમપટ્ટી કરી!

નરેશ પાસે પ્લાસ્ટર મંગાવી જાતે જાતે જ લગાવતાં સરલાબહેનની મનુભાઈએ ઊલટ તપાસ શરૂ કરી, ‘તારું ધ્યાન ક્યાં હતુ?’

પછી જવાબની રાહ જોયા વગર બોલ્યા, ‘ આમ જ બધું લૂંટાવી દેવાની છે. બા કહે છે તે સાચું જ છે તારી કોઈ વાતમાં ભલીવાર નથી. આ સી.સી.ટી.વી. શોભાનું રાખ્યું છે? બન્ને બાજું ધ્યાન નથી રખાતું? એ તો સારું થયું નરેશે જોયું એટલે બાકી…’

સરલાબહેનને ‘પેલી’ વાત કરવાની હતી તે તો બાજુ ઉપર જ રહી ગઈ અને આવ-જા કરતાં ગ્રાહકો અને નરેશ સામે માનભંગ થયું ! મનુભાઈએ તેમને ‘પાણીથી પાતળા’ કરવામાં જરાય પાછી પાની ન કરી.

એક તો સવારના ડોસીમાએ કરેલી ધમાલ અને તેમાં હમણા ઊભી થયેલી દારુણ પરિસ્થિતિ અસહ્ય બનતાં સરલાબહેન ટીલ નીચેથી પર્સ ઉઠાવીને શૉપ બહાર નીકળી ગયા. મનુભાઈ પણ સરલાબહેનની આ વર્તણૂંકથી અવાક બની ગયા. મોટે ભાગે ચુપચાપ સાંભળી લેતી ‘ બૈરી ’ આજે કેમ આટલી વિફરી!

નરેશ પણ નિમાણો થઈ ગયો. તેનો જવાનો સમય થઈ ગયો હતો તોય ગુસ્સામાં ધૂંઆફૂંઆ થતાં મનુભાઈને કહેવાની હિંમત નથી થતી. આખરે હિંમત એકઠી કરી તેની થેલી લઈને બીતાં બીતાં પૂછ્યું, ‘ ભાઈ હું જાઉં? કાંઈ કામ…’

ગુસ્સાની પરમ સીમાએ પહોંચેલા મનુભાઈએ એને રજા આપતા આપતા પૂછ્યું, ‘પ્રાઈસ થઈ ગઈ?’

સહેમી ગયેલા નરેશે ડરતા ડરતા જવાબ આપ્યો, ‘થોડીક જ બાકી છે..’.

સરલાબહેન નહોતા એટલે હવે નરેશ જ ત્યાં હતો જેની પર ગુસ્સો ઉતારી શકાય. એટલે અવાજમાં જેટલો ક્રોધ ઓકી શકાય એટલો ઓકતા હોય તેમ બોલ્યા, ‘ હરામના પૈસા લે છે, કામ મડદાલની જેમ કરે પછી ક્યાંથી પૂરું થાય? જાવ સિધાવો. ’ કહી દુકાનનું બારણું બતાવ્યું. નરેશ તો જેલમાંથી કેદી ભાગે તેમ ભાગ્યો. મનુભાઈને યાદ આવ્યું આજે તો ધમાલમાં ને ધમાલમાં ચા પણ રહી ગઈ!

શૉપમાં કોઈ ગ્રાહક નથી તેની ખાતરી કરી બારણે લટકતાં પાટિયાને ‘ક્લોઝ’ તરફ ફેરવી બારણાંને લૉક મારીને પેલા નાના રૂમમાં રાખેલી કેટલની સ્વીચ ઑન કરવા હજુ તો પહોંચ્યા જ, ત્યાં તો શૉપનું બારણું જોર જોરથી ખખડાવવાનો અવાજ સાંભળ્યો. 

અંગ્રેજીમાં એક ગાળ બોલી રૂમમાંથી શૉપનાં બારણા તરફ તેમણે ડોકિયું કરી જોયું તો બહાર બે પોલીસ ઊભા હતા !


ક્રમશઃ


. સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *