સજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ :: ૨

ભગવાન થાવરાણી

શૈલેન્દ્રની કવિતાઓ વિષયક આ લેખમાળાની સમાપન-કિસ્તમાં શૈલેન્દ્રની મહાનતમ કવિતા ‘તીસરી કસમ’ ની વાત આગળ વધારીએ અને સાથોસાથ ફિલ્મનાં વધુ એક વિલક્ષણ ગીતની વિગતે ચર્ચા કરી આ ફિલ્મ અને આ લેખમાળાને પણ વિરામ આપીએ. પણ પહેલાં એક રસપ્રદ વાત. ફણીશ્વરનાથ રેણુની આ વાર્તા અને આ ફિલ્મના નાયક હીરામનથી વિખ્યાત હિંદી કવિ સ્વ. ભગવત રાવત એટલા સંમોહિત થયા હતા કે એમણે એમના કવિતા સંગ્રહ ‘સુનો હીરામન’ની બધી જ કવિતાઓ આ હીરામનને સંબોધીને લખી હતી ! બધી જ !

ફિલ્મની વાત જ્યાં છોડી હતી ત્યાંથી આગળ. હીરામન-હીરાબાઈનું ગાડું આગળ ચાલે છે. હીરાબાઈ હીરામન આગળ રહસ્ય છતું કરે છે કે એ એક નાટક કંપની છોડી બીજીમાં જોડાવા જઈ રહી છે. બાજૂમાંથી પસાર થતો ગાડીવાન લલકારે છે :

જિયરા હૂ તો તનિકો ન માને

બલમવા બુલા દે રે કોયે

હાએ રામ

બલમવા બુલા દે રે કોયે …

હીરાબાઈ આશ્ચર્ય વ્યક્ત કરે છે, આ વળી કયું ગીત ? હીરામન કહે છે, અહીંની ભવાઈઓમાં આવા ગીતોનો તોટો નથી.

કજરી નદીના કાંઠે તિગછિયા નામની જગ્યાએ હીરામન ગાડું છોડે છે, બળદોને આરામ આપવા. એ હીરાબાઈને આ જગ્યા, આ ઘાટની વાત કહે છે. આ મહુવા ઘટવારનનો ઘાટ છે.

યે ઘાટ તૂ યે બાટ કહીં ભૂલ ન જાના..

હીરાબાઈ શરીર હળવું કરવા  ‘જરા નહાઈ લઉં’ એવું પૂછે છે અને હીરામન  ‘ અહીં કુંવારી છોકરીઓએ ન નવાય ‘ કહીને હીરાબાઈને થોડેક દૂરના અન્ય ઘાટ પર નહાઈ આવવાનું કહે છે. અહીં સિતાર પર શિવરંજિની રાગની નાજુક રાગિણી શરુ થાય છે. હીરામન બળદને પાણી પાય છે અને બળદના કાનમાં હીરાબાઈ કુમારિકા હોવાનું રહસ્ય કહે છે. એ જાણે કોઈ ચોરી કરતો હોય તેમ, ટપ્પરમાં પડેલી હીરાબાઈની શાલને સ્પર્શે છે. દૂર નહાતી હીરાબાઈને ક્ષણાર્ધ જોઈને પછી જાણે અપરાધ કર્યો હોય તેમ ટપ્પરનો પડદો પાડી દે છે, ચહેરા પર  ‘આ શું થઈ ગયું મારાથી ? ‘ ના ભાવ સાથે .

હીરાબાઈ નહાઈને આવતાં એને ગાડાની રખેવાળી સોંપી એ બાજૂના ગામેથી કટક-બટકનો સામાન લેવા જાય છે. હીરાબાઈ ટપ્પરમાં આડી પડે છે અને હીરામન પાછો આવી એના નિર્મળ બેખબર સૌંદર્યને નીરખી રહે છે ભક્તિભાવે. હીરાબાઈ ઊઠીને પટમાં ચટ્ટાઈ પાથરે છે. હીરામન કહે છે  ‘ આ ગામનું દહીં બહુ વખણાય છે.’ એ હીરાબાઈની સાથે તો કઈ રીતે ખાઈ શકે ! હરગીઝ નહીં. પણ હીરાબાઈના આગ્રહને વશ થવું જ પડે છે. લગભગ સળંગ છ મિનિટ ચાલતી શિવરંજિની રાગિણી અહીં સમાપ્ત થાય છે.

સફર આગળ. હીરાબાઈનો ચહેરો કહે છે, ક્યાંક આ રસ્તો પૂરો તો નહીં થઈ જાય ને ! આ વખતે પસાર થતા ગાડીવાનને હીરામન જુદું જ જૂઠ  ‘ હોંશિયારીપૂર્વક ‘ કહે છે. ડાક્ટરની બાજૂના ગામે દર્દી જોવા જઈ રહી છે ! જાણે પોતે હીરાબાઈનો સંરક્ષક, સ્થાનિક વાલી હોય !  ગાડાવાળો  ‘ દુનિયા બનાનેવાલે ‘ લલકારતો જાય છે. હીરાબાઈ કહે છે  ‘ અહીં જેને જૂઓ તે ગીત જ ગાય છે ! ‘ અને જવાબમાં હીરામન કહે છે  ‘ ગીત ન ગાય તો શું કરે ? ‘

ફટે કલેજા ગાઓ ગીત

દુખ સહનેકી યહી હૈ રીત…

હીરાબાઈ આ ગામડીયા ભોટ ફિલોસોફરને વિસ્મય અને મુગ્ધતાથી જોઈ રહે છે. કહે છે  ‘ અહીંના ગીતોની મીઠાશ જ ઓર છે. થાય છે, સાંભળતી જ રહું ‘ . હીરાબાઈ પેલું  ‘ દુનિયા બનાનેવાલે ‘ ગીત પૂરું સંભળાવવાનો અનુનય કરે છે અને હીરામન  ‘ચાલુ ગાડે કેમ સંભળાવું ? આપણે હરિપૂરને બદલે બીજા રસ્તે જઈએે ‘ કહીને ગાડું કાચી કેડીએ વાળે છે. ફરી પસાર થતો ગાડાવાળો એ ઇલાકાની રસમ પ્રમાણે ખણખોદ કરે છે અને ફરી હીરામન  ‘ હોંશિયાર જૂઠ ‘ વદી એની વાત ઉડાડી દે છે. એ હીરાબાઈને વણમાગ્યો સધિયારો પણ આપે છે કે ચિંતા ન કરો, આ સડક પણ મેળે જ પહોંચાડશે.

એ ગાડું નદીકાંઠે થંભાવે છે અને મહુવા ઘટવારનની કરુણ કથની   ‘દુનિયા બનાનેવાલે ‘ ગીતના માધ્યમ દ્વારા સંભળાવે છે. હીરાબાઈ તન્મયતાથી સાંભળે છે, જાણે પોતાની જ પાછલા ભવની કહાણી હોય તેમ ! ગીત ભૈરવીમાં છે એટલે હશે કે ગમે તેમ, પણ એમાં બે’ક વર્ષ પહેલાં આવેલા શંકર જયકિશની ગીત  ‘તુમને પુકારા ઔર હમ ચલે આએ (રાજકુમાર) ‘ ની છાંટ વર્તાયા વગર રહેતી નથી. ગીત દરમિયાન હીરામન મહુવા, એના મુસાફર પ્રેમી અને એને ઉઠાવી જનાર સોદાગરની વાત કરતી વખતે કહે છે કે મહુવા મનમાં ને મનમાં હિજરાતી રહેતી અને પછી સહસા હીરાબાઈને પૂછે છે  ‘ મન એટલે શું, ખબર છે ને તમને ? ‘ અને હીરાબાઈ મૌન હકારમાં માથું હલાવે છે. કદાચ એ મનોમન સ્વયંને મહુવા, હીરામનને તરસ્યો મુસાફર અને નૌટંકીના જગતને (ખરેખર તો સમગ્ર જગતને !) પેલો મહુવાને ઉપાડી જનાર ક્રૂર સોદાગર સમજે છે ! આપણને અનાયાસ  ‘ ગની ‘દહીંવાલા’ યાદ આવે :

ન ધરા સૂધી ન ગગન સૂધી, નહીં ઉન્નતિ  ન  પતન સૂધી

અહીં  આપણે  તો  જવું હતું , ફકત એકમેકનાં મન સૂધી…

ફરી એ જ સફર. હીરાબાઈ હીરામનના કંઠ, ભોળપણ અને સાફદિલીથી અભિભૂત છે. એને થાય છે, આવા માણસો પણ હોય છે – હોઈ શકે આપણા આ જ જગતમાં ! એ એને ગુરુપદે સ્થાપે છે અને  ‘દુનિયા બનાનેવાલે ‘ ગીતનો એક અંતરો સ્વયં  (સુમન કલ્યાણપૂર) ગાય છે. હવે ચકિત થવાનો વારો હીરામનનો છે. હીરાબાઈ જ્યારે  ‘ સપને જગા કે તૂને કાહેકો દે દી જુદાઈ’ ગાય છે ત્યારે હીરામનની આંખો સજળ અને નિતાંત ભાવવાહી બની જાય છે અને લગભગ એવી જ હાલત આપણી – દર્શકોની પણ થાય છે. એ રાજકપૂરના અભિનયનું પણ ચરમ શિખર છે.

મેળો નજીક આવતાં ગાડું છીછરી નદી ઓળંગે છે ત્યારે રોદો આવતાં હીરાબાઈ એનો ખભો પકડી લે છે ત્યારે હીરામન રોમાંચથી ખળભળી ઊઠે છે પણ તુરંત જાત સંભાળીને કહે છે  ‘તમારા કંઠે આ ગીત સાંભળ્યા પછી હવે હું આ ગીત ક્યારેય નહીં ગાઈ શકું ‘.

અંતે મેળો. હીરાબાઈ કહે છે  ‘ લ્યો ! એટલામાં આવી ગયા ? ‘  સંધ્યા ઢળી ગઈ છે એટલે હીરાબાઈ રાત ગાડામાં જ વીતાવવાનું નક્કી કરે છે. હીરામન બળદોને નીરણ નાંખી હીરાબાઈ માટે, કંપનીના લોકોને પ્રિય એવી  ‘ ચાહ’ લેવા મેળાની હોટલે જાય છે. હોટલમાં બેઠેલો એક ફાંકોડી બોલકો ગ્રાહક તળ – મૈથિલી બોલીમાં ઉલળી – ઉલળીને બંદૂકવાલી, હંટરવાલી અને ઘોડેવાલીની ફાઈટીંગ ફિલ્મોની વાતો ઉત્કંઠ શ્રોતાઓને સંભળાવે છે ત્યાં વળી એક જાણકાર બંદો મમરો મૂકે છે ‘કાલથી હીરાબાઈ નો ‘ ખેલો ‘ જોશો તો એ બધું ભૂલી જશો !’ બાજુમાં લોટો લઈને ‘ચાહ’ લેવા ઊભેલો હીરામન મનોમન મલકાય છે. ‘ આ બિચારાઓને ખબર જ ક્યાં છે કે હીરાબાઈને મેળે લાવ્યું છે કોણ ? ‘

હીરાબાઈના આગ્રહથી ચાની થોડીક ચુસ્કીઓ લોટામાંથી લેતા હીરામનને નજીકમાં ક્યાંકથી ઢોલકની થાપ સંભળાય છે અને એ સમજી જાય છે, યારોની મહેફિલ જામી છે. એ ગાડાની તાકીદ હીરાબાઈને કરીને દોડતોક દિલદાર દોસ્તોની મંડળીમાં શરીક થાય છે, ડફલી લઈને. મિત્રો ધુન્નીરામ, પલટરામ ( વિશ્વ મહેરા – રાજકપૂરના સગા મામા ), લહસનવા અને સૌના મુખી લાલમોહર (કૃષ્ણ ધવન) ની આગેવાની હેઠળ શરુ થાય છે :

ચલત મુસાફિર મોહ લિયા રે પિંજરેવાલી મુનિયા હો..

લાલમોહર ગાય છે. હાર્મોનિયમ પર પલટરામ અને ઢોલક પર ધુન્નીરામ. ગીતમાં કમાલની વાત એ કે રાજકપૂર જેવો રાજકપૂર સાવ પશ્ચાદ્ભૂમિમાં છે પણ એ શું મસ્તીથી તાલ પૂરાવે છે ! ગીતના લય અને ચિત્રીકરણમાં  ‘દો બીઘા ઝમીન’ ના ગીત  ‘ગજબ તોરી દુનિયા હો મોરે રામા‘ ની તાસીર વર્તાય છે. (આપણે એ ગીતની વિગતે મિમાંસા એક સ્વતંત્ર લેખમાં અલગથી કરી ચૂક્યા છીએ) . થાકેલા મહેનતકશોની સંગીતમય મસ્તી ! વચ્ચે હીરામન પલટદાસને પાનો ચડાવવા હોંકારો કરે છે, આપણા દુહા-છંદના ડાયરામાં કરે છે તેમ ! ટપ્પરમાં બેઠેલી અને વારંવાર અરીસામાં જોતી હીરાબાઈ ગીત સાંભળતા વિચારે છે કે આ  ‘પિંજરેવાલી મુનિયા ‘ એટલે હું સ્તો ! એ આ લોકોની મોજ અને બેફિકરાઈને મનોમન માણી રહે છે.

ગાડીવાન મિત્રો હીરામનને ઘેરી વળી આજની  ‘લદની’ અને નવા ટપ્પરનું પૂછે છે અને હીરામન, પોતે કોને ઉપાડી લાવ્યો એની વાર્તા ગર્વમિશ્રિત સાવધાનીથી કરે છે. દોસ્તો ચકિત ! સ્ત્રી મુસાફર અને એ પણ કંપનીની બાઈ ! જુદો મૂલક, જુદી દુનિયા. વાહ હીરામન વાહ, તેં તો કમાલ કરી !

હીરાબાઈનો માણસ બિરજૂ આવી પહોંચે છે એને ગ્રેટ ભારત નાટક કંપનીમાં લઈ જવા. હીરામનને કહેણ મોકલાવે છે હીરાબાઈ.  ‘ લે આ તારું ભાડું અને આ ઉપરથી બક્ષીશ. ‘ હીરામન અકારણ ઉદાસ થઈ જાય છે. હીરાબાઈ પાસેથી ભાડું (!) લેવાય ? અને એમણે અપાય ? પણ એને આ વાત શબ્દોમાં મૂકતાં ક્યાંથી આવડે ! એનો તો માત્ર ચહેરો અને શરીર બોલી શકે ! એ ખિન્ન વદને પૈસા લે છે. નેપથ્યે ભૈરવીના કરુણ સુર ગૂંજે છે. હીરાબાઈ એને રાતે નૌટંકી જોવા આવવાનું અને એ માટે પાસ બનાવડાવી આપવાનું નિમંત્રણ આપે છે. મિત્રમંડળી ચિંતિત કે આપણે ગાડીવાનોએ નૌટંકી જોવાય ! ગામમાં ખબર પડે તો ક્યાંયના ન રહીએ.

રાતે ભજવાવાનું છે એ  ‘ખેલા’ ની જાહેરાત માટે નીકળેલી વિદુષક મંડળી. જોકર આસિત સેન હાથે પકડેલા ભોંપૂમાંથી  ‘ આજ રાતનું અનોખું આકર્ષણ હીરાબાઈ ‘ ની ઉદ્ઘોષણા કરે છે તો સાથેનો પેટીવાદક શંકર શંભૂના સ્વરમાં  ‘ તેરી બાંકી અદાઓં પે મૈં હું ફિદા ‘ ગાય છે. જાહેરાતના ચોપાનિયા ઊડે છે. મિત્રમંડળી નૌટંકી જોવા જવાનું નક્કી તો કરે છે પણ એકબીજાને  ‘ વાત બહાર જાય નહીં ‘ ના સમ પણ લેવડાવે છે. નાહકના ધજાગરા થાય !

સાંજ ઢળતાં બધા કંપનીને શોધતા નાટકની રાવટી પર પહોંચે છે. તંબૂની બહાર હીરાબાઈનું આદમકદ ચિત્ર જોઈ બધા દિગ્મૂઢ ! ખોટી જગ્યાએ આવી ચડેલા ગામડિયાઓને નાટકનો ટિકટબાબૂ અને ગુરખો હાંકી કાઢવાની તજવીજ કરે ત્યાં હીરાબાઈ શોર સાંભળીને બહાર આવે છે. એ ગુરખાને કડક સૂચના આપે છે ‘ આ મારો હીરામન છે. એને ક્યારેય રોકવો નહીં. ‘

હીરામન તંબૂમાં પ્રવેશે છે. ફરી એ જ શિવરંજિનીની સુરાવલિ સિતાર પર. હીરાબાઈ નૌટંકીના નિમંત્રણનું પુન:સ્મરણ કરાવે છે અને સમગ્ર મંડળી માટે પાંચ અઠન્નિયા દર્જાના પાસ બનાવડાવી આપે છે. હીરામન ફૂલ્યો નથી સમાતો. કંપનીની બાઈની વાત જ ઓર છે !

શો શરુ. હીરામન મિત્રો સાથે વટથી અઠન્નિયા પાસ દેખાડી પ્રવેશે છે. ગેટકીપરને અચરજ થાય છે કે આવા ફાલતુ લોકો પાસે પાસ ! કંપનીનો મેનેજર (અનેક નિષ્ફળ ફિલ્મોનો નિર્માતા પાછી) પણ આશ્ચર્યમાં. હીરાબાઈ સ્ટેજ પર આવી  ‘ પાન ખાએ સૈયાં હમારો‘ ગાઈ પ્રેક્ષકો પર પોતાના રૂપ અને કંઠની ભૂરકી છાંટે છે. હીરામન પણ મંત્રમુગ્ધ ! ગીત ખતમ થતાં પ્રેક્ષકોમાંથી એક દારૂડિયો હીરાબાઈ વિષે અભદ્ર શબ્દપ્રયોગ કરે છે. હીરામનથી ન જીરવાતાં એ મારપીટ કરે છે. ખેલામાં (પાસ થકી સ્તો !) ઉપસ્થિત પોલીસ વચ્ચે પડી મામલો થાળે પાડે છે. પ્રેક્ષકોમાં જમીનદાર વિક્રમસિંહ ( ઇફ્તેખાર ) પણ છે.

હીરાબાઈ હીરામનને તંબૂમાં બોલાવી મારપીટનું કારણ કડકાઈથી પૂછે છે. હીરામન હકીકત કહે છે પરંતુ હીરાબાઈ એ જ સત્તાવાહી અવાજે એને ધમકાવી કાઢે છે. પ્રેક્ષકો પૈસા આપીને આવ્યા છે, એ તો ગમે તેમ બોલે, મારા માટે મારામારી કરવાવાળો તું મારો કોણ ? હીરામન સમસમી જાય છે. લાચારી પણ અનુભવે છે પણ એને પોતાની કરણી પર કોઈ અફસોસ નથી. કદાચ એ એવું વિચારે છે કે જે કામમાં પ્રેક્ષકો એલફેલ ને ગંદું બોલી જાય એ કામ હીરાબાઈએ કરવું જ શા માટે જોઈએ ?

ઉદાસ અને નાસીપાસ હીરામનનું મન ક્યાંય ચોંટતું નથી. મેળાની મનહૂસ જગ્યાએથી પીછો છોડાવવા એ પંદર ગાઉ દૂરની લદની પણ સ્વીકારીને ભાગી છૂટે છે. એના યાર- દોસ્તો પરેશાન. અચાનક શું થયું હીરામનને ! હજી હમણાં તો ખેલામાં ગુલતાન હતો એ !

ફરી રાતની નૌટંકી. આ વખતે લતાનું  ‘મારે ગએ ગુલફામ અજી હાં મારે ગએ ગુલફામ‘ . હીરાબાઈની નજરો પ્રેક્ષકોમાં ફરી વળે છે હીરામન માટે. એ લાલમોહરને અંદર બોલાવી હીરામનના ન હોવા વિષે પૂછે છે. રિહર્સલમાં પણ એનું મન નથી લાગતું. એ હીરામનને ઝંખે છે. લદની પહોંચાડી પરત આવેલો હીરામન તંબૂની બહાર વિહ્વળ આંટા મારે છે પણ અંદર જવા મન માનતું નથી. એમણે તો મને કહી જ દીધું છે ને કે તું મારો કોણ !

અનમની હીરાબાઈ લહસનવા દ્વારા કહેણ મોકલાવે છે આવીને મળી જવાનું. સહકલાકાર નજમા હીરાબાઈને બેચેનીનું કારણ પૂછે છે અને હીરાબાઈ કહે છે  ‘ આપણે તો બસ, લયલાનું પાત્ર ભજવી શકીએ, ખરેખરી લયલા બની ન શકીએ. કેમ એવું ? ‘

હીરામન પણ રહી ન શકતાં હીરાબાઈના બુલાવાનું પાલન કરીને આવે છે મળવા, ચહેરા પર રીસ અને નારાજગી ઓઢીને. હીરાબાઈ પિત્તો ગુમાવ્યા બદલ દિલસોજી વ્યક્ત કરે છે. હીરામનને પણ એ મનાવે તો માની જ જવું હતું ! હીરાબાઈ કહે છે  ‘ મારી ઈચ્છા છે, તને મારા હાથે રાંધીને ખવડાવું. ખાઈશ ને ? ‘ અને ઉમેરે છે કે આજે લયલા મજનૂનો પાઠ છે અને હું લયલા બની છું. એ ઉત્કંઠ થઈ, હીરામન મજનૂ વિષે પૂછે એની રાહ જૂએ છે. એની અપેક્ષા મુજબ હીરામન પૂછે છે પણ ખરો. હીરાબાઈ મનમાં પહેલેથી વિચારી રાખેલો જવાબ વાળે છે,  ‘ છે કોઈક. તારે શું ? ‘. હીરામન વાત બદલી પોતાની પાસેના સોએક રૂપિયા, મેળામાં ચોરી- ચકારીની બીકે હીરાબાઈને સાચવવાનું કહે છે. હીરાબાઈ એ જ શરારતથી પૂછે છે,  ‘ અને હું તારા રુપિયા ચોરી લઉં તો ! ‘ . એ પૈસા હીરામનના દેખતાં પેટીમાં મૂકે છે. હીરામન પોતાની ચિંતા કહે છે,  ‘ ફરી તમારા વિષે કોઈ ગમે તેમ બોલશે તો… ‘ અને હીરાબાઈ,  ‘ હું તને સ્ટેજ પર જ બેસવાની વ્યવસ્થા કરી આપીશ. પછી તો શાંતિ ? ‘. 

એક વધુ ખેલ શરુ. લયલા મજનૂનું પ્રસ્તાવના ગીત રજૂ કરતા સૂત્રધાર અને નર્તકીઓને હીરાબાઈ અને હીરામન સ્ટેજની બાજૂના ગલિયારામાંથી નીરખે છે. ક્ષણે ક્ષણે બદલાતા હીરામનના ચહેરાના ભાવને હીરાબાઈ મુગ્ધતાથી નિહાળે છે. મુખ્ય ગીત  (મૈં સુનાતી હું એક માજરા – મુબારક બેગમ અને શંકર શંભૂ ) શરુ થતાં હીરાબાઈ લયલા બનીને તખ્તા પર આવે છે અને હીરામન એનું લયલાપણું પ્રસન્નતાપૂર્વક માણે છે. સામે પ્રેક્ષકોમાં હીરામનના મિત્રો અને જમીનદાર વિક્રમસિંહ બેઠા છે.

હીરાબાઈ એક વાર હીરામનને પ્રેમથી પૂછે છે કે નૌટંકી માણવામાં ને માણવામાં એ એની ગાડીવાનીની, રોજીરોટીની અવગણના તો નથી કરતો ને ? હીરામનને આ પોતીકાપણું બહુ ગમે છે. દિવસભરની મહેનત પછી રાતે એ ખેલમાં ફરી હાજર થાય છે. આ વખતે આશા ભોંસલેનું ચુલબુલું ગીત  ‘ હાએ ગજબ કહીં તારા ટૂટા ‘. હીરામન ખેલ માણતાં અચાનક જમીનદારને હીરાબાઈ તરફ સો ની નોટ ફરકાવતો ભાળી વિફરે છે. એ ઊઠીને બહાર જાય છે જ્યાં જમીનદારને બિરજૂ સાથે હીરાબાઈની મુલાકાત ગોઠવી આપવા મુઠ્ઠી ગરમ કરતો જૂએ છે. એ સમસમી જાય છે. બીજા દિવસે જમીનદાર હીરાબાઈના તંબૂમાં આવી એને રીઝવવાના પ્રયત્નો કરે છે. હીરાબાઈ વ્યાવસાયિક સિફતપૂર્વક એમને ટાળવાનો પ્રયત્ન કરે છે.

વ્યથિત હીરામનના બળતા મનમાં ઘી ઉમેરતાં પેલો ગલીચ દારૂડિયો પ્રેક્ષક ફરી મળે છે અને ફરી એ જ ગંદા વિશેષણોનો ઇસ્તેમાલ કરતાં હીરામન સ્વયંને હાથ ઉગામતા માંડ ખાળે છે. એ ફરી વિચારે છે, આ દેવીતૂલ્ય સ્ત્રીને આ લોકો બિકાઉ ચીજ, બજારુ ઔરત કેમ સમજે છે ?

એ હીરાબાઈને મળીને નૌટંકી છોડી કોઈ અન્ય કામ જેમ કે સરકસમાં વાઘને નચાવવો કે એવું કંઇક કરવાનું કહે છે. એ માને છે, માણસ કરતાં આ હિંસક પશુઓ વધુ સારા. હીરાબાઈ હસતાં હસતાં બહુ મોટી વાત કરે છે.  ‘ હીરામન, તને જેમ બેલગાડીનો નશો છે તેમ જ મને લયલા કે ગુલબદન બની ગામેગામ નાચવાનો નશો છે. અને એ મારી રોજીરોટી પણ છે. ‘

હીરામનનું મન માનતું નથી. હીરાબાઈ કહે છે,  ‘ ચલ છોડ. ચાલ, ક્યાંક બહાર જઈ આવીએ. ‘ એ મંદિર જવાનું બહાનું કરી બહાર નીકળે છે. માથું ઢાંકે છે અને બધા એને હોંશે-હોંશે હીરામન સાથે નીકળતા તાકી રહે છે.

બન્ને ગામની ભાગોળે એક ઝાડની નીચે જઈને બેસે છે. એ પછીની થોડીક પળોમાં જે થાય છે એ રાજકપૂરની અભિનય કારકિર્દીની સર્વોત્કૃષ્ટ ક્ષણો છે. હીરામન એ દિવસને યાદ કરે છે જ્યારે હીરાબાઈ પહેલી વાર એના ગાડામાં આવીને બેઠી હતી અને એ હેબતાઈ ગયો હતો. એણે કેવું મેઘલી રાતે દેરી આગળ ગાડું રોકીને આ માયાવિની પોતાનું નુકસાન ન કરે એ માટે માનતા માની હતી. હીરાબાઈ ખિલખિલાટ હસે છે એની મૂર્ખામી અને નિખાલસતા પર. હીરામન સભાનપણે હીરાબાઈ બેઠી છે એનાથી સ્હેજ નીચા સ્થાને ઉભડક બેઠો છે, અહોભાવના પ્રતીકરૂપે. હીરાબાઈ ચંચળતાથી પૂછે છે,  ‘ તો મારાથી તને કંઈ નુકસાન થયું ? ‘ અને એના જવાબમાં હીરામનનો મૌન પ્રતિભાવ અને એ વખતનો રાજકપૂરનો ચહેરો કમ્માલ કરે છે. એ હીરાબાઈને યાદ દેવડાવે છે કે હું બળદને મારવા ગયો ત્યારે તમે બોલ્યા હતા,  ‘ મારો મત ! ‘. આવો નાજુક અવાજ મેં ક્યારેય સાંભળ્યો નથી. એ સંવાદ વખતે હીરામન હીરાબાઈના અવાજને  ‘ ફેનુગિલાસી બોલી  ‘ ( ગ્રામોફોન જેવો અવાજ ) ની ઉપમા આપે છે અને એ વાક્ય બોલતી વખતે એના અવાજમાં જે પરમ ભક્તિભાવ, પ્રેમભાવ, આસક્તિભાવ છલકાય છે એ બેજોડ અભિનયનો નમૂનો છે.

હીરાબાઈ સ્ત્રીસહજભાવે પૂછે છે,  ‘ તે દિવસે હું તને પરી લાગતી હતી. હવે આજે ? ‘. એના જવાબમાં હીરામનની કિંકર્તવ્યમૂઢતા, અવાચકતા, શબ્દહીનતા પણ ભાવક- દર્શકને સ્વયં અવાચક કરી મૂકે તેવા છે! જાણે એ જવાબ આપવા શબ્દો શોધતો હોય પણ પછી એવું વિચારીને હાથ ઊંચા કરી દેતો હોય કે આ સૌંદર્ય તો શબ્દાતીત છે ! આફરીન ! સલામ !

હીરામનની સ્થિતિ જોઈ હીરાબાઈ હસીને કહે છે,  ‘ ચાલ ક્યાંક બીજે જઈએ ‘

હીરાબાઈ કૂદીને ગાડામાં ગાડીવાનની જગ્યાએ બેસે છે, શરારતી ઉદંડતાથી એમ કહીને,  ‘ ગાડી હમ ચલાએંગે ‘ અને હીરામન  ‘ ગાડી ચલાવવી સ્ત્રીઓનું કામ નથી. એમનું કામ તો છે ઘરગૃહસ્થી, લગ્ન, વહુ બનવું ‘  હીરાબાઈ,  ‘ વહુ ? ‘ કહી મૌન થઈ જાય છે અને તમે જો  ‘ મન એટલે શું ‘ એ સમજતા હો તો હીરાબાઈના ચહેરે ધરબાયેલી સાક્ષાત પીડાને વાંચી, સ્પર્શી, મહેસૂસ કરી શકો, ખુલ્લી કિતાબની જેમ !

હીરામન કહે છે  ‘ ચાલો મંદિરે જ જઈએ ‘ અને હીરાબાઈના  ‘ મંદિરે જઈને શું કરીશું? ‘ ના જવાબમાં એ કહે છે  ‘ પ્રાર્થના- કંઈક માંગીશું ‘ . હીરાબાઈ  ‘ તું શું માંગીશ ? ‘ અને હીરામન  ‘ એ તો ભગવાનને જ કહીશ ‘ અને હીરાબાઈના ચહેરે એની ઇચ્છાઓ, અરમાન, ઓરતાં વંચાય છે. એ હીરામનના ખભે હાથ મૂકીને જાણે મૂકપણે કહે છે, ‘ મને માંગીશ ને ! ‘

ગાડું મંદિરવાળા ગામે પ્રવેશે છે. ગામની ઉબડ-ખાબડ ગલીઓમાંથી દોટ મૂકતું અલ્લડ બાળકોનું ટોળું ગાડાની પાછળ પડે છે. આ ટોળાંમાં શૈલેન્દ્રના ચાર સંતાનો અમલા, ગોપા, દિનેશ અને મનોજ પણ છે. અને શરુ થાય છે આપણી આ શૈલેન્દ્ર-ગીત શ્રૃંખલાનું અંતિમ ગીત :

લાલી  લાલી  ડોલિયામેં લાલી રે દુલ્હનિયા

પિયાકી પિયારી ભોલી ભાલી રે દુલ્હનિયા

બાળકોના ખિલખિલાટ હાસ્ય સાથે મુખડાની શરુઆત સમૂહ સ્વરોમાં થાય છે. હીરાબાઈ બાળકો દ્વારા નિર્દોષતાથી ઉચ્ચારાયેલા શબ્દોનું અર્થઘટન પોતાને મનગમતી રીતે કરીને મંદ મંદ મુસ્કાય છે. આશા ભોંસલેના અવાજમાં ફરી મુખડો. આ વખતે શબ્દો જરા જૂદા :

લાલી લાલી ડોલિયામેં લાલી રે દુલ્હનિયા

મીઠે  બૈન તીખે નૈનોં વાલી રે દુલ્હનિયા

આ ગીત અને શબ્દો મૂલત: ભોજપુરી ભાષાના કન્યાવિદાય – ગીતના શબ્દો છે. શૈલેન્દ્ર એ એમને પોતાના અંદાઝમાં વિકસાવ્યા છે.

હીરામન પણ ગીતના બોલ સાંભળી, સમજી મનોમન રાજીપો અનુભવતો હસું-હસું થાય છે. એની આંખોમાં દુલ્હનિયાવાળા સપના ઝલકે છે. અંદર બેઠેલી દુલ્હનિયા પાછળ ફરીને દુલ્હા તરફ મરક – મરક જૂએ છે, જે ખુદ સ્વયંમાં ગુમ ક્ષિતિજ ભણી મીટ માંડી કંઇક નીરખી રહ્યો છે. બાળકોના ટોળાંમાં આશાના અવાજમાં શૈલેન્દ્રની પુત્રી અમલા ગાય છે. જુલૂસ જેમ આગળ વધે છે તેમ આજૂબાજૂના માટીના ઘરોમાંથી બાળકો કૂદી કૂદીને જોડાતા જાય છે.

પહેલા અંતરા પહેલાં કેવળ વાંસળી, અને :

લૌટેગી  જો  ગોદી  ભર હમેં ના ભુલાના

લડ્ડુ-પેડે લાના  અપને  હાથોંસે ખિલાના

તેરી સબ રાતેં  હોં દિવાલી રે દુલ્હનિયા ..

આ શબ્દો સમજણ અને સાદગીનું એવું અનોખું સંમિશ્રણ છે અને એની પાછળનો ભાવ એવો સાફ અને પારદર્શક છે કે એનું અર્થઘટન કે અનુવાદ એ ભાવકોની સંવેદનાનું અવમૂલ્યન લેખાશે. શૈલેન્દ્ર સમજતા હતા કે સિનેમા – ફિલ્મ ગીત એ તમારી સાહિત્યિક ઉત્કૃષ્ટતા પૂરવાર કરવાનું માધ્યમ નથી પરંતુ દર્શકોને સમજાય એવી ભાષા દ્વારા એમના મન સાથે સંધાન કરવાનો સેતુ છે. હા, ગીતમાં શૈલેન્દ્રના જ ફિલ્મ  ‘ચોરી ચોરી’ ના ગીત  ‘મનભાવન કે ઘર જાએ ગોરી, બંધી રહે યે પ્યારકી ડોરી, હમે ના ભુલાના‘ની અર્થચ્છાયાઓ સ્પષ્ટ દેખાય છે. અંતરો પહેલાં આશાના અવાજમાં અને પછી સમૂહ સ્વરોમાં દોહરાવાય છે. ગામની ધૂળી સડકો પર હીરાબાઈનું હાસ્ય જાણે ચાંદની વિખેરે છે. એ બાળકોને જૂએ છે અને કોણ જાણે કેવા દૂરસુદૂરના આકાશકુસુમવત સપનાઓમાં ખોવાઈ જાય છે પણ આપણે ભાવકો સુપેરે જાણીએ છીએ કે એ સપના શું હોઈ શકે !

દુલ્હે  રાજા  રખના જતન સે  દુલ્હન કો

કભી ના  દુખાના તુમ  ગોરિયા  કે મન કો

નાજુક હૈ નાઝોં કી હૈ પાલી રે દુલ્હનિયા…

આ પંક્તિઓ વખતે હીરામન પાછો વળી દુલ્હનિયા હીરાબાઈને જૂએ છે અને વિચારોના ચગડોળે ચડે છે. એનો ચહેરો અને હીરાબાઈના નાકનો દાણો ચમકદમક થાય છે.

ઢોલકની ધ્રૂત થાપ સાથે ગાડું ધૂળ ઉડાડતું ગામ છોડે છે અને ગીત પૂરું થાય છે. ગીતના શ્રાવ્ય સંસ્કરણમાં એક વધુ અંતરો પણ છે જે ફિલ્મમાં નથી :

મન મુસ્કાએ  દોનોં મુખડા છુપાએ

ભેદ  ના  ખોલે  ના તો  બોલે બતિયાએ

જુગ જિયે જોડી મતવાલી રે દુલ્હનિયા …

ગાડું પરત મેળે અર્થાત્ વાસ્તવિકતાની ભૂમિ પર. હીરાબાઈ ઊતરે છે પણ શાલ ટપ્પરમાં ભૂલી જાય છે. હીરાબાઈ તંબૂમાં પ્રવેશી જાતને આઈનામાં દુલ્હનિયા રૂપે જુએ છે. હીરામન શાલ લાવે છે. એ હીરામનને બેસવાનો આગ્રહ કરે ત્યાં જમીનદાર બિરજૂ સાથે પ્રવેશે છે. હીરામનને કફોડી સ્થિતિમાં ન મુકાવું પડે માટે હીરાબાઈ એને જતા રહેવાનું કહે છે. બહાર ફરી એકવાર બિરજૂ એને હડધૂત કરે છે. હીરામન ગુસ્સામાં, હીરાબાઈના બળદોને ન મારવાના અનુરોધનો ઉલ્લંઘન કરી ગાડું મારી મૂકે છે.

આ બાજૂ જમીનદાર હીરાબાઈ સાથે હલકટતા પર ઊતરી આવે છે. એમની લોલુપ બદતમીઝીના પ્રત્યાઘાતમાં હીરાબાઈ એક વેધક વાત કહે છે કે તમે મને બજારુ ઔરત સમજો છો અને પેલો ગાડીવાન મને દેવી માને છે અને આ બે અંતિમોની વચ્ચે, હું એક સરેરાશ ઘરગૃહસ્થી ઇચ્છુક સામાન્ય સ્ત્રી છું એ વાત જ વિસરાઇ જાય છે ! એ જમીનદારની ધાકધમકીઓ છતાં એમને મક્કમપણે કાઢી મૂકે છે. બિરજૂ અને કંપનીનો મેનેજર એને કોસે છે, આવડા મોટા માણસની તો શરણાગતિ જ સ્વીકારવાની હોય ને ! હવે કોણ જાણે શું થશે !

હીરામન મારતે ગાડે પોતાને ગામ પોતાના ઘરે પહોંચે છે. એની ભોજાઈ પૈસાની કોઈક વ્યવસ્થા કરવાનું કહે છે અને એ કહે છે કે પૈસા કોકની પાસે પડ્યા છે, આવતી ખેપે લઈ આવીશ.

આ બાજૂ જમીનદારનો ગુસ્સો આસમાને છે પણ બિરજૂ એમને કહે છે કે થોડીક ધીરજ રાખો, હીરાબાઈ જશે ક્યાં ?

અહીં એટલી સ્પષ્ટતા કે રેણુની મૂળ વાર્તા સાથે જબરી ઇમાનદારી સર્જક શૈલેન્દ્ર એ રાખી છે છતાં એક સમાધાન એમણે પણ કર્યું છે. મૂળ વાર્તામાં જમીનદાર વિક્રમસિંહનું પાત્ર અને એમની ખલનાયકી ક્યાંય નથી.

હીરાબાઈ ફિલ્મનું અંતિમ ગીત  ‘આ આ ભી જા, રાત ઢલને લગી, ચાંદ છુપને લગા ‘ લઈને આવે છે. શૈલેન્દ્રને વિખ્યાત ઉર્દૂ કવિ  ‘ દાગ ‘ દેહલવી ના શેરો પ્રત્યે લગાવ હોય એવું દેખાય છે. આ ગીતમાં સાખી સ્વરૂપે  ‘ દાગ ‘ સાહેબનો એક શેર છે :

રહેગા ઇશ્ક તેરા ખાક મેં મિલાકે મુજે

હુએ હૈં ઇબ્તેદા મેં રંજ ઇંતેહા કે મુજે

મજાની વાત એ કે આ પહેલાં  ‘ મધૂમતી’ ફિલ્મના મુબારક બેગમના શૈલેન્દ્ર – ગીત   ‘હમ હાલે દિલ સુનાએંગે સુનિયે કે ન સુનિયે‘ માં આ જ શેર અંતરા તરીકે મૂકવામાં આવ્યો હતો !

ખેર ! ગીત દરમિયાન હીરામન પોતાના ઘરે તંદ્રાવસ્થામાં પડખાં ઘસતો, હીરાબાઈનું એના જીવનમાં આવવું એક દુ:સ્વપ્ન હોય એમ એને નીરખતો રહે છે.

છેવટે જમીનદારથી ન રહેવાતાં એ હીરાબાઈના તંબૂમાં પીધેલી અવસ્થામાં ઘુસી આવી એની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કરે છે. હીરાબાઈ બૂમાબૂમ કરી માંડ એની ચુંગાલમાંથી છૂટે છે અને એ જ ઘડીએ એક આકરો, અઘરો નિર્ણય લે છે, નૌટંકી છોડી પરત પોતાને ગામ જવાનો ! એના સહકલાકારો, સંગીતના ઉસ્તાદ, મેનેજર અને બિરજૂ બધા દંગ ! પ્રથમ દ્રષ્ટીએ આપણને એમ લાગે કે આવડો મોટો નિર્ણય (નૌટંકી છોડવાનો નહીં, હીરામનને છોડી જવાનો !) જમીનદારથી છૂટવા લેવાયો છે. એવું પણ થાય કે જમીનદારે હીરામનનો જાન લેવાની ધમકી આપી હોઇ, એનો જીવ બચાવવા પણ આ નિર્ણય લીધેલો હોઈ શકે. પણ નહીં, વાત એટલી ઉપરછલ્લી નથી. સહેલી નજમા જ્યારે એને પૂછે છે કે તું જતી રહીશ પછી હીરામન ? ત્યારે એ પોતાની અને હીરામન વચ્ચેની એક-એક સુમધુર ક્ષણો યાદ કરીને કહે છે કે મારે હીરામનનો ભ્રમ તોડવો નથી. એની નજરમાં હું દેવી કે પરી છું તો ભલે એમ જ રહી. મારે બધું જ અકબંધ રાખીને સમય રહેતાં એની જિંદગીમાંથી જતું રહેવું છે.

છતાં જતાં-જતાં એને છેલ્લીવાર મળી લેવાની ઝંખના હજી પણ છે હીરાબાઈના મનમાં. જતાં-જતાં એ તાકીદ કરે છે કે એને કહેજો કે એકવાર મળી લે.

હીરામન મેળે પહોંચે છે અને લાલમોહર ખબર આપે છે કે એ તો જતી રહી ! હીરામન અવાચક ! જતાં રહ્યાં? સાવ આવી રીતે ! મને વાત પણ ન કરી ? એ ગાડું સ્ટેશન ભણી મારી મૂકે છે.

પ્લેટફોર્મ પર હીરાબાઈ અને બિરજૂ ટ્રેનના ઇંતેજારમાં. દૂરથી આવતી ટ્રેન. હીરામનને ન મળી શકાતાં હીરાબાઈ બિરજૂ આગળ પેશકશ કરે છે કે આજનો દિવસ રોકાઈ જઇએ. કાલે જઇએ. એને મળ્યા વગર નથી જવું. દરમિયાન ટ્રેન આવી પહોંચે છે. અને હીરામન પણ. હીરાબાઈ એને પાટા ઓળંગતો જૂએ છે, ધસમસતા એંજિનથી માંડ બચતો. કાળમુખું એંજિન થંભે છે. હીરામન પાટા વટાવી હીરાબાઈ સુધી પહોંચે છે. હીરાબાઈ હાશકારો અનુભવે છે, પણ ક્ષણિક !

દેર  લગી  આને   મેં   તુમકો   લેકિન   ફિર   ભી   આએ   તો

સબ્ર  ને  દિલ  કા  સાથ  ન  છોડા  લેકિન હમ  ઘભરાએ તો..

એ હીરામનને એના પૈસા પરત કરે છે. હીરામન દિગ્મૂઢ , અવાક્, વિરક્ત ! કોઈને દટાયેલું ધન મળી આવે અને પછી તુરંત એ લૂંટાઈ જાય એ પળની જે અનુભૂતિ હોય એ કદાચ અત્યારે હીરામનની છે. હીરાબાઈ પોતાની શાલ એને આપે છે, ઠંડીથી બચવા !! હીરામન નિ:શબ્દ !  હીરાબાઈ કહે છે, ‘ગુલાબગંજના મેળામાં મળવા આવજે. દિલ નાનું ન કર.’ હમેશાં સુખદ અંત ઇચ્છતા સરેરાશ દર્શકને થાય કે કાશ ! ક્યારેક એ ગુલાબગંજ જઈને હીરાબાઈને………. પણ !

બિરજૂ ઉતાવળ કરે છે. ચાલો હવે. ટ્રેનના ઉપડવાની સીટી.

હવે   રસ્તો   નથી   આગળચલો   પાછા  વળી  જઇએ

અને   ખૂટી   ગયા  અંજળચલો   પાછા   વળી  જઇએ

નદી    સંબંધની ઓળંગવી   છે      આકરી   મિતવા

નિહાળી  નીર  બસ  ખળખળ , ચલો  પાછા  વળી  જઇએ..

હીરામનને ધુત્કારતો બિરજૂ. ડબ્બામાં બારી આગળ શૂન્યમનસ્ક હીરાબાઈ. ગાડી છૂટે છે. હીરાબાઈ આંખ લૂંછે છે. હીરામન પ્લેટફોર્મ પરથી સરતી જતી ટ્રેનને પાછું વાળીને જૂએ છે, હાથમાં પૈસા વાળા પાકીટ અને ખભે શાલ સહિત. એ પાટા ઓળંગી ગાડા આગળ પહોંચે છે. બળદને મારવા સોટી ઉગામે છે અને ટપ્પરમાંથી ઋજુ અવાજ ‘મારો મત !’ સંભળાય છે. નેપથ્યે  ‘ પ્રીત બનાકે તૂને જીના સિખાયા, હંસના સિખાયા રોના સિખાયા’ વાગે છે. હીરામન ટપ્પર વાળા હિસ્સામાંથી દૂર સરકતી જતી, આંખોથી ઓઝલ થતી રેલને જૂએ છે અને બળદને સંબોધીને તીસરી કસમ ખાય છે, ‘ કંપનીની બાઈને ટપ્પરમાં ક્યારેય નહીં બેસાડવાની’

ગાડું ધીમે ધીમે આંખોથી ઓઝલ થાય છે.

*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=

અને આમ, એક અધૂરી સમ્મોહન-કથા છેવટ લગી અધૂરી જ રહે છે. હીરાબાઈ ફિલ્મમાં એક જગ્યાએ કહે છે તેમ, ‘દોષ મારો નથી, નાટક લખવાવાળાનો છે. એણે મારા માટે જેટલો પાઠ લખ્યો, મેં નિભાવ્યો. હવે નાટક ખતમ જ ન થાય તો હું શું કરું ? ‘

અને હીરામન ? ગાડીવાનીના એના વ્યવસાયમાં પ્રેમની ગૂંજાઇશ જ વળી ક્યારે હતી ! બસ એટલું જ કે માંડ સભર થયેલું એનું મન પાછું ખાલી થઈ ગયું.

અને હા, હીરામનની તીસરી કસમ પછી સર્જક શૈલેન્દ્રએ પણ ચોથી કસમ ખાધી હશે કે ફિલ્મનું નિર્માણ ક્યારેય ન કરવું, દોસ્તોના ભરોસે તો નહીં જ !

અને આપણે તો ચોક્કસ મળીશું જ…… ક્યારેક !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

6 comments for “સજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ :: ૨

 1. Nathalal Devani
  August 12, 2017 at 12:00 pm

  ખૂબ સરસ… ખૂબ સરસ.. ખૂબ સરસ

 2. August 12, 2017 at 5:01 pm

  વાહ્હ્હ…સાહેબ…હીરામન ની મુગ્ધતા થી વાંચ્યું અને સાથે આપની કવિતા ની પંક્તિઓ
  હવે રસ્તો નથી આગળ, ચલો પાછા વળી જઇએ

  અને ખૂટી ગયા અંજળ, ચલો પાછા વળી જઇએ

  નદી સંબંધની ઓળંગવી છે આકરી મિતવા

  નિહાળી નીર બસ ખળખળ , ચલો પાછા વળી જઇએ..
  લેખ ને અનુપમ સૌંદર્ય બક્ષે છે
  શૈલેન્દ્ર ની દ્રષ્ટિ એ ફિલ્મ નુ રસપાન કરાવ્યું એટલું જ નહીં હીરામન અને હીરાબાઇ ના મન ની પણ સફર કરાવી.
  આપની આંખો એ ફિલ્મ જોઈ…સામાન્ય માણસ ની મહાનતાનું અને મહાન માણસ ની સામાન્યતા નુ નિરૂપણ પણ એક અઘરું કાર્ય છે…જે આપ સુપેરે કરો છો.
  અને આપ હજુ પણ આ કાર્ય કરતા રહો એવી અભ્યર્થના….

 3. નરેશ પ્ર. માંકડ
  August 13, 2017 at 10:39 pm

  તિસરી કસમના મેળામાં હીરાબાઈ, હીરામન, શૈલેન્દ્ર જેવી સહૃદયી, ભાવનાશીલ વ્યક્તિઓ સાથે આપણી યાદગાર મુલાકાત યોજી આપવા માટે શ્રી ભગવાનભાઈનો હાર્દિક આભાર માનવાનું કેમ ચુકાય?
  ફિલ્મ અને ગીતનું આવું રસાળ દર્શન વધુ ને વધુ મળતું રહે એવી એમની પાસે અપેક્ષા રહેવાની.

 4. samir dholakia
  August 14, 2017 at 3:24 pm

  As usual Thavranibhai takes us through dusty Utter Pradesh and its ethos of that time.Journey has been very musical and lyrical, I saw that movie when I was quite young, This article has given fresh insight in to Renu’s celluloid avtar , Thanks a lot,dear friend !

 5. August 16, 2017 at 11:33 am

  I have no words to say beyond what I said in my previous comment. What a brilliant essay, full of pathos and amplification of innocent rural culture! Both parts of your expression on Tisri Kasam must be taught in film journalism course. Such depth, so much knowledge of classical Indian music and film production are rarely found in one place. Wonderful!

 6. નરેશ પ્ર. માંકડ
  August 16, 2017 at 2:19 pm

  It was indeed grand finale for persons who love reading, writing and enjoying the art and craft of poetry and cinema.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *