શૈલેન્દ્રનાં ‘અન્ય’ સંગીતકારો સાથેનાં ગીતો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

૩૦ ઓગસ્ટ, ૧૯૩૩ના રોજ જન્મેલા શંકરદાસ કેસરીલાલ ૪૩ વર્ષની જ છોટી સી યે જિંદગાની ચાર દીનકી કહાની ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬ સુધીમાં સંકેલી ગયા. આટલા સમયમાં પણ ફિલ્મ જગતનાં આકાશમાં તેમણે શૈલેન્દ્રનાં નામથી ધૂમકેતુ જેવી લગભગ ૮૦૦ ગીતોની કારકીર્દીની એવી તેજ રેખા પ્રસારી કે તેમનાં ગીતોનો પ્રકાશ આજે, તેમના ગયાના ૫૧ વર્ષ પછી પણ, ઝાંખો નથી પડ્યો. 1

શૈલેન્દ્ર એ લખેલાં ગીતોનો સિંહ ભાગ તો સ્વાભાવિકપણે શકર જયકિશનની તર્જનાં માધ્યમથી જાણીતો થયો. તે પછી સલીલ ચૌધરી અને એસ ડી બર્મન સાથે પણ તેમણે સંખ્યા તેમ જ ગુણાત્મક એમ બન્ને દૃષ્ટિએ ઘણું નોંધપાત્ર યોગદાન આપ્યું. આ સિવાય પણ બીજા ઘણા સંગીતકારોમાટે પણ તેમણે એવાં જ ભાવવાહી અને વૈવિધ્યપૂર્ણ ગીતો લખ્યાં છે. આજે આપણે શૈલેન્દ્રનાં આ ‘અન્ય’ સંગીતકારો સાથેનાં ગીતોને યાદ કરીશું.

આ ગીતોને પસંદ કરતી વખતે એક સંગીતકારનું શૈલેન્દ્ર સાથેની પહેલી જ ફિલ્મમાંથી એક જ ગીત લેવું અને બને તેટલાં વધારે ગાયકોએ ગાયેલાં ગીતને સમાવી લેવાં એ બન્ને બાબતોને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. જોકે તેમ છતાં, શંકર જયકિશન કે એસ ડી બર્મન કે સલીલ ચૌધરી સાથે શૈલેન્દ્રનાં ગીતા દત્તનાં ગીતો અપવાદ સમાન બની રહ્યાં છે તે કાવ્ય ન્યાયને કારણે કદાચ, અહીં રજૂ કરેલ, શરૂઆતનાં થોડાં ગીતો ગીતા દત્તના સ્વરમાં છે તે વાતની નોંધ લેવી રહી.

કૈસે રોકોગે ઐસે તૂફાન કો – આનંદ મઠ (૧૯૫૨) – ગીતા દત્ત, તલત મહમૂદ – સંગીતકાર: હેમંત કુમાર

પાછળ પડીને પગેરૂં દબાવતા અંગ્રેજ ઑફિસરને સંદેશો પહોંચાડવાના ભાવથી શરૂ થયેલું ગીત, દેશપ્રેમ અને સંન્યાસને માર્ગે નીકળી પડેલ બે યુવાન સહકર્મીઓનાં દિલની અકથ્ય વાતને પણ વાચા આપે છે.

ઘીર આયી હૈ ઘોર ઘટા, અપની મજબૂરીયોં સે લીપટ કે પ્યાર રોને લગા – બદનામ (૧૯૫૨) – ગીતા દત્ત – સંગીતકાર: બસંત પ્રકાશ

ગીતા દત્તના અવાજની રેશમી મીઠાશની આપણી બધી જ યાદોને તાજી કરી આપતું ગીત.

તેરી ચાહત મેં બાલમ, તેરી ચાહતમેં સનમ, મીટ ગયે હમ તેરી ક઼સમ – શ્રીમતીજી (૧૯૫૨)- ગીતા દત્ત – સંગીતકાર: જિમ્મી

ફિલ્મનાં શીર્ષક અને વાર્તાને શું સંબંધ હશે તે તો ખબર નથી, પણ અહીં નાયિકા જાપાની સૈન્યના અફસરોનું મનોરંજન કરીને તેમનું ધ્યાન ખેંચી રાખવા નૃત્ય કરે છે. તે દરમ્યાન નાયક છટકવાના કારસા કરતો દેખાય છે. ગીતકાર માટે આ સીચ્યુએશન પડકારદાયક હોય છે – ગીતના શબ્દો વડે તેમણે ફિલ્મમાં ગીતનાં પરદા પરના શ્રોતાઓનું ધ્યાન ખેંચાતું હોય તેમ કરવાનું છે અને ખરેખરના શ્રોતાઓનું પણ ધ્યાન આકર્ષવાનું હોય છે. શૈલેન્દ્ર આ બન્ને આયામોમાં અહીં સફળ રહે છે.

યે રૂત યે રાત જવાં – શૈલાબ (૧૯૫૬)- ગીતા દત્ત – સંગીતકાર: મુકુલ રોય

ઘણી ફિલ્મોમાં શૈલેન્દ્રએ ફિલ્મનાં બે એક ગીત જ લખ્યાં હોય તેમ પણ જોવા મળે છે. આ ફિલ્મનાં અન્ય આઠ ગીતો પૈકી મજરૂહ સુલ્તાનપુરીએ ચાર, મધુકર રાજસ્થાનીએ એક અને હસરત જયપુરીએ એક ગીતો લખ્યાં છે. ફિલ્મનું એક ગીત લક્ષ્મી રોયે ગાયું છે, તે સિવાયનાં બધાં ગીતો ગીતા દત્તના સ્વરમાં હતાં.

ગીતા દત્તના સ્વરમાં ગવાયેલાં આ ગીતો પછીથી હવે અન્ય ગાયકોના સ્વરમાં ગવાયેલાં ગીતો સાંભળીએ.

મેરે દિલ કી ધડકન ક્યા બોલે – અનહોની (૧૯૫૨) – તલત મહમૂદ, લતા મંગેશકર – સંગીતકાર: રોશન

નોંધપાત્ર બાબત એ છે કે ‘અનહોની’માં શૈલેન્દ્ર એ રોશન માટે ભલે એક ગીત લખ્યું, પણ શંકર જયકિશન, એસ ડી બર્મન અને સલીલ ચૌધરી પછીથીના ક્રમે શૈલેન્દ્રએ રોશનની ફિલ્મો માટે ગીતો લખ્યાં છે. આ ફિલ્મો છે – ૧૯૫૨ની જ ‘નૌબહાર’ અને ‘સંસ્કાર’, ૧૯૫૩ની ‘આગોશ’ અને ‘માશુક઼ા’, ૧૯૫૪માં ‘ચાંદની ચોક’, ૧૯૫૭ની ‘કૉફી હાઉસ’ અને ૧૯૫૮ની ‘અજી બસ શુક્રિયા’ એ બન્નેમાં એક એક ગીત, ૧૯૫૯માં ‘દીપ જલતે રહે’,’હીરા મોતી’ અને ‘મધુ’ અને ૧૯૬૨માં ‘સૂરત ઔર સીરત’.

દેશ કી ધરતીને લલકારા ગુંજા આઝાદીકા નારા – છત્રપતિ શિવાજી (૧૯૫૨) – ચીતળકર અને સાથીઓ – સંગીતકાર: સી. રામચંદ્ર

શૈલેન્દ્રને દેશપ્રેમનાં ગીતો પર પણ પોતાનો હાથ અજમાવવાનો મોકો મળ્યો છે.

સી. રામચંદ્ર અને શૈલેન્દ્ર એ આ પછી માત્ર ‘અનારકલી’ (૧૯૫૩)માં સાથે કામ કર્યું , અને તે પણ માત્ર બે ગીતો – આજા અબ તો આજા મેરે કિસ્મતકે ખરીદાર અબ તો આજા અને દુઆ કર ગમ-એ-દિલ ખુદા સે દુઆ કર– પૂરતું. બન્ને ગીતો શૈલેન્દ્ર, સી. રામચંદ્ર કે લતા મંગેશકર એમ ત્રણેનાં પોતપોતાનાં સર્વશ્રેષ્ઠ ગીતોની પ્રથમ શ્રેણીનાં ગીતો બની રહ્યાં.

દિલ કી લગી ખેલ નહીં – ભાઈ સાહેબ (૧૯૫૪) – સી એચ આત્મા, કૌમુદી મુન્શી અને સાથીઓ – સંગીતકાર: નીનૂ મઝુમદાર

બન્ને ગાયકો અને તેની સાથે સંગીતકાર અને ગીતકાર એ આખું સંયોજન બહુ વિરલ છે. સ્વાભાવિક છે કે પરિણામ પણ એટલું જ વિરલ નીવડે.

બડી મુશ્કીલ હૈ (લતા મંગેશકર) /\ જિયુંગા જબ તલક (તલત મહમૂદ) – ચીનગારી (૧૯૫૫) – સંગીતકાર: મનોહર

તેમની કારકીર્દીમાં શૈલેન્દ્રએ ઘણાં જોડીયાં ગીતો રચ્યાં છે.

સપનોંકી દુનિયા મેં નયે રંગ લાયા ઓ મન ભાયા સાવન આયા – પીપલી સાહેબ (૧૯૫૪) – ઉષા મંગેશકર, મીના મંગેશકર, શમીન્દર – સંગીતકાર: શાર્દુલ ક્વાત્રા

પોતાની કારકીર્દીમાં શૈલેન્દ્રને જૂદા જૂદા ભાવોને વ્યક્ત કરતાં ત્રિપુટી કે સમૂહ ગીતો લખવાના પણ ઘણા પ્રસંગ પડ્યા છે. અહીં સંગીતકારની સાથે ગ્રામ્ય જીવનની સાદાઈને ઉજાગર કરવામાં તેમણે પોતાનો કસબ અજમાવ્યો છે.

મેહફિલમેં કૈસી છમ છમ – દીલ્લી દરબાર (૧૯૫૬)- લતા મંગેશકર – સંગીતકાર: એસ એન ત્રિપાઠી

‘હનુમાન યુધ્ધ’ (૧૯૫૭) કે ‘શિવ પાર્વતી’ (૧૯૬૨) જેવી ધાર્મિકથી માંડીને ‘સંગીત સમ્રાટ તાનસેન’ (૧૯૬૨) જેવી ઐતિહાસીક પૃષ્ઠભૂ અને ‘કુંવારી’ (૧૯૬૬) જેવી સામાજિક, એવા વિવિધ વિષયોવાળી ફિલ્મો માટે એસ એન ત્રિપાઠીનાં સંગીતમાં શૈલેન્દ્રએ ગીતો લખ્યાં છે.

ચલ રે અમીરે ભાઈ ચલ રે ફકીરે – દિલ્લીકા ઠગ (૧૯૫૬) – કિશોર કુમાર અને સાથી – સંગીતકાર: રવિ

બીલ્કુલ અસાધારણ સીચ્યુએશન પણ એટલી જ સરળતાથી ગીતો લખવાં એ શેલેન્દ્રની ખાસ લાક્ષણિકતા હતી. અહીં માંકડાના ખેલનું શેરીમાં ભજવાતું ગીત તેમણે પોતાના હૃદયંગમ સંદેશ સાથે લખ્યું છે. આ જ ફિલ્મનું કિશોર કુમાર અને આશા ભોસલેનું બીજું એક યુગલ ગીત – યે રાતેં યે મૌસમ નદીકા કિનારા– તો આપ સૌને યાદ જ હશે !

છૂપા છૂપી હો છૂપી આગડ બાગડ જાયે રે ચૂહે મામા ઓ ચૂહે મામા ભાગ બીલી આઈ રે – સવેરા (૧૯૬૧) – મનાડે, લતા મંગેશકર – સંગીતકાર: શૈલેશ મુખર્જી

ફિલ્મના પર્દા પર ગીત ભજવનાર પાત્રોને ખરેખર પોતાનું બાળપણ યાદ અપાવી દેવાં બાળગીતો લખવામાં પણ શૈલેન્દ્ર ખરા ઉતરતા આવ્યા છે.

હો ચુનવા મૂનવા…..દેકે દામ લે લે માટીકા ખીલૌના કૈસા ખેલ ખેલે યે માટી ખીલૌના – નયા કદમ (૧૯૫૮) – શૈલેશ મુખર્જી – સંગીતકાર: શિવરામ – નારાયણ

ફરી એક વાર આજિવિકા કમાવા માટે શેરીમાં ભજવાતું એક ગીત, જેમાં પણ બહુ જ સબળ સંદેશ પણ વણી લેવાયો છે. આ ગીતના ગાયક શૈલેશ મુખર્જી એ સંગીતકાર શૈલેશ મુખર્જી છે કે કેમ તે જાણ નથી.

નાની તેરી મોરની કો મોર લે ગયે, બાકી જો બચા થા કાલે ચોર લે ગયે – માસૂમ (૧૯૬૦) – રાનુ મુખર્જી – સંગીતકાર: રોબીન બેનર્જી

આ ફિલમાં રાજા મહેંદી અલી ખાનનાં લખેલાં ચાર અને સાહિર લુધ્યાનવીએ લખેલ એક ગીત પણ છે. તેમ છતાં શૈલેન્દ્રને જ જાણે આ બાળ ગીત માટે પસંદ કર્યા છે. ઘણાં વાચકોને કદાચ ખ્યાલ નહીં હોય કે ગીતનાં ગાયિકા હેમંત કુમારનાં દીકરી છે.

હાયે રે વો દિન ક્યોં ના આયે જા જા કે રીતુ લૌટ આયે રે… – અનુરાધા (૧૯૬૦) – લતા મંગેશકર – સંગીતકાર: પંડીત રવિશંકર

હૃષીકેષ મુખર્જીની પ્રયોગાત્મક સામજિક ફિલ્મમાં પંડિત રવિશંકરની સંગીતમયતાને અનુરૂપ ગીતો લખ્યાં શૈલેન્દ્ર એ. લતા મંગેશકરનાં ચાર ગીતો કે બે બાળકો માટેનાં ગીતો – કોઈ પણ સાંભળો – પણ દરેક ગીતમાં રવિશંકરનાં આગવાં સંગીત બંધારણ સાથે શૈલેન્દ્રના શબ્દો પણ આપણને લાગણીમય કરી મૂકે છે.

પ્રસ્તુત ગીત કર્ણાટકી સંગીતના બહુ ખ્યાત, શિવ કલ્યાણ કે માઢ કલ્યાણ તરીકે પણ ઓળખાતા, રાગ જનસમ્મોહિની પર આધરિત છે.

આડવાત:

મૂળ રાગને સુગેય ગીતના રૂપમાં કેવું ઢાળ્યું છે તે જોવા સારૂ આ સાથે કેટલીક અન્ય ક્લિપ્સ પણ મૂકી છે.

ગીત માટેની પ્રેરણાનો સીધો જ સ્ત્રોત ગણવામાં આવે છે આ રાગમાં ગવાતતું ગણપત વિઘ્નહરણ સ્તોત્ર.

शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ।
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् ।
अभीप्सितार्थसिध्यर्थम् पूजितो यस्सुरासुरैः ।
सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः ।।

गणपत विघ्न गण गजानन । विराजती चन्द्रमा भाल । गणपत विघ्न गण गजानन ।।

અહીં અશ્વિની ભીંડેએ ગાયેલ એકે વર્ઝન રજૂ કર્યું છે.

એશીયન ગેમ્સ, ૧૯૮૨નાં સ્વાગત સ્ત્રોત્ર, સ્વાગતમ, માટે પણ પંડિત રવિશંકરે આ રાગને પસંદ કર્યો હતો.

અને આ છે રાગનાં શુધ્ધ શાસ્ત્રીય ગાયનના બે અંશ:

પંડિત મણી પ્રસાદ :

ઉસ્તાદ આમીર ખાન સાહેબ :

જૂમતે શરાબી જ઼રા હોશમેં આ – કાંચ કી ગુડીયાં (૧૯૬૧) – આશા ભોસલે – સંગીતકાર સુહૃદ કાર

‘કાંચ કી ગુડીયાં’ નામ પડે એટલે મોટા ભાગના હિંદી ફિલ્મ ગીતોના ચાહકોને યાદ આવશે – મૂકેશ- આશા ભોસલેનું યુગલ ગીત – સાથ હો તુમ ઔર રાત જવાં. એ ગીતને યાદ કરીશું તો પ્રસ્તુત ગીતમાં આશા ભોસલે સાવ નવા રંગમાં સાંભળવા મળશે.

પૈસા નહીં હોતા તો કુછ નહીં હોતાસૌતેલા ભાઇ (૧૯૬૨) – મન્ના ડે, અનિલ બિશ્વાસ – સંગીતકાર અનિલ બિશ્વાસ

ફિલ્મમાં જેટલાં ગંભીર ગીતો અનિલ બિશ્વાસ – શૈલેન્દ્રની જોડીમાં રચાયાં છે એવાં જ આવાં હલકાં ફૂલકાં ગીતો પણ તેમણે આપ્યાં છે.

આ ફિલ્મ ઉપરાંત આ બન્નેનાં સંયુક્ત યોગદાનમાં રચાયેલાં છોટી છોટી બાતેં’ના ગીતોનું પણ બહુ મહત્વનું સ્થાન બની રહ્યું છે.

દાતોંકા જ઼માના પ્યારે દાંત બચાના – બેગાના (૧૯૬૫) – મહેન્દ્ર કપૂર – સંગીતકાર: સપન જગમોહન

દંત ચિકિત્સકો આ ગીતને પોતાની જાહેર ખબરમાં વાપરે તો કેવાં પરિણામ આવે? ફિલ્મમાં જો કે પર્દા પર આ ગીત ગાનાર પાત્ર દાંતનો ડૉક્ટર જ જણાય છે.

ચાંદ તલે ઝૂમ ઝૂમ થીરક રહી હૈ ઘૂંઘરવાલીયાં, મસ્તીયોં કી આજ ધુન બજા રહી હૈ તાલીયાં – જબ સે તુમ્હે દેખા હૈ (૧૯૬૩)- સુબીર સેન, સુમન કલ્યાણપુર – સંગીતકાર: દત્તારામ

દત્તારામ આમ તો શંકર જયકિશન (શૈલેન્દ્ર, હસરત જયપુરી)ની ટીમનું એક મહત્ત્વનું અંગ જ હતા. એટલે આ બન્ને કલાકારો સાથે કામ કરે તેમાં બહુ નવાઇ ન લાગે. પ્રતુત ગીતમાં તાલીયોના તાલમાં દત્તારામનો બહુખ્યાત (ઢોલકનો) ઠેકો પણ પોતાની હાજરી નોંધાવે છે.

રાહી તૂ મત રૂક જાના તૂફાં સે મત ગભરાના, કહીં તો મિલેગી તેરી મંઝિલ કહીં દૂર ગગનકી છાંવમેંદૂર ગગનકી છાંવમેં (૧૯૬૪)- હેમંત કુમાર – સંગીતકાર: કિશોર કુમાર

સંગીતકારના સંદર્ભમાં ગણો કે ગાયકના સંદર્ભમાં કે પછી ગીતકારના સંદર્ભમાં કે ફિલ્મનું શીર્ષક જેમાં વણી લેવાયું છે તેવાં ગીતોમાં ગણો, આ ગીતનું સ્થાન બહુ આદરભર્યું રહ્યું છે.

આપણા દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીનાં ગીતોને યાદ કરીએ છીએ. આજે એ પરંપરામાં આપણે શૈલેન્દ્રનાં જ રચેલાં ‘અન્ય’ સંગીતકારોનાં આ પ્રકારનાં કેટલાંક ગીતો રજૂ કર્યાં છે.

જા જા છેડ ના માન ભી જા – સટ્ટા બાઝાર (૧૯૫૯) – મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર – સંગીતકાર: કલ્યાણજી આણંદજી

આટલું હળવા મિજાજનું ગીત શૈલેન્દ્રના ફાળે આવ્યું. આ એક માત્ર ગીત સિવાય હસરત જયપુરી અને ઈન્દીવરે બબ્બે ગીતો અને ગુલશન બાવરાએ ત્રણ ગીતો ફિલ્મમાં લખ્યાં છે. જ્હોની વૉકર પર ફિલ્માવાયેલું આ ગીત આપણને શૈલેન્દ્રનાં એક બહુ જ જાણીતાં એવાં જ્હોની વૉકર પર ફિલ્માવાયેલાં બીજાં ગીત – જંગલમેં મોર નાચા-ની પણ યાદ અપાવડાવી જાય.

ગ઼મકી બદલીમેં ચમકતા એક સિતારા હૈ આજ અપના જો ન કલ હમારા હૈ – કલ હમારા હૈ (૧૯૫૯) – મોહમ્મદ રફી, સુધા મલ્હોત્રા – સંગીતકાર: ચિત્ર ગુપ્ત

શીર્ષક ગીતની સાથે દેશદાઝનાં થીમને પણ બહુ આસાનીથી શૈલેન્દ્રએ એ પ્રસ્તુત ગીતમાં વણી લીધેલ છે.

આમ ચુન તામ ચુન…. હાર હો કે જીત હો, ખેલ મેં રહે મગ્ન – છોટે નવાબ (૧૯૬૧) – સંગીતકાર : રાહુલ દેવ બર્મન

નિર્માતા તરીકે સૌ પ્રથમ ફિલ્મમાં મહેમૂદે બહુ જ પ્રયોગાત્મક વાર્તાનો આધાર લીધો હતો. છોટે નવાબને અફીણની અસરથી માનસીક રીતે કદી મોટો જ નથી થવા દેવામાં આવતો. આ વાતને રજૂ કરવા માટે મૂકાયેલાં ગીતમાં પણ શૈલેન્દ્ર દરેક કામમાં પૂરી લગન લગાડવાનો સંદેશ હળવાશથી વણી લે છે.

ઈલાહી તૂ સૂન લે હમાલી દુઆ હમે સિર્ફ એક આસરા તેરા, તેરી રહમતે રાહ રોશન કરે, સલામત રહે સાયા માંબાપ કા – છોટે નવાબ (૧૯૬૧) – સંગીતકાર: રાહુલ દેવ બર્મન

તોફાની ચુલબુલાં ગીતોથી શરૂઆત કર્યા પછી નાયકના જીવનની બહુ ગંભીર ઘડીને તંતોતંત તાદૃશ કરતાં ગીતની રચનામાં પણ આર ડી બર્મન શૈલેન્દ્રના ગીતની કરૂણા અને મોહમ્મદ રફીની ભાવસભર ગાયકી સાથેનાં ત્રાજવામાં ખરા ઉતર્યા હતા.

આ આખી યાદીમાં એ સમયના શૈલેન્દ્રના સમકાલીન સંગીતકારોમાં મદન મોહનની હાજરી નથી તે વાતની નોંધ લઈએ.

લેખના અંતમાં તો (તથાકથિત) બીજી પેઢીના સંગીતકાર સાથે પણ શૈલેન્દ્રનાં ગીતો સાંભળતી વખતે નોંધ લેવી ઘટે કે એ પેઢીના મહત્ત્વના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે પણ તેમણે કોઈ ગીત રચના કરી હોય તેવું ધ્યાનમાં નથી.


1 Virasat – Lyricist ‘Shailendra’


પાદ નોંધઃ

શ્રી ભગવાન થાવરાણીજીની શૈલેન્દ્રનાં ગીતોની ભાવયાત્રાના આજના મહાવિરામ પડાવની સાથે શૈલેન્દ્રની જન્મતિથિની આ અંજલિ મૂકાવી એ એક સહજ યોગાનુયોગ જ છે.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.