પરિસરનો પડકાર : ૨ : પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા.

આ શ્રેણીના પ્રથમ મણકામાં આપણે પર્યાવરણ, પરિસ્થિતિ વિજ્ઞાન અને પર્યાવરણ પ્રણાલીઓનો પરિચય મેળવ્યો અને માનવજીવનમાં તેના મહત્વથી અલ્પાંશે વાકેફ પણ થયાં. ઘણું ટૂંકમાં તાજું કરીએ તો, સજીવ સમુદાયો તેમની ચોગરદમ રહેલા અન્ય જૈવિક તેમ જ અજૈવિક ઘટકો સાથે સતત પ્રક્રિયાથી જોડાઈને એક પ્રણાલી (સિસ્ટમ) બનાવે છે અને સૂર્યમાંથી મેળવેલી ઉર્જાના પ્રવાહને વહેતો કરે છે. વિવિધ પ્રકારની આવી ઇકોસિસ્ટમ માનવજીવન અને અન્ય સજીવો માટે ‘લાઈફ સપોર્ટ સિસ્ટમનું’ નિર્માણ કરે છે. કોઈ પણ ઇકોસિસ્ટમની કાર્યપ્રણાલીમાં કુદરતી કે પછી માનવ-સર્જિત ખલેલ ઉત્પન્ન થાય તો તેની દૂરગામી પરંતુ માઠી અસરો થતી હોય છે જેમ કે, પશ્ચિમી રાષ્ટ્રોમાં અપનાવાયેલા બેરોકટોક ઔદ્યોગીકરણને લીધે, આજે સમગ્ર વિશ્વમાં સરેરાશ તાપમાનમાં વૃદ્ધિ થવી અને દરિયાઈ સપાટી ઉંચી આવવાથી કિનારાના પ્રદેશોનું પાણીમાં ગરક થઇ જવું, જેવી સમસ્યાઓનો સામનો કરવાનો વખત આવ્યો છે.

આવી પર્યાવરણીય સમસ્યાઓ ક્યારે રાક્ષસી રૂપ ધારણ કરશે તેની સમજ મળે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચુક્યું હોય છે. કુદરત જયારે રૂઠે છે ત્યારે તેની પ્રતિક્રિયાઓ સામે મનુષ્યે ફક્ત લાચારી જ ભોગવવાની રહે છે. સન ૨૦૧૩ના જૂન માસની ૧૬ અને ૧૭ તારીખો દરમ્યાન ઉત્તરાખંડ રાજ્યના કેદારનાથમાં અચાનક આવેલાં પૂરના પરિણામ સ્વરૂપ જે માનવ અને ઢોરઢાંખરની મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ તદુપરાંત જાહેર અને ખાનગી માલમિલ્કતને પારાવાર નુકસાન વેઠવું પડ્યું તેમાં કુદરત કરતાં માનવીની સરિયામ નિષ્કાળજી જ વધારે જવાબદાર રહી છે. પ્રવાસન અને તીર્થયાત્રાના બેવડા ઉદ્દેશ્યોના કારણે ભારતના પ્રવાસન-નકશામાં આ સ્થળ અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દર વર્ષે બદ્રી-કેદારની મુલાકાતે લાખો યાત્રાળુઓ આવે છે અને રાતવાસો કરતા હોય છે. પ્રવાસીઓ માટે જરૂરી આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા માટે આડેધડ આવાસીય અને અન્ય સુવિધાઓ ફૂટી નીકળે છે. કોઈ પણ સ્થળની, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવાની એક મહત્તમ મર્યાદા હોય છે, જેને પ્રવાસનની ભાષામાં ‘કેરિઇંગ કેપેસિટી’ (Carrying capacity) કહેવામાં આવે છે. એ દેખીતી રીતે જળવાતી હોતી નથી. આના પરિણામ સ્વરૂપ સરેરાશ અંદાજે ૫ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓના રોકાણને કારણે કચરાના ઢેર એકત્રિત થાય છે. જો આ પ્રકારના ઘન સ્વરૂપ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોય તો તેનાં કેવાં પરિણામ ભોગવવાં પડે તેની કલ્પના જ કરવાની રહે. પરંતુ કુદરત તો પોતાનો ‘રસ્તો’ કરી જ લે છે અને અડચણોથી પોતાનો ‘છુટકારો’ જાતે જ કરી લેતી હોય છે. બદ્રી-કેદારની હોનારત સમયે અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્માનંદજીએ આ હકીકતમાં પોતાનો સૂર પુરાવ્યો હતો. મુશળધાર વરસાદમાં હજારો ટનબંધ કચરો જો નદીના કુદરતી વહેણમાં અવરોધ પેદા કરતો હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં માત્ર કચરો જ નહીં, પરંતુ કચરો પેદા થવાની પ્રક્રિયા સાથે સીધી યા આડકતરી રીતે સંલગ્ન સજીવ અને માલ મિલ્કત પણ સાફ થઇ જતાં હોય છે.

ભરૂચ જીલ્લાના કાંટીયાજાળ નામના એક કાંઠાળ ગામના મારા સ્વાનુભવની વાત જણાવું તો, સરપંચ શ્રી દિલીપભાઈ સાથે અમે દરિયાકાંઠા પર વૃક્ષારોપણ સંબંધિત નિરીક્ષણ માટે ગયા ત્યારે દરિયા કિનારેથી લગભગ ૩૦૦ મીટર દૂર દરિયાની દિશામાં આવેલ એક જગ્યા તરફ તેમણે અમારું ધ્યાન દોર્યું. તે જગ્યાએ ફક્ત પાણી સિવાય અમને કશું જ નજરે ના ચઢ્યું પરંતુ દિલીપભાઈએ જયારે હકીકતથી વાકેફ કર્યા ત્યારે ખબર પડી કે એ જગ્યાએ તેમનું ખેતર આવેલું અને તેઓ ત્યાં એક સમયે ખેતી પણ કરતા હતા! કાળક્રમે તેમનું આખ્ખું ખેતર દરિયાએ ભરખી લીધું હતું. આવા અન્ય કિસ્સા પણ મોજૂદ છે.

પરિસ્થિતિ વિજ્ઞાનને લગતી કેટલીક અન્ય મહત્ત્વપૂર્ણ બાબતોની જાણકારી લેવાનું જરૂરી માનું છું.

આહાર સાંકળ અને આહાર જાળ

દરેક સજીવો પારસ્પરિક ઘણા પ્રકારની ક્રિયાઓ વડે જોડાયેલાં હોય છે. આ પ્રક્રિયાઓ કાં તો સ્પર્ધાત્મક અથવા લાંબા ગાળાના નિકટવર્તી સાહચર્યના સ્વરૂપે જોવા મળે છે. કેટલાક કિસ્સામાં તો એક સજીવ અન્ય સજીવનું ભક્ષણ પણ કરતો હોય છે. આ મુજબ, જ્યારે ભક્ષણની પ્રક્રિયા થાય ત્યારે ભક્ષણ કરનાર અને ભક્ષણ થનાર, બંને સજીવો આહાર સાંકળમાં જોડાયેલા ગણાય છે એટલે કે તેઓ આહાર સાંકળની એક કડી બનાવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનમાં આહાર સાંકળ, એ કેટલાંક સજીવોની બનેલી એવી એક શૃંખલા છે જે એકબીજાનું ભક્ષણ કરી પોષણ મેળવે છે અને પોષણ દ્વારા મેળવેલી ઊર્જાને, એક સ્તરથી બીજા સ્તરમાં પ્રવાહિત કરે છે. એક સાદું ઉદાહરણ જોઈએ તો, આપણે વેજીટેબલ સેન્ડવિચ ખાઈએ ત્યારે આવી આહાર શૃંખલાની એક કડી બનતા હોઈએ છીએ. જેમ કે,

salads - Human being

જો કે માનવી ક્યારે કેવો આહાર લેશે તે નક્કી હોતું નથી. સામિષ તેમ જ નિરામિષ ભોજન કરવામાં આવે ત્યારે ઉપર દર્શાવેલ આહાર સાંકળની સાથે અન્ય સાંકળ પણ જોડાતી હોય છે. આમ એક કરતાં વધારે સંખ્યામાં આહાર સાંકળો એકબીજા સાથે જોડાયેલી હોય ત્યારે આહાર જાળ રચાય છે. નીચે દર્શાવેલ આકૃતિઓ પરથી આહાર સાંકળ (Food chain) અને આહાર જાળ (Food web) નો વિચાર સ્પષ્ટ થશે.

image

imageimage

આહાર જાળ (Food web)

કોઇપણ પર્યાવરણ પ્રણાલીમાં, સુર્યમાંથી પ્રવેશ પામતી ઊર્જાનો પ્રવાહ વિવિધ સજીવોથી બનેલી શ્રુંખલા મારફત એક જ દિશામાં ગતિ કરતો હોય છે જેને આહારસાંકળ કહેવામાં આવે છે અને એક કરતાં વધારે સંખ્યામાં આહાર-સાંકળ જોડાયેલી હોય ત્યારે આહાર-જાળ બનતી હોય છે જે હવે સ્પષ્ટ થયું હશે.

આહાર-સાંકળમાં ઉર્જા પ્રવાહ એક જ દિશામાં ગતિશીલ હોય છે જયારે આહાર-જાળ જોતાં, વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે અન્યોન્ય જોડાયેલાં રહે છે તેનો ચિતાર સમજાય છે. મોટા ભાગના સજીવો ખોરાક માટે એક કરતાં વધારે પ્રજાતિઓ ઉપર આધાર રાખતા હોવાથી પર્યાવરણ પ્રણાલીઓમાં આહાર-જાળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

સ્વપોષિત અને પરપોષિત સજીવો

તમામ સજીવો પૈકી માત્ર લીલી વનસ્પતિ જ પોતાનો આહાર જાતે ઉત્પન્ન કરી શકવા માટે સક્ષમ છે. કુદરતે વનસ્પતિને હરિત કણો (Chlorophyll) ની બક્ષીશ દ્વારા એક વિરલ શક્તિ આપી છે. જમીનમાંથી મેળવેલ પાણી અને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) ની પ્રક્રિયા કરે છે અને પાંદડાઓમાં તેમ જ અન્ય ભાગોમાં કાર્બોદિત ખોરાક બનાવી તેનો સંગ્રહ કરી શકે છે. તેથી લીલી વનસ્પતિ ખોરાક બનાવવા માટે સ્વાવલંબી છે, જેને ‘સ્વપોષિત’ સજીવ (Autotrophic organism) કહેવામાં આવે છે. આનાથી ઉલ્ટું, પ્રાણીઓ પોતાનો આહાર બનાવી શકતાં નથી. તેમને વનસ્પતિ પર અથવા તો અન્ય પ્રાણીના માંસ પર આધાર રાખવો પડે છે. પ્રાણીઓ આ રીતે પરાવલંબી છે જેને ‘પરપોષિત’ સજીવ (Heterotrophic organism) કહેવામાં આવે છે. જો કે બંને કિસ્સામાં નહિવત રૂપે અપવાદ જોવામાં આવે છે જેને ખાસ ધ્યાનમાં લેવાતો નથી.

પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાનના કેટલાક પાયારૂપ ગણાય તેવા સિદ્ધાંતોથી આપણે પરિચિત બન્યા. આ સિદ્ધાંતોને આધારસ્વરૂપ માની જે વિકાસની પ્રક્રિયા થશે તેવો જ વિકાસ ‘સાતત્યપૂર્ણ વિકાસ’ અથવા ‘ટકાઉ વિકાસ’ બની શકશે. અન્યથા, કેવળ લાલચને ધ્યાનમાં રાખીને કરેલો વિકાસ ક્યારે વિનાશનું કદરૂપું સ્વરૂપ ધારણ કરશે તે કહેવું અને સહેવું અઘરૂં છે.


(ફોટોગ્રાફ્સ. સૌજન્ય: ઈન્ટરનેટ)


ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો: ઈ-મેઇલ : chp4491@gmail.com

2 comments for “પરિસરનો પડકાર : ૨ : પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન

  1. Piyush Pandya
    August 12, 2017 at 10:13 am

    શિક્ષક વર્ગ લેતા હોય, એવી પ્રવાહી શૈલીમાં કહેવાતું હોવાથી સૌને માટે આ શ્રેણી રુચિકર બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *