‘એક્ટ ઓફ ગોડ’ વિરુદ્ધ ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ : બચવા માટે એક જ માર્ગ છે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

ગુજરાતી નાટક ઉપરથી બનેલી, પરેશ રાવળ અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘ઓહ માય ગોડ’ તો બધાને યાદ હશે જ! ફિલ્મમાં ભૂકંપને લીધે પોતાનું સર્વસ્વ ગુમાવનાર વેપારીનો ક્લેઈમ વીમા કંપની નકારે છે. કારણકે ‘એક્ટ ઓફ ગોડ’ સામે કોઈ વીમાકંપનીની પોલીસી ‘કવર’ આપતી જ નથી! શું છે આ ‘એક્ટ ઓફ ગોડ’?

કાયદાકીય દ્રષ્ટિએ એવા નેચરલ ડિઝાસ્ટર-કુદરતી આફતો કે જે ભારે ખાનાખરાબી સર્જે, અને જે માનવીના કોઈ પણ પ્રકારના કાબૂમાં ન હોય, એને ‘એક્ટ ઓફ ગોડ’ કહેવામાં આવે છે. સાદી ગુજરાતીમાં આપણે એને ‘કુદરતનો કોપ’ કહી શકીએ. ભૂકંપ અને ત્સુનામી જેવી કુદરતી આફતો સામે મોટા મોટા વિકસીત દેશો પણ તદ્દન લાચાર થઇ જાય છે. અતિશય વરસાદને કારણે આવતું પૂર પણ ‘એક્ટ ઓફ ગોડ’ ગણાય! પરંતુ અમુક વાર ‘એક્ટ ઓફ ગોડ’ને નામે પોતાની ભૂલો પર ઢાંકપિછોડો કરવાની વૃત્તિ જોવા મળે છે. એનો પુરાવો એટલે મોરબીની મચ્છુ ડેમ દુર્ઘટના!

૧૯ ઓગસ્ટ, ૧૯૭૯ના રોજ મોરબી પાસે આવેલો મચ્છુ નદી પરનો ડેમ તૂટ્યો. પરિણામે મોરબી જીલ્લાના અનેક સ્થળોએ પાણી ફરી વળ્યા અને અંદાજે વીસ-પચીસ હજાર માણસોએ જીવ ગુમાવ્યો! હમણા ગુજરાતને ઘમરોળી રહ્યો છે, એવો જ ભારે વરસાદ એ સમયે પડેલો, જેના પરિણામે ચાર કિલોમીટર લાંબા મચ્છુ ડેમની દીવાલોમાં ગાબડા પડી ગયા! એ સમયે બંધના સ્પીલ-વેની ક્ષમતા માત્ર ૫,૬૬૩ ઘનમીટર/સેકન્ડ જેટલી હતી. (૧ ઘનમીટર/સેકન્ડ એટલે આશરે ૩૫ ક્યુસેક પાણી) એની સામે, ભારે વરસાદને કારણે ૧૬,૩૦૭ ઘનમીટર/સેકન્ડ જેટલું પાણી ડેમમાં ઠલવાયું! ડેમની ક્ષમતા કરતાં લગભગ ત્રણ ગણા પાણીની આવક થવાથી બંધ તૂટ્યો અને માત્ર ૨૦ મિનીટમાં ૧૨થી લઈને ૩૦ ફૂટ જેટલા પાણી મોરબીના નીચાણવાળા વિસ્તારો ઉપર ફરી વળ્યા! એ વખતે સરકારે આખી દુર્ઘટનાને ‘એક્ટ ઓફ ગોડ’ તરીકે ખપાવી. પહેલી નજરે વાત સાચી ય લાગે, આભ ફાટે ત્યારે થીંગડું મારવું કઈ રીતે? બારે મેઘ ખાંગા થાય તો કોઈ શું કરી શકે?

બસ, અહીંથી જ ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ નામનો શબ્દ સમજવો જરૂરી બને છે. ટોમ વુટેન અને ઉત્પલ સાંડેસરાએ મોરબી દુર્ઘટના ઉપર એક પુસ્તક લખ્યું છે, “નો વન હેડ અ ટંગ ટુ સ્પીક”. આ પુસ્તકમાં સરકારના પેલા ‘એક્ટ ઓફ ગોડ’ વાળા દાવાનો છેદ ઉડાડી દેવાયો છે. લેખકોના મતે મોરબી દુર્ઘટના પછીના ભયંકર પરિણામો માટે બે બાબતો મુખ્યત્વે જવાબદાર હતી (૧) બાંધકામની ખામી અને (૨) સંદેશ વ્યવહારની નિષ્ફળતા! (એક વાયકા મુજબ, મોરબી દુર્ઘટના અંગેની સૌપ્રથમ જાણકારી દિલ્હીના મંત્રાલય સુધી પહોંચાડવાનું કામ કોઈ ભારતીય નહિ, બલકે અમેરિકન એજન્સીએ કરેલું!) મોરબી ડેમના બાંધકામ વખતે ભવિષ્યમાં આવનારી આફતોનો પાકે પાયે વિચાર નહોતો કરાયો! પરિણામે અતિવૃષ્ટિ સામે ટકી રહેવામાં ડેમ નિષ્ફળ ગયો! એ માટે કદાચ અતિવૃષ્ટિને પણ એટલી જ જવાબદાર ગણીએ, પરંતુ ડેમ તૂટ્યા પછીની બેદરકારીએ વધુ નુકસાન પહોંચાડ્યું! ડેમ તૂટવા પહેલા જ સમયસર પ્રજાની હિજરત કરાવાઈ હોત, તો હજારો લોકો બચી ગયા હોત! પરંતુ આ પ્રકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોણ જાણે કેમ, આપણને સૂઝતું જ નથી!

‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ એટલે એવી વ્યવસ્થા, જે ચોક્કસ પ્રકારની આફતો સમયે રક્ષણાત્મક પગલા ભરવા માટેની તેમજ રાહતકાર્યને ઝડપી બનાવવા માટેની વ્યવસ્થિત ગાઈડલાઈન પૂરી પાડે, જેથી જાન-માલના નુકસાનનો આંકડો ખાસ્સો સીમિત રાખી શકાય. આતંકવાદ, ઔદ્યોગિક ભાંગફોડ, આગ, કુદરતી આપત્તિ (ભૂકંપ, વાવાઝોડું વગેરે) કે પછી હુલ્લડો સમયે ઉભી થનારી પરિસ્થિતિને પણ ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ પ્લાન હેઠળ આવરી લેવામાં આવે છે.

કુદરતી આફતો વિષે એક હકીકત એવી છે કે જ્યાં વધુ ગીચ વસ્તી હોય, ત્યાં જાનહાનિ અને બીજા નુકસાન વધુ પ્રમાણમાં થાય છે. માટે યુરોપ અમેરિકા કરતાં, એશિયન દેશોમાં ત્રાટકેલી આફતો વધુ ખુવારી કરે છે! આમેય એશિયન દેશો પ્રમાણમાં પછાત, ઉપરથી કુદરતનો માર વાગે તો આવા દેશોના અર્થતંત્ર અને સમાજજીવનની કમ્મર ભાંગી જાય! આ તકલીફોથી બચવું હોય તો અગાઉથી જ વૈજ્ઞાનિક સમજ કેળવીને ચોક્કસ પ્રકારના આયોજનો કરવા પડે!

ટેકનોલોજી અને વિજ્ઞાન આવે એ કક્ષાએ પહોંચી ચુક્યા છે કે ભારે વરસાદ કે વાતાવરણમાં આવનારા બદલાવ, કે પછી એર પ્રેશર સિસ્ટમને કારણે પેદા થનારા વાવાઝોડા-ટોર્નેડોની આગોતરી આગાહી થઇ શકે છે! ગુજરાતનો જ દાખલો લઈએ તો ઇસરોના ભૂતપૂર્વ વિજ્ઞાની એવા સ્વ. ડૉ વસંત ગોવારીકરે અતિસુક્ષ્મ અભ્યાસ અને ટેકનિકલ ગણતરીઓ વડે ‘ઇન્ડિયન મોન્સુન મોડેલ’ વિકસાવ્યું છે. આ મોડેલને આધારે, એર પ્રેશર સિસ્ટમને અનુલક્ષીને અતિવૃષ્ટિ કે સાયક્લોનની સચોટ આગાહીઓ થઇ શકે છે. અને પરિસ્થિતિને અનુલક્ષીને તંત્ર-પ્રજા તૈયાર હોય, તો ગમે એવી મોટી આફત આવે તો પણ મોટી તબાહીમાંથી બચી શકાય! એક પ્રજા તરીકે હવે જરૂર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ ભણી લેવાની, કેમકે બદલાતા ઋતુચક્રને કારણે આવી આફતો લગાતાર આપણી મુલાકાત લેતી જ રહેવાની છે! ગ્લોબલ વોર્મિંગ કે ઋતુચક્રમાં આવતો બદલાવ એ દાયકાઓ સુધી ચાલતી પ્રક્રિયા છે. હાલને તબક્કે ઋતુચક્રને કંટ્રોલ કરવું અશક્યવત છે. બચવાનો એક જ રસ્તો છે, નેચર સાયન્સ-ટેકનોલોજી અને શિસ્તબદ્ધ આયોજનના સમન્વયથી યોગ્ય ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન’ ઘડવો અને એનું ચુસ્ત અમલીકરણ કરવું!

ટૂંકમાં, ‘એક્ટ ઓફ ગોડ’, એટલે કે કુદરતના કોપથી બચવા માટે એક જ રસ્તો છે, વૈજ્ઞાનિક માહિતીઓ અને ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંયોજનથી બનાવાયેલો ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન’! હવે પછીના અંકમાં, ૨૫-૮-૨૦૧૭ના રોજ, જાપાનના ઉદાહરણ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વિષે વધુ માહિતી મેળવીશું.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

2 comments for “‘એક્ટ ઓફ ગોડ’ વિરુદ્ધ ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ : બચવા માટે એક જ માર્ગ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *