ફિર દેખો યારોં :: વાઘને ખતમ કર્યા, અને હવે ગાયનું અભયારણ્ય બનશે

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

ગામની સીમમાં એક વાઘ પેંધો પડ્યો હતો. ગ્રામજનોનાં ઢોર તે ખેંચી જતો. ત્રાસેલા ગ્રામજનો રાજાને ફરિયાદ કરવા જાય છે. રાજા કેવાં પગલાં લે? રાજા વાઘ માટે પાકો હુકમ તૈયાર કરાવે છે. પાકો હુકમ પથરા પર લખેલો હોય અને કાચો હુકમ ઈંટ પર લખેલો. રાજાનો આ હુકમ લઈને બે ગ્રામજનો સીમમાં વાઘને બતાવવા માટે ઉભા રહે છે. વાઘ આવતાં તેની સામે રાજાનો પાકો હુકમ ધરવામાં આવે છે. બસ, પછી શું? વાઘ બન્ને ગ્રામજનોને ફાડી ખાય છે. રાજાને આ સમાચાર જણાવવા કોઈ જતું નથી. રાજા માને છે કે પોતાના રાજમાંથી વાઘનો ત્રાસ દૂર થઈ ગયો.

આ બાળવાર્તા બહુ જૂની છે, પણ તે સદાબહાર છે. ‘થૂંકના સાંધા’ જેવો રૂઢિપ્રયોગ ચલણમાં છે, જે આવા ઉપરછલ્લા પગલા માટે વપરાય છે. વાઘ વધુ ખતરનાક કે ગાય? વાઘે ફાડી ખાધા હશે એના કરતાં અનેક ગણા વધુ લોકો રસ્તે રખડતી ગાયોની ટક્કરે મર્યા હશે કે હાથપગ ભાંગીને બેઠા હશે. ગાયને આપણી સંસ્કૃતિમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ સગ્ગી માતાની કેવી વલે કરવામાં આવે છે એ અજાણ્યું નથી. ગાય સમસ્યારૂપ છે કે આશીર્વાદરૂપ? આનો સીધો જવાબ એ છે કે એક પ્રાણી તરીકે ગાય આશીર્વાદરૂપ છે, પણ જે રીતે આપણે ત્યાં ગાયોને રાખવામાં આવે છે, તેમને રખડતી મૂકી દેવામાં આવે છે એ બાબત સમસ્યારૂપ છે. ગાયના ત્રાસને દૂર કરવો એ પેલી બાળવાર્તામાંના વાઘના ત્રાસને દૂર કરવા જેવી મુશ્કેલ બાબત છે?

મધ્યપ્રદેશના કેટલાક વિધાનસભ્યોએ રખડતી ગાયની સમસ્યાનો ‘બિનસરકારી રાહે ઉકેલ’ લાવવા માટે જે ચર્ચા કરી, તેનો અહેવાલ જાણવા જેવો છે. આખી ચર્ચામાં એ મુદ્દે સૌ એકમત હતા કે રખડતી ગાયો સમસ્યારૂપ છે અને તે ખેડૂતોના ઉભા પાકને ખૂબ નુકસાન કરતી હોવાથી ત્રાસરૂપ છે. શંકરલાલ તિવારી નામના એક વિધાનસભ્યે સ્વીકાર કર્યો કે હવે એ યુગની સમાપ્તિ થઈ ગઈ છે કે જેમાં ખેડૂતો ચરવા માટે ગાયોને છૂટી મૂકી દેતા. હવે આમ કરવાથી ગાયો થકી થતા ત્રાસમાં વધારો થાય છે. તેમણે જણાવ્યું છે કે આવી ગાયોનો ત્રાસ એ હદે વધી ગયો છે કે ખેડૂતોની આજીવિકા પર તેની વિપરીત અસર થઈ રહી છે. મુરલીધર પાટીદાર નામના એક વિધાનસભ્યે સૂચન કર્યું કે ગરીબી રેખાની નીચે જીવતા લોકોને સરકાર તરફથી રાશન અને અન્ય સવલતો પૂરી પાડવામાં આવે છે. એવો કોઈ કાયદો ન બનાવી શકાય કે ગરીબી રેખાની નીચે જીવતા દરેક જણે ઓછામાં ઓછી એક ગાયનું પાલન ફરજિયાત કરવું. અને એમ ન કરનારની ગરીબી રેખા તળે મળનારી સવલતો રદ કરવી. દિવ્યરાજ સીંઘ નામના વિધાનસભ્યે સૂચવ્યું કે ગાયોની ઓળખ માટે તેમને ટેગ કરવી જોઈએ, અને માલિક વિનાની ગાયોને ‘જંગલી પશુ’ ગણીને તેમને રાષ્ટ્રીય ઉદ્યાન કે વન્યભૂમિમાં વાડાઓમાં પૂરી રાખવી જોઈએ. કેદારનાથ શુક્લ નામના વરિષ્ઠ વિધાનસભ્યના કહેવા મુજબ ઘાસચારા તેમજ ચરાણભૂમિની અછતને કારણે પશુપાલન મુશ્કેલ થતું જાય છે. તેમણે એક ‘સ્ફોટક’ માહિતી આપતાં જણાવ્યું હતું કે કેટલાય ખેડૂતો પોતાનાં ઢોરને ટ્રકમાં ભરીને દસ-વીસ કિ.મી. દૂર જઈને છોડી આવે છે. આર.ડી.પ્રજાપતિ નામના એક વિધાનસભ્યને ડર છે કે ગાયોના ત્રાસનો કશો ઉકેલ વિચારવામાં નહીં આવે તો તેમના માટે પોતાના મતવિસ્તારમાં જવું મુશ્કેલ થઈ પડશે. છતરપુર જિલ્લાનો ચંદલા તાલુકો તેમનો મતવિસ્તાર છે, જ્યાં નીલગાયો તેમજ રખડતાં ઢોરનો ત્રાસ પુષ્કળ છે. તેઓ કહે છે, ‘ભલે બીજો વિકાસ ન કરો. એક અભયારણ્ય બનાવી દો…ખેડૂતોની એ સૌથી મોટી સેવા હશે.’

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મધ્યપ્રદેશની સરકારે ‘ગાય અભયારણ્ય’ બનાવવાની ઘોષણા કરેલી છે, જે ચોમાસા પછી ખુલ્લું મૂકાય એવી ગણતરી છે. આશરે 472 હેક્ટરમાં ફેલાયેલા આ સૂચિત અભયારણ્યમાં પાંચેક હજાર ગાયોનો સમાવેશ કરવાની ક્ષમતા છે. ગરીબી રેખા તળે જીવતાં કુટુંબો માટે ગાયઉછેર ફરજિયાત બનાવવાનું સૂચવનાર મુરલીધર પાટીદારના જણાવ્યા મુજબ અભયારણ્ય બાબતે તેમને પશુપાલકો દ્વારા એ હદે પૂછપરછ કરવામાં આવી રહી છે કે અભયારણ્ય ખુલ્લું મૂકાયાના ચોવીસ કલાકમાં જ તેમાં ચાલીસથી પચાસ હજાર ગાયો છોડી દેવામાં આવશે એવો તેમને ડર છે.

મધ્ય પ્રદેશના પશુપાલન ખાતાના મંત્રી અંતરસીંઘ આર્યે જણાવ્યું છે કે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સામેલ કરીને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે એક સમિતિ બનાવવામાં આવશે, જેમાં કૃષિ મંત્રી તેમજ ગાય સંરક્ષણ બોર્ડના વડા પણ સભ્ય હશે.

આ અહેવાલ, તેની ચર્ચા અને મંત્રીઓનાં સૂચનો વાંચીને ઘડીભર થાય કે ગાય એ વાઘ કરતાં પણ વધુ ખતરનાક પ્રાણી છે. એક સમય હતો કે ગામેગામ ગૌચરો એટલે કે ચરિયાણ આવેલાં હતાં, જેમાં ગામનાં ઢોર ચરતાં રહેતાં. આ ગૌચરો કાળક્રમે અદૃશ્ય બનતાં ગયાં અને તેનું રૂપાંતર ઉદ્યોગભૂમિમાં થવા લાગ્યું. હવે ગાયો માટે અભયારણ્ય બનાવવાની વાત થઈ રહી છે. લાગે છે કે કોઈ પણ પાઠને સામાન્ય બુદ્ધિથી ગ્રહણ કરવાની આપણી વૃત્તિ જ નથી. જેને વિકાસ તરીકે ઓળખાવવામાં આવે છે એ ખરેખર વિકાસ છે કે કેવળ મત એકઠા કરવા માટેનો તાયફો છે? જીવન વધુ સુખમય અને સરળ બને એ કોઈ પણ વિકાસનો મૂળભૂત ઉદ્દેશ્ય હોય છે, અને આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે વિકાસનું શિસ્તબદ્ધ આયોજન થાય એ જરૂરી છે. કેવળ સિમેન્‍ટના રસ્તા, બહુમાળી ઈમારતો અને લાંબા લાંબા પુલો વિકાસ નથી. કોઈ રસ્તો કે પુલ બનાવવા માટે જે ડિઝાઈન બનાવવામાં આવે તેને યોજના કહે છે, જ્યારે એ રસ્તો બનાવ્યા પછી તેના થકી થનારી અસરોને ધ્યાનમાં લેવામાં આવે તેને આયોજન કહે છે. આયોજન વિનાની યોજનાઓ અગવડરૂપ જ નહીં, ઉપાધિરૂપ પણ બની રહે છે. પહેલાં એક વસ્તુને અવિચારીપણે ખતમ કરવી અને પછી તેના જતન માટેના કાર્યક્રમો બનાવવા એ આપણી મૂળભૂત તાસીર રહી છે. ગાય જેવા ઘરેલુ પશુના મુદ્દે એક તરફ રાજકારણીઓના રોટલા શેકાતા હોય, અને બીજી તરફ તેનો ત્રાસ નિવારવા માટે અભયારણ્ય ઉભાં કરવામાં આવે એ વક્રતાનો ઉપાય કયા સ્તરેથી કરવો એ સમજવું કે સમજાવવું મુશ્કેલ છે. પેલી વાર્તામાં આવે છે એમ ગાય માટે કાચો હુકમ તૈયાર કરાવવામાં આવે, ગાયને તે વાંચી સંભળાવવામાં આવે, અને સમજીને ગાય પોતાનો ત્રાસ ઓછો કરે એ ઉપાય વ્યવહારુ જણાય છે. એ ગાય છે, માણસ નથી, તેથી તે હુકમનું પાલન કરશે એટલી અપેક્ષા રાખવી અસ્થાને નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭-૭-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં :: વાઘને ખતમ કર્યા, અને હવે ગાયનું અભયારણ્ય બનશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *