લ્યો,આ ચીંધી આંગળી : શ્વેતના જન્મની શ્યામકથા (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

(ગયા સપ્તાહથી ચાલુ)

રજનીકુમાર પંડ્યા

સૂર્યાએ કાકીને કહ્યું, “કોઈ સાયકીઆટ્રિસ્ટને બતાવીશું. એટલે ફેર પડી જશે. બાકી, મારા કાકાનો આત્મા મારા પપ્પાના શરીરમાં કેવી રીતે આવી શકે ?” પહેલાં આ પ્રશ્ન કર્યો, પણ પછી પોતે જ એ પ્રશ્નની જાળમાં આવી ગઈ. પ્રશ્નાર્થને મોળો કરી નાખીને એણે પૂછ્યું, “આવી શકે ? તમને ખાતરી છે હેં ? સાચ્ચેસાચ ?”

વીણાનો જવાબ પણ સાંભળવા જેવો હતો

“બહેન,” વીણા એકદમ આર્દ્ર થઈ ગઈ. બોલી: “સાયકીઆટ્રિસ્ટ શું કરશે ? બહુ બહુ તો એમને ઘેનની દવાઓ આપશે કે ઈલેક્ટ્રિક શોક આપશે. એથી તો ઊલટું તમારા કાકાની બુદ્ધિ મંદ પડી જશે, પણ કાંઈ એમનો આત્મા થોડો જ જતો રહેશે ? બાકી એક વાત સમજી લો. આપણું સ્ત્રીનું ખોળિયું છે. તે હવે તો તમેય જુવાન થયાં એટલે ભત્રીજી નહીં, પણ સરખેસરખી ફ્રેન્ડ સમજીને કહું કે કોઈ સ્ત્રી કદી પોતાનું ખોળિયું કોઈને અમસ્તું જ સોંપી દેવા તૈયાર થાય ? મનેય પૂરી ખાતરી થઈ હશે તો જ ને !”

clip_image002

“શું ખાતરી થઈ તમને કાકી ?” સૂર્યાએ ભવાં સંકોરીને પૂછ્યું.

રાતના દસ વાગ્યા હતા અને કાંતિભાઈ હજુ બહારથી આવ્યા નહોતા. જેમની આંખો હવે રડવાનું પણ ભૂલી ગઈ હતી તેવાં સરલાબહેન એમના ઓરડામાં દુઃખનિદ્રામાં સરી પડ્યાં હતાં. જુવાન કાકી-ભત્રીજી સગપણની મર્યાદા ભૂલીને એકદમ ગોપનીય વાતો પૂછવા-પ્રત્યુત્તરવા સુધી આવી ગયાં. છેવટે વીણાએ કહી જ દીધું : થોડા દિવસ પહેલાં તમને યાદ છે કે હું મારે પિયેર વરતેજ ગઈ હતી !

”હા,” સૂર્યા બોલી, “તમારાં બાની તબિયત બગડ્યાના સમાચાર આવ્યા હતા. તમે એકદમ નર્વસ થઈ ગયાં હતાં. મારી મમ્મીની રજા લઈને, સાંજ સુધીમાં તો પાછી આવી જઈશ એમ કહીને બસમાં જવા ઘરેથી નીકળ્યાં હતાં.”

“હા,” વીણા બોલી, “બસસ્ટેન્ડથી હું બસમાં તો બેઠી, પણ પારાવાર ગિરદી હતી. જેમતેમ કરીને સંકોડાઈને જગ્યા તો મેળવી, પણ બીજા સ્ટેન્ડથી મારી બાજુમાં કોઈ ધબ્બ દઈને જગ્યા કરીને બેસી ગયું. મેં ચમકીને જોયું તો ‘એ’ હતા !”

“એ ?” ફરી સૂર્યાની આંખમાં ચિનગારી પ્રગટી. ” એટલે ?”

“તમારા પપ્પાનું શરીર, બસ?” વીણા એને મનાવતી હોય એમ ધીમું મરકીને બોલી, “બેઠા તો ધબ્બ દઈને, પણ પછી એકદમ મર્યાદામાં રહીને, જેમ પારકો પણ સજ્જન પુરુષ બેસે તેમ બેઠા. હું તો ત્યાં સુધી એમને જેઠ જ માનતી હતી તેથી હું તો સાવ પાણી પાણી થઈ ગઈ ને શું કરવું તે સમજતી નહોતી. ત્યાં તો એ જ બોલ્યા, ”વીણા, તારી જાતને તું વિધવા માનતી હો તો તારી ભૂલ છે – તારું સૌભાગ્ય એટલે તનસુખ, ને તનસુખનો દેહ મર્યો છે, પણ આત્મા મર્યો નથી. આત્માના બળ આગળ શરીરની કોઇ જ કિંમત નથી. તને ખબર છે ? લગ્નની સુહાગરાતે આપણે શેની કામના કરી હતી ? એક પુત્રની. જે તારા જેવો સુંદર હોય અને મારા જેવો તરવરિયો. એનું નામ પાડીશું ‘શ્વેત’ એમ તેં જ મને શરમાઈને કહ્યું હતું. એ આપણા પ્રણય અને પરિણયના સંયોજનનું ફળ આવે તે પહેલાં જ મારા શરીરનું ટૂંકી માંદગીમાં અવસાન થયું, પણ તેથી શું?તને ‘શ્વેત’ આપ્યા વગર મારો જીવ ગતે જવાનો નથી..” વીણા આંખો પટપટાવીને આગળ બોલી, “સૂર્યાબહેન,રાત જેવડું ધાબું છે, તમને હું શું કહું ? આ વાત તમારા કાકા અને મારા સિવાય કોણ જાણે ? ને પછી પણ આગળ એક એવી વાત કરી કે સૂર્યાબહેન, એ તમારા તનસુખકાકા જ છે એમ માન્યા વગર છૂટકો જ નહોતો. એનું વર્ણન કરતાં મારી જીભ ઊપડતી નથી.”

“કહો, કાકી,” સૂર્યા બોલી, “હું પણ જાણું તો ખરી કે, ને જાણું તો માનું પણ ખરી કે નક્કી મારા કાકાનો જ આત્મા છે. પછી હું જરાય વિરોધ નહીં કરું.”

“સૂર્યાબહેન,” વીણા બોલી, “લગ્ન પહેલાં હું પ્રવીણ નામના એક છોકરાના પરિચયમાં હતી. વખત જતાં એ છોકરો મને એકપક્ષી પ્રેમ કરવા માંડ્યો. મને એના માટે કોઈ એવી લાગણી નહોતી તેથી હું તો તમારા કાકાને પરણી. પણ તે પહેલાં પ્રવીણે મને એક બહુ કાકલૂદી કરતો કાગળ લગ્નની આગલી જ સાંજે મારા હાથમાં આવે તેમ લખ્યો હતો. લગ્નની રાતે શયનખંડમાં દાખલ થતાંવેંત એ પત્ર મેં થોડી વાત કરીને તમારા કાકાના હાથમાં મૂકવાનું નક્કી કર્યું હતું. જેથી મારા પક્ષે કોઈ સંશય–કોઈ ડાઘ-ન રહે.પણ એ રાતે સજાવેલો પલંગ જરા પણ વિખાઈ ન જાય એ માટે હું નીચે જમીન પર બેઠી હતી ને ત્યાં જ એ રૂમમાં પ્રવેશ્યા. મને નીચે બેઠેલી જોઈને એ પણ નીચે જ બેઠા. એકાએક મેં એમના ખોળામાં માથું મૂકી દીધું ને એમણે મારા માથે હાથ ફેરવવા માંડ્યો, મારી આંખમાં આંસુ ધસી આવ્યાં. એ મારી સુખની પળ હતી અને હું નવા જીવનમાં પ્રવેશતી હતી. મારે એમાં બિલકુલ ચોખ્ખા થઈને પ્રવેશવાનું હતું. હું જરીતરી ઢીલી પડી ગઈ અને આંખમાં આંસુ ધસી આવ્યાં. મને એમણે પૂછ્યું કે શું કામ રડે છે ? ત્યારે આ પ્રવીણવાળી આખી વાત મેં એમને કરી અને બ્લાઉઝના ઉપલા ભાગે સાચવેલો પત્ર કાઢીને એમને બતાવ્યો. એ વાંચતા હતા એ દરમિયાનના એમના મોં પરના ભાવો હું ધડકતી છાતીએ જોઈ રહી. એ બે પળ મારી ભયંકર માનસિક તાણમાં ગઈ. પણ પછી જોયું તો એ પત્ર વાંચીને હસી રહ્યા હતા. ને બોલ્યા : “પ્રવીણની જગ્યાએ હું હોઉં તો પણ આવું જ કરું.” ત્યારે આ શબ્દો ઉપર રાજી થઈને એમણે મને ચૂમી ભરી પેલો પત્ર પાછો ગડી વાળીને બ્લાઉઝમાં એ જાતે જ મૂકવા ગયા. બ્લાઉઝની કિનારી એમણે જરા ખેંચી પછી…”

સૂર્યા સામે જ જોઈ રહી.

“બદ્ધું મારા મોઢે જ બોલાવશો ?” વીણાએ પૂછ્યું, ”જુવાન છો, જાતે જ સમજી જાઓ ને ?”

એ ક્ષણે જ સૂર્યા બહુ સમજી ગઈ. સજાવેલો પલંગ સજાવેલો જ રહ્યો હશે. સમાધિની પળો જમીન પર જ ઊતરી આવી હશે. આ વાત. આવી વાત… ખુદ કાકા અને કાકી સિવાય કોણ જાણે?- એ વિચાર જ કરતી હતી ત્યાં વીણાએ છેલ્લો સંકેત આપી દીધો. એટલી હદ સુધીની વિગતે વાત કરી કે શરીર પરનાં એક કપડાંનાં બંધનને ઝડપથી તોડવા માટે તો એમણે બાજુમાં ફળ કાપવા માટે રાખેલા નાના ચપ્પુનો ઉપયોગ કરવો પડ્યો હતો અને પછીના કલાકોની રજેરજ વાત…”

બે પળ એકદમ શાંતિ છવાઈ ગઈ. સૂર્યાના મગજમાં, નસોમાં લોહીનો વંટોળ દોડી રહ્યો. બાજુના ખંડમાંથી સરલાબહેનનું ઉધરસનું ઠસકું સંભળાયું અને એ ચમકી. બોલી, “કાકી, તમારી એ વાતેય સાચી છે કે તમારા બે સિવાય દુનિયાનું કોઈ માણસ આ વાત જાણતું ન હોય. માનું છું, માનું છું–પણ થોડા દિવસ થોભી જાઓ… સાયકિએટ્રિસ્ટના ફિલ્ડની આ વાત નથી…. ને..” એના સ્વરમાં પણ કંપ આવી ગયો. બોલી, “તમે શ્વેતની વાત કરી ને ! સમજો કે હું પણ ભાઈ વગરની છું–મનેય ભાઈ જોઈતો નહીં હોય ? તમારા પેટે, તમારા જેવો જ ગોરો ગોરો એક ભાઈ હોય તો મને પણ કેવું ગમે ! પણ કાકી, આપણે થોડા દિવસ રાહ જોઈશું ?”

**** **** ****

એ થોડા દિવસ રાહ જોવામાં જ ફરી મારે ભાવનગર જવાનું થયું હતું. ફરી એ ઘેર જવાનું દિલ તો થતું નહોતું. બસ, માત્ર ફોન કરવાની ઈચ્છા થઈ. કર્યો, તો સૂર્યા જ ફોન પર આવી. મેં નામ કહ્યું તો બોલી, “રજનીકાકા, થોડી વાર માટે પણ ઘેર આવી જશો ?”

ઘેર ગયો ત્યારે એણે આ બધી વાત કરી. દિવસો પસાર થઈ ગયા હતા એટલે કોઈ ગૂઢતાનું-અગમ્યતાનું-આઘાતનું પડ આ ઘટનાની ઉપરથી મારે મન ઊતરી ગયું હતું. રહસ્યનું રહ્યું હતું.

“કાકા,” સૂર્યા બોલી, “હું પણ સાયન્સ ગ્રેજ્યુએટ છું. પણ થાય છે કે કોઈ ભૂવા-ભારાડી કે પીર-ઓલિયાનો આશરો આમાં લેવો પડશે.”

“ભૂવાઓની જરૂર છે.” મેં કહ્યું, “પણ તું કહે છે તેવાની નહીં. આમાં એકદમ વૈજ્ઞાનિક વિચારસરણીવાળા ભૂવા જોઈએ, જે માનતો હોય કે આવું કાંઈ બની શકે જ નહીં, મતલબ કે મર્યા પછી (કે પહેલાં) કોઈ કોઈના દેહમાં પ્રવેશી શકે જ નહીં એમ દૃઢપણે માનીને આગળ ચાલે. હું તને એવી બે વ્યક્તિઓનાં નામ દઉં છું – જેમને હું મજાકમાં વૈજ્ઞાનિક ભૂવા કહું છું. એમનાં નામ તો ગુજરાતભરમાં જાણીતાં છે, તું પણ જાણતી હોઈશ. એમાંના એક જમનાદાસ કોટેચા છે, જે સુરેન્દ્રનગર પાસે એનાં પરાં જેવા ગામ જોરાવરનગરમાં મધ્યમ કક્ષાના કરિયાણાના વેપારી છે. બીજા એમના સાથી છે અનિરુદ્ધ શુક્લ, જે ક્લાર્ક કે હેડક્લાર્ક કે એવી જગ્યા પર છે. ત્યાં જ રહે છે. આ બન્ને જણા એક પણ પાઈ ફી લીધા વગર તારી આ સમસ્યા ઉકેલી આપશે એવી મને તો ખાતરી છે. એમની પાસે જવામાં ચિઠ્ઠીની પણ કોઈ જરૂર નથી.. એમનું સરનામું પણ એટલું નાનકડું જ છે. આમ છતાં ઓળખાણ માટે પત્ર આપું છું. તું ગમે તે રીતે ત્યાં જા અને રજેરજ વાત કર–પછી મને જણાવ. શું થાય છે ?”

વાત ચાલતી હતી. ત્યાં જ સરલાબહેન અંદરના ઓરડેથી બહાર આવ્યાં. આ ત્રણ ચાર મહિનામાં તેમની ઉંમર દસ વરસ વધી ગઈ હતી. એમની પાછળ વીણા આવી. એના કપાળે ચાંદલો હતો !

આ ઘરમાં ત્રણ સ્ત્રીઓ રહેતી હતી. એક છતે પતિએ વિધવા હતી. બીજી, વિધવા છતાં સધવા હતી, ને ત્રીજી છતે બાપે નબાપી હતી !

ને છતાં સંસાર ચાલ્યે જતો હતો.

“સૂર્યા,” મેં પૂછ્યું, ‘વીણાભાભી ક્યાં સૂએ છે ?”

“હજુ સુધી તો અલગ જ. હું તેમની સાથે સૂઈ રહું છું. મારા ઓરડામાં.”

‘ને તારા પપ્પા ?”

“એ.” એ દુઃખભર્યું હસીને બોલી, “એકલા જ તનસુખકાકાવાળા ઓરડામાં સૂઈ રહે છે.”

ઘર શું હતું ? વિપરીતતાઓનો બનેલો એક ટાપુ હતો !

થોડા જ દિવસમાં જમનાદાસ કોટેચાનો પત્ર આવ્યો : ”તમારો રેફરન્સ દઈને ભાવનગરથી સૂર્યા નામની એક છોકરી આવી હતી. સાથે એની એક બહેનપણી રીટા હતી. આખો પ્રશ્ન સાંભળી લીધો છે અને ચોખ્ખો કોઈ બનાવટનો કેસ જ લાગે છે. પણ જ્યાં સુધી આપણે એ વાતનો તાગ ન લઈ શકીએ કે વીણાની અને વીણાના શયનખંડની ગુપ્તમાં ગુપ્ત વાતો કાંતિલાલને કેવી રીતે મળી? ત્યાં સુધી બનાવટ સાબિત કરવી મુશ્કેલ છે. છતાં ચિંતા ન કરશો. હું અને અનિરુદ્ધભાઈ એની પેરવીમાં જ છીએ. પણ તમે અમે કહીએ ત્યારે ભાવનગર આવી શકશો ?”

આ પત્ર પછી બીજો પત્ર પંદર જ દિવસમાં આવ્યો, જેમાં મારે નવમી ડિસેમ્બરે ભાવનગર પહોંચવાનું હતું.

પણ સૂર્યાને ત્યાં નહીં, એની બહેનપણી રીટાને ત્યાં, જેનું ઘર સરદારનગરમાં હતું.

**** **** *****

મારી અત્યંત નવાઈ વચ્ચે રીટાને ત્યાં વીણા પણ હાજર હતી ! જમનાદાસે હસીને સ્પષ્ટતા કરી : “તમારા આવ્યા પહેલાં બે કલાકે અમે આવી ગયા છીએ. પહેલાં સૂર્યા અમને મળવા આવી. પછી અમે જ કહ્યું કે વીણાબહેનને પણ સમજાવીને અહીં લાવે. બસ, એ બહેન આવ્યાં ને પાછળ તમારી રિક્ષા આવી.”

વીણા જરા એના મરડમાં હતી, બોલી : “મને તો સૂર્યાબહેન એમ કહીને અહીં લાવ્યાં છે કે મને મારા પતિ સાથે અહીં સીધી જ મુલાકાત કરાવશે, કારણ કે ઘરમાં તો થતી જ નથી.”

“મૃત આત્માની મુલાકાત કરતાં પહેલાં ભૂવાઓની જરૂર પડે છે, બહેન.” મેં કહ્યું અને કોટેચા-શુક્લ તરફ આંગળી ચીંધી :“આ બન્ને ભૂવાઓ જ છે. તું એમની જોડે જ વાત કર.”

ખૂબ જ ઠાવકાઈથી કોટેચા બોલ્યા, “જો બહેન, સમાજની દૃષ્ટિએ તું વિધવા છે. તેમ છતાં તું તારે ખોળે તનસુખનું બાળક, તમારો બન્નેનો શ્વેત, રમતું જોવા માગે છે. તારો શરીર-સહવાસ જેની સાથે થવાનો છે એને તું તનસુખ માને છે એટલે તારી નજરે ભલે એ કોઈ વ્યભિચાર નથી,પણ સમાજ અને કાયદો સુદ્ધાં, અરે, તારાં પિયરિયાં સુદ્ધાં એને વ્યભિચારનું જ ફળ માનશે–તે તું જાણે છે ? તું દુઃખી થઈશ.”

એકદમ વીણાનો ગોરો ચહેરો ચકિત થઈ ગયો. એ બોલી, “મને સમાજ કે કાયદાની પરવા નથી. તનસુખે મને બધી જ સાબિતી પૂરી પાડી છે. તેથી એ મારા વર તનસુખ જ છે એમાં મને તલભાર…” એણે આંગળીનો નખ બતાવ્યો, “…..શંકા નથી. શ્વેતનો બાપ બનવા માટે એકલો એ જ અધિકારી છે. ને દુઃખનું પૂછતા હો તો કહું શ્વેતનો જન્મ થતાં વેંત મારે પતિને ગુમાવવો પડશે એ દુઃખ શું ઓછું છે ?”

અમને ઘડીભર તો એમ થયું કે વીણાને અહીં બોલાવીને આ લોકોએ ભૂલ જ કરી છે. બોલાવવો હતો તો કાંતિલાલને બોલાવવો હતો !

પણ ત્યાં અનિરુદ્ધ શુક્લે એમની સદાની ભલી, ભોળી અને શાંત મુખમુદ્રામાં ખોંખારો ખાધો અને બોલ્યા, “બહેન, ભલે હું આ ભાઈ સાથે આવ્યો હોઉં, પણ મારા ખ્યાલ તો તારી સાથે જ મળતા આવે છે. હું તો ક્યારનોય આ લોકોને કહ્યા કરું છું કે વીણાબહેનને એક વાર તનસુખથી જ બાળક થવા દો, તો જ એનો મોક્ષ થાય ને એનો વારસદાર મળે. પણ આ લોકો સમજતાં જ નથી. કહે છે કે આત્મા તનસુખનો ભલે હોય પણ શરીર તો કાંતિલાલનું જ ને ? ને તો બાળક કેવી રીતે થશે ? કાંતિભાઈએ તો ઓપરેશન કરાવી લીધું છે. ને સાલું…” શુક્લે પાઉચમાંથી એક કાગળ કાઢ્યો : ”કોટેચા તો ખાતરી માટે સરદારનગર કુટુંબનિયોજન કેન્દ્રમાંથી આ તારીખ-વાર સાથેનું સર્ટિફિકેટ પણ કઢાવી આવ્યા છે. એટલે બહેન! મારું તો મોઢું બંધ થઈ ગયું. મારે આનો ઈલાજ કેવી રીતે કરવો?”

ક્ષણ માત્રમાં વીણાનો ચહેરો ફરી ગયો. પરેશાનીની રેખાઓ સિકલ પર ચિતરાઈ ગઈ. એણે હાથ લાંબો કર્યો તો શુક્લે એના હાથમાં સર્ટિફિકેટ પકડાવ્યું. વીણાએ વાંચ્યું અને એનો ચહેરો કાળો ધબ્બ થઈ ગયો. પછી તૂટતા અવાજે કાંઈક બોલવા ગઈ પણ બોલી શકી નહીં. માત્ર હોઠ ભીડીને આંસુ વરસાવવા માંડી.

“બહેન”, જમનાદાસ બોલ્યા, “આ ક્ષણે જો તું રડી પડી ન હોત અને તારી સિકલ ફરી ન ગઈ હોત તો અમે માનત કે માત્ર શરીરભૂખ સંતોષવા તારા જેઠ સાથે મળીને તેં આ આખું કાવતરું કર્યું છે. કદાચ તને એણે શ્વેતની લાલચ આપી હોય, પણ એમાંય છેતરાવાનું તો તારે જ હતું. હવે માત્ર એક જ વાતનો તું અમને જવાબ દે : તમારા શયનખંડની કોઈ વાત તેં ક્યારેય કોઈને તારા જેઠ સાંભળે એમ કરી છે ? અથવા તો આ દુનિયાની કોઈ પણ બીજી વ્યક્તિને કરી છે ?”

“હરગીઝ નહીં” વીણા બોલી, “એટલે તો હું પણ માની ગઈ ને ! તે એટલી હદ સુધી કે આ સર્ટિફિકેટ તમે મને બતાવ્યું ન હોત તો તો… ઓહ…. શું થાત ?”

“તો પછી,” કોટેચા બોલ્યા, “તું અમને બીજી પણ એવી ગુપ્તમાં ગુપ્ત વાતો કર, ભાઈ સમજીને કર..”

“બહેન,” શુક્લ મરકીને બોલ્યા, “ભાઈ સમજીને નહીં તો ભગવાન સમજીને કર અને ભગવાન નહીં તો ભીંત સમજીને કર.”

“હા કાકી,” સૂર્યા બોલી, “ભગવાન પાસે તો તમે જ કહો છો ને કે માણસે દિલ ખોલવું જોઈએ.”

અને એ વાતો….

(ક્રમશઃ)


(નોંધ: તસવીર પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.)


લેખક સંપર્ક: રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

7 comments for “લ્યો,આ ચીંધી આંગળી : શ્વેતના જન્મની શ્યામકથા (૨)

 1. Prafull Ghorecha
  August 8, 2017 at 7:04 pm

  હવે તો ત્રીજા અંકની રાહ જોવી જ રહી. ઈંતેઝારી ઔર વધી !

 2. Ishwarbhai Parekh
  August 8, 2017 at 7:34 pm

  Aa jathavala kharekhar sacha vaignanik ane shanshodhak kahevay atyre to evu lage chhe !baki have trijo episode climate banshe .

 3. Ishwarbhai Parekh
  August 8, 2017 at 7:36 pm

  Rajnikumar ji khub intresting artical lavya chho !ek movie bani shake jo koi saro vicharak director hoy to like leela bhanshali

 4. August 8, 2017 at 10:11 pm

  આલફ્રેડ હીચકોક જેવો ફિલ્મસર્જક જોઈએ!

 5. BHALCHANDRA M JOSHI
  August 10, 2017 at 11:18 am

  satya ghatna khubaj jame che Rajnibhai

 6. Dr k s purohit
  August 10, 2017 at 8:48 pm

  Rajanibhai, i have known you personally for many years now, but frankly, haven’t read you much. But, after reading this, I feel, you are just prolific…. gifted soul.. in the art of narration…
  Just wonderful…

 7. મિલન પટેલ
  August 15, 2019 at 11:03 pm

  રજનીભાઈ ત્રીજો ભાગ દેખાતો નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *