એક ગીત : કવિતા-સંબંધની ગાગર

-‘મેઘબિંદુ’

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,

લાગણીનાં દોરડાં ઘસાયાં

વાતોની વાવનાં ઊતરી પગથિયાં,

પાણી પીધું ને ફસાયા

કેટલીય વાર મારી ડુબેલી ઇચ્છાને;
નીંદડીથી કાઢી છે બ્હાર,

ગોબા પડેલી ખાલી ગાગરનો,
મને ઊંચકતાં લાગે છે ભાર,

નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

આફવાઓ સુણી સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,

એકલી પડું ત્યારે,આંસુંના સથવારે,
હૈયાનો બોજ કરું હલ્કો,

એક પછી એક ગાંઠ વધતી રે જાય;
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,

લાગણીનાં દોરડાં ઘસાયાં

વાતોની વાવનાં ઊતરી પગથિયાં,

પાણી પીધું ને ફસાયા.


(કચ્છ નારાયણ સરોવરના મૂળ વતની, પણ હાલ મુંબઈમાં- મુલુંડમાં રહેતા કવિ શ્રી ‘મેઘબિન્દુ’નું આખું નામ મેઘજી ખટાઉ ડોડેયા છે. સાહિત્ય,સંગીત અને કલાની અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ આ કવિ આકાશવાણીના માન્ય કવિ છે. તેમને સમગ્ર સાહિત્યના પ્રદાન માટે શ્રીમતી તારામતી વિશનજી ગાલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કવિતા ઉપરાંત તેમણે રેડિયો નાટકો, સંગીત-રૂપકો, ટૂંકી વાર્તાઓ અને પુસ્તકોનાં સહસંપાદન પણ કરેલાં છે. કવિશ્રીના ૪ કાવ્યસંગ્રહો: ‘સંબંધ તો આકાશ’, ‘દરિયો’, ‘વિસ્મય’ અને ‘અનુભૂતિ’. મેઘબિંદુ’ એક સંવેદનશીલ કવિ છે. તેમણે માનવ સંબંધો પર ઘણાં ભાવપૂર્ણ કાવ્યો-ગીતો-અછાંદસ લખ્યાં છે. જાણીતા સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલાં તેમનાં સુંદર ગીતો પ્રસિદ્ધ કલાકારોએ ગાયાં છે અને રસિકોએ આવકાર્યાં પણ છે. વે.ગુ. પર ગીત પ્રસિદ્ધ કરવાની સંમતિ બદલ અમે આનંદ અને અહોભાવ સાથે કવિ શ્રી ‘મેઘબંદુ’ તરફ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.)

* * *

સંપર્કસૂત્રો:

Phone: 09320440877
Email: Kavimeghbindu@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.