પિયાનો પર ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ગીતો સાથે વાદ્યની સંગત એટલે તે ગીતની રંગત ઓર વધે. જેવા વાદ્યો અને જેવો તાલમેલ એવી તેની રંગત. ફિલ્મીગીતોમાં ઓરકેસ્ટ્રાનું એટલે જ મહત્વ રહ્યું છે. રચનાકાર જુદા જુદા સાજોનો ઉપયોગ કરીને તેના સૂર અને તાલમાં જે રચના કરે છે અને જે સુંદર રચનાઓ આપે છે તે તેની હથોટી પુરવાર કરે છે.

આવા વિધવિધ વાદ્યોમાં પિયાનો પણ એક એવું વાદ્ય છે જેના ઉપર કેટલાક ગીતો સજાવાયા છે. આમ તો પિયાનો પાશ્ચાત્ય સંગીતનું વાદ્ય પણ આપણા સંગીતકારોએ તેનો ઉપયોગ ફીલ્મેગીતોમાં કર્યો છે. આ ગીતો ક્યારેક દર્દભર્યા, ક્યારેક ખુશીના તો ક્યાંક પાર્ટીમાં ગવાતા ગીતો છે. આ બધા ગીતો લોકપ્રિય પણ થયા છે.

સૌ પ્રથમ નજરે પડે છે લગભગ ૭૦ વર્ષ પર આવેલ ફિલ્મ અંદાઝના ગીતો પર અને ખુબી એ છે કે તેમાં એક નહિ પણ ચાર ચાર ગીતોમાં પિયાનોનો ઉપયોગ થયો છે. આ ગીતો છે:

१. ज़ूम ज़ूम के नाचो आज नाचो आज गाओ खुशी के गीत

आज किसीकी हार हुई है आज किसीकी जीत

२. तू कहे अगर जीवनभर मै’ गीत सुनाता जाऊ
मन बीन बजाता जाऊ

३. हम आज कही दिल खो बैठे
यु समजो किसी के हो बैठे

४. निगाहें भी मिला करती है
दिल भी दिल से मिलता है
मगर एक चाहनेवाला
बड़ी मुश्किल से मिलता है.

ચારેય ગીતો દિલીપકુમાર પર ફિલ્માયા છે અને તે ગીતો નરગિસને ઉદ્દેશીને ગવાયા છે. બધા ગીતોના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે નૌશાદનું તથા કંઠ આપ્યો છે મુકેશે. પહેલા બે ગીતોમાં કુકુનું નૃત્ય પણ સામેલ છે જે તે આ સુંદર ગીતોના શબ્દોને યોગ્ય હાવભાવ દ્વારા રજુ કરે છે. વળી પહેલા ત્રણ ગીતો ખુશીનાં છે તો ચોથું ગીત દર્દભર્યું છે. રસિક્જન આજે પણ આ ગીતો સાંભળી આનંદ લે છે.

ત્યાર પછી યાદ આવે છે ૧૯૫૨ની ફિલ્મ ‘અનહોની’નું:

मै दिल हु एक अरमान भरा
तू आके मुजे पहेचान ज़रा

રાજકપૂર માટે આ ગીતને કંઠ આપ્યો છે તલત મહેમુદે અને શબ્દો છે સત્યેન્દ્ર અથૈયાના. સંગીત છે રોશનનું.

ત્યાર પછી છે ૬૨ વર્ષ ઉપર આવેલ ૧૯૫૫ની ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર’નું આ ગીત:

दिल छेड़ कोई नगमा
गीतों में ज़माना खो जाए

આ ગીત બે વાર છે જેમાં ગીતાબાલી ઉપરનું ગીત પિયાનો ઉપર છે. આ ગીતને કંઠ આપ્યો છે લતાજીએ. એસ.એહ.બિહારીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે હેમંતકુમારે.

તે પછી ૧૯૫૭મા આવેલ ફિલ્મ ‘મિસ મેરી’માં એક કટાક્ષભર્યું ગીત છે:

ये मर्द बड़े दिल सर्द बड़े
बेदर्द ना धोखा खाना
मीठी मीठी बतियो में
भुल के न आना

પિયાનો ઉપર છે મીનાકુમારી. ગીતના શબ્દો રાજીન્દર ક્રિશ્નના અને સંગીત હેમંતકુમારનું. ગાયક લતાજી.

આ જ ફિલ્મમાં એક ગીત છે જે દેખાય છે પિયાનો પર અને શિવાજી ગણેશન પર ફિલ્માયું છે પણ સંગીતની ધૂનમાં પિયાનોનો અવાજ નથી.

वृन्दावन का किशन कनैया
सब की आँखों का तारा

આ જ વર્ષની અન્ય ફિલ્મ ‘કઠપૂતળી’માં એક ગીત છે જે રોમાંચક છે:

मंजील वही है प्यार की राही बदल गए
सपनो की महफ़िल में हम तुम नए

બલરાજ સહાની પર રચાયેલ આ ગીતના ગાયક છે સુબીર સેન જેના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત શંકર જયકિસનનું.

ફરી એકવાર આ જ વર્ષનું અન્ય ગીત જે નાયિકાના દર્દનું વર્ણન કરે છે. ફિલ્મ છે ‘એક સાલ’.

ना पूछो प्यार की हमने जो हकीकत देखी
वफ़ा के नाम पर बिकते हुए उल्फत देखी

મધુબાલાનાં દર્દને વ્યક્ત કરે છે લતાજી જેના શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત રવિનું.

૧૯૬૩ની ફિલ્મ ‘ગુમરાહ’નું આ ગીત લાગણીઓને વ્યક્ત કરતુ ગીત છે:

चलो एक बार फिर से
अजनबी बन जाय हम दोनों

અચાનક પોતાની એકવારની પ્રિયા માલા સિંહાને જોઇને સુનીલ દત્ત આ ગીત દ્વારા પોતાના મનોભાવ વ્યક્ત કરે છે. ગીતના રચનાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રવિ. ગાયક મહેન્દ્ર કપૂર.

તે પછીના વર્ષની એટલે કે ૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું દોસ્તની બેવફાઈને લગતું આ ગીત દર્દભર્યું અને આજે પણ યાદગાર બની રહ્યું છું.

दोस्त दोस्त ना रहा प्यार प्यार ना रहा
जिन्दगी हमें तेरा एतबार न रहा

મુકેશના અવાજમાં રાજકપૂર માટે આ ગીત છે જેના લખનાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.

ફિલ્મમાં ગીતને એક બીજા અંદાજમાં પણ મુકાયું છે, જે માત્ર પિયાનો પર જ આધારિત છે,

તો કોઈના આવવાની ખુશી દર્શાવતું ૧૯૬૫ની ફિલ્મ ‘વક્ત’નું ગીત સાંભળનાર એકવાર તો તેની ધૂનને માણ્યા વગર નથી રહેતો.

चहेरे पे खुशी छा जाती है
आँखों में सुरूर आ जाता है

સુનીલ દત્તનાં આગમનની રાહ જોતી સાધના પિયાનો પર સાહિર લુધિયાનવીના શબ્દોને પ્રસ્તુત કરે છે. ગાયિકા આશા ભોસલે અને એનું સંગીત આપ્યું છે રવિએ.

પિયાનો પર એક અન્ય સુમધુર ગીત છે ૧૯૬૬ની ફિલ્મ ‘અનુપમા’નું. અદાકારા સુરેખા પારકર પતિના આગમનની રાહ જોતા પોતાના મનોભાવ વ્યક્ત કરે છે આ ગીત ગાઈને:

धीरे धीरे मचल अये दिल बेकरार कोई आता है
युं तड़प के ना तड़पा मुजे बार बार कोई आता है

કૈફી આઝમી રચિત આ ગીતને સંગીત આપ્યું છે હેમંતકુમારે અને સ્વર છે લતાજીનો.

ફરી એકવાર પિયાનો પર દર્દભર્યું ગીત ૧૯૬૬ની જ ફિલ્મ ‘દો બદન’નું:

भरी दुनिया में आखिर दिल को संजाने कहां जाए
मुहब्बत हो गई जिन को वो दीवाने कहां जाने

મનોજકુમાર પર ફીલ્માયેલ આ ગીત રફીસાહેબે ગાયું છે જેનું સંગીત આપ્યું છે રવિએ અને શબ્દો છે શકીલ બદાયુનીના.

૧૯૬૬ની એક અન્ય ફિલ્મ છે ‘બહારે ફીર ભી આયેગી’ જે રોમાંચક છે:

आप के हसीन रुख पे आज नया नूर है
मेरा दिल मचल गया तो मेरा क्या कसूर है

ગીતમાં બે મહિલાઓ છે – તનુજા અને માલા સિન્હા. ધર્મેન્દ્ર પોતાના માટે જ આ ગીત ગાય છે તેમ આ બંને માને છે. અનજાનનાં શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે ઓ.પી. નય્યરે અને સ્વર છે રફીસાહેબનો.

પોતાની પ્રેયસી વિમી પાસેથી કોઈ પ્રતિભાવ ન મળતાં સુનીલ દત્તે પિયાનો ઉપર ગાયેલું ૧૯૬૭ની ફિલ્મ ‘હમરાઝ’નું આ ગીત પણ એવું જ દર્દનાક અને કર્ણપ્રિય છે.

कीसी पत्थर की मूरत से
मुहब्बत का इरादा है
परश्तिश की तमन्ना है
इबादत का इरादा है

ગીતને કંઠ આપ્યો છે મહેન્દ્ર કપૂરે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે રવિનું.

ફરી એકવાર પ્રેયસીને ઉદ્દેશીને ગવાયેલ ગીતને યાદ કરીએ. ૧૯૬૭ની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’માં દિલીપકુમાર વહીદા રહેમાનને ઉદ્દેશીને આ ગીત ગાય છે:

ये रात जैसे दूल्हन बन गई चरागों से
करूंगा उजाला मै दिल के दागो से
आज की रात मेरे दिल की सलामी ले ले
कल तेरी बज़्म से दिवाना चला जाएगा

ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયક છે રફીસાહેબ.

સંજોગોને કારણે જ્યારે કોઈ અન્ય સાથે હોય ત્યારે તેને લાગતું ગીત દર્દનાક જ હોય છે. આવું જ કઈક છે ૧૯૬૮ની ફિલ્મ ‘બ્રહ્મચારી’નાં ગીતમાં.

दिल के ज़रोखो पे तुज को बिठा कर
यादो को तेरी मै दुल्हन बना कर
रखूंगा मै दिल के पास
मत हो मेरी जां उदास

રાજશ્રીનો સાથ છૂટતાં શમ્મીકપૂર આ ગીત ગાય છે જેને કંઠ આપ્યો છે રફીસાહેબે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું.

પ્રણય ત્રિકોણને અનુરૂપ એક ગીત છે ૧૯૬૮ની ફિલ્મ ‘આદમી’નું:

कैसी हसीन आज बहारो की रात है
एक चाँद आसमां पे है एक मेरे साथ है

એક બાજુ દિલીપકુમાર વહીદા રહેમાનને સંબોધીને પોતાની ખુશી વ્યક્ત કરતાં શબ્દો સાથે આ ગીત ગાય છે ત્યારે મનોજકુમાર પોતાની વ્યથાને તેવા જ દુ:ખભર્યા શબ્દોમાં વ્યક્ત કરે છે. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ.ગીતમાં બે ગાયક છે – રફીસાહેબ અને મહેન્દ્ર કપૂર.

જે ગીત સાંભળીને આજે પણ ઝૂમી ઉઠાય છે તે છે ૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નું.

प्यार दीवाना होता है मस्ताना होता है
हर खुशी हर गम से बेगाना होता है

રાજેશ ખન્ના પર ફીલ્માયેલ આ ગીતના રચનાકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. ગાયક છે કિશોરકુમાર.

હલકભર્યા સ્વરમાં ગવાયેલ ગીત છે ૧૯૭૮નુ ફિલ્મ ‘સાજન બીના સુહાગન’નું.

मधुबन खुश्बू देता है
सागर सावन देता है

એકવાર આ ગીત રાજેન્દ્રકુમાર પિયાનો પર પદ્મિની કોલ્હાપુરેને શીખવાડતા ગાય છે તો બીજી વખત નૂતન તે ગાય છે અને ત્રીજી વખત રાજેન્દ્રકુમાર પર આ ગીત છે. ત્રણેયમાં યેસુદાસનો સુમધુર કંઠ છે અને નૂતનના માટે ઉષા ખન્ના તથા પદ્મિની કોલ્હાપુરે માટે અનુરાધા પૌડવાલે સ્વર આપ્યો છે. ત્રણેયના શબ્દો એક જ છે જે લખ્યા છે ઇન્દીવરે અને સંગીત છે ઉષા ખન્નાનું.પોતાની લાગણીને વ્યક્ત કરતા રાજેશ ખન્ના ગીત ગાય છે ૧૯૮૩ની ફિલ્મ ‘અગર તુમ ન હોતે’નું:

हमें और जीने की चाहत न होती
अगर तुम न होते अगर तुम न होते

ગુલશન બાવરા લિખિત આ ગીતના ગાયક છે કિશોરકુમાર જેને સંગીતમય બનાવ્યું છે આર.ડી. બર્મને.

ત્યાર પછી ઘણા સમય બાદનું પિયાનો ઉપરનું એક ગીત યાદ આવે છે ૨૦૦૫ની ફિલ્મ ‘પરિણીતા’નું.

यु आर माईन से यु आर माईन
व्होट डू यु थिंक

पियु बोले पियु बोले जाने ना

સૈફ અલીખાન અને વિદ્યા બાલન વચ્ચે જે નોકઝોક થાય છે તે આ ગીતમાં દર્શાવાઈ છે. ગીતના ગાનાર છે શ્રેયા ઘોસાલ અને સોનું નિગમ. સ્વાનંદ કીરકીરેના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે શાન્તનું મોઇત્રાએ.

આમ તો એવા પણ ગીતો જણાશે જે પિયાનો પર રચાયા હોય પણ તે ગીત પૂરેપૂરું પિયાનો પર નથી ગવાતું કારણ શરૂઆત થયા બાદ અદાકાર ઊઠી જાય છે અને ગાય છે. દા. ત. ફિલ્મ ‘હસીના માન જાયેગી’, ‘કસમે વાદે.’ આવા ગીતોની આ લેખમાં નોંધ નથી લેવાઈ

પિયાનો ઉપરના ગીતોની વાત કરીએ અને Brian Silasને યાદ ન કરીએ તો તે અયોગ્ય ગણાશે કારણ તેમણે અગણિત ફિલ્મીગીતો પિયાનો પર સુંદર રીતે સજાવ્યા છે અને તે સાંભળીએ ત્યારે લાગે કે સાંભળતા રહીએ. તેમના આ ગીતોની રેકોર્ડ તો લગ્નપ્રસંગે પણ વગાડાય છે, શરણાર્ઈને બદલે! જેમણે તે સાંભળી હશે તે આ વાંચીને હર્ષિત થશે અને જેણે નથી સાંભળી તેણે એકવાર તેનો આસ્વાદ લેવો રહ્યો!

જ્યારે પિયાનો ઉપર ગવાયેલા ગીતોનો વિચાર આવ્યો ત્યારે ધાર્યું ન હતું કે આટલા બધા ગીતો સાંપડશે. તેમ છતાંય કોઈક ગીત ધ્યાન બહાર રહ્યું હોય અને રસિક્જનને તે યાદ આવે તો તે પોતાની રીતે માણશે તેની ખાતરી છે.


સંપર્ક સૂત્રો :-

નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta < nirumehta2105@gmail.com >

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *