ફિર દેખો યારોં : દિલ ‘બીપ’ ‘બીપ’ કરે, ઘબરાયે !

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

બાળપણમાં વાંચેલી તરંગી રાજાઓની વાર્તા વાંચીને ભરપૂર મનોરંજન મળતું. કારણ કે ભારોભાર કાલ્પનિક આવી વાર્તામાં અતિશયોક્તિભર્યું મનોરંજન લાગતું. તે કદી સાચી પડી શકે એમ લાગતું નહીં. કેટલાક શાસકો કે શાસક દ્વારા નિમાયેલા અધિકારીઓ આ વાર્તાને ટક્કર મારે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે ત્યારે મનોરંજન નહીં, મૂર્ખામીની સાથેસાથે વક્રતા અને કરુણતાનાં દર્શન પણ થાય છે.

ભારતીય ફિલ્મઉદ્યોગનો વ્યાપ ઘણો વિશાળ છે. આ ફિલ્મોને પ્રમાણિત કરવા માટે સરકારે ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન’ (સી.બી.એફ.સી.) ની રચના કરી છે. આ બૉર્ડના ચેરમેનપદે હાલ ફિલ્મનિર્માતા પહલાજ નિહલાણી બિરાજમાન છે, જેઓ અગાઉ લાગલગાટ 29 વર્ષ સુધી ‘એસોસિયેશન ઑફ પિક્ચર્સ એન્ડ ટી.વી. પ્રોગ્રામ્સ’નું પ્રમુખપદ શોભાવી ચૂક્યા છે. હથકડી, આંધીતૂફાન, આગ હી આગ, ગુન્‍હાઓં કા ફૈસલા, શોલા ઔર શબનમ (નવી), આંખેં (નવી) જેવી સોળેક ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે, જેમાં હિંસા અને મારધાડ કેન્‍દ્રસ્થાને હતાં. ગોવિંદા, નીલમ, ચંકી પાંડે જેવા કલાકારો યા તો તેમની ફિલ્મો થકી અભિનયક્ષેત્રે પ્રવેશ પામ્યા છે, યા તેમની આરંભિક કારકિર્દીને વેગ મળ્યો છે. પણ 2015માં તેમની ‘સી.બી.એફ.સી.’ના ચેરમેનપદે થયેલી નિયુક્તિ પાછળ આમાંની એકે લાયકાત જવાબદાર નહોતી. 2014 ની લોકસભાની ચૂંટણીઓ અગાઉ તેમણે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીના પ્રચાર માટેની એક યૂટ્યૂબ વિડીયો ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ નું નિર્માણ કર્યું હતું. હીના આર. ખાને આ પ્રચાર ગીતમાં ‘ફરફર દૌડેગી પટરી પર બુલેટ ટ્રેન અબ યારા’, ‘ભ્રષ્ટાચાર કે કીચડ મેં તુમ આઝાદી કે કમલ ખિલાઓ’ વગેરે પરીકથા જેવા લાગતા શબ્દો ગૂંથ્યા હતા. આ ફિલ્મનું નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવામાં કે નિહલાણીને ‘સી.બી.એસ.સી.’ના ચેરમેન બનાવવામાં કેટલું પ્રદાન હશે એ અટકળનો વિષય છે. ચેરમેનપદે આરૂઢ થયા પછી પણ નિહલાણીસાહેબે ‘મેરા દેશ મહાન’ નામની વિડીયોનું નિર્માણ કર્યું. આ વિડીયો ગીતમાં પણ હીના આર. ખાને ‘જો સપના દેખા બાપુ-મોદી ને, ઉસે મિલજુલકર હમેં સચ કર દિખાના હૈ’ જેવા શબ્દો લખીને પ્રશસ્તિ કરી હતી. આ લઘુફિલ્મ થિયેટરોમાં ફિલ્મ દરમ્યાન પડતા મધ્યાંતરમાં દેખાડવામાં આવતી હતી. કહેવાય છે કે આ ફિલ્મના દર્શનથી અકળાયેલા, ત્યારે વડાપ્રધાન થઈ ગયેલા નરેન્‍દ્રભાઈએ નિહલાણીને ‘માપમાં રહેવાની’ સૂચના મોકલાવી હતી. પહલાજ નિહલાણીના પરિચયમાં આટલી પૂર્વભૂમિકા એટલા માટે કે તેમના મનોવલણનો અછડતો પરિચય મળી રહે.

નિહલાણી સાહેબે પોતાની નિયુક્તિને વાજબી ઠેરવવા માટે ફિલ્મો માટે અવનવા નિયમો-પ્રતિબંધો અમલી બનાવવા માંડ્યા. ખાસ કરીને તેમને પ્રેમદૃશ્યો સામે અત્યંત વાંધો હતો. 2016 માં રજૂ થયેલી ફિલ્મ ‘ઊડતા પંજાબ’માં તેમણે કુલ 89 સ્થાનોએ કાપકૂપ સૂચવી હતી. તેની સામે ફિલ્મના નિર્માતા અદાલતે ચડ્યા અને મુકદ્દમો જીત્યા. આખરે માત્ર એક સ્થાને કાપકૂપ થયા પછી આ ફિલ્મ રજૂ કરવામાં આવી. તાજેતરમાં ફરી એક વાર નિહલાણી સાહેબ સમાચારમાં ચમક્યા છે. આ વર્ષે રજૂઆત પામનારી ઈમ્તિયાઝ અલી દિગ્દર્શીત, શાહરૂખ ખાન અને અનુષ્કાને ચમકાવતી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’માં એક શબ્દ સામે વાંધો પાડીને ‘ઈન્ટરકોર્સ’ (સમાગમ) જેવા શબ્દને કાઢી નાંખવાની સૂચના આપ્યાની વાત હજી તાજી જ છે. હવે તેમણે નોબેલવિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પર બનેલા દસ્તાવેજી ચિત્રમાં વપરાયેલા કેટલાક શબ્દો સામે વાંધો પાડ્યો છે. ‘ધ આર્ગ્યુમેન્‍ટેટીવ ઈન્ડીયન’ નામનું એક કલાકનું આ દસ્તાવેજી ચિત્ર વિશ્વખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના જીવન પર આધારીત છે, જેનું દિગ્દર્શન બંગાળી દિગ્દર્શક સુમન ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે. સ્વાભાવિકપણે આ ફિલ્મમાં અમર્ત્ય સેનનાં વક્તવ્યો, વાતચીત તેમજ વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમર્ત્ય સેન પોતાનાં વિધાનોને કારણે સરકારમાં ઘણા અળખામણા રહી ચૂક્યા છે. આ દસ્તાવેજી ચિત્રમાં તેમના એક વક્તવ્યના અંશમાં તેમણે ગુજરાતનો ઉલ્લેખ કર્યો છે. સેન્‍સર બોર્ડે સુમન ઘોષને આ વાક્યમાં ‘ગુજરાત’ શબ્દને મૂક કરી દેવાની સૂચના આપી છે. સેનના એ વાક્યનો ભાવાનુવાદ કંઈક આમ છે: ‘લોકશાહી આટલી સારી એટલા માટે ચાલી રહી છે કે સરકાર તેની પોતાની મૂર્ખામીઓ આચરવા માટે મુક્ત નથી, અને ગુજરાતના કિસ્સામાં તેનું પોતાનું અપરાધીપણું…..’ આ ફિલ્મમાં અન્ય એક સ્થાને અર્થશાસ્ત્રી કૌશિક બાસુના એક સવાલના જવાબમાં સેને ‘હિન્દુ ઈન્ડીયા’ શબ્દ વાપર્યો છે. પોતાના પુસ્તકના સંદર્ભે સેન જણાવે છે: ‘દેશની મારી સમજણ પર તે આધારીત છે, અને હવે ઘણી વાર દેશનો અર્થ હિન્‍દુ ઈન્‍ડીયા તરીકે ઘટાવવામાં આવે છે…….’ ત્રીજો શબ્દ છે ‘હિંદુત્ત્વ’, જેને મૂક કરવાની સૂચના આપવામાં આવી છે. સેનના મૂળ વાક્યનો ભાવાનુવાદ: ‘જ્યારે હું ભારતના ભવ્ય દર્શનની વાત કરું છું, જે ભારતનું સાવ સંકુચિત હિન્‍દુત્ત્વનું દર્શન નથી……” બોર્ડ દ્વારા ચોથો જે શબ્દ મૂક કરવાની સૂચના મળી છે એ જાણીને નવાઈ કે આઘાત લાગવાને બદલે શરમ આવે એવું છે. એ શબ્દ છે ‘કાઉ’. તેમના મૂળ વાક્યનો અંશ કંઈક આવો છે: “ગાય કે અન્ય કોઈ વસ્તુ સાથે દુર્વ્યવહાર કરનારને શિક્ષા દ્વારા નહીં, પણ લોકો સાથે સંવાદ સાધીને……..”

આ મામલે અમર્ત્ય સેને એટલું જ કહ્યું કે પોતે આ ફિલ્મનું પાત્ર છે. પોતે ફિલ્મ દિગ્દર્શીત કરી ન હોવાથી કશી ટીપ્પણી કરી શકે એમ નથી. દિગ્દર્શક પોતાનો અભિપ્રાય આપશે. સરકારને કશો વાંધો હોય તો એ મુદ્દે ચર્ચા કરી શકાય છે, જેમાં અન્ય લોકો પણ પોતાના અભિપ્રાય આપશે. દિગ્દર્શક એક પણ શબ્દને મૂક કરવાના મતના નથી. તેમણે જે પણ પ્રક્રિયા કે કાર્યવાહી કરવાની હશે તે કરવાની તૈયારી બતાવી છે.

સેન્‍સર બોર્ડનું આવું વલણ પ્રસાર માધ્યમમાં અભિવ્યક્તિની આઝાદી ખરેખર કેવી અને કેટલી છે તેની વાસ્તવિકતા દેખાડે છે. લોકશાહીને આવા કહેવાતા વાંધાજનક શબ્દોથી નહીં, પણ સંકુચિત વલણથી ખતરો હોય છે. નિહલાણીસાહેબનો ભૂતકાળ જોતાં તેમનું આવું વલણ સંસ્કૃતિ પ્રત્યેના આદર કે આદર્શને લઈને છે, એમ માનવું એ તેમની ફિલ્મોની કથાને સાચી માનવા જેવું છે. સત્તાધીશોને વહાલા થવાનો તેમનો સ્પષ્ટ એજન્ડા છુપાવવાની તેમણે સહેજ પણ કોશિશ કરી નથી. આમ કરવાથી નુકસાન શાસક પક્ષને કે તેના નેતાની છબિને છે, દેશની સંસ્કૃતિને છે કે લોકશાહી રાજ્યવ્યવસ્થાને છે એ ચર્ચા કોણ કરે? કોને ખબર, એ ચર્ચાના વિડીયો રેકોર્ડીંગમાં પણ આ શબ્દોને મૂક કરીને ‘બીપ’ મૂકી દેવામાં આવે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૭-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *