બાળઉછેરની બારાખડી (૪) : બાળકોનું પાચનતંત્ર અને તેની સંભાળ

Facebooktwitterredditpinterestlinkedinmail

– અલીહુસેન મોમીન

આપણો ખોરાક એ આપણા શરીર માટે ઉર્જાનો સ્રોત છે. ખોરાકમાં રહેલાં પોષકતત્ત્વો આપણને શક્તિ પૂરી પાડે છે, જેથી આપણા શરીરનાં વિવિધ અંગો સરખી રીતે કામ કરી શકે. ખોરાકના પાચનની ક્રિયા આપણે ખોરાકને આરોગીએ એના કરતાં પણ પહેલાં શરૂ થઈ જાય છે. ખોરાકની સુગંધ માત્રથી મોંઢામાં લાળરસ ઉત્પન્ન થાય છે અને એ સાથે જ પાચનની ક્રિયાનો આરંભ થઈ જાય છે. (લાળરસમાં રહેલો પાચકરસ ખોરાકને ઢીલો અને સરળતાથી ગળી શકાય એવો સુંવાળો બનાવે છે.) આપણે જે ખોરાક ખાઈએ છીએ એને વિભાજિત કરીને એમાં રહેલાં પોષકતત્ત્વો (જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ વગેરે)  શોષીને એમનું શક્તિમાં રૂપાંતર કરવાનું કામ આપણું પાચનતંત્ર કરે છે; તથા વધેલાં નકામાં ઉત્સર્ગદ્રવ્યોનો નિકાલ પણ કરે છે. આપણું પાચનતંત્ર વિવિધ અવયવો ધરાવતી એક લાંબી નલિકા જેવું છે. જ્યાં મોંઢા દ્વારા ખોરાક અંદર જાય છે અને વિવિધ અવયવોમાંથી પસાર થઈ અંતે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે નિકાલ પામે છે. પાચનતંત્રના મુખ્ય અવયવોમાં મોંઢું, અન્નનળી, નાનું અને મોટું આંતરડું, જઠર, પિત્તાશય, સ્વાદુપિંડ અને મળદ્વારનો સમાવેશ થાય છે. 

બાળકનું પાચનતંત્ર એક એવા મશીન જેવું છે, જેનું જો કાળજીપૂર્વક જતન કરવામાં આવે તો એ જીવનપર્યંત નિર્વિઘ્ન કાર્યરત રહી શકે છે; પરંતુ જો એની બરાબર સંભાળ લેવામાં ન આવે તો તમારું બાળક, પાચનને લગતી સમસ્યાઓ જેવી કે, અતિસાર, મેદસ્વીપણું, પેટનું ફૂલી જવું, વારંવાર વાયુ થઈ જવો, અથવા સંક્રમણનો ભોગ બની શકે છે. પાચનતંત્રને સહુથી મોટું નુકસાન અનુશાસનહીન જીવનશૈલી અને આહારશૈલીથી થાય છે. જો એમ જ ચાલ્યા કરે તો બાળકને વયસ્ક થયે લાંબી માંદગીનો ભોગ પણ બનવું પડે છે. બાળકો પોતાના પાચનતંત્રની સંભાળ જાતે લેવા માટે સક્ષમ નથી હોતાં; પોતાની આહાર પદ્ધત્તિ અને જીવનશૈલીના નિયમન અને પાચનતંત્રના સ્વાસ્થ્ય માટે તેઓ માતાપિતા ઉપર આધારિત હોય છે. તમારા બાળકના પાચનતંત્રની વિશેષ કાળજી લેવા માટે નીચેનાં સૂચનો તમને જરૂર મદદરૂપ થશે. 

બાળકોના પાચનતંત્રની સંભાળ

રેસાયુક્ત ખોરાક, પુષ્કળ પ્રવાહી અને વ્યાયામ : સ્વસ્થ અને મજબૂત પાચનતંત્ર માટે આ સહુથી સરળ મંત્ર છે. 

વ્યાયામ :

બાળકને બેઠાં બેઠાં ટીવી જોવા અથવા કમ્પ્યુટર ઉપર રમતો રમવા કરતાં શારીરિક વ્યાયામ થાય એવી રમતો રમવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહો. દિવસમાં ઓછામાં ઓછું ૬૦ થી ૯૦ મિનિટ બાળક કોઈ પણ પ્રકારની શારીરિક શ્રમ પડે એવી પ્રવૃત્તિ અનિવાર્યપણે કરે જ; એવો નિયમ રાખો.  જો એક સામટો એટલો સમય આપવો શક્ય ન હોય તો એને સવાર અને સાંજ એમ બે ભાગમાં વહેંચી નાખો. એટલે કે સવારે ૩૦ થી ૪૫ મિનિટ અને સાંજે ૩૦ થી ૪૫ મિનિટ. એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જે તમારા બાળકની શ્વસનક્રિયાને ઉત્તેજિત કરે અને એમના હૃદયના ધબકારા વધારે એ એમના પાચનતંત્રના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. આવી પ્રવૃત્તિ આંતરડાંના સ્નાયુઓને મજબૂત અને કાર્યશીલ બનાવી રાખે છે અને આંતરડાઓમાં ખોરાકનું વહન સરળ બનાવે છે. તમારા બાળકનું વજન પ્રમાણસર જાળવી રાખવામાં પણ વ્યાયામ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો કે, ખાસ ધ્યાન રાખો કે, આવી કોઈ પણ શારીરિક શ્રમ માગે તેવી પ્રવૃત્તિ બાળકો ભોજન બાદ તરત જ ન કરે. 

પોષણયુક્ત આહાર :

બાળકના પાચનતંત્ર અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સંતુલિત આહારનું ઘણું મહત્ત્વ છે. દૈનિક સંતુલિત આહારમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને ફાઈબરનું યોગ્ય પ્રમાણમાં હોવું બહુ જરૂરી છે. 

રેસાયુક્ત(ફાઈબર) ખોરાક પચવામાં સરળ હોય છે; એને લીધે કબજિયાતની તકલીફ થતી અટકે છે. આવો ખોરાક અનિયમિત મળ ઉત્સર્જન અને હરસમસા જેવી તકલીફ સામે રક્ષણ આપે છે. અનાજ, સફરજન, નારંગી, કેળાં, બેરી, લીલાં સફરજન, વટાણા, બદામ અલગ અલગ જાતની દાળ વગેરેને ફાઈબરયુક્ત ખોરાક ગણી શકાય.

બાળકોને તેમનો ખોરાક બરાબર ચાવીને ખાવાની ટેવ પાડો, કારણ કે મોંઢાનો લાળરસ જેટલો ખોરાકમાં ભળે એટલો ખોરાક નરમ પડે છે; અને એથી પાચનતંત્રનાં અન્ય અંગો એ ખોરાકને ગ્રહણ કરવા માટે ઉત્તેજિત થાય છે. જયારે આપણે ખોરાકને ચાવીએ છીએ ત્યારે આપણું જઠર અને સ્વાદુપિંડ પાચકરસ ઉત્પન્ન કરે છે; જે પાચનક્રિયાને સરળ બનાવે છે; અને તેથી ખોરાકમાં વાયુનું પ્રમાણ વધી જતું અટકે છે. બાળકને અતિઆહાર કરતું અટકાવો. એક સાથે વધુ પડતો ખોરાક ખાઈ લેવાથી પાચનક્રિયા મંદ પડે છે અને ધીરે ધીરે પાચનતંત્ર નબળું પડી જાય છે. બાળકો માટે આહારનો એક ચોક્કસ દૈનિક ક્રમ રાખો. બે ભોજન વચ્ચે પૂરતો અંતરાલ રાખો, જેથી પાચનતંત્રના અવયવોને આરામ મળી શકે. ભોજનનો ચોક્કસ ક્રમ તમારા બાળકના પાચનતંત્રને એક ઘડિયાળની જેમ નિયમિત રીતે કાર્યશીલ બનાવશે.   

બાળકના ખોરાકમાં ચરબી, શર્કરા (sugar) તથા મીઠા (salt) નું પ્રમાણ મર્યાદિત રાખો. કારણ કે, આવા ખોરાકને લીધે અપચો અને અતિસાર (diarrhea) જેવી ટૂંકા ગાળાની તકલીફ અથવા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી લાંબા ગાળાની તકલીફ થઈ શકે છે. પેકેટ ફૂડસ જેમ કે ચિપ્સ, બેકરીમાં બનતી વસ્તુઓ, કેક, તળેલી ખાદ્ય સામગ્રી, પેકીંગમાં મળતાં ફળોના રસ વગેરેનું સેવન ટાળો, કારણ કે બાળકોના શરીરને એવા પદાર્થોની જરૂર નથી. વળી, એમાં ઘણાં એવાં હાનિકારક દ્રવ્યો, પ્રિઝર્વેટિવ્સ તથા ખાદ્ય રંગો હોય છે, જે બાળકને નુકસાન કરે છે. રસોઈની એવી પદ્ધતિ અપનાવો જેમાં તેલનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય; જેમ કે, વરાળ અથવા પાણીમાં બાફીને અથવા શેકીને ખોરાક બનાવવો.

બાળકોને દહીં, અથાણાં, ચિઝ, ડાર્ક ચોકલેટ, સફરજન, સિયામિલ્ક, ઑલિવ, જેવા પ્રોબાયોટિક ખોરાક લેવા માટે પ્રોત્સાહિત કરો, કારણ કે આવા ખોરાકમાં રહેલાં ખાદ્ય બેક્ટેરિયા શરીરમાં પાચકરસ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે જે પાચનતંત્રના દરેક અવયવને કાર્યદક્ષ બનાવે છે. બજારમાં આવા પ્રોબાયિટીક પૂરક આહાર પણ ઉપલબ્ધ છે; એના વિષે તમારા ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. પ્રીબાયોટિક આહાર શરીરમાં રહેલા લાભદાયી બેક્ટેરિયાને પોષણ પૂરું પડે છે. અનાજ, ઓટમીલ, કેળાં, ડુંગળી, લસણ અને મધ જેવા ખોરાકને પ્રોબાયોટિક આહાર કહી શકાય .  

બાળકને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની ટેવ પાડો, જેથી મળત્યાગની ક્રિયા સરળ બની રહે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી શરીરને પરસેવો, આંસુ, મૂત્ર, વગેરે માર્ગે નકામો કચરો સાફ કરવામાં મદદ મળે છે. ખાસ કાળજી રાખો કે બાળકોનું પીવાનું પાણી ફિલ્ટર કરેલું સ્વચ્છ હોય. 

વિષમય અથવા હાનિકારક પદાર્થોનો સંપર્ક ટાળો :

વયસ્ક વ્યક્તિની સાપેક્ષે બાળકો ઝેરી અથવા હાનિકારક દ્રવ્યોનાં શિકાર સરળતાથી બની શકે છે, કારણ કે તેમનાં મન અને શરીર હજી પૂર્ણ વિકસિત નથી હોતાં. હાનિકારક દ્રવ્યો દરેક વસ્તુ અને જગ્યામાં હાજર હોય છે. જે હવા તેઓ શ્વસી રહ્યાં છે, જે ખોરાક તેઓ ખાઈ રહ્યાં છે અથવા એ રમકડું કે જેનાથી તેઓ રમી રહ્યાં છે તેમાં પણ. 

પ્લાસ્ટિકમાં રહેલા હાનિકારક દ્રવ્યો :

પ્લાસ્ટિકમાં રહેલું બિસ્ફેનોલ નામનું હાનિકારક તત્ત્વ તેને વિષમય બનાવે છે. માનવના કુદરતી અંત:સ્રાવો (હોર્મોન્સ)ની ઉત્પત્તિ, વહન, કાર્યશીલતા અને નિકાસ એ દરેક તબક્કામાં આ બિસ્ફેનોલ અડચણ ઊભી કરે છે. આજકાલ બાળકોનાં રમકડાંથી લઈને એ વાસણો  કે જેમાં આપણે બાળકોને ભોજન પીરસીએ છીએ; એ બધાં જ પ્લાસ્ટિકનાં બનેલાં જોવા મળે છે; જે બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બાળકનું શરીર સતત વૃદ્ધિ પામી રહ્યું છે; અને એ વૃદ્ધિ-દરને જાળવી રાખવા માટે એમના શરીરને સતત પોષક તત્ત્વોની જરૂર પડે છે. તેમનું પાચનતંત્ર વયસ્કોની સાપેક્ષે ઝડપથી અને વધુ પોષણ ગ્રહણ કરે છે; એવામાં જો આવા વિષમય પદાર્થો શરીરમાં જાય તો એ પણ આ પોષક તત્ત્વોની સાથે પાચનતંત્રમાં ભળી જાય છે ; જે પાચનતંત્રને હાનિ પહોંચાડવાની સાથે સાથે કેન્સર જેવા ભયંકર રોગને પણ આમંત્રિત કરી શકે છે. પ્લાસ્ટિકનાં વાસણોમાં બાળકને ખવડાવાનું, ખોરાકનો સંગ્રહ કરવાનું કે ખોરાકને એમાં ગરમ કરવાનું સદંતર ટાળો. વળી, બિસ્ફેનોલ રહિત વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખો . 

ખોરાકમાં રહેલાં હાનિકારક દ્રવ્યો :

હા, આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં પણ કેટલાંક હાનિકારક દ્રવ્યો રહેલાં હોય છે. આવાં હાનિકારક દ્રવ્યોમાં મુખ્ય રીતે જંતુનાશક દવાઓ, કૃત્રિમ ખાદ્ય રંગ, સ્વાદ, સુગંધ, કૃત્રિમ મીઠાશ, એલ્યુમિનિયમનાં બનેલાં રસોઈનાં સાધનો, પ્રોસેસ્ડ ફૂડ, પ્રિઝર્વેટિવ્સ, રીફાઈન્ડ ખાદ્ય તેલ અથવા લોટ, પોલિશ કરેલું અનાજ વગેરેનો સમાવેશ થાય છે. પેકેટ ફૂડ ખરીદતાં પહેલાં હંમેશાં તેના સ્ત્રોત અને ઘટકો વિષે પૂરતી ચકાસણી કરી લો. પ્રોસેસ્ડ ફૂડ અથવા પેકેટ ફૂડ કરતાં મૂળભૂત પરંપરાગત ખોરાક પસંદ કરો.  જૈવિક ખેતીથી ઉગાડેલાં શાકભાજી (ઓર્ગેનિક ફૂડ) અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી મુક્ત ખાદ્ય પદાર્થો પસંદ કરો. આવા ખોરાકમાં હાનિકારક દ્રવ્યોનું પ્રમાણ નહિવત્ હોય છે. 

બાળકોને તણાવમુક્ત રાખો

આપણું પાચનતંત્ર એ આપણા ચેતાતંત્રને આધીન છે. તણાવ બાળકના શરીરમાં અરાજકતા જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે. પાચનતંત્રના અવયવોના સ્નાયુઓના સંકોચન માટે જરૂરી રક્ત પ્રવાહમાં તણાવ ને લીધે અડચણ આવે છે. જેથી પેટમાં જરૂરી એસિડના પ્રમાણમાં ઉણપ આવી જાય છે. બાળકના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે એની એમની પાચન શક્તિ ઉપર ઊંડી અસર થાય છે. ભોજન સમયે કરવામાં આવતી અપ્રિય બાબતોની ચર્ચા એમની પાચનશક્તિને હાનિ પહોંચાડે છે. એનાથી વિપરિત પરિસ્થિતિ પણ એટલી જ અગત્યની છે; કે જો બાળકનું પાચનતંત્ર નબળું હોય અને એના શરીરમાં ખોરાકનું યોગ્ય પાચન ન થતું હોય તો એના માનસિક સ્વાસ્થ્ય અને વિચારો ઉપર નકારાત્મક અસર જોવા મળે છે. આવામાં બાળકો હતાશા અથવા આક્રમક વિચારસરણી તરફ વળી જાય છે. બાળકોમાં ચીડિયાપણું જોવા મળે છે. વધતા તણાવની સાથે એમની નિર્ણય શક્તિ ઉપર પણ અસર જોવા મળે છે. એટલે કે સામાન્ય લાગતી પાચનને લગતી તકલીફ, જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. 

નબળી પાચનશક્તિ ભવિષ્યમાં તમારા બાળકના જીવનમાં મોટી સ્વાસ્થ્યહાનિનું કારણ બની રહે છે. પુખ્ત ઉંમરે પહોચેલું તમારું બાળક જીવનમાં અનેક કર્તવ્યો, લક્ષ્યો, સિદ્ધિઓ અને પ્રેમને ગ્રહણ કરવા માટે અને એવું નિર્વહન કરવા માટે શક્તિમાન બની રહે, એનો સંપૂર્ણ આધાર એના શરીર અને મનને મળતાં પોષણમૂલ્યો ઉપર રહેલો છે. એ માટે અત્યંત જરૂરી છે કે એનું પાચનતંત્ર હંમેશા મજબૂત અને કાર્યદક્ષ રહે. 

 

* * *

નોંધ : આર્ટિકલ ને અંગ્રેજી માં વાંચવા માટે વિઝિટ કરો http://in.parentingnations.com/childrens-digestive-system-take-care/

* * *

સંપર્કસૂત્રો :-

Alihusen Momin <ali@parentingnations.com>

Mob. +91 99250 41865

Blog : Parenting Nations – www.parentingnations.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *