ભૂલ (ગીત)

Facebooktwitterredditpinterestlinkedinmail

કૃષ્ણ દવે

આંખની તારી ભૂલ તે ચારે કોર છલોછલ છલકે છતાંય કેમ નથી એક સુખ દેખાતું ?
કાનની તારી ભૂલ તે ડાળે લ્હેરખી ઝૂલી ગાય મધુરું કેમ નથી એક ગીત સુણાતું ?

જળની ઝીણી આવ જા થતાં કેટલા બધા પથરાઓ પણ મલકાયાની વાત કરે છે .
ઝરણાં કૂદાકૂદ કરીને આવડા મોટા પ્હાડનું ભીતર છલકાયાની વાત કરે છે.
હાથની તારી ભૂલ તે ગગન અનરાધારે વરસે છતાંય કેમ નથી એક અંજલિ ભરી હેત ઝીલાતું ?

પોતપોતાની ધૂનમાં કશુંક આદરી બેઠા હોય તે જો ને ટોચની પેલે પાર ગયા છે .
આંખ મીંચીને મૂળની જેણે જાતરા કરી હોય છે અહીં એ જ ઠરીને ઠામ થયા છે .
પગની તારી ભૂલ તે તારી આંગળી ઝાલી છેક તારામાં લઈને જતાં ધૂળિયે મારગ કેમ નથી એક ડગ ભરાતું ?

 

                                                                                                     * * *

સંપર્કસૂત્રો :-

મોબાઈલ – + ૯૧ ૯૪૨૬૫ ૬૩૩૮૮
ઈ મેઈલ – Krushna Dave <kavikrushnadave@gmail.com> , <krushnadave@yahoo.co.in>

1 comment for “ભૂલ (ગીત)

 1. July 31, 2017 at 2:17 am

  માધવ ક્યાંય નથી મધુવનમાં…

  આદરણીયશ્રી મોરારિબાપુ, સારસ્વતો, સહ્દયો, મિત્રો, મુરબ્બીઓ, વડીલો, દેવીઓ અને સજ્જ્નો
  સૌને મારા પ્રણામ. શ્રીકૃષ્ણને ઓળખવા, સમજવા અને પામવાની અભિલાષા ભારતીય પ્રજાની અંદર સર્વકાળે એક સરખી રીતે જોવા મળે છે. ગજેન્દ્રનાથ રોય, બંકિમચંદ્ર ચેટરજી, બુધ્ધદેવ બસુ, સુનીલ ગંગોપાધ્યાય, રામધારીશ્રી દિનકર, ધર્મવીર ભારતી, નરેન્દ્ર કોહલી, ઓશો રજનીશ, મહર્ષિ અરવિંદ, શિવાજીરાવ સાવંત વગેરે જેવા ચિંતકોએ શ્રીકૃષ્ણને ચિંતનાત્મક અને સર્જનાત્મક ભૂમિકાએ આલેખાવનો પ્રયાસ કર્યો છે.
  ગાંધીજી કહેતા હતા કે, ‘જે પુરૂષ પોતાના યુગની અંદર સૌથી વધારે ધર્મવાન હોય એને ભવિષ્યની પ્રજા અવતારરૂપે પૂજે છે.’ શ્રીકૃષ્ણ આવા ધર્માવતાર હતા. તેઓ કયારેય રાજસિંહાસન ઉપર બેઠા નથી અને હજારો વર્ષોથી પ્રજાના ઉરસિંહાસન પરથી ઉતર્યા નથી. આવા શ્રીકૃષ્ણ વિશે નવલકથા લખીને સાંપ્રત સમયની કોઈ એવી સમસ્યાની અંદર માર્ગદર્શક બનવા લેખન કરવું એ કોઈ પણ સર્જક માટે મોટો પડકાર છે. શ્રી હરીન્દ્ર દવે આ પડકાર પોતાની નવલકથા ‘માધવ ક્યાંય નથી’માં ઉઠાવે છે. તેઓ ભારતીય વિદ્યાભવનમાં કામ કરતા હતા એ જ અરસામાં કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’ નું અનુવાદનું કાર્ય એમને સોંપાયું. એનો અનુવાદ કરતાં કરતાં કૃષ્ણજીવનની મોહની લાગી અને એમાંથી જે ઊર્મિસ્પંદન જાગ્યું અને અદ્દભુત કાવ્ય ગુજરાતી સાહિત્યમાં પ્રગટ થયું. એ આપણે સૌ વારેવારે સાંભળીએ છીએઃ
  ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં
  માધવ ક્યાંય નથી મધુવનમાં
  કાલિન્દીનાં જલ પર ઝૂકી પૂછે કદંબડાળી ,
  ‘યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?’
  લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
  માધવ ક્યાંય નથી મધુવનમાં
  કોઈના માગે દાણ, કોઈની આનંદ વાટે ફરતી,
  હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી?
  નંદ કહે યશોમતીને, મૈયા વ્હાલ ઝરે લોચનમાં
  માધવ ક્યાંય નથી મધુવનમાં
  શિર પર ગોરસ મટૂકી મારી વાટ કેમ ના ખૂટી,
  અવ લગ કંકર એકે ના વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી!
  કાજળ કહે આંખોને, આંખો વાત વહે અશ્રુવનમાં
  માધવ ક્યાંય નથી મધુવનમાં
  અહીં સાંભળો

  Image result for માધવ ક્યાંય નથી મધુવનમાં

  ‘ક્યાંય નથી’ બોલાય છે અને મણનો નિસાસો મૂકાય છે. આખા કાવ્યની અંદર જે ઘૂંટાઈ ઘૂંટાઈને વાત થઈ છે તે વાત નિસાસાની છે. નંદબાબા, જશોદા, રાધિકા, યમુના, બંસી, કદંબ,ધેનુ આ બધું એમના સ્મરણની અંદર હશે પણ, ત્યાર પછી આ સંવેદન આગળ વધતું ગયું અને એમની સજર્નાત્મકતાએ એમની પાસે ‘માધવ ક્યાંય નથી’ લખાવી. આ નવલકથા એ ઘૂંટાયેલી અંતર્ગૂઢ વ્યથાની અને વેદનાની કથા છે. એ વાંચીને પૂરી કરીએ ત્યારે જાણે કે કોઈ સ્વપ્ન જોઈને જાગ્યા હોઈએ એવો અનુભવ આપણને થાય છે. નવલકથાની અંદર એમણે જે અંતર્ગૂઢ વ્યથા, ઘેરી વેદનાનું નિરૂપણ કર્યું છે તે અન્યત્ર દુર્લભ છે. ભલે એમણે આ કૃતિ સ્વપ્નરૂપે કલ્પી નથી કે કાવ્યના સ્તરે પણ વિભાજીત કરી નથી અને એ છતાંય એક સ્વપ્નવત અને એક ‘લિરિકલ પોએમ’ જેવો અનુભવ આપણને આપી જાય છે.
  કેવી રીતે સર્જાઈ આ કૃતિ? કોણે ધક્કો આપ્યો હરીન્દ્રભાઈને આ નવલકથા લખવાનો? આપણે બધા જાણીએ છીએ કે હરીન્દ્ર્ભાઈ વ્યવસાયે પત્રકાર હતા અને પત્રકારત્વ નિમિત્તે એમણે દેશ અને દુનિયામાં તત્કાળ બનતી ઘટનાઓ વિશે વિચારવાનું અને લખવાનું સતત બન્યા કરતું. એ નિમિત્તે નવલકથાના વિષયવસ્તુઓ હંમેશાં મળતા રહેતા. દેશ અને દુનિયાન તખ્તે અત્યંત ક્ષુબ્ધ થઈ જવાય એવી પરિસ્થિતિ છે એવો અનુભવ એમને જ્યારે થયો ત્યારે એમણે ‘માધવ ક્યાંય નથી’ લખી.
  આપણે સૌ જે જમાનામાં જીવી રહ્યા છે, જે સમયનું આપણે સંતાન છીએ એ સહિષ્ણુતાનો જમાનો છે. આ જમાનાની અંદર બધુ મરતું જાય છે, સબંધો મરતા જાય છે, પ્રેમ મરતો જાય છે, ભાષા મરતી જાય છે. પરિસ્થિતિ એવી આવતી જાય છે કે આદર્શોને, મૂલ્યો તળે ઉપર થતા જાય છે. લૂણો લાગેલી ઈમારતની જેમ ખરતું જતું હોય, વિખરાતું જતું હોય એવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ.
  સુરેશ જોષી વારેવારે કહેતા હતા કે, ‘શારીરિક અર્થમાં જ આપણે સૌ જીવી રહ્યા છીએ, આધ્યાત્મિક અર્થની અંદર તો આપણે ક્યારનાય મરી ચૂક્યા છીએ.’ આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે મરણોત્તર જીવન છે, એનું કારણ એ હતું કે બોઝિલ ભૂતકાળ, ત્રસ્ત અને થાકેલું ભવિષ્ય અને રોળાયેલા વર્તમાનની વચ્ચે આપણે મૂકાયેલા છીએ. આપણે જ્યારે આમ મૂકાયેલા છીએ ત્યારે પરિસ્થિતિ કેવી હોય? આપણી પરિસ્થિતિ એ છે કે જીવનનું વસ્ત્ર તાર-તાર થઈને ફાટી ગયું છે, તો એને ફરીથી બક્ષા ભરીને કોણ અખંડ કરી આપે? ખુદ સ્વયં ભગવાને પણ સ્વમુખે ગીતાની અંદર यदा यदा हि धर्मस्य શ્લોકમાં સામે ચાલીને જે ગેરંટી આપી હતી તો જ્યારે પરિસ્થિતિ આ હદે વણસી ચૂકી છે ત્યારે પોતાના વચનનું પાલન કરવા માટે શ્રીકૃષ્ણ કેમ નથી આવતા? જીવન છે, પણ ચૈતન્ય ક્યાં છે? મધુવન પણ છે, પણ માધવ ક્યાં છે? જ્યાં જીવન હોય અને ચૈતન્ય ન હોય, મધુવન હોય અને માધવ ન હોય, એ બે વાતની સહોપરિસ્થિતિ રચીને લેખકે આ કથા લખી છે, અહીં વેદનાનું નિરૂપણ છે. આપણી વર્તમાન પરિસ્થિતિની કરુણતા આ સર્જનના પાયામાં છે.
  ગીતમાં પ્રતિનિધિરૂપે ભમરો આવ્યો હતો અને હરીન્દ્રભાઈએ નવલકથા લખી ત્યારે એમણે એમાંથી આગળ પડતું રૂપક લીધું. જેના પગમાં જ ભમરો છે, જે નિત્યપ્રવાસી છે એવા યાયાવર નારદ એમને મળ્યા. એટલે આ નવલકથાની અડધાથી વિશેષ જે સફળતા છે તે તેની પાત્ર વિભાવના છે. જે રીતે નારદનું પાત્ર એમણે કલ્પ્યું અને મૂક્યું ત્યાં જ આપણે અભિભૂત થઈ જઈએ છીએ. જેમણે જેમણે કૃષ્ણકથા લખી છે તેમણે તેમણે એક બહુ મોટી સમસ્યાનો સામનો કરવાનો આવ્યો છે : શ્રીકૃષ્ણ અને રાધાના સંબંધ વિશે.
  હરીન્દ્રભાઈએ જે રીતે રાધાના પાત્રનો તોડ કાઢ્યો છે તે નવલકથાની બીજી સફળતા છે. પૂર્ણમાત્રામાં ખીલેલા કળિયુગમાં ચાર દૂષણો તો હોય જ : મદ્યપાન, જુગટુ, પરસ્ત્રીગમન અને બધા જ હલકા પ્રકારના કૃત્યો. આવા જમાનાની અંદર પોતાની સગી બહેનના સાત-સાત સંતાનોને જો રાજા રાજલિપ્સાના કારણે મારી શકતો હોય તો એનો જ એક દ્વારપાળ પોતાની પત્નીને જુગારના દાવ પર શા માટે ન લગાડી શકે? એ દ્વારપાળ જુગટું રમતાં-રમતાં પોતાની પત્નીને હારી ગયો છે અને એ હારી ગયેલી એની પત્ની મુદ્રા સવારમાં એને જીતી ચૂકયો છે એવા દારૂડિયાના પનારે ન પડવું પડે એટલા માટે યમુનામાં દેહને વિસર્જિત કરવા જાય છે, ત્યારે તેનો પતિ પૂછે છે ત્યારે ખૂબ માર્મિક જવાબ આપતા મુદ્રા કહે છે, ‘દુર્ગની બહાર, દેહની બહાર.’ પછી એનું સ્વરૂપાંતર થાય છે, જ્યારે એ તણાતી તણાતી વૃષભાનને મળે છે ત્યારે તે મુદ્રા મટી ચૂકી છે અને રાધા બની ગઈ છે.
  કૃષ્ણ જે બ્રહ્યસ્વરૂપ અને પૂર્ણ પુરુષોત્તમ છે એને દેહ ન આપવાનો હોય, એની પાસે કોઈ ઘટનાઓ મૂકીને કાર્યો ન કરાવવાના હોય. એને સાક્ષાત અને પ્રત્યક્ષ ન લાવી શકાય… એ આપણી અનુભૂતિનો વિષય હોઈ શકે. એ આપણા દ્રશ્યાલેખનનો કે આપણી પોતાની દ્રષ્ટિસીમાનો વિષય ન બની શકે અને એ માટે થઈને વસ્તુ વિભાવના એમણે એ રીતે રજૂ કરી છે.
  નારદને જ્યારે સમાચાર મળ્યા કે દેવકીના આઠમા સંતાનરૂપે સ્વયં નારાયણ અવતરવાના છે ત્યારે યમુના કિનારે કુટીર બાંધીને પોતે ત્યાં નિવાસ કર્યો અને જેવો આઠમા સંતાનનો જ્ન્મ થયો ને તેઓ કારાગ્રહમાં પહોંચી ગયા, પણ શ્રીકૃષ્ણ નીકળી ચૂક્યા છે. પગેરું દાબતાં-દાબતાં એ અયોધ્યા અને પંચવટી સુધીનો પંથ કાપી નાખે છે. ત્યાર પછી એ કૃષ્ણને શોધવા ગોકુળ, મથુરા, વૃંદાવન, હ્સ્તિનાપુર, દ્વારિકા, હિમાદ્રિ પર્વત, બદ્રિકાશ્રમ એમ ભટકતા રહે છે. આખી કથાની વસ્તુ વિભાવના અને વસ્તુ સંકલન એવી રીતે કર્યું છે કે જ્યાં કૃષ્ણ છે એવી ખબર મળે તો એને મળવા, બે વાત કહેવા, એની સાથે ભાવાનુભૂતિ છે તે સર્જવા માટે થઈને નારદ જે રીતે પ્રયત્ન કરે છે, તેમાં જ્યાં પહોંચે ત્યાં ચંદ ક્ષણો, કલાકો પહેલા જ શ્રીકૃષ્ણ ત્યાંથી નીકળી ગયા હોય અને બંનેનું મિલન ન થઈ શકે !
  પરિણામે નારદની જે વ્યથા છે તે ઘૂંટાતી જાય છે અને એ વિરહની તીવ્ર અવસ્થાએ પહોંચે છે. નારદ મીરા અને ચૈતન્ય મહાપ્રભુ જેવો ચિરપ્રતિક્ષીત જીવ છે. શ્રી વલ્લભાચાર્યે શ્રીકૃષ્ણની ચાર પ્રિયતમાઓની કલ્પનાની વાત કરી છેઃ પહેલી પ્રિયતમા એમની રાધિકા, બીજી પ્રિયતામાઓ વ્રજના ગોપગોપીરૂપે જન્મેલાં રામાવતારના ૠષિમુનિઓ, ત્રીજી પ્રિયતમાઓ તે સખીમંડળ અને ચોથી પ્રિયા તે યમુના મહારાણી. મારી દ્રષ્ટિએ એમના પાંચમા પ્રિયા તે નારદ સ્વયં છે. ભલે પુરૂષરૂપે હોય પણ એ ભક્તિપ્રિયા છે. શ્રીનારદે પંચરાત્રે ‘ભક્તિસૂત્ર’ લખ્યું તે પહેલા રાધાની પાસે ભક્તિની વાતમાં દીક્ષા લીધી હતી.
  સૌરાષ્ટ્રના એક બહુ મોટા ગજાના ને ન ગણાયેલા છતાંય જેમણે અત્યંત માર્મિક રીતે રાધા ઉપર સુંદર ખંડકાવ્ય લખ્યું છે તે દેવજી મોઢા રાધાનો પરિચય આપતા કહે છે કે,
  ‘ભક્તિ ઠરતા ઠરી ગઈ, ને બની ગઈ તે રાધા.’
  જેમ પાણી ઠરે ને બરફ બને એમ જો ભક્તિ ઠરી જાય તો તે રાધા બની જાય ! જે ઉદ્વેગ, વ્યાકુળતા, તલસાટ, અને ધખનાથી નારદ શોધ કર્યા કરે છે એ તલસાટ તો ઠરતા ઠરી જાય તો એ બને નારદ. નારદ આ તલસાટનું, ધખનાનું મૂર્તિમંત સ્વરૂપ છે.
  આ નારદ લાંબો પંથ કાપીને વૃંદાવનમાં આવ્યા છે. પછી ગોકુળ આવી સૌ પહેલા નંદનું ઘર શોધે છે અને એક સ્ત્રીને નંદના ઘરનું સરનામું પૂછે છે. એ સ્ત્રીના મુખેથી અપાયેલો જવાબ આપણને હરીન્દ્ર દવેના ગદ્યનો પરિચય કરાવી જાય છે. પેલી સ્ત્રી નારદને જવાબ આપતા કહે છે,
  ‘તમારે નંદજીનું ઘર શોધવું નહીં પડે. અહીં ચાલતા જાઓ અને આંસુની ખારી ભીનાશથી પોચી બનેલી આ કેડી જેના આંગણામાં અટકે એ જ નંદનું ઘર.’
  નારદ નંદજીના ઘરે પહોંચે છે. નંદ ઢીલા પડી ગયા છે, ગુમસુમ છે એમનું સ્વાગત નથી કરી શકતા અને જ્યારે ભાન થયું ત્યારે ક્ષમા માગીને કહે છે, ‘શું વાત કરું મહર્ષિ? કૃષ્ણ અને બલરામે મને પ્રણામ કર્યાં! જેઓ દોડીને મારા ખોળામાં બેસવાનું જાણતા હતા, જેમની ચરણરજથી રજોટાઈને મારા વસ્ત્રોનો રંગ બદલાઈ ગયો છે એ છોકરાઓએ મારી ચરણરજ લીધી ! નારદજી ! અમારા વૃંદાવનમાં બાપ-દીકરા વચ્ચે આવો વ્યવહાર થતો નથી.’ અહીં એક પિતૃહ્રદયની વેદનાનું આલેખન થયું છે. એથીયે વધારે વિરહની વ્યથામાં ડૂબેલી માતા જશોદા નારદજીને કહે છે કે,
  ‘નારદ ! મથુરાથી આવ્યા તો પૂછતાં તો આવવું હતું કે રાણી દેવકીના અંતઃપુરમાં કોઈ દાસીનો ખપ છે કે નહીં?’ કોઈ પણ વાચક આ વાંચતી વખતે સ્વસ્થ રહી શકતો નથી. બાળપણના પ્રસંગને યાદ કરીને પણ દેવકી વિલાપ કરે છે અને એક માતા જ કરી શકે એવી કલ્પના કરીને કહે છે, ‘એ બિચારો લાચાર હશે હોં. ભાલાની અણીએ રાજા ઉગ્રસેને એને રોકી રાખ્યો હશે. નહીંતર મારા વિના એક રાત પણ રહી શકે ખરો?’ માતૃહ્રદયની વેદનાનું નિરૂપણ લેખક અહીં સચોટ રીતે કરે છે.
  ત્યાર પછી નંદબાબા એને રાધા પાસે લઈ જાય છે. ત્યારે આપણું હ્રદય વલોવાઈ જાય એવા શબ્દો રાધા ઉચ્ચારે છે, ‘હાય રે! તે દિવસે તમે ગોવર્ધનને તમારી કોમળ આંગળી ઉપર તોળી શા માટે રાખ્યો? એ આંગળી ખેસવી લીધી હોત અને પર્વતને અમારી ઉપર પડવા દીધો હોત તો આજે આ દુઃખના પહાડની અસહ્ય પીડા તો લલાટમાં ન રહેત ! આજે જે પીડા અમે અનુભવી રહ્યા છીએ એ પીડા લલાટમાં તો ન લખાયેલી હોત.’ નારદ કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છે તેમ કહે છે ત્યારે રાધા એકદમ જાણે કે સ્થિર, અસ્પૃષ્ટ, અલુપ્ત, તટસ્થ થઈ ગઈ હોય એમ બોલે છે, ‘કંઈ ઓળખાણ પડી નઈ! કોણ કૃષ્ણ? હા, એ નામના એક છોકરાનો ઓળખતી હતી હું, નંદનો છોકરો. પણ અમારી બાજુના માણસો કંઈ મા-બાપ નામ બદલી નાખતા નથી. એ આજે નામ બદલીને બેસી ગયા છે. વસુદેવ – દેવકીનું એ સંતાન થઈ ગયા!’
  પછી અત્યંત વ્યાકુળ થઈને એ બોલે છે કે, ‘તમે તો અમને ઓળખતા નથી, પણ કૃષ્ણ તો ઓળખે છે ને? લો, આ મારી ભેટ એમને આપજો. અહીં એ મધરાતે વાંસળી વગાડતો ત્યારે અડવાણે પગે, ઝાડ-ઝાંખરાં, સાપ-વીછી કે વાઘ-વરુના ભયને કોરે મૂકીને અમે યમુના તટે દોડી આવતા. એમને કહેજો કે ઊંડો નિસાસો હવામાં વહેતો ના મૂકે, આ વાંસળીમાં એને ભરે. આ વાંસળી સાંભળીને મથુરામાંથી કોઈ જાગે કે ન જાગે વૃંદાવનમાંથી એક બાવરી દોડતી આવશે.’
  ખૂટે કેમ વિખૂટો રસ્તો એકલદોકલ મર્ગ અહીંનો?
  નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.
  આ તડપનના તહેવારની આખી કથા છે. આ વ્રજની વેણુ, રેણુ, આ ધેનુ અહીં તડપે છે. કાવ્યમાં ખૂબ જ સુંદર રીતે આ તડપનને વાચા આપી છે.
  દેવકી અને શ્રીકૃષ્ણ પોતે પણ વેદના અનુભવે છે. દ્વારિકાધીશ થઈ ગયા પછી એક વખત માતા દેવકી શ્રીકૃષ્ણને ગોરસ વ્હાલું છે એ યાદ રાખીને એના ભાણામાં જ્યારે ગોરસ પીરસે છે ત્યારે અત્યંત ખિન્ન થઈને, ભાણેથી ઉઠીને કૃષ્ણ બહાર જતા રહે છે અને દેવકીની આંખમાં આંસુના તોરણ બંધાય છે. વસુદેવે જોયું છે કે કેટલીય રાત બહાર ઝરૂખામાં કૃષ્ણને નિસાસા નાખતા જોયા છે. જશોદાને, નંદને, રાધાને, એ રેણુ, વેણુ અને ધેનુને યાદ કરી કરીને ઝૂરાપો અનુભવતા અને રિક્તતાનો અનુભવ કરતા જોયા છે. આવી જ ઘનીભૂત વેદના શ્રીકૃષ્ણ જ્યારે યુદ્ધ રોકી નથી શકતા ત્યારે અનુભવે છે.
  જ્યારે કૃષ્ણ વિષ્ટીમાં સફળ નથી થતા અને યુદ્ધ અનિવાર્ય છે એવી ખબર પડતા જ અર્જુનને એક બાજુ લઈ જઈ ખુલ્લા દિલે વાત કરતાં કહે છે, ‘એક બાજુ મારી આખી નારાયણી સેના છે અને બીજી બાજુ હું છું. એકલો, અટૂલો ને મારા કુળથી પણ ત્યજાયેલો!’ સમગ્ર કુળ અને સગો મોટો ભાઈ પણ પોતાની વિરુદ્ધમાં ગયા છે. બે સમર્થ પુત્રો એની આ યુદ્ધ વિશેની, પાંડવો અને કૌરવો વિશેની જુદી જુદી દ્રષ્ટિના કારણે જ્યારે બે સગા ભાઈઓ, સહોદરો એકમેકની સામે આવીને ઊભા છે ત્યારે માતા દેવકી પણ વેદના અનુભવે છે. શ્રીકૃષ્ણ અર્જુનને પોતાની વેદના જણાવતા કહે છે કે, ‘જેના સંતાનો જુગારી હોય અને જેનો પતિ જુગારી હોય એવી પત્નીની વેદના તમે કલ્પી શકો છો? એ વેદના મારી છે. નથી તો હું એને જુગાર કરતા રોકી શકતી, નથી તો હું એને વાળી શકતી કે નથી તો એમાં સહભાગી થઈ શકતી.’ પોતાની જાતને અસહાય, નિસહાય, લાચાર એવી અનુભૂતિ કરીને શ્રીકૃષ્ણ જે રીતે અર્જુનની પાસે વ્યક્ત થાય છે એમાં એની ઘેરી નિસાસા છે.
  લોકોની તો ઘણી અપેક્ષા હોય, કેટલા બધા ઋષિમુનિઓની, મોટા મોટા માણસોની એ અપેક્ષા હતી કે શ્રીકૃષ્ણ ઈચ્છે તો આ ભાઈઓ વચ્ચેનું આ મહાયુદ્ધ છે તે અટકાવી શકશે. પણ તે થઈ શકતું નથી. કૃષ્ણ વિષ્ટી કરવા જાય છે ત્યારે યુધિષ્ઠિર ને ભીમ પણ વધુ માગણીઓ ન કરતા જે થોડું ઘણું આપે તે સ્વીકારી લેવાની વાતના પક્ષમાં છે. પરાક્રમી અર્જુન તથા સહદેવ અને નકુલ પણ આ જ વાત કરે છે. કેવળ બે સ્ત્રીઓ કુંતા ને દ્રોપદી યુદ્ધની તરફેણમાં છે. પોતાની પુત્રવધુની આબરૂને જાહેરમાં ધજાગરે ચડાવનાર એ સત્તા નષ્ટ ભ્રષ્ટ થવી જ જોઈએ એવું કુંતીએ માને છે. તો પોતાના કાળા દીર્ઘકેશ પાથરીને દ્રોપદી કૃષ્ણને ન ભૂલવાની વાત કરે છે. આ કૃષ્ણની વેદના છે. આખી કથાના પાયામાં, કેન્દ્રમાં જે વસ્તુ છે તે આ છે.
  શ્રી હરીન્દ્ર દવેએ સમગ્ર જીવન દરમિયાન એક કવિ, પત્રકાર, ચિંતક, વિચારક, લેખક તરીકે શ્રીકૃષ્ણ વિશે ચિંતન કરી ‘કૃષ્ણ અને માનવસંબંધો’ જેવું સુંદર પુસ્તક લખ્યું છે અને એ પ્રતીતિ પર પહોંચ્યા છે કે,
  ‘શ્રીકૃષ્ણને ત્રણ સ્વરૂપે જ ઓળખી શકાય એવી સ્થિતિ છે. તે સત્ય સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ ને પ્રેમ સ્વરૂપ છે. જે સત્ય સ્વરૂપ ને બ્રહ્મ સ્વરૂપ છે તેને સદેહે તો કેવી રીતે લાવી શકાય? આથી પ્રેમ સ્વરૂપ જ ઉત્તમ છે.’
  આખી નવલકથામાં કૃષ્ણ પરોક્ષ રીતે છવાતા જાય છે. અહીં શોધ નારદની હોય છે. તે મિલનને માટે થઈને આટલા આકુળ-વ્યાકુળ થઈ ગયા છે, ધખના અને તલસાટમાં આગળ ધપે છે તે દરમિયાન એમનું રૂપાંતર પણ થતું જાય છે. પહેલા તેમનો આશય માત્ર નારાયણ સ્વરૂપ શ્રીકૃષ્ણના દર્શન કરવાનો હતો. પછી એમનો હેતુ એ હતો કે શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધની અંદર કોઈના પક્ષકાર બનવાના બદલે આર્યાવ્રતની સમગ્ર પરિસ્થિતિમાં તટસ્થ ને નિષ્પક્ષ રહીને શક્ય હોય તો યુદ્ધને અટકાવે. પણ પછી એમને ખ્યાલ આવે છે કે એમની શોધ શેને માટે છે? વારેવારે નારદે શ્રીકૃષ્ણ તરફથી સંદેશાઓ મળ્યા કરે છે કે, તેઓ પણ તેમને મળવા માટે થઈને એટલા જ વ્યાકુળ છે, અધીરા છે. પણ મળી શકાતું નથી. ‘સમય મળ્યે હું મળવા આવીશ’ એવું અનેકના મુખે નારદ સાંભળે છે.
  હરીન્દ્રભાઈએ શ્રીકૃષ્ણના ચરિત્રનું આલેખન કરવાનો, નવલકથાની અંદર મૂર્ત કરવા માટેનો એક જુદો જ રસ્તો લીધો છે. અન્ય પાત્રો, અન્ય લોકોના ઉદ્દ્બોધનોમાં, ઉચ્ચારણોમાં, અનુભવોમાં કૃષ્ણ પ્રગટતા રહે. પ્રત્યક્ષરૂપે તો કૃષ્ણ આખી નવલકથામાં માત્ર ચાર જ વખત આવે છે, પરંતુ બે-ત્રણ પ્રકરણોને બાદ કરતાં આખી નવલકથામાં કૃષ્ણ પરોક્ષ આવીને પોતાનું કર્તવ્ય બજાવી જાય છે. કૃષ્ણનું કોઈ કર્તવ્ય નહીં હોય અને જે એના પ્રેમ, સત્ય અને બ્રહ્મ સ્વરૂપને પ્રગટ ન કરતું હોય. આ એક બહુ મોટી ચુનોતી હતી, બહુ મોટો પડકાર હતો કે શ્રીકૃષ્ણને પરોક્ષ રીતે રાખીને કેવી રીતે ઉપસાવવા? હરીન્દ્ર દવે અહીં ખૂબ સારી રીતે એ પડકાર ઉઠાવે છે.
  સમગ્ર નવલકથામાં શ્રીકૃષ્ણ માત્ર ચાર જ વખત પ્રત્યક્ષરૂપે આવે છે. પ્રથમ વખત તે અહંકારી થઈ ગયેલા જરાસંઘની મોઢામોઢ થઈને સંવાદ સાધે છે. વિષ્ટી કરવા ગયા છે તે કૌરવોની સભામાં કોઈ પણ ભોગે યુદ્ધ અટકાવવા માટે થઈને દર્દભરી અપીલ સાથે સમજાવે છે એને જે ભાષાપ્રયોગ ને દલીલો અને તર્કો આપે છે તે વખતે એમનું બીજું પ્રત્યક્ષ દર્શન થાય છે. ત્રીજું પ્રત્યક્ષ દર્શન અનાથના નાથ બનીને દ્રોપદીના ચીર પૂરવા માટેની જે યુક્તિ કરે છે ત્યારે છે. ચોથું દ્રશ્ય પ્રત્યક્ષરૂપે આવે છે ઉત્તરાના મૃત અવતરેલા પુત્રને પોતાના ન્યાય ધર્મની દુહાઈ આપીને સજીવન કરે છે એ વખતે. કૃષ્ણના જીવનના અતિ ચાર મહત્વના પ્રસંગોએ જ એમને પ્રત્યક્ષ અને તે પણ ચંદ ક્ષણો પૂરતા જ કથામાં સદેહે લેખક લઈ જાય છે. બાકી અન્ય પાત્રોના ઉદ્દ્બોધનોમાં, ઉચ્ચારણોમાં અને અનુભવોમાં એવી રીતે કૃષ્ણને મૂકતા ગયા કે સૌની પીડા એ આપણી પીડા બનતી ગઈ અને કૃષ્ણની શોધમાં ખુદ નારદ પોતે પણ પરિવર્તિત થતા જાય છે.
  આજનો ભારતીય મનુષ્ય અને વૈશ્વિક મનુષ્ય રાષ્ટ્રની અખંડિતતા, રાજકીય એકતા અને ધર્મિક સહિષ્ણુતા માટે ઝૂરે છે. આપણો ઝૂરાપો એ વસ્તુ માટે છે કે શાંતિનો ભંગ ન થાય અને રાષ્ટ્ર ને પ્રજા અખંડ રહે. આ બધું ઊભું થાય એવી પ્રજાની અવ્યક્ત મનોભાવના છે એને આ નવલકથાનું વિષયવસ્તુ બનાવીને એનું પ્રતિનિધાન આડકતરી રીતે લેખક કરવા ઈચ્છે છે અને એટલે ગંદી અને મેલી રાજકીય મુરાદોથી આખી રાષ્ટ્રને અધોગતિની ગર્તામાં ડૂબાડતા એવા રાજકારણની સામે કળાકારની હેસિયતથી અને સમર્થતા સાથે આ સર્જકે આ નવલકથાની અંદર આપણા યુગની ચેતનાને વાચા આપવાનું કામ કર્યું છે. અહીં અટકવા જેવું નથી, પણ તેમની સર્જકતા સ્તરો ભેદતી-ભેદતી ક્યાં સુધી પહોંચી છે તે સમજવા જેવું છે. આપણને પ્રશ્ન થાય કે, ‘નારદ કૃષ્ણને કેમ શોધ્યા કરે છે?’ શોધનું કારણ શું છે? જ્યારે નારદ ભગવાન પરશુરામના આશ્રમમાં પહોંચે છે ત્યારે ભગવાન પરશુરામના આ જ અણિયાળા પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ કહે છે કે, ‘હું કૃષ્ણને શા માટે શોધું છું તેનો તો કોઈ જવાબ નથી મારી પાસે. પણ ભગવાન પરશુરામ ! મને લાગે છે કે આ છિન્ન ભિન્ન થઈ રહેલો દેશ કદાચ કૃષ્ણની આસપાસ એક થઈ શકશે. આ તાર તાર થઈ ગયેલું જીવનવસ્ત્ર છે તે કૃષ્ણના પ્રેમમાં પોતાની દ્ર્ઢતા પ્રાપ્ત કરી શકશે. વીંખાઈ ગયેલો માનવી કદાચ કૃષ્ણ પાસે જશે તો ઠીક થઈ જશે.’
  દેશમાં શાસકો સાંકડા મનના બન્યા છે અને પ્રજા અપ્રમાણિક થઈ ગઈ છે એને લાગે છે કે લોકો પ્રેમ કરવાનું, રડવાનું, હસવાનું બધું ભૂલી ગયા છે. તો એવા સમયે તેઓ પ્રેમ કરે છે અતીત થઈ ગયેલા જે ભૂતકાળ છે તેને. જો કૃષ્ણ યુદ્ધ પહેલા મળી જાય તો આવું બધું સમજાવવા નારદ આટલી જૈફવયે પણ આટલી ઉત્કંઠા અને અધીરાઈ સાથે આટલી બધી રખડપટ્ટી કરે છે. જ્યાં કૃષ્ણ પહોંચ્યા છે ત્યાં પણ અને જ્યાં નથી પહોંચ્યા ત્યાં પણ તેઓ પહોંચી જાય છે, પણ મિલન પાછું ઠેલાતું જાય છે. શ્રીકૃષ્ણને આ રીતે પરોક્ષ રાખીને જે કંઈ કામ કર્યું છે તે સતત બતાવ્યા કર્યું અને કૃષ્ણની છબી આપણી સમક્ષ મૂકી આપે છે.
  જરાસંઘની સામે એમનું હિંમતબાજ, સાહસિક અને અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ આપણી સમક્ષ પ્રગટયું છે. વિષ્ટી કરતી વખતે જે રીતે એમણે હુંકાર કરીને આખી વાત કરી, અને એક બાજુ નાનામાં નાના માણસ થઈને સઘળું જતું કરવાની એક મુત્સદી રાજકારણી તરીકે તેઓ દેખાયા. દ્રોપદીની આપન્ન અવસ્થાની અંદર અને વિપદ અવસ્થાની અંદર એમણે જે સહાય કરી એ વખતે એક સખા તરીકેનું આખું રૂપ એમણે પ્રગટાવેલું. અર્જુન અને યુધિષ્ઠિરને જ્યારે તેઓ ધર્મ સમજાવે છે ત્યારે એક ધર્મગોપ્તા તરીકેનું સ્વરૂપ આપણી સમક્ષ ખુલ્લું થાય છે. ઉત્તરાના મૃત એવા પુત્રને સજીવન કરતી વખતે આપણને અવતારી બ્રહ્મસ્વરૂપ પણ દેખાય છે.
  મહર્ષિ વેદવ્યાસ જેવા મોટા ગજાના સર્જક કૃષ્ણના જે કંઈ કરતૂત છે કે કર્તવ્યો છે એનાથી કૃષ્ણ કાવાદાવાયુક્ત, પ્રપંચી, રાજનીતિજ્ઞ, મુત્સદી, ખટપટીઓ હતો એવી કોઈ છાપ આપણા મનમાં ન રહે એ માટે જે છેલ્લો શ્લોક છે તે અદ્દ્ભુત રીતે મહાભારતમાં મૂકયો છે. આ શ્લોકમાં દુહાઈ આપતા શ્રીકૃષ્ણ કહે છે કે,
  ‘આખી જિંદગી દરમિયાન મેં ક્યાંય ખોટા કે અસત્ય મિથ્યા ઉચ્ચારણો ન કર્યા હોય, મેં ક્યાંય ન્યાય ધર્મને પડતો ન મૂક્યો હોય, હું ક્યારેય રણછોડ ન થયો હોઉં, મેં ક્યારેય બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું અપમાન ન કર્યું હોય, હું ક્યારેય માર ધર્મમાંથી ચલિત ન થયો હોઉં તો મારી તપસ્યા સમજીને મારા પુણ્યની દુહાઈ આપું છું કે આ બાળક સજીવન થા.’
  પછી બાળક સજીવન થાય છે. કૃષ્ણચરિત્રની જે કંઈ આપણી ગેરસમજો છે તે તમામ બધી વિખરાઈ જાય છે.
  શ્રીકૃષ્ણ તો છે વ્રજની ગાયોની નેત્રમાં, યમુનાન શ્યામ વહેણમાં, દ્વારિકાના હ્રદયમાં, અરે! ખુદ નારદની વીણાના સ્પંદનમાં કૃષ્ણ જીવે છે. શ્રીકૃષ્ણને શોધવા નીકળેલા નારદ વર્ષો સુધી કૃષ્ણને મળ્યા નહીં અને જ્યારે મળ્યા ત્યારે એ સ્વધામ સિધાવી ગયા છે. પ્રભાસની અંદર જ્યારે મળે છે ત્યારે તલસાટ અને ધખનામાંએ પોતે કૃષ્ણમય બની ગયા છે.
  ‘કાહે કો રતિયા બનાઈ,
  નહીં આતે નહીં જાતે મનસે,
  તુમ ઐસે ક્યું શ્યામ કનાઈ?’
  લેખકે આ પંક્તિ મૂકી છે તે આપણને હવે સમજાય છે. રતિ એટલે પ્રેમની લાગણી, રતિ એટલે અનુરાગ. રાધાની અને નારદની આ અવસ્થા છે. તમે એવા કેમ છો કે નથી આમાંથી જતા કે નથી આમાંથી આવતા. આવો ઘટ શું કામ આપ્યો, આવું શરીર, હ્રદય,અવતાર આપવાની શી જરૂર હતી કે અમારો ઘટ જ ન ભરાય. કવિ સુન્દરમની રચના થકી લેખક હરીન્દ્ર દવે ઘણું બધુ કહી જાય છે.
  આપણને પ્રશ્ન થાય કે નારદમાં કૃષ્ણ વિશે આટલી બધી ધખના કે તલસાટ આવ્યો ક્યાંથી? નારજીની વૃષભાનને ત્યાં રાધાજીને મળ્યા ત્યારે એ તલસાટ આવ્યો છે અને તેણે જોયું છે કે રાધાજીના રોમેરોમમાં શ્રીકૃષ્ણ છે. ભક્તોના ચાર પ્રકાર હોય છે : જિજ્ઞાસુ ભક્ત, અથાર્થીભક્ત, પ્રવાહી કે મર્યાદાયુક્ત ભક્ત અને આર્ત ભક્ત. રાધા આર્તભક્ત છે, અને આ ધખના સમજાય તે માટે સુંદરમનું દોઢ પંક્તિનું કાવ્ય મૂક્યું છે,
  ‘તને મેં ઝંખી’તી,
  યુગોથી ધીખેલા
  પ્રખર સહરાની તરસથી.’
  ઝંખના કેવી ઉગ્ર અને પ્યાસ કેવી તીવ્ર ! યુગોથી ધીખેલા એવા સહરાના રણની આ તરસ છે.એ તરસ લઈને જ્યારે આપણે શ્રીકૃષ્ણ પાસે જઈએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ આપણને પ્રાપ્ત થતા હોય છે. આ આખી વાત નારદને સમજાય છે.
  કૃષ્ણ મિલનના વિફળ રહેતા પ્રયાસોથી જેમને અંતર્ગૂઢ એવી ગહન પીડા હતી, એણે જ નારદને વિભૂતિમત્તા આપી. ભગવાન ભક્તને આપે છે ત્યારે પારાવાર કસોટી કરીને આપે છે અને ભક્તમય થઈ જાય છે, એટલે જ વિભૂતિયોગમાં પોતાના સ્વમુખે કહે છે કે, ‘બ્રહ્મષિઓમાં હું ભૃગુ છું અને દેવર્ષિઓમાં હું નારદ છું.’ ઉદ્ધવ નારદને કહે છે, ‘દેવર્ષિ ! કૃષ્ણે જ્યારે અર્જુનને કહ્યું કે હું નારદ છું ત્યારે મને આ વાત સમજાઈ નહોતી. અમે સૌ કૃષ્ણની આસપાસ રહ્યા અને જીવ્યા, પણ અમારામાંથી કોઈનામાં નહીં ને તમારામાં જ કૃષ્ણને પોતાનું રૂપ કેમ દેખાયું હશે? એની થોડી અવઢવ હતી મનમાં. પણ આજે દીવા જેવું દેખાય છે કે તમે કૃષ્ણ છો. કૃષ્ણની વિભૂતિ તમારામાં વસી છે.’
  ત્યારે હવે આપણા મનમાં છેલ્લો ઉઠતો સવાલ હોય કે, ‘જો નારદ પોતે જ જો કૃષ્ણરૂપ હોય તો કૃષ્ણની શોધ શા માટે કરવી પડે? પોતે પોતાની શોધ કરવાની? નારદે શા માટે કૃષ્ણની શોધ કરવી પડી? માણસે પોતે પોતાની શોધ કરવાની?’
  બ્રહ્યર્ષિ માર્કંડ ઋષિએ નારદને કહેલા શબ્દો ત્યારે આપણને યાદ આવે છે, ‘દેવર્ષિ ! તમે હજી આત્મજ્ઞ નથી બન્યા. તમે કૃષ્ણના દેહને શોધો છો.’ કૃષ્ણે જ્યારે કેટલીક વાતો ધર્મરાજને કહી હતી તે વાતો કરતા ધર્મરાજ યુધુષ્ઠિર નારદને જણાવે છે કે, ‘તમે તો પૂજનીય છો દેવર્ષિ ! પણ મને એમ લાગે છે કે તમારી ખોજ બહારની છે અને બહારની ખોજમાં કદાચ કૃષ્ણ મળે તો પણ શું?’ એમની ખોજ આપણા અંતરમાં સૂક્ષ્મરૂપે કરવાની હોય, કેમ કે ઈશ્વર નથી વસતો તનમાં કે મનમાં નથી વસતો શ્વસનમાં કે નથી વસતો વસનમાં. ઈશ્વર આપણું સ્વ છે, સૂર છે, પ્રાણ છે, ગહનતાની અનુભૂતિ છે, આપણું પોતાપણું છે.
  લેખક આખી વાતને આ કક્ષાએ લઈ જવા માગે છે.
  ઈશ્વરની શોધ એ આપણી શોધ છે અને આપણા સ્વરૂપ સાથે અનુસંધાન સાધવાનું હોય છે. આવું અનુસંધાન સધાય ત્યારે આપણે આપણા કૃષ્ણને પામી શકીએ. જો કૃષ્ણ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો આપણે એને ઈન્દ્રિયની સહાયથી પ્રત્યક્ષ દર્શન કે એનું જ્ઞાનભાન કયારેય ન મેળવી શકીએ. એ પ્રત્યક્ષ અનુભવનો વિષય નથી. ન તો એ ધારણા કે અનુમાનનો. પરોક્ષરૂપે પણ એને ન પામી શકાય. જો આપણે એને પામવા હોય તો આપણી પોતાની અપરોક્ષ અનુભૂતિમાં જ પામી શકીએ. આ અપરોક્ષ અનુભૂતિ શું છે? ઈશ્વર પ્રત્યક્ષ નથી, પરોક્ષ પણ નથી, ઈશ્વર વસે છે આપણા અંતરાત્મારૂપે. આપણી અંદર જ એની અનુભૂતિ થાય, આપણા અંતરજગતમાં આપણા અહેસાસરૂપે એ વાતનું ધ્વનંત આ કથા દ્વારા પ્રાપ્ત થાય છે.
  આપણે કહેવું પડે છે કે આજના મનુષ્યને અને માનવજાતની આ પરિસ્થિતિમાં આ મૂળ વાત સાથે જ્ઞાનપ્રકાશ આપવા માટે હરીન્દ્રભાઈએ જે ખેવના અને નિસ્બત સાથે આ નવલકથા રચી છે એ જોતા એમનું ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત સર્જન હોવાનું પ્રતીત થાય છે.
  માત્ર નારદ જ નહીં, નારદની સાથે સ્વયં શ્રી હરીન્દ્રભાઈ પણ શ્રીકૃષ્ણનું જે પ્રેમમય, સત્યમય બ્રહ્મ સ્વરૂપ છે તે પામી શકયા છે. આવી આ કથા કે બાપુ એના પર મન મૂકીને વરસ્યા હોય પણ આપણું વિવેચન મન મૂકીને વરસ્યું નથી, ને એના આવા ઊંડા ગૂઢાર્થો છે એના સુધી પહોંચી શકયું નથી…એની એક નાનકડી વેદનાની વાત સાથે મારા વકતવ્યને પૂરું કરું છું. નમસ્કાર.
  – નરેશ વેદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *