સચિન દેવ બર્મન અને મૂકેશ

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સચિન દેવ બર્મને રચેલાં મૂકેશનાં ગીતો, આ બન્ને કળાકારોનાં કુલ ગીતોની સરખામાણીમાં સંખ્યાની દૃષ્ટિએ સાવ ન નગણ્ય કહી શકાય એટલાં જ છે, અને માટે જ તે મહત્ત્વનાં બની રહે છે. કારણો કંઈ પણ હોય, પરિણામો આજે પણ લોકોને યાદ છે. બન્નેનાં અલગ અલગ વિશ્વમાં આ ગીતોનું સ્થાન આગવું રહ્યું છે, ઉત્કૃષ્ટ કક્ષાનું રહ્યું છે, સદાબહાર રહ્યું છે અને પ્રથમ હરોળનું રહ્યું છે.

imageimage

સચિન દેવ બર્મને મૂકેશ પાસે આઠ (જ) ફિલ્મોમાં, ચાર સૉલો ગીતો અને આઠ યુગલ ગીતો ગવડાવ્યાં. જે પૈકી બે ફિલ્મો ૧૯૫૦ પહેલાંની હતી, જ્યારે સચિન દેવ બર્મનનું સ્થાન જેટલું જામ્યું હતું તે કરતાં મૂકેશ વધારે સ્વીકાર્ય, વધારે ચલણી ગણાતા હતા. તે પછી છેક ૧૯૬૦ના દાયકામાં ચાર ફિલ્મોમાં ને ‘૭૦ના દાયકામાં સચિન દેવ બર્મને મૂકેશનો ફરીથી બે ફિલ્મોમાં ઉપયોગ કર્યો.આ સમયની કુલ છ ફિલ્મોમાંથી બે ફિલ્મોમાં તેમણે મૂકેશના કંઠનો ઉપયોગ બેકગ્રાઉન્ડ ગીત માટે કર્યો અને ચાર ફિલ્મોમાં એ ફિલ્મના મુખ્ય કહી શકાય એવા પુરૂષ કલાકાર માટે મૂકેશનો સ્વર પ્રયોગ કર્યો. તેમાંથી બે ગીતમાં તો રફી કે કિશોરકુમારનો કંઠ વાપરી ન શકવા જેવી પરિસ્થિતિ હતી માટે તેમણે મૂકેશનો સ્વર વાપર્યો હશે તેમ માની શકાય.

જોકે આજે હવે આવાં પિષ્ટપેષણનું કોઈ મહત્ત્વ નથી. આજે તો આપણે આ બન્ને કલાકારોનાં સંયોજનોની ખૂબીઓને જ માણવાનો ઉપક્રમ કરીશું.

લાયી ખુશી કી દુનિયા હસતી હુઈ જવાની – વિદ્યા (૧૯૪૮)- સુરૈયા સાથે – ગીતકાર: અન્જુમ પીલીભીતી

કૉલેજથી છૂટીને બગીચામાં સાથે ફરવા આવેલાં યુવાન સુરૈયા અને દેવ આનંદના મનના ભાવોને તાદૃશ કરતા ગીતના શબો, બન્ને ગાયકોની ગાયકી અને સચિન દેવ બર્મનની ધુન આપણને પણ પરિણયની પળોમાં વહેતાં કરી મૂકે છે.

બહે ના કભી નૈન સે નીર, ઊઠી હો ચાહે દિલમેં પીડ, બાવરે યહી પ્રીતકી રીત – વિદ્યા (૧૯૪૮) – ગીતકાર: વાય એન (યશો નંદન) જોશી

રાતે એકલા પડેલ દેવ આનંદના ચિત્તમાંથી તેની પ્રેમિકાની સુરૈયાની મૂર્તિ ખસતી નથી. કહી ન જાય સહી ન જાય એવી પ્રીતકી રીતની આ મીઠી વેદના અહીં સચિન દેવ બર્મને મૂકેશના સ્વરમાં ઝીલી લીધી છે.

તૂ મહલમેં રહનેવાલી મૈં કુટિયામેં રહનેવાલા, ફિર તેરા મેરા સાથ કયા – શબનમ (૧૯૪૯) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ફિલ્મના નાયક અને નાયિકા દિલીપ કુમાર અને કામીની કૌશલ છે. પ્રસ્તુત ગીતમાં દિલીપ કુમાર આદીવાસી ગાયનનૃત્ય ટોળીનો પહેરવેશ પહેરીને જોડયેલ છે. કામીની કૌશલને કંઈક પ્રકારના દબાવમાં જોઈને એ અકળાય છે પરંતુ ટુકડીની નાયિકા તેને વારે છે. દિલીપ કુમારને જે કહેવું છે તે હવે ગીતના સ્વરમાં કહે છે. જવાબ આપે છે તો પેલી નાયિકા પણ જાણે તે કામીની કૌશલનાં મનની વાતનો પડઘો પાડતી હોય તેમ જણાય છે!

તુમ્હારે લિયે હુએ બદનામ તુમ જાનો યા ન જાનો – શબનમ (૧૯૪૯) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ પહેલાંના ગીત – તૂ મહેલોંમેં રહનેવાલી – જેવું જ ગીતનું ફિલ્માંકન છે. ફિલ્મમાં કદાચ બન્ને ગીતો જોડાજોડ પણ હશે?! ગીતનો આરંભ પ્રલંબ પૂર્વાલાપ સંગીતથી થાય છે જે નૃત્ય મંડળીને તેમની નિપુણતા રજૂ કરવાનો મોકો આપે છે. નાયક છે ભલે આદીવાસી પહેરવેશમાં પણ માઉથ ઓર્ગન બહુ કુશળતાથી વગાડી લે છે!

પ્યારમેં તુમને ધોખા શીખા યે તો બતાઓ કૈસે– શબનમ (૧૯૪૯) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ફરી એક વાર ફિલ્મનાં મૂળ નાયક નાયિકા વચ્ચે થવો જોઈતો સંવાદ આ બન્ને નૃત્યકારો વચ્ચે થતો બતાવાયો છે

કિસ્મતમેં બીછડના થા હુઈ ક્યોં તુમસે મુલાક઼ાત રે – શબનમ (૧૯૪૯) – ગીતા રોય (દત્ત) સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

હવે નાયિકા અને નાયક વચ્ચે આડકતરી રીતે સીધો જ સંવાદ થાય છે એટલે પાર્શ્વગાયક તરીકે શમશાદ બેગમની જગ્યાએ ગીતા રોય આવી ગયાં છે. નાયક અને તેનાં જોડીદાર સહન્રુત્યકાર સહનાયિકા બગી જેવાં વાહનમાં મુસાફરી કરી રહ્યાં છે. નાયક તેનાં દિલની વ્યથા ઠાલવે છે જેનો નાયિકા પોતાના મહેલમાંથી જવાબ વાળે છે. મહેલ અને શેરીમાં રહેતાં બે પ્રેમીઓની દશાનો ચિતાર ગીતમાં વણી લેવાયો છે.

ચલ રી સજની અબ ક્યા સોચે કજરા ન બહે જાયે રોતે રોતે – બમ્બઈકા બાબૂ (૧૯૬૦) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

‘૫૦નો આખો દાયકો સચિન દેવ બર્મને મૂકેશ વગર જ વીતાવ્યો. ૧૯૬૦માં જ્યારે તેમણે મૂકેશને યાદ કર્યા ત્યાં સુધીમાં મૂકેશની ખ્યાતિમાં એક બહુ જ ખાસ વાત ઉમેરાઈ ચૂકી હતી – તેઓ એક ગીતના જાદુ તરીકે બહુ જ અનોખું સ્થાન જમાવી ચૂક્યા હતા. ્સમ્ગીતકાર કોઇ પણ હોય, ફિલ્મમાં બીજાં ગીતો પણ લોકપ્રિય થયાં હોય, અને ફિલ્મમાં માત્ર એક જ ગીત તેમને ફાળે આવ્યું હોય. એ એક ગીત બધાં ગીતોમાં સરતાજ઼ બની ગયું હોય. અહીં પણ આવું જ કરૂણામય ગીત નાયકના કંઠે ગવાયું છે – સાથી ન કોઈ મંઝિલ. આ ગીત પણ બર્મન-રફીનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામતું રહ્યું છે. તેમ છતાં બેકગ્રાઉન્ડમાં ગવાતું આ ગીત ફિલ્મનાં બધાં જ ગીતો પર છવાઈ જાય છે. ગીતમાં તાર શહણાઇ અને કોરસનો વાદ્યસજ્જામાં થયેલો પ્રયોગ પણ એક બહુ અનોખો પ્રયોગ રહ્યો છે.

અય દિલ એ આવારા ચલ ફિર કહીં દોબારા ચલ યારને દિલદારકા વાદા કિયા હૈ – ડૉ. વિદ્યા (૧૯૬૨) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ફિલ્મનાં પણ નાયક પર ફિલ્માવાયેલ અન્ય (યુગલ) ગીતમાં મોહમ્મદ રફીના સ્વરનો પ્રયોગ કરાયો છે. ફિલ્મ નાયિકાપ્રધાન હતી એટલે લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં ગીતોનો દબદબો હોય એ પણ સ્વાભાવિક છે. એવામાં ફિલ્મમના નાયકની નાયિકા સાથે નવા સંજોગોમાં થઈ રહેલ મુલાકાતની રોમાંચક અપેક્ષાઓને વ્યક્ત કરતું આ સૉલો ગીત મૂકેશને ફાળે આવ્યું છે, અને મૂકેશનો એક ગીતનો જાદુ અહીં પણ બરક઼રાર છે.

યે કિસને ગીત છેડા… દિલ મેરા નાચે થીરક થીરક – મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) – સુમન કલ્યાણપૂર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

ફ્લ્યુટ અને મેંડોલીનના પૂર્વાલાપથી સ્વપ્નની દુનિયામાં લ ઈ જતું આ યુગલ ગીત પણ મૂકેશ (અને એમ તો સુમન કલ્યાણપુર માટે પણ) ફિલમનું એક માત્ર ગીત છે. ફિલ્મમાં મોહમ્મદ રફીનાં એક સૉલો અને એક યુગલ ગીત અને મન્ના ડેનું એક શાસ્ત્રીય રાગ પર આધારીત ગીત જ છવાયેલાં રહે છે. આવી સ્પર્ધામાં પણ મૂકેશને ફાળે આવેલું એક હલકું ફુલકું યુગલ ગીત પણ આવાં માતબર ગીતોની સામે પોતાનું સ્થાન ગુમાવી નથી દેતું!

ઓ જાનેવાલે હો શકે તો લૌટ કે આના, યે ઘાટ યે બાત કહીં તૂ ભૂલ ન જાના – બંદિની (૧૯૬૩) – ગીતકાર: શૈલેન્દ્ર

‘૬૦ના દાયકામાં દર વર્ષે બર્મન – મૂકેશ સંયોજનમાં એક એક ગીત મળી રહ્યાં છે. ફરી એક વાર બેકગ્રાઉન્ડમાં ગવાયેલું, ફિલ્મમાં લતા મંગેશકર અને આશા ભોસલે તેમ જ ખુદ સચિન દેવ બર્મન અને મન્ના ડેનાં પણ અત્યંત પ્રભાવશાળી ગીતોની બારાબરીમાં ઊભું રહેતું ગીત બર્મન મૂકેશના સ્વરમાં રજૂ કરે છે.

બાગોંમેં કૈસે યે ફૂલ ખીલતે હૈં – ચુપકે ચુપકે (૧૯૭૫)- લતા મંગેશકર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફરી એક વાર આખા દશકાનો કૂદકો વાગ્યા પછી બર્મન મૂકેશને યાદ કરે છે. આ ફિલ્મમાં પણ ધર્મેન્દ્ર પર ફિલ્માવયેલાં બીજાં એક રફી-કિશોરનાં યુગલ ગીતમાં ધર્મેન્દ્ર માટે બર્મનદાએ રફીનો સ્વર પસંદ કર્યો હતો.

તૂ સૈતાનોં કા સરદાર હૈ, હરદમ લડનેકો તૈયાર હૈ… સચ હૈ …ઓ તેરે હાથોં મેરા જીના દુસ્વાર હૈ – બારૂદ (૧૯૭૬)- શીવાંગી કોલ્હાપુરે સાથે – ગીતકાર: આનંદ બક્ષી

કારકીર્દીના શરૂઆતના તબક્કામાં સાથે કામ કર્યા બાદ કારકીર્દીના અંતમાં સાથ કેમ છોડી દેવાય?

જે ગાયક પાસે ઓછાં ગીત ગવડાવ્યાં હોય એવાં ગીતોમાં સચિન દેવ બર્મનના અનોખા પ્રયોગોની છાંટ ખાસ જોવા મળે અને એક ગીતના જાદુગર તરીકેની મૂકેશની ખ્યાતિમાં સૂર જોવા મળે એવાં બન્ને પાસાંઓની કસોટીએ ખરાં ઉતરતાં આ ગીતો હિંદી ફિલ્મનાં ગીતોની ચાહક દરેક પેઢીને ખૂબ પસંદ પડતાં રહ્યાં છે અને રહેશે..

હવે પછીના અંકમાં સચિન દેવ બર્મન અને મન્ના ડેના સહયોગથી રચાયેલાં ગીતોને યાદ કરીશું.

6 comments for “સચિન દેવ બર્મન અને મૂકેશ

 1. અજિત પોપટ
  July 29, 2017 at 9:31 am

  ખૂબ સરસ છણાવટ કરી. અભિનદન.

  • July 29, 2017 at 2:32 pm

   આપના આટલા પ્રોત્સાહક પ્રતિભાવ માટે ખૂબ ખૂબ હાર્દિક આભાર.

 2. Piyush Pandya
  July 29, 2017 at 10:18 am

  એકદમ સરળ શૈલીમાં ખુબ સુંદર માહિતી આપીને આ બંને મહાનુભાવોના પ્રશંસકોને તમે ખુશ કરી દીધા. ‘Prelude’ માટે ‘પૂર્વાલાપ’ પ્રયોગ ખુબ જચ્યો.

  • July 29, 2017 at 2:35 pm

   સચિન દેવ બર્મને જ્યારે જ્યારે ્કોઈ ગાયક પાસે બહુ ઓછાં ગીતો ગવડાવ્યાં છે ત્યારે તેમણે ધુનની સજાવટમાં એ ગાયકની ખૂબીઓને પૂરતો ન્યાય મળે તેનું ખાસ ધ્યાન રાખ્યું હોય તેવું જોવા મળે છે. સરવાળે પ્રશંસકોને ફાયદો જ ફાયદો.

 3. Prafull Ghorecha
  July 29, 2017 at 11:08 am

  એક અનોખી જ જોડી, એસ ડી અને મુકેશની.

  • July 29, 2017 at 2:37 pm

   મુકેશે જ્યારે પણ કોઈ એક ફિલ્મમાં માત્ર એક જ ગીત ગાયું છે ત્યારે એ ગીત અચૂક લોકપ્રિય બન્યું જ છે તેવો બહુ ખાસ રેકર્ડ નોંધવામાં આવ્યો છે. તેમાં એસ ડી બર્મને તેમનો બહુ માપી માપીને ઉપયોગ કર્યો. એટલે પરિણામ અનોખું જ રહે તે સ્વાભાવિક છે !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *