ફિલ્મીગીતો – इंतज़ार

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ઇંતજાર એટલે કોઈની રાહ જોવી. આપણી ફિલ્મોમાં મોટે ભાગે નાયિકાને ભાગે આ કાર્ય આવે છે અને ત્યારે તેની તડપને શબ્દોનું રૂપ અને સંગીતનાં વાઘા પહેરાવાય છે. જેટલું આ ગીત દર્દનાક તેટલી તેની અસર સાંભળનાર પર અને તેનો આગળ પડતો દાખલો છે લગભગ ૭૦ વર્ષ પહેલાની ૧૯૪૯ની ફિલ્મ ‘મહલ’નો. કોઈના આવવાની રાહ જોતા જોતા મધુબાલા જે ગીત ગાય છે તે આજે પણ આટલા વર્ષે સદાબહાર અને મનને તરબતર કરી દે છે.

आयेगा, आयेगा, आयेगा आनेवाला

નાયિકાની વિરહની વ્યથાને વ્યક્ત કરતા ગીતને શબ્દ આપ્યા છે નક્ષાબ જારાવચીએ અને તેને સ્વરબદ્ધ કર્યા છે ખેમચંદ પ્રકાશે. કંઠ છે લતાજીનો.

પરંતુ જ્યારે વાયદો કરીને પણ પ્રેમી ન આવે ત્યારે જે વ્યથા અનુભવાય છે તે ૧૯૫૪ની ફિલ્મ ‘શબાબ’ના આ ગીતમાં દર્શાવાઈ છે.

आये ना बालम वादा करके
थक गए नयना धीरज धरके

નાયક ભારતભૂષણ માટે આ ગીત ગાયું છે રફીસાહેબે, જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે નૌશાદનું.

૧૯૫૭ની ફિલ્મ ‘પેઇંગ ગેસ્ટ’નું આ ગીત પણ એટલું જ દર્દીલું છે.

चाँद फिर निकला मगर तुम न आये
जला फिर मेरा दिल करू क्या मै हाये

ચંદ્ર પણ આવી ગયો અને તું ન આવ્યો એવા ભાવવાળું આ ગીત નૂતનના માટે લતાજીએ ગાયું છે, જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના ને સંગીત છે સચિનદેવ બર્મનનું.

આનાથી વિપરિત કોઈના આવવાના ભણકારા થાય અને તેના આગમનને કારણે જે રોમાંચ અનુભવાય તે ૧૯૫૮ની ફિલ્મ ‘લાજવંતી’માં બખૂબી વર્ણવાયું છે.

कोई आया धड़कन के पीछे

धीरे से पलको की ये

गीरती उठती चिल्मन कहती है

कोई आया

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે સચિનદેવ બર્મને અને નરગીસ પર ફીલ્માયેલ આ ગીતને રમતિયાળ કંઠ આપ્યો છે આશા ભોસલેએ.

વળી પાછું એક દર્દનાક ગીત નાયિકા નૂતન માટે.

तेरी राहोंमे खड़े है दिल थामके
हाए हम है दीवाने तेरे नाम के

૧૯૬૦ની ફિલ્મ ‘છલીઆ’નું આ ગીત લખ્યું છે કમર જલાલાબાદીએ અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે લતાજીનો.

પોતાના પ્રેમીને યાદ કરીને પ્રેમિકા જણાવે છે કે

आजा रे मेरे प्यार के राही
राह निहारु बड़ी देर से

૧૯૬૫ની ફિલ્મ ‘ઊંચે લોગ’ના આ ગીતમાં જાણે પ્રેમીને સંદેશ મળ્યો હોય તેમ સામેથી તેનો પણ એવો જ પ્રતિભાવ આવે છે. આ ગીત કે.આર. વિજયા ફીરોઝખાનને સંબોધીને ગાય છે જેના સૂરીલા શબ્દોનાં રચનાકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે ચિત્રગુપ્ત. ગાયકો છે મહેન્દ્ર કપૂર અને લતાજી.

કોઈનો આવવાનો અણસાર મળતા સાધના પોતાની લાગણીઓને જે ગીત દ્વારા વર્ણવે છે તે ગીત છે ૧૯૬૫ની ફિલ્મ ‘વક્ત’નું.

कौन आया के निगाहोमे चमक जाग उठी
दिल के सोये हुए तारोमे खनक जाग उठी

સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનાં સંગીતને કંઠ સાંપડ્યો છે આશા ભોસલેનો.

આવું જ આગમનને કારણે ગવાતું એક સુંદર ગીત છે ૧૯૬૬ની ફિલ્મ ‘અનુપમા’નું.

धीरे धीरे मचल ऐय दिल-ऐ-बेकरार कोई आता है
युं तड़प के ना तड़पा मुजे बार बार कोई आता है

પિયાનો આગળ બેસી ગવાતા આ ગીતના કલાકાર છે સુરેખા પારકર. ચાલુ ગીતે તરુણ બોઝનો પ્રવેશ થાય છે અને તેનો ખયાલ આવતા કલાકારના હાવભાવ પણ બદલાઈ જાય છે. ગીતકાર કૈફી આઝમી, સંગીતકાર હેમંતકુમાર, જેને સ્વર આપ્યો છે લતાજીએ.

આ જ વર્ષની એક અન્ય ફિલ્મ છે ‘દો બદન’. પ્રેમીની યાદ આવે છે પણ પ્રેમી નથી આવતો તે સંદર્ભમાં આ દર્દીલું ગીત ગવાય છે:

लो आ गई उनकी याद वो नहीं आये

આશા પારેખ વડે ગવાતા આ ગીતને કંઠ આપ્યો છે લતાજીએ. શકીલ બદાયુનીના શબ્દોને સંગીતમાં ઢાળ્યા છે રવિએ.

૧૯૬૭ની ફિલ્મ ‘બહુ બેગમ’ના આ ગીતમાં ઇન્તઝાર અને પ્રતિસાદ એમ બંને ભાવો સમાવાયા છે.

हम इंतज़ार करेंगे तेरा क़यामत तक
खुदा करे के क़यामत हो और तू आ जाये

પ્રેમિકા મીનાકુમારી તો કયામત એટલે કે જગતના નાશ થવા સુધી પ્રેમીની એટલે કે પ્રદીપકુમારની રાહ જોવા તૈયાર છે પણ પછી તેને ખયાલ આવે છે કે કયામત તો આવવાની નથી એટલે કહે છે કે ભગવાન કરે કયામત આવે અને તું આવે. આનો પ્રતિસાદ પણ આગળ જતા મળે છે.

આ ગીત ગાયું છે રફીસાહેબ અને આશા ભોસલેએ જેને શબ્દો મળ્યા છે મજરૂહ સુલતાનપુરી પાસેથી અને સંગીત મળ્યું છે રોશન પાસેથી.

ક્યારેક ક્યારેક ભણકાર વાગે કે કોઈ છે અને તે હકીકતમાં ન હોય. ત્યારે જે ભાવ દર્શાવાય છે તે ગીત છે ૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’નું :

कोई नहीं है फिर भी है मुज़ को
क्या जाने किस का इंतज़ार

વહીદા રહેમાનના આ ભાવોને શબ્દો દ્વારા વ્યક્ત કરે છે મજરૂહ સુલતાનપુરી જેને સ્વરબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર આપ્યો છે લતાજીએ.

ચાલી જનાર પ્રેમીને સંબોધીને પોતાના મનોભાવને વ્યક્ત કરતુ ઈંતઝારભર્યું એક ગીત છે ૧૯૭૦ની ફિલ્મ ‘મન કે આંખે’નું જે વહીદા રહેમાન અને ધર્મેન્દ્ર પર ફિલ્માયું છે:

चला भी आ आजा रसिया
ओ जाने वाले आ जा तेरी याद सताये

સાહિર લુધિયાનવીના શબ્દો છે જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતને કંઠ સાંપડ્યો છે રફીસાહેબનો અને લતાજીનો.

ત્યાર પછી લાંબા ગાળાનું એક ગીત યાદ આવે છે ૧૯૯૦ની ફિલ્મ ‘સૈલાબ’નું.

उलज़ी है ये किस जाल में तु

है आज कल किस हाल में तू
हमको आज कल है इंतज़ार
कोई आये लेके प्यार

સાથીના સવાલના જવાબમાં માધુરી કોઈના પ્રેમની રાહ જોતી વ્યક્તિના ભાવને આ સુંદર નૃત્યગીતમાં સરસ રીતે વ્યક્ત કરે છે. આ ગીતના રચનાકાર છે જાવેદ અખ્તર અને સંગીત છે બપ્પી લહેરીનું. સ્વર મળ્યો છે અનુપમા દેશપાંડેનો.

આમ રાહ જોનાર તે પ્રેમી હોય કે પ્રેમિકા પણ પોતાના ભાવો વ્યક્ત કરે અને જે ગીત બને તે રસિકજનો માટે કર્ણપ્રિય બની રહે છે. લેખમાં ચૂકી જવાયા હોય તેવા ગીતો યાદ આવે તો તે શોધીને માણશો.


સંપર્ક સૂત્રો :-

નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta < nirumehta2105@gmail.com >

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *