ચોમાસામાં પૂરતું પાણી પીવાનું ચૂકશો નહિ!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

છાપાની પૂર્તિઓની કેટલીક ખાસિયત હોય છે. શિયાળો બેસે એટલે તમામ ગુજરાતી છાપાઓની પૂર્તિઓમાં અડદિયા, ખજૂરપાક જેવા પૌષ્ટિક ખોરાક વિષેના લેખોનો ઢગલો થઇ જાય. એ જ પ્રમાણે દિવાળી આવે એટલે લેખના વિષયોમાં રંગોળીઓ-ફટાકડા-વસ્ત્રો-મીઠાઈઓનો મારો ચાલે. ઉનાળામાં તરબૂચ અને લીંબુ વિષે ન લખો તો કદાચ તમે લેખક જ ન ગણાવાના હોવ, એ રીતે તરબૂચ-લીંબુ છાપ લેખો ફૂટી નીકળે. (આ લખનાર પણ આવો ‘સીઝનલ ધંધો’ કરી લેવાનું ચૂકતા નથી!)

અને હા, ઉનાળો હોય ત્યારે પાણી પીવાના ફાયદા સમજાવતા લેખોને કેમ ભૂલાય?! ઉનાળામાં વધારે પાણી પીવું જ જોઈએ, બોડીને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે આ જરૂરી છે. વળી ઉનાળામાં આ વિષે લખીને લોકોનું ધ્યાન દોરતા રહેવામાં પણ કંઈ ખોટું નથી જ! પણ સાહેબ, બીજી ઋતુઓનું શું? ખાસ કરીને ચોમાસાનું? કદાચ ઉનાળા જેટલું ન પીઓ, તો ય ચોમાસામાં જરૂર જેટલું પાણી તો પીવું જ પડે ને? હકીકત એ છે કે આપણે ચોમાસામાં – ખાસ કરીને વરસાદી દિવસો દરમિયાન – બહુ ઓછું પાણી પીએ છીએ. વાતાવરણમાં ભેજ હોય ત્યારે જાણી જોઈને આપણે પાણી પીવાનું ટાળતા હોઈએ છીએ. કારણ?! જી હા, વારંવાર વોશરૂમ તરફ દોડવાનો આપણને કંટાળો આવે છે! આને પરિણામે કેટલાં ય લોકો ચોમાસામાં અને શિયાળામાં કબજીયાતનો ભોગ બનતા ય જોવા મળે છે.

ઉનાળામાં પરસેવા વાટે આપણે ઘણું બધું પાણી ગુમાવતા હોવાના કારણે વારંવાર પેશાબ કરવા નથી જવું પડતું. પરંતુ શિયાળા અને ચોમાસામાં શરીરમાંથી પાણીના નિકાલ માટે આપણે મોટે ભાગે મૂત્ર-વિસર્જન ઉપર જ આધાર રાખવો પડે છે. અને આપણે વારંવાર વોશરૂમના ‘ધક્કાથી બચવા’ માટે પાણી પીવામાં આળસ કરીએ છીએ. ખરેખર પીવાના પાણીની ઉપયોગીતા જરા ઊંડાણથી સમજી લેવી જોઈએ.

(૧) પૂરતા પ્રમાણમાં પીવાયેલું પાણી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને મદદ કરે છે. ગુજરાતીમાં જેને માટે ‘રુધિરાભિસરણ તંત્ર’ જેવો શબ્દ વાપરવામાં આવે છે, એ બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ તો જ સારી રીતે ચાલી શકે, જો લોહી પૂરતું પાતળું હોય. જો લોહી અતિશય જાડું થઇ જાય કે લોહીમાં ક્લોટિંગ થવા માંડે, તો શરીરમાં લોહીનું પરિભ્રમણ મુશ્કેલ બને. જો પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરીએ તો લોહી પાતળું રહેવામાં મદદ મળે અને પરિભ્રમણ સરળ રહે. બ્લડ પ્રેશરની સમસ્યાઓ પણ ટાળી શકાય છે. સ્ટ્રોક અને હાર્ટ પેશન્ટ્સે તો ખાસ યાદ રાખીને પૂરતા પ્રમાણમાં પાણી પિતા રહેવું જોઈએ.

(૨) ચોમાસામાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. દૂષિત પાણી પીવાથી થતાં રોગોને નાથવા માટે પીવાનું પાણી જ સૌથી સચોટ દવા છે. જેમ ‘ઝેરનું મારણ ઝેર’, એમ પાણીજન્ય રોગોનું મારણ છે ઉકાળેલું શુદ્ધ પાણી! તમે પાણી ઉકાળીને પીશો, તો પાણીમાં રહેલા બેક્ટેરિયા નાશ પામશે અને બિમારીથી બચી શકાશે. વળી ચોમાસા દરમિયાન ઉકાળેલું પાણી પૂરતા પ્રમાણમાં પીતા રહેવાથી કોષોમાં હાઈડ્રેશનનું પ્રમાણ જળવાઈ રહે છે. જો બહાર કશેક એકાદ વાર દુષિત પાણી પીવાઈ પણ જાય, તો એવા કિસ્સામાં પણ વેલ હાઈડ્રેટેડ કોષો, દુષિત પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવા સમર્થ હશે! આ સિવાય, વેલ હાઈડ્રેટેડ બોડીની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી જ હોવાની!

(૩) હમણાં હમણાં બોડીને ‘ડીટોક્સ’ કરવાનો બહુ વાવરો છે. શરીરને ડીટોક્સ કરવા માટે ફિટનેસ સેલિબ્રિટીઝ છાશવારે ભળતા સળતા પીણા પીતા રહેવાનું સૂચવે છે. આ ડીટોક્સ કરવું, એટલે શરીરને ટોકસીન-ઝેરી પદાર્થોથી મુક્ત કરવું. અને લખી રાખો, કે પાણી કરતાં સારું ડીટોક્સિક પીણું એક્કેય નથી. આપણે ખોરાક વાટે અનેક ન ખાવાના દ્રવ્યો પેટમાં પધરાવતા રહીએ છીએ. આ બધા દ્રવ્યો ફરીથી શરીરની બહાર ફેંકવા જરૂરી છે. ખાસ કરીને ચોમાસની ઋતુમાં ચા ને ભજીયા કે પછી બીજું મસાલેદાર જંક ફૂડ ઓહિયા કરી જતા હોઈએ, ત્યારે પેટમાં જતા વધારાના તેલ, ચરબી, એસીડ વગેરેને પાછા શરીરની બહાર ફેંકવા વિષે આપણે ભાગ્યે જ કશું વિચારીએ છીએ! જો પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે, પરસેવા અને પેશાબ દ્વારા આવા ઝેરી તત્વો બહાર ફેંકાવામાં સરળતા રહે. (છો ને વારે વારે વોશરૂમ તરફ દોડવું પડે, શરીર અંદરથી ચોખ્ખું રહેતું હોય તો એના જેવું ઉત્તમ શું?!)

(૪) અવસ્થાએ પહોંચેલા ઘણા લોકો (અને કેટલાક યુવાનો સુધ્ધાં) ચોમાસામાં શરીરના સાંધા દુખવાની ફરિયાદ કરતાં હોય છે. એક માન્યતા એવી છે કે ભેજવાળા વાતાવરણમાં સાંધામાં દુખાવો થવાની શક્યતા વધી જાય છે. માનવામાં મુશ્કેલી પડે એવી વાત એ છે કે સાંધાના દુખાવાની આ સીઝનલ સમસ્યા માટે ય પાણીનું ઓછું પ્રમાણ જ જવાબદાર છે. પ્રથમ મુદ્દામાં કહ્યું એમ પુરતા પ્રમાણમાં પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે. પરંતુ ચોમાસામાં – ખાસ કરીને મોટી ઉમરના લોકો ઓછું પાણી પીએ તો લોહીનું પરિભ્રમણ ધીમું થવાને કારણે, સાંધાઓને પૂરતું લોહી મળતું નથી. પરિણામે સાંધા જકડાવા અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ ઉદભવે છે.

(૫) ગુજરાતીઓની પુરાણકાળથી ચાલી આવતી સમસ્યા, એટલે કે સ્થૂળતાને તો કેમ ભૂલાય? સ્થૂળતા દૂર કરવામાં પાણી જરા ‘આડકતરી’ મદદ કરે છે. એક તો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ એટલે કબજીયાત થતી નથી, પરિણામે પાચનતંત્ર વ્યવસ્થિત રીતે કામ કરે છે અને ખોરાકના ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. અને બીજું, જો તમે નિયમિત કસરત કરતાં હોવ, તો વેલ હાઈડ્રેટેડ બોડીને કારણે તમારું એનર્જી લેવલ ટકી રહે છે, જેના પરિણામે તમે વધુ વર્ક આઉટ કરવા સક્ષમ બનો છો.

(૬) ચોમાસામાં અને શિયાળામાં ઓવર સ્લીપિંગ – વધુ પડતી ઊંઘ પણ એક સમસ્યા બની જાય છે. આ ઋતુઓમાં આળસ તમારો કબજો લઇ લે છે. પરિણામે સરેરાશ કરતાં એકાદ કલાક વધુ ઊંઘીને તમે શરીરની આખી સિસ્ટમને જફા પહોંચાડો છો. જો દિનચર્યા દરમિયાન પૂરતું પાણી પીધું હોય, તો શરીરમાં સ્ફૂર્તિ ટકી રહે છે, ઊંઘ સારી આવે છે, તમારા મૂડને પોઝીટિવ બુસ્ટ મળે છે, જે સીઝનલ ડિપ્રેશનથી દૂર રાખે છે!

(૭) ચોમાસા દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાથી કિડનીને લગતી અમુક સમસ્યાઓથી પણ બચી શકાય છે. આમે ય પથરીના ઉપચાર માટે ડોક્ટર્સ વધુ પાણી પીવાની સલાહ આપે જ છે. ઉપરાંત લોહીમાં રહેલા નકામા પદાર્શોને ફિલ્ટર કરવાનું કામ કિડની કરે છે. જો પૂરતું પાણી પીતા હો, તો કિડનીની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

આખા લેખનો ફલિતાર્થ એ, કે ભલે વોશરૂમના ચક્કર વધી જાય, ચોમાસામાં પૂરતું પાણી તો પીવું જ જોઈએ! આ સિવાય, પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી તમારું માઈન્ડ પણ ‘ચાર્જ’ થતું રહે છે. અને એ તો બહુ જાણીતી વાત છે કે મગજ સાબૂત રહે, તો તમે આખી દુનિયાને ‘ભૂ પીવડાવી’ શકો!

અને રહી વાત લોકોને ‘ભૂ પીવડાવવાની’, તો એ અંગે ઘણું લખી શકાય એમ છે, પરંતુ અમારો પાણી પીવાનો ટાઈમ થઇ ગયો હોવાથી આટલે થી જ અટકીએ!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

2 comments for “ચોમાસામાં પૂરતું પાણી પીવાનું ચૂકશો નહિ!

 1. Purvi
  August 7, 2017 at 2:45 am

  સરસ, સમજવા લેખ.

  • Jwalant
   October 11, 2017 at 7:12 pm

   આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *