ફિર દેખો યારોં :: ટેકનોલોજી: માગો તે આપે, ને ગરદન પણ કાપે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

માનવજીવન સતત પરિવર્તનશીલ હોય છે. વીસમી સદીમાં પરિવર્તનની આ ગતિની ઝડપ વધવા લાગી, અને એકવીસમી સદીમાં તે અતિશય ઝડપી બની ગઈ. એક સમયે પ્રત્યાયનનાં માધ્યમોનો સદંતર અભાવ હતો તેને બદલે આ ક્ષેત્રે ક્રાંતિ થઈ ગઈ. મોબાઈલ ફોનના આગમને આપણી દુનિયા સાવ બદલી નાખી, કેમ કે, તેનો ઉપયોગ કેવળ પ્રત્યાયન પૂરતો મર્યાદિત રહેવાને બદલે કલ્પી ન શકાય એટલાં ક્ષેત્રોમાં થવા લાગ્યો, અને હજી અનંત ક્ષમતાઓ તેમાં રહેલી છે.

ટેકનોલોજી એક નિર્જીવ બાબત છે, અને તેનો ઉપયોગ કરનારા માણસો જીવંત. ઉપયોગ માટે સારાસારનો વિવેક ઉપયોગકર્તાની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે, જે ક્યાંય શીખવી શકાતી નથી. મોબાઈલ ફોનના ઉપયોગ બાબતે પણ આવું જ બની રહ્યું છે એમ કહી શકાય. જાહેર સ્થળોએ કે અંગત મુલાકાતોના માહોલ પર મોબાઈલ ફોનનો પ્રભાવ દિનબદિન વધી રહ્યો છે એ હકીકત છે. તાજેતરમાં નોંધાયેલો એક કિસ્સો જાણવા જેવો છે.

હરિયાણાના એક ગામના નવવર્ષીય બાળકે રસોડામાં વપરાતા ચાકુ વડે પોતાના જ હાથ પર વાર કર્યો. હજી ચોથા ધોરણમાં ભણતા આ બાળકને તાત્કાલિક દિલ્હીની એક હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો. અહીં જનરલ સર્જન દ્વારા તેની સારવાર કરવામાં આવી, પણ પછી તેની પાછળ રહેલી અસલ સમસ્યાની જાણ થતાં આ બાળકને દિલ્હીની સર ગંગારામ હોસ્પીટલમાં મનોચિકિત્સક પાસે મોકલવામાં આવ્યો. હકીકત એવી હતી કે આ બાળક ચાર વર્ષનું હતું ત્યારે તેના માતાપિતાએ તેને એક મોબાઈલ ફોન ભેટમાં આપ્યો હતો. આ ફોન તેનું અતિ પ્રિય રમકડું બની રહ્યો હતો. બાળકના પિતા એક વ્યવસાયી છે, જ્યારે માતા વ્યાખ્યાતા છે. આ કારણે તેઓ પોતાના સંતાન પાછળ પૂરતો સમય આપી શકે એમ ન હતાં. આથી પોતાનો સમય બચાવવા માટે તેમણે પોતાના સંતાનને આ ‘રમકડું’ લાવી દીધું હતું. માબાપનો હેતુ બર આવ્યો અને જોતજોતામાં બાળક તેનું હેવાયું બની ગયું. એ હદ સુધી કે તેના હાથમાં મોબાઈલ ફોન પકડાવવામાં આવે તો જ તે ભોજન લેતો. ખોરાક લેતી વખતે તે યૂટ્યુબ જોતો કે ગેમ રમતો.

મનોચિકિત્સકે આ બાળક સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તે ચૂપચાપ બેસી રહેતો. પછી ડોક્ટરે મોબાઈલ ફોન સાથેના તેના સંબંધ વિષે વાત કરવાનું શરૂ કર્યું અને તે ધીમે ધીમે ખૂલવા લાગ્યો. પોતે બહાર રમવા જવાને બદલે મોબાઈલ ફોન સાથે રમવું વધુ પસંદ કરતો એમ તેણે જણાવ્યું. આ બાળકના માબાપ સાથે પણ મનોચિકિત્સકે વાત કરી. માતાપિતાએ કબૂલ્યું કે તેમણે કદી પોતાના પુત્રને બહાર રમવા મોકલવા માટે પ્રોત્સાહિત કર્યો નહોતો. તેમને લાગતું હતું કે ઘરમાં રમતો રહેવાને કારણે તે બહારની ખરાબ સંગતથી દૂર રહી શકશે. આ ઘટના બની તેના એકાદ વર્ષ અગાઉ માબાપને પોતાના બાળકના વર્તનમાં પરીવર્તન જણાવા લાગ્યું હતું. તેની પાસે મોબાઈલ ફોન ન હોય કે ફોન લઈ લેવામાં આવે તો તે ચિડાઈ જતો, ગુસ્સે થઈ જતો કે ગૂમસૂમ બની જતો. તે માથું દુખવાની ફરિયાદ કરતો. પછી ખ્યાલ આવ્યો કે એ તેની નબળી પડતી જતી દ્રષ્ટિને લઈને થતું હતું. તેને ચશ્મા કઢાવવાની સલાહ ડોક્ટરે આપી હતી, એટલું જ નહીં, બાળકને મોબાઈલ ઉપરાંત લેપટોપ, ટી.વી. જેવાં ઉપકરણો વાપરવા ન દેવાની તાકીદ પણ માબાપને કરવામાં આવી હતી. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, અને તે મોબાઈલ ફોન પર અવલંબિત બની ચૂક્યો હતો. મોબાઈલ ફોન તેની પાસેથી લઈ લેવાની ચેષ્ટા કરવામાં આવે કે તે અકળાઈ ઊઠતો અને ત્રાગાં કરતો. તેની માંગ પૂરી કરવામાં ન આવે તો ભીંતમાં તે પોતાનું માથું પછાડતો. આખરે તેણે પોતાના કાંડાના ભાગ પર ચપ્પુ મારવા જેવો મરણિયો અને અંતિમવાદી પ્રયાસ કર્યો, જેનો હેતુ એ જ હતો કે પોતાને મોબાઈલ આપવામાં આવે. આટલા નાના બાળકનો, નોંધાયો હોય એવો, આ પ્રકારનો ગંભીર કિસ્સો આ પહેલવહેલો છે.

આ બાળકની મનોચિકિત્સા કરનાર ડો. રાજીવ મહેતાના જણાવ્યા અનુસાર મોબાઈલ ફોન પર અવલંબિત રહેવાના, એટલે કે તેના આદી બની જવાના કિસ્સાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને તબીબી પરિભાષામાં ‘ડીપેન્ડન્સ’ કહે છે, અને તેની લત કોઈ માદક દ્રવ્યની લતની સમકક્ષ હોય છે. કોઈ પણ બાબતનો અતિરેક થાય અને તે સામાજિક તેમજ વ્યાવસાયિક જીવનને અસર કરે તેને ‘ડીપેન્ડન્સ’ કહેવાય છે. આવા લક્ષણના અસરગ્રસ્તને જાણ હોય છે કે પોતે અતિરેક કરી રહ્યો છે, અને તેનો પ્રભાવ પોતાના સામાજિક તેમજ વ્યાવસાયિક જીવન પર પડી રહ્યો છે. આમ છતાં, પોતાની આદત પર તેનું નિયંત્રણ હોતું નથી. આ બાળકના કિસ્સામાં મોબાઈલ ફોન મેળવવા માટેની તેની સતત લાલસા, તે હાથમાં આવે એટલે કેળવાતી અલિપ્તતા અને તે ન મળે તો પેદા થતી ગુસ્સા અને ચીડની લાગણીઓ જીવતાંજાગતાં લક્ષણો છે. અલબત્ત, હજી ‘મોબાઈલ ફોન ડીપેન્ડન્સ’નું નામાભિધાન સત્તાવાર રીતે દાખલ થયું નથી, પણ મનોચિકિત્સકો હવે આ પ્રકારનાં લક્ષણ માટે આ નામ વાપરી રહ્યા છે.

પેલા બાળકને હવે વૈકલ્પિક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જરૂરી દવાઓની સાથેસાથે તે બીજાં બાળકોને મળે, નવા શોખ કેળવે એવા પ્રયત્નો હાથ ધરાયા છે. ટેબલ ટેનિસ જેવી રમત તરફ તેને વાળવામાં આવ્યો છે, અને સંગીતના વર્ગોમાં પણ તે જઈ રહ્યો છે. અલબત્ત, ડો. મહેતાએ આ આખા કિસ્સામાં હકારાત્મક ઉછેરનું મહત્ત્વ ઉજાગર કર્યું છે. તેમણે બાળકના માબાપને સલાહ આપી છે કે તેઓ પોતાના સંતાન સાથે વધુ ને વધુ સમય ગાળે. આ સમય દરમ્યાન કોઈ ઉપકરણનો ઉપયોગ ન કરતાં તેઓ તેની સાથે જ રહે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. બાળક તેર વર્ષનો થાય ત્યાં સુધી આમ કરતાં રહેવાનું સૂચવવામાં આવ્યું છે. દિવસમાં એક સમયનું ભોજન પણ તેમણે સાથે લેવું તેમજ તેની સાથે રોજેરોજ ચાલવા જવાથી બાળક જલ્દી સાજો થશે એમ ડોક્ટરનું કહેવું છે.

આ આખો કિસ્સો આમ તો તદ્દન સ્પષ્ટ છે, અને તેમાં ટેકનોલોજીનો બિલકુલ વાંક કાઢી શકાય એવો નથી. ટેકનોલોજીના ઉપયોગને બહાને પોતાની નૈસર્ગિક જવાબદારીમાંથી છટકવા માગનાર સૌ કોઈ માવતર માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. આવા સૌ કોઈએ એક વાત ગાંઠે બાંધી રાખવા જેવી છે કે ઉપકરણનો ઉપયોગ અવશ્ય કરો, તેનાથી જીવન અમુક હદે આસાન બને છે, પણ ઉપકરણને તમારો ઉપયોગ ન કરવા દો.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૭-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં :: ટેકનોલોજી: માગો તે આપે, ને ગરદન પણ કાપે

  1. vimla hirpara
    July 27, 2017 at 7:36 pm

    આ. બિરેનભાઇ, ટેકનોલોજીના અતિરેક વિષેનો તમારો મનનીય લેખ વાંચ્યો. એવુ લાગે કે ટેકનોલોજી જો વાપરવાનો વિવેક ન હોય તો એ વરદાનને બદલે શાપ પણ બની રહે. અમેરીકામાં આપણી પહેલી પેઢી આવી કે જેને આંક મોઢે હતા એને સ્ટોરના કેશિયર ખરીદીને અંતે પરચુરણ પાછૂ આપવામાં ય મશીન સામે જુએ. એમ થાય કે આવા સામાન્ય સરવાળા બાદબાકી પણ નહી આવડતા હોય?જોવા જેવુ તો ત્યારે થાય કે કોઇ કારણસર મશીન બગડે ને બધા અટકીને ઉભા રહી જાય. બેંકમાં પૈસા હોય પણ તમે ઉપાડી ન શકો કે પૈસા હોય તો ય ખરીદી ન કરી શકો. એ જ રીતે બાળકોને ટીવી કે આઇપેડની બેસાડીને ખવરાવવામાં શ્રમ ઓછો પડે એવો સહેલો રસ્તો અપનાવવા જતા એ લાંબા સમયે વ્યસન બની જાય કે બાળકને ખોરાકમાં કોઇ રસ હોતો નથી. એણે શું ખાધુ એ પણ એને યાદ નથી કે એના સ્વાદની પરવા નથી. બસ, યંત્રવત પ્રવૃતિ. સામે માબાપ પણ ટીવી, કોમ્પયુટર, ફોન ને ફેઇસબુક એવા માધ્યમમાં ગળાડુબ હોય છે કે બાળક પોતાનામાં વ્યસ્ત હોય તો રાહત અનુભવે છે. એમ કરવા જતા બાળકમાં રહેલી સર્જનશકિતનો વિકાસ થતો નથી ને જો બીજ હોય તોએને પ્રોત્સાહન આપનાર કે ઓળખનાર કોઇ હોતુ નથી. બેશક ટેકનોલોજી અમુક સમયે વરદાન સાબિત થયેલી છે પણ એનો અતિરેક દરદ કરતા દવા વધારે ખતરનાક નીવડે એવી હાલત થઇ છે. એ જ વિમળા હિરપારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *