ગુજરાતી છાપાં : દશા, મહાદશા અને અવદશા

Facebooktwitterredditpinterestlinkedinmail

-અમિત જોષી

(૨૦૧૪-૧૫ના અહેવાલની સત્તર ઇસામાં યથાર્થતા વિષે બે વાતો. મૂળ લેખ અમદાવાદ સ્થિત વછેરા જેવા એક છ માસિક સામાયિક માટે લખાયેલો પણ દરજીના દિવાળી પર થતા વાયદા જેમ જ વાયદા થયા કે આગામી અંકમાં ચોક્કસ – એ સંજોગોમાં છછ મહિનાનાં વહાણાં પછી પણ લેખ તો વયસ્ક ન થયો પણ બાર મહિનામાં પેલો વછેરો પાકટ થઇ ગયો! બસ, આટલો વિચાર વિસ્તાર સુજ્ઞ વાચક માટે પૂરતો છે. )

સરકારી વસાહતમાં વસવાટના ફાયદામાં એક એ કે ભારતનું વૈવિધ્ય સાખ-પડોશી સ્વરૂપે આપોઆપ મળી જાય છે. અમારા મજલે બંગાળી, મલયાલી, ગઢવાલી અને અમે ગુજરાતી એમ પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દિશાઓ મળે છે, અને માશાલ્લાહ, ખાવા-પીવાના છોછના અપવાદ સિવાય ઉત્તમ કક્ષાના સંબંધો છે. એમાંયે ત્રણેય પડોશીઓ પોતપોતાની ભાષાનાં અખબાર સવારની ચા સાથે વાંચતા હોય એ મારા માટે ઘણોબધો અહોભાવ અને લગાર ઈર્ષ્યાનો વિષય રહ્યો છે. દિલ્હીમાં ફેરિયા થકી વિવિધ ૫૦ છાપાં/ટાઇટલ્સ વિતરિત થાય છે જેમાંથી પાંત્રીસેક અંગ્રેજી, હિન્દી અને બાકીનાં પંદરેક ભાષાઈ છાપાં છે. ઉર્દુ-પંજાબી તો બરાબર, દિવસભર છાપાં લઈને બેસતા ફૂટપાથ પરના ફેરિયા પાસે પણ બંગાળી, તેલુગુ,મલયાલી કે તમિલ છાપાની એકથી વધુ બ્રાંડ મોંમાં આંગળા નખાવી દે ! દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલી સેન્ટ્રલ ન્યૂઝ એજંસી/ CNA દેશવિદેશનાં છાપાં-સામાયિકોની ૧૯૩૬થી સૌથી અને જૂની અને મોટી વિતરણ એજંસી છે. અહીં માત્ર બે ગુજરાતી છાપાં ઉપલબ્ધ હોય છે – ગુજરાત સમાચાર અને સંદેશ. સંદેશ છાપેલી કિંમતે મળી જાય છે, ગુજરાત સમાચાર માટે રોકડા વીસ રૂપિયા છુટા કરવા પડે છે કારણ આ છાપું સબસીડી નથી આપતું. સામયિકોમાં ચિત્રલેખા અને સ્ત્રી હાજર સ્ટોકમાં હોય છે. દિલ્હીમાં બૂમબરાડા ભલે અંગ્રેજી છાપાના સંભળાતા હોય, હિન્દી છાપાં સૌથી વધુ વંચાય છે અને ફેલાવો વધી રહ્યો છે એ હકીકત છે. આની પાછળ વધતી સાક્ષરતા કારણભૂત છે અને ખાસ તો કામદાર વર્ગ – પેડલ રિક્ષા ચાલક પણ એક/બે રૂપિયાનું છાપું જરૂર વાંચતા થયા છે. સાંજના ટેબ્લોઈડનો વાચકવર્ગ પણ શ્રમિત વર્ગ પૂરતો મર્યાદિત છે, મુંબઈની જેમ હજી નોકરિયાત વર્ગ સુધી ફેલાયું નથી. (મુંબઈમાં ઇવનિંગર સવારના છાપા જોડે જ આવી જાય છે). દિલ્હીથી પણ પ્રસિદ્ધ થતું (મદ્રાસી ગણાતું ) ધ હિંદુ રૂ. દસની કિંમતનું છે છતાં એનો ફેલાવો લાખ નકલનો અંદાજવામાં આવે છે કારણ અહીં સિવિલ સર્વિસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવતા વિદ્યાર્થીઓની બગલમાં જરૂર હિંદુનું ફીડલું હોવાનું.

આ જ રીતે હરિયાણા, હિમાચલ,પશ્ચિમ UPના સાવ સ્થાનિક સમાચાર પીરસતા લઘુ અખબારને જરાયે નજરઅંદાજ કરી શકાય એમ નથી. લખવાનો મૂળ વિચાર તો સળવળેલો દિલ્હીથી પ્રકાશિત ભારતીય ભાષાના છાપાં વિષે અને સરાણે ચઢાવ્યું Press In India ૨૦૧૩-૧૪ પછી તો વાવ ઊતરતાં ઊતરતાં ક્યારે કુવામાં ધુબાકો માર્યો એ ખબર જ ન પડી. અહીં ૨૦૧૪-૧૫ના પ્રેસ ઇન ઇન્ડિયાને આધારે ગુજરાતી છાપાં વિશ્વમાં આંટો મારવાની નેમ છે જેનાં તારણો ઘણા ભ્રમ તોડશે તો આશ્ચર્યો પણ આપશે.

અખબાર નોંધણી અને ભાષાવાર છાપાંના આંકડા

અખબાર-સામાયિકોની નોંધણી કરતા ભારતીય અખબાર રજિસ્ટ્રાર/RNI સમક્ષ દેશના કુલ ૧ લાખ ૦૫ હજાર ૪૪૩ રજીસ્ટર્ડ પ્રકાશનોમાંથી ૨૩,૩૯૪ એ તેમનું ૨૦૧૪-૧૫નુ વાર્ષિક સ્ટેટમેન્ટ ફાઇલ કર્યું હતું. ૨૦૦૫-૦૬માં ૧૮ કરોડ ૦૭ લાખ ૩૮ હજાર ૬૧૧નો પ્રકાશન ફેલાવો ૧૪-૧૫માં ૫૧ કરોડ ૦૫ લાખ ૨૧ હજાર ૪૪૫ પર પહોંચ્યો છે.

૨૦૧૧ મુજબ ગુજરાતની વસ્તી ૬ કરોડ ૦૩ લાખ ૮૩ હજાર ૬૨૮ છે અને સાક્ષરતાનું પ્રમાણ ૭૯.૩૧% છે, ગુજરાતીમાં પ્રકાશન ફેલાવાનો સરવાળો ૨ કરોડ ૮૪ લાખ ૬૩ હજાર ૩૯૦ નો છે. જો વસ્તીના પ્રમાણમાં પ્રકાશનની સરાસરી કાઢવામાં આવે તો સાક્ષરતાનો દર સાહિત્ય પરિષદે કાઢવો પડે એવી ઘડીવાર આભાસી ખુશી થાય. ભાષાવાર પ્રકાશનની સંખ્યામાં હિન્દી, અંગ્રેજી, ઉર્દુ પછી ૧,૩૮૬ પ્રકાશનો સાથે ગુજરાતીનો ચોથો નંબર આવે છે. ભારતભરમાં ૧૭૨ ભાષા અને બોલીઓમાં પ્રકાશનો પ્રસિદ્ધ થાય છે. ગુજરાતમાંથીપણ ગુજરાતી (૪,૪૨૧) ઉપરાંત અંગ્રેજી(૨૭૨), હિન્દી (૨૧૬), બંગાળી, કોંકણી, નેપાળી, તમિલ અને તેલુગુનાં ૧-૧ પ્રકાશનો,મલયાલમ (૦૪), મરાઠી( ૦૬ દૈનિક સહિત 23),સંસ્કૃતમાં( ૦૪ દૈનિક સહીત ૦૫ પ્રકાશન), ઉર્દુમાં ૦૫ દૈનિક સહિત ૧૩,૧૮૭ દ્વિભાષી પ્રકાશનો પૈકી ૦૮ દૈનિક, અને ઓડિયામાં ૦૧ દૈનિક સહિત ૦૩ પ્રકાશનો. એટલે ગુજરાતમાં માત્ર ગુજરાતી કે બહુ બહુ તો હિદી અંગ્રેજી પ્રકાશન સુધી પહોચતી નજર વિશાળ બનાવવી પડે એવા આ આંકડા છે.

૨૦૧૩-૧૪માં સામયિકોમાં ધી હિંદુ વીકલી ટોચ પર હતું જયારે અમદાવાદથી પ્રસિદ્ધ થતું ઋષિ પ્રસાદ (હિંદી) માસિક ૧૨,૧૩,૦૯૪ના ફેલાવા સાથે દેશનું બીજું સૌથી વધુ ફેલાવો ધરાવતું સામયિક હતું. દિલ્હીમાં ગુજરાતી દૈનિક નથી પરંતુ ૪ સાપ્તાહિક અને ૬ પખવાડિક સહિત ૧૮ ગુજરાતી પ્રકાશનો જરૂર પ્રસિદ્ધ થાય છે.

ગુજરાતનાં જૂનાં જોગી પ્રકાશનો

ભારતભરનાં દીર્ઘ આવરદાવાળાં ૧૯ છાપાંમાંથી ચાર ગુજરાતી છાપાં છે જેમાં બસ્સો વરસના આરે પહોચેલું મુંબઈ સમાચાર (૧૮૨૨) સૌથી જૂનું તો અન્ય ગુજરાતી પ્રકાશનોમાં જામે જમશેદ (૧૮૩૨), ‘ખેડા વર્તમાન (૧૮૬૧)અને ‘ગુજરાત મિત્ર (૧૮૬૩) બ્રોચ સમાચાર (૧૮૭૯) અને ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ (૧૮૮૬) હજી અડીખમ છે

ગુજરાતમાં પરપ્રાંતીય પેપરપેઠ

ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતાં કુલ ૪,૮૩૬ પ્રકાશનોમાંથી ૧,૩૨૧ ગુજરાતી છે. રાજ્યનાં કુલ ૬૩૦ દૈનિકોમાંથી ૫૩૯ દૈનિક તો ગુજરાતી છે જે સંખ્યાની દૃષ્ટિએ બંગાળી,તમિલ કે મલયાલમ કરતાં વધારે છે.

નો ન્યુઝ ઈઝ ગુડ ન્યુઝમાં માનતા મહાનુભાવોએ તરત ઉચાળા ભરી લક્ષદ્વીપ ભેગા થઇ જવું જોઈએ કારણ ભારતમાં તે એકમાત્ર પ્રદેશ છે જ્યાં કોઈ દૈનિક નથી!

સામયિકો

સામયિકોની નોંધણીમાં ભારતીય ભાષાવાર જોતાં હિન્દી(૧૨,૯૨૩) અને મરાઠી (૭,૬૮૦)પછી ગુજરાત (કુલ ૪,૮૩૬માંથી ૪,૪૨૨ ગુજરાતી ) ત્રીજા નંબરે છે. સમયગાળા મુજબ જોઈએ તો રાજ્યમાં ૫૩૯ દૈનિક,૧૯ અર્ધ સાપ્તાહિક, ૨,૧૮૯ સાપ્તાહિક, ૫૯૨ પખવાડિક, ૧,૪૪૮ માસિક, ૧૩૨ ત્રૈમાસિક, વાર્ષિક ૯૭ અને અન્ય ૯૫.

ગુજરાત બહાર ગુજરાતી પ્રકાશનો

ગુજરાતી પ્રકાશનો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ બહાર પડે છે. ગુજરાતમાંથી ૧,૩૨૧ (ફેલાવો (૨ કરોડ ૨૩ લાખ ૨૨ હજાર ૮૩૧), ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ૩૨ (ફેલાવો ૯ લાખ ૬૧ હજાર ૧૬૫), દમણ-દીવમાંથી ૦૫ (ફેલાવો ૨ લાખ ૭૦ હજાર ૮૭૪), દાદરા,નગર હવેલીમાંથી ૦૪ (ફેલાવો (૧,૧૫,૨૪૨), દિલ્હીમાંથી ૦૩ (ફેલાવો ૪૧,૬૩૭) અને તમિલનાડુ ૦૧ (ફેલાવો ૧,૦૦૦), ઉત્તરાખંડ ૦૧ (ફેલાવો ૧૧,૫૦૦). અને મધ્યપ્રદેશ ૦૧ (ફેલાવો ૧૮,૬૦૦) પ્રકાશન નોંધાયાં છે.

એક માત્ર પડોશી રાજ્ય રાજસ્થાનમાં એક પણ ગુજરાતી છાપું ન હોઈ આબુમાં ચખના પત્રિકામાં પડીકાં પેક કરાવવાં પડે છે!

ગુજરાતમાં ભાષાવાર પ્રકાશનનો ફેલાવો જોઈએ તો અંગ્રેજી (૧૪ લાખ ૬૩ હજાર ૬૦૬), દ્વિભાષીય(૪ લાખ ૫૭ હજાર ૮૭૧) અને હિન્દી (૩૫ લાખ ૩૦ હજાર ૧૮૨) નકલો વેચાય છે.

ભાષાવાર પ્રકાશનોની નોંધણી (૧,૪૦૯) અને ફેલાવો (૯૩,૩૫,૦૫૧). આમ બન્ને દૄષ્ટિએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી પછીનું સ્થાન ભોગવે છે.

ગુજરાતી પ્રકાશનોનો ફેલાવો

ગુજરાતમાં પ્રકાશનોનો કુલ ફેલાવો ૨ કરોડ ૮૪ લાખ ૬૩ હજાર ૩૯૦ છે જેમાંથી ૧ કરોડ ૭૮ લાખ ૯૬ હજાર ૮૬૭ દૈનિક, ૭૨ લાખ ૩૬ હજાર ૯૦૧ સાપ્તાહિક, ૨૧ લાખ ૫૨ હજાર ૫૪૮ પખવાડિક અને ૧૧ લાખ ૧૮ હજાર ૬૯૭ માસિક છે. આ નોંધણી અને ફેલાવાના આંકડા ગુજરાતની પરંપરાગત વાચન ટેવને જોતાં આ આંકડા કક્કા-બારાખડી કરતાં કુપનને વધુ આભારી હોય ત્યારે ગુજરાતમાં કાતર, ગુંદર ઉત્પાદકોને અખબારની આડપેદાશ શા માટે ગણવામાં ન આવે?

ગુજરાતમાં વંચાતાં મફત છાપાં

અહેવાલમાં મફત વિતરિત થતી નકલોની પણ રસપ્રદ માહિતી છે. ગુજરાતમાં આવી મફત નકલનું પ્રમાણ દૈનિકો (૨ લાખ ૩૫ હજાર ૦૯૯ ), અર્ધ સાપ્તાહિક (૪૨,૪૦૨ ), સાપ્તાહિક(૨ લાખ ૨૯ હજાર ૯૪૦ ) નકલો સામેલ છે. ગુજરાતમાં તો ધરાર પારકા છાપાં વાંચનારની મોજણી થાય તો આ આંકડા હજી રસપ્રદ થઇ શકે છે.

ગુજરાતનાં ટોપ ટેન અખબારો

હવે ગુજરાતનાં ટોપ ટેન અખબારો પર નજર. ૪ લાખ ૯૨ હજાર ૬૬૫ નકલો સાથે સૌથી વધુ ફેલાવો ધરાવતું અખબાર દિવ્ય ભાસ્કર છે. ૪ લાખ ૮૫ હજાર ૬૭૮ નકલો સાથે ગુજરાત સમાચાર બીજા નંબરે અને ૩ લાખ ૯૭ હજાર ૬૬૬ સાથે સંદેશ ત્રીજા સ્થાને છે. ગુજરાતી છાપાના ગુરુતમ અસાધારણ ન્યુસન્સ ઉપરાંત આ છાપાઓની બીજી સામ્યતા એ છે કે આ ત્રણેય અમદાવાદ આવૃત્તિ છે. એક લાખથી વધુ ફેલાવો ધરાવતાં છાપાં ચઢતા ક્રમે: સામના (૨ લાખ ૭૨ હજાર ૩૫૮/સૂરત), ગુજરાત સમાચાર (૨ લાખ ૫૧ હજાર ૮૩૮/સૂરત), ગુજરાત સમાચાર (૨ લાખ ૪૧ હજાર ૬૯૮/રાજકોટ), ગુજરાત સમાચાર (૨ લાખ ૩૩હજાર ૪૨૬/મુંબઈ), ગુજરાત સમાચાર (૨ લાખ ૧૯ હજાર ૮૩૪/વડોદરા),સંદેશ (૨ લાખ ૧૭ હજાર ૩૬૪/રાજકોટ), સંદેશ (૧ લાખ ૮૧ હજાર ૧૬૪/સૂરત),નવ ગુજરાત સમય(૧ લાખ ૬૭ હજાર ૯૩૯/અમદાવાદ), દિવ્ય ભાસ્કર (૧ લાખ ૬૩ હજાર ૧૯૫/રાજકોટ), સંદેશ (૧ લાખ ૬૧ હજાર ૫૫૨/વડોદરા), અમદાવાદ એક્સપ્રેસ(૧ લાખ ૫૦ હજાર ૧૦૦), દિવ્ય ભાસ્કર (૧ લાખ ૨૬ હજાર ૬૩૨/સૂરત ),સત્યાગ્રહ સંદેશ (૧ લાખ ૨૬ હજાર ૫૦૦/ગાંધીનગર) ,મેટ્રો ટુડે(૧ લાખ ૦૪ હજાર ૮૫૫/ અમદાવાદ) અને મેટ્રો ટુડે (૧ લાખ ૦૨ હજાર ૭૯૫/સૂરત).

પ્રકાશન સ્થળ

પ્રકાશન સ્થળની વાત કરીએ તો ગુજરાતના મોટા શહેરોમાંથી ૮૯૪, મેટ્રોમાંથી ૩૮,પાટનગરમાંથી ૧૮૨, નાનાં શહેરોમાંથી ૨૪૭,અને સંઘ પ્રદેશમાંથી ૦૭ પ્રકાશનો પ્રસિદ્ધ થાય છે.૧૦૦થી વધુ પ્રકાશન ધરાવતાં શહેરો અમદાવાદ(૧,૩૬૨માંથી ૧૧૯ દૈનિક),વડોદરા (૨૮ દૈનિક સાથે ૨૦૨),ભાવનગર (૧૬ દૈનિક સહિત ૨૧૯ પ્રકાશન),રાજકોટમાં 23 દૈનિક સહિત ૨૯૩ પ્રકાશન,અને સૂરતમાં ૪૯ દૈનિક સાથે ૨૩૬ પ્રકાશન.

અહેવાલમાં સમાચાર એકઠા કરવાની પદ્ધતિ,આવક,સરકારી જાહેર ખબરની આવક,જાહેર ખબરનો સ્થાન ઘેરાવો,સ્થાનિક સમાચારોને સમર્પિત જગા જેવા મુદ્દા પણ વિગતવાર સામેલ કરવામાં આવ્યા છે જે રસપ્રદ પણ છે પણ થોડું ઘણું અભ્યાસુઓ માટે છોડી દઈએ.

અખબારી ફેલાવો અને લાખેણાં પ્રકાશનો

૨૦૧૩-૧૪માં ગુજરાતી પ્રકાશનોનો કુલ ફેલાવો ૧ કરોડ ૯૬ લાખ ૨૮ હજાર ૨૪૪ હતો જેમાં ૪૧ લાખ ૧૪ હજાર ૬૦૫ નકલોના વધારા સાથે ૨૦૧૪-૧૫માં આંકડો ૨ કરોડ ૩૭ લાખ ૪૨ હજાર ૮૪૯ પર પહોંચ્યો છે.કદ પ્રમાણે ૩૩ મોટા(૭૫,૦૦૦થી વધુ ફેલાવો ધરાવતા),૨૩૮ મધ્યમ (૨૫,૦૦૦ – ૭૫,૦૦૦) અને ૧૦૯૭ (૨૫,૦૦૦ સુધી) લઘુ પ્રકાશનો છે. ગુજરાતમાં ૩૦ દૈનિક અને ૦૩ સામાયિક છે જે એક લાખ કરતાં વધુ ફેલાવો ધરાવે છે.

સામયિકમાં જ્ઞાનામૃત (ગુજરાતી) ૨ લાખ ૦૫ હજાર ૬૦૦ના ફેલાવા સાથે ટોચ પર છે જે પ્રજાપિતા બ્રહ્માકુમારીનું સામાયિક છે. સંડે નવગુજરાત સમય ૧ લાખ ૬૭ હજાર ૭૬૭ સાથે બીજા નંબરે જયારે ૧ લાખ ૦૬ હજાર ૭૮૨ સાથે ચિત્રલેખા ત્રીજા નંબરે છે. એક લાખથી વધુ ફેલાવો ધરાવતાં ગુજરાતી અખબારો ૨૦ છે જયારે લાખેણાં સામાયિકોની સંખ્યા કેવળ ત્રણ છે. ત્રણમાંથીયે એક તો ધાર્મિક પંથનું પ્રચારપત્ર છે જયારે બીજું મૂળભૂત રીતે તો રવિવારની પૂર્તિવાળું છાપું છે.

૨૦૧૩-૧૪ની સામયિક યાદીમાં ઋષિ પ્રસાદ, ચિત્રલેખા,મુદ્રાલેખ અને ફીલિંગ્સ સામેલ હતા. ૨૦૧૩-૧૪ સુધી ઋષિ પ્રસાદ હિન્દી લગભગ ઓલ ઇન્ડિયાનું ટોપ સામાયિક હતું અને ગુજરાતમાં ગુજરાતી ઋષિ પ્રસાદ ટોચ પર હતું જે આપણા મનોબૌદ્ધિક સ્તરનો સ્થૂળ મનોદૈહિક મેદ દર્શાવે છે. સામયિકોમાં ભારત અને ગુજરાત ટોપ ટેનમાં સંડે ટાઇમ્સ ઓફ ઇંડિયા કે હિંદુ વીકલી અથવા તો નવગુજરાત સમયનો જે ઉલ્લેખ છે એ ખરેખર તો રવિવારના પુર્તિવાળાં છે. છાપાં પ્રોડક્ટ થઇ જાય એટલે માર્કેટિંગના આવા ગીમિક ભોળા વાચકને માથે મારવામાં આવતા હોય છે, ફરક એટલો જ હોય છે કે રવિવારની અંગ્રેજી છાપાની પૂર્તિ લગ્ઝરી કોમોડીટીને કેટર કરે છે જયારે આપણા દેશી છાપાં કબજિયાતનું હરણ કરાવતા ઉત્પાદકોને!

બિદેસીયા ગુજરાતી પ્રકાશક

વિવિધ દેશો દ્વારા ભારતમાંથી પ્રસિદ્ધ થતા પ્રકાશનોમાંથી રશિયા એકમાત્ર ભાંગ્યું ભાંગ્યું તોયે એવું એક માત્ર ભરૂચ છે જે સૌથી વધુ ૫૦ પ્રકાશનોની બહોળી સંખ્યા ધરાવે છે જેમાં આજે સોવિયેત સંઘનું અસ્તિત્વ ન હોવા છતાં સોવિયત દેશ નામે ગુજરાતીમાં દૈનિક, માસિક અને પખવાડિક આજે પણ પ્રસિદ્ધ થાય છે. ભારતમાં વિદેશી દૂતાવાસ દ્વારા ગુજરાતી પ્રકાશન કરનાર રશિયા એકમાત્ર દેશ છે. હવે ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રાઇકાથી પણ અઘરો સવાલ એ જ કે આ વાંચતું કોણ હશે.

એપિક સરખા દીર્ઘ આખા અહેવાલમાંથી પસાર થવામાં સૌથી આનંદદાયક અને રોચક હિસ્સો પ્રકાશનના ટાઇટલ નામાભિધાન છે, જે ભલભલા સાક્ષર ફોઈ-ફૂવાને અંગુઠાછાપ સાબિત કરી દે એવા ફાટ-અફાટ સર્જનસભર છે. એક એક નામ સાથે ટિપ્પણી કરી શકાય એવી લાલચ રોકવાનું સહેલું નથી પણ એવાં ૩૫૭ નામો મળ્યાં છે (ભૂલચૂક લેવીદેવી!). એ જ યોગ્ય થશે કે વાચકો પોતાના શહેર/જિલ્લામાંથી પ્રકાશિત થતાં આવાં પ્રકાશનો વિશે જાતે જ પોતાની ટિપ્પણી લખી મોકલાવે!


શ્રી અમિત જોષીનું વીજાણુ સંપર્ક સરનામું: pakkagujarati@gmail.com

7 comments for “ગુજરાતી છાપાં : દશા, મહાદશા અને અવદશા

 1. Bipin Upadhyay
  July 26, 2017 at 8:30 am

  ભાઈશ્રી અમિતભાઇ,
  ગુજરાતી છાપા, ખુબ જ માહિતીસભર આલેખન છે.
  ગુજરાતી ભાષામાં આપ અને અમે દૈનિક બે આવૃત્તિ, ઉદ્યોગ મિત્ર ગુજરાત સોમવારનું સાપ્તાહિક, ઉપાધ્યાય ન્યુઝ સર્વિસીસ લગભગ 100 જેટલા ગુજરાતી ભાષાના દૈનિકો ને સમાચાર અને વિવિધ વિષય ઉપરના ખાસ લેખ દૈનિક ધોરણે આપીએ છીએ.
  આપનો આ લેખ અમે પ્રસિદ્ધ કરવા ઈચ્છીયે છીએ.
  મારા મોબાઈલ નમ્બર 9824241832 કે upadhyaybj@gmail.com પર સ્વીકૃતિ આપશો.
  આભાર
  બિપીન ઉપાધ્યાય

  • અમિત જોશી
   July 27, 2017 at 2:18 pm

   આભાર બિપીનભાઈ,તમ તમારે કરો કંકુના…

 2. July 26, 2017 at 7:25 pm

  છાપાં વિશે તો સરસ છાપ્યું . પણ ઈ-છાપાં વિશે વિચારતા કરી દે તેવો હળવો લેખ – લિન્ક નથી આપતો, આખો લેખ જ આ રહ્યો !
  ———————–
  તે બ્લોગર છે. કેવળ એકવીસમી સદીની, તરોતાજા પેદાશ.

  માનવ ઈતીહાસમાં ભક્તો, ફીલસુફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતીઓ, યોદ્ધાઓ, કવીઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શીલ્પકારો, વીચારકો, વૈજ્ઞાનીકો, સંશોધકો, સાગરખેડુઓ, ચાંચીયાઓ, બહારવટીયાઓ, અસામાજીક/ અનૈતીક તત્વો ….. અરે ! સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે!

  તે લેખક છે અને નથી.

  તે મોટે ભાગે નકલખોર છે. તે સાવ સીધું કોપી/ પેસ્ટ કરનાર કે આખાંને આખાં પાનાં સ્કેન કરીને મુકનાર કે બહુ બહુ તો, ચોપડીઓ કે સામાયીકોમાંથી ટાઈપ કરીને નકલ કરનાર છે. રડ્યાખડ્યા કોક વીરલા કાંઈક પોતાનું સર્જન કરે છે. પણ એ લેખક કરતાં બહુ જુદી માયા છે. એને એનું લખાણ પ્રસીદ્ધ કરવા માટે કોઈની પરવાનગી લેવી પડતી નથી; કોઈની દાઢીમાં હાથ નાંખવો પડતો નથી; કોઈની ખુશામત કરવી પડતી નથી, કે એને કોઈની શેહ શરમ નડતી નથી. એને કોઈ પ્રુફ રીડરંની જરુર હોય તેમ જણાતું નથી. એ સાવ બીન્ધાસ્ત લેખક છે. એને પ્રસીદ્ધીની કશી પડી નથી. એનું લખાણ બેચાર સગાં સંબંધી અને મીત્રો વાંચે; એનાથી એને સંતોષ છે. બાકી કોઈ પણ લેખકની જેમ પ્રશંસા અને દાદ મેળવવા માટે એ પણ તલસે છે- કદાચ વધારે તીવ્ર રીતે- કારણકે, અહીં આખી દુનીયામાંથી ટપાટપ પ્રતીભાવ મળી શકે છે; જે સામાન્ય લેખકના નસીબમાં નથી.

  એ પ્રકાશક છે અને નથી.

  એને પણ બધી રચનાઓ પ્રકાશીત કરવી પડે છે. એને પણ એના ગ્રુપોમાં અને મીત્ર મંડળમાં ઈમેલોથી જાહેરાત કરવી પડે છે. બ્લોગની જાળવણી કરવી પડે છે. રંગરોગાન અને સુશોભન કરવાં પડે છે. પણ એને પ્રકાશકની જેમ ટાઈપ કરનારાની, બીબાં ઢાળનારાઓની, પ્રુફ રીડરોની, કે વીતરકોની ફોજ રાખવી પડતી નથી. એને કોઈ મુડી રોકાણ કરવાનું કે લેખકોને વળતર આપવાનું હોતું નથી. કોઈ ચર્ચાસ્પદ લેખ પાછો ખેંચી લેવો હોય તો તે તત્કાળ તેમ કરી શકે છે.

  એ વીતરક છે અને નથી.

  જેવી કોઈ રચના પ્રકાશીત થાય કે તરત તે વીતરીત પણ થઈ જાય છે અને ક્ષણમાં જ આખા વીશ્વમાં તે વાંચી શકાય છે. આ માટે તેને એક પાઈનો પણ ખર્ચ થતો નથી. પણ એ વીતરણ ખરેખર થાય, તે માટે તેને જાહેરાત અચુક કરવી પડે છે. જોકે, આવી જાહેરાત પણ સ્વયંસંચાલીત રીતે થાય તે માટે આર.એસએસ.ફીડની, રીડરની, બ્લોગરીધમની વી. સગવડો પણ નીઃશુલ્ક મળી રહે છે.

  એ વાચક છે, અને નથી.

  એને બીજાના બ્લોગ વાંચવા કરતાં પોતાનો બ્લોગ વંચાય એની વધારે પડી હોય છે! અને આથીજ વાટકી વહેવારની જેમ, એને બીજાના બ્લોગ પર મને કમને મુલાકાત લેવી પડે છે; અને ઉપરછલ્લો પણ પ્રતીભાવ આપી, પોતાના આગમનની હાજરી સાબીત કરી આપવી પડે છે! એ સામાન્ય વાચક જેવો જ હોવા છતાં ઘણો જુદો પડી જાય છે. ચોપડીના વાચકને છેલ્લું પાનું યાદ રાખવા બુકમાર્ક રાખવા પડે છે, અને એ પડી ન જાય એની સંભાળ રાખવી પડે છે. સામાન્ય વાચકને ગમતું લખાણ સાચવી રાખવા ફોટોકોપી કરવી પડે છે. ચોપડીઓની સુચી બનાવી મોકલનાર વાચકના સંબંધીને એ ખરીદવી કે પુસ્તકાલયમાંથી મેળવવી પડે છે, કે મીત્ર પાસેથી ઉછીની લાવવી પડે છે. ( પાછી આપવાની કોઈ બાંહેધરી આપ્યા વીના!)નેટ ઉપર તો ભાત ભાતના ફેવરીટ અને ઈ-બુકમાર્ક હાથવગા મળી જાય છે.
  બ્લોગ વાચક તો કોપી/પેસ્ટ કરી ફાઈલ બનાવી નવરાશે અનેક વાર વાંચી શકે છે. મીત્રોને મોકલી શકે છે. બ્લોગના વાચકને તો કંટાળી જવાય એટલા, કોપી અને ફોર્વર્ડ કરેલા સંદેશ મળતા જ રહે છે! ‘ગમતું એ મારું’ એનાથી એક ડગલું આગળ આ મનોવૃત્તી છે – ‘ગમતાંનો ગુલાલ’ કરવાની વૃત્તી છે. બ્લોગરના ધ્યાનમાં કાંઈક પણ આવે, તો એને ઉછાળો થઈ આવે છે – એને પોતાના બ્લોગ પર મુકી વહેંચવાનો.

  તે એક સામાન્ય માણસ છે અને નથી.

  તે સાવ સામાન્ય માણસ તો છે જ. તે થેપલાં બનાવતી ગૃહીણી, નવ વર્ષનું બાળક કે બાસઠ વર્ષનો બુઢ્ઢો હોઈ શકે છે. માત્ર થોડુંક કોમ્પ્યુટર વાપરવાનું જ્ઞાન, થોડીક બ્લોગ આવડત અને ચપટીક ટાઈપ કરવાની આવડત – અને બ્લોગરંની ગાડી ચાલુ. પણ એ સામાન્ય માણસથી મુઠી ઉંચેરો છે. એને કાંઈક વહેંચવું છે; એને માત્ર ખીસ્સાભેગું નથી કરવું. એને કોઈ પણ સામાન્ય કે અસામાન્ય માણસની જેમ પ્રતીષ્ઠા અને બે જણમાં ગણાવાની (Recognition) ખેવના જરુર છે જ. પણ કોઈ ન ગણે તો પણ એ બ્લોગીંગની પડેલી આદત ન છોડવા માટે વીવશ પણ છે – એ નશાખોર છે, એને બ્લોગીંગનો બેવડો ચઢેલો છે! એ સામાન્ય માણસ પોતાના નાનકડા જીવનના વર્તુળમાંથી જરીક બહાર આવેલો જીવ છે.

  માટે બ્લોગર એક વીશીષ્ઠ વ્યક્તીત્વ છે – કે નથી?

  ———————————-

  સર્વે વાચકો અને બ્લોગરોને આ બાબત પોતાના વીચાર બીન્ધાસ્ત રજુ કરવા આ બ્લોગરનું ઈજન છે.

 3. Dipak Dholakia
  July 27, 2017 at 12:24 am

  સુરેશભાઈ, તમે આખો લેખ આપ્યો તો એક લાઇનમાં લિંક પણ આપવી જોઈતી હતી. લેખક કોણ છે તે કેમ ખબર પડે? લિંક આપીને આપણે એક રીતે એમનો આભાર જ માનીએ છીએ ને! કદાચ બીજા સારા લેખો પણ એમના બ્લૉગ પર હોય. કોઈને ઉત્સુકતા થાય તો શું કરવું? સૌ પોતાના વિચારો બિન્ધાસ્ત મૂળ લેખકના બ્લૉગ પર જ મૂકે તે વધારે ન્યાયોચિત ગણાય એમ મને લાગે છે.

 4. July 27, 2017 at 7:44 pm

  વાહ રે વહાલા… વિનામૂલ્યે ગુજરાતી પ્રકાશનનુો હાથવગો સંદર્ભલેખ ઉપલબ્ધ કરાવી દીધો સૌને… એમાં વળી તારી અસલ પ્રવાહિતા…. હવે પછી એક લેખ એવો લખ જેમાં આ પાપીડાં પ્રકાશનો કેટલાં પાણીમાં છે અને કેવાંક છીછરાં છે એ સૌને ખબર પડે… ધન્ય છે દોસ્તાર…

 5. Piyush Pandya
  July 29, 2017 at 12:23 am

  ખુદ તો વાવનાં પગથિયાં ઉતરતાં ઉતરતાં કુવે ડૂબકી મારી, પણ તરતાં ન આવડતું હોય એવા મુજ શિખાઉને ય ભમ્મરિયા કુવામાં ભેગો ડુબાડ્યો! મજાક બાજુ પર, તમારામાં રહેલો એક સંશોધકનો આત્મા બે દાયકાના સરકારીકરણ પછી ય અકબંધ છે એમ દેખાઈ આવે છે.

 6. પ્રણવ
  August 1, 2017 at 1:35 am

  અમિત ભાઈ, લેખના અંતે … વધુ આગળના પાને… કે વધુ આવતા અંકે .. વાચવાની ઇચ્છા અધૂરી રહી ગઈ.. .. શ્રેણીમાં આલેખન કરવા જેવો વિષય પકડ્યો છે તેમાં આ તો હજુ પ્રસ્તાવના જ થઈ છે … હજુ વધુ છણાવટ સાથે આગળ ધપાવો ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *