જળમાં વમળ : ૩૮ : એક એવી હોય મહેફિલ જ્યાં મને, કોઈ બોલાવે નહીં ને જઈ શકું!

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કીકાણી

એક એવું ઘર મળે આ વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું,

એક એવું આંગણું કે જ્યાં મને, કોઈપણ કારણ વગર શૈશવ મળે!

                                                                                                                      – માધવ રામાનુજ

‘ઘર’ શબ્દ જ કેવો મીઠો છે! એમાં પ્રેમ છે, હૂંફ છે, આત્મીયતા છે, આવકાર છે! એક પ્રેમાળ કુટુંબ હોય, બાળકોનો કલરવ હોય અને દાદા-દાદીનું ડહાપણ હોય તો નાનો માળો પણ ઘર બની જાય! એના માટે મોટો મહેલ હોવો જરૂરી નથી. આ દુનિયામાં કહેવાતાં ઘર તો ઘણાં છે, પણ શું બધાં જ ઘર સરખાં હોય છે? ઘણીવાર મોટા મોટા મહેલ-મહેલાતોમાં જે પ્રેમ નથી મળતો તે નાની ઝુંપડીમાં મળી જાય છે!

જેમ એક જ સાચો મિત્ર હોય તો આખી જિંદગી આરામથી જતી રહે છે તેવી જ રીતે તમારા અંગત વિશ્વમાં એક જ એવું ઘર હોય કે જ્યાં કોઈ પણ કારણ વગર જઈ શકાય તો જિંદગી આરામથી જતી રહે. સગાં-વહાલાંઓને ઘેર જવા કંઈકને કંઈક કારણ જોઈએ. સંબંધીઓને ઘરે જવા પણ કંઈક પ્રયોજન જોઈએ. માણસ માંદો પડે તો ડૉક્ટર પાસે જાય, પાતળા થવા કસરત કરવા જાય, ભણવા માટે શાળા-કૉલેજમાં જાય, વેકેશન પડે તો ફરવા જાય (ગજા પ્રમાણે!), રજા પડે તો મામાને ઘેર જાય, ખાવાના ચટકા કરવા હોટલમાં જાય, ખરીદી કરવા બજાર જાય……. કારણ વગર કે પ્રયોજન વિના આપણે ક્યાંય જતાં નથી. કારણ વગર આપણે મિત્રને ઘરે પણ જતાં નથી કે કારણ વગર આપણે રાત્રે લટાર મારવા પણ જતાં નથી.

જો આ આખા વિશ્વમાં એક એવું ઘર મળી જાય કે જ્યાં કોઈ પણ કારણ વગર, કોઈ પણ પ્રયોજન વગર, કોઈ પણ બહાના વગર જઈ ચઢાય તો જીવનનો બધો થાક ઉતરી જાય. જેટલા પ્રેમથી તમે જાવ એટલા જ ઉમળકાથી તમારું સ્વાગત થાય. ‘કેમ આવ્યા છો’ પૂછવાની કોઈ ઔપચારિકતા નહીં, અને ‘મઝામાં છું’ કહેવાની કોઈ જરૂરત નહીં. મોટા થયાનો કોઈ ભાર નહીં કે કંઈ ન કર્યાની કોઈ નાનપ નહીં.

એ ઘર આપણું પોતાનું પણ હોઈ શકે, મિત્રનું પણ હોઈ શકે, સગાં-સંબંધીનું પણ હોઈ શકે કે પાડોશીનું પણ હોઈ શકે. અરે! કોઈ અજનબીનું પણ હોઈ શકે. કોઈ પણ કારણ વગર ગયેલો હું ત્યાં કોઈ પણ ઔપચારિકતા વગર રહી શકું, બધાંને મળી શકું, ગોષ્ઠિ કરી શકું, મારી પોતાની જાતને મળી શકું, ફરીફરીને એક બાળક બની શકું, જીવવાનું ભાથું પામી શકું, નવજીવન પામી શકું, નવી ઊર્જા પામી શકું, નવો આનંદ પામી શકું અને સૌને આનંદ આપી શકું! ત્યાં પહોંચતા જ હું પાછો બાળક બની જાઉં, શૈશવની ગલીઓમાં ફરી આવું, નાનપણની મસ્તી માણી આવું અને બાળપણની મઝા ચાખી આવું! જાણે જીવતે જીવ સ્વર્ગમાં મહાલી આવું! બસ એક જ આવું ઘર એ મારી મોટામાં મોટી મિરાત!

એક કલાકાર તરીકે હું ઇચ્છું કે મને એવાં ઘરને બદલે એક એવી મહેફિલ મળે કે જ્યાં જવા મારે કોઈ આમંત્રણની જરૂર ન હોય કે કોઈ નોતારાની આવશ્યકતા ન હોય. દિલ ખોલીને હું ત્યાં જઈ શકું, વિના સંકોચે મારાં ગીત ગાઈ શકું, મારી કવિતા સંભળાવી શકું, મારી કથની કહી શકું. ‘વાહવાહ’ની આશા પણ નહીં અને અણગમાની ચિંતા પણ નહીં. એક એવી મહેફિલ મળે તો મારું જીવન ધન્ય! કવિશ્રી માધવ રામાનુજ એટલે જ કહે છે કે :

એક એવી હોય મહેફિલ જ્યાં મને, કોઈ બોલાવે નહીં ને જઈ શકું!


સુશ્રી દર્શા કીકાણીનો સંપર્ક darsha.rajesh@gmail.com સરનામે થઈ શકશે

12 comments for “જળમાં વમળ : ૩૮ : એક એવી હોય મહેફિલ જ્યાં મને, કોઈ બોલાવે નહીં ને જઈ શકું!

 1. Jagat Kinkhabwala
  July 25, 2017 at 1:01 pm

  The dream Ghar (house) has to be in the heart and that speaks in your beautiful article Darsha. Who would not like to have such a house? That heart to heart connectivity is missing this days. People are living materialistic life and formalities are prerequisite!
  It’s immense love, satisfaction and unspoken security to have such a Ghar – an extended family.
  Nice article.
  Best Regards,
  Jagat. Kinkhabwala

  • Darsha Kikani
   July 27, 2017 at 11:55 am

   Thanks, Jagat. Very true, heart to heart connectivity is really missing.

 2. Rajesh
  July 25, 2017 at 1:09 pm

  Very nice! ખુબ સુન્દર વિચાર! ઍ ઘર પોતનુ જ હોય તો કેવુ?

  • Darsha Kikani
   July 27, 2017 at 11:56 am

   Thanks. Keep reading!

 3. Mala Shah
  July 25, 2017 at 6:59 pm

  Superb Article. Beautiful wordings & explanations. Very nice details & feelings of the REAL GHAR. While I was reading this article, I enjoyed each & every sentences of it. Excellent work done Darsha.

  • Darsha Kikani
   July 27, 2017 at 11:58 am

   Thanks,Mala. For us, Indian ladies, it has a special place in our lives. Keep reading!

 4. Surendra
  July 25, 2017 at 10:34 pm

  It is true home is home and after every outing it is home dear home that relaxes one self

  • Darsha Kikani
   July 27, 2017 at 11:59 am

   Thanks, Suren bhai. Yes, home is the final destination of all the tours.

 5. Ketan Patel
  July 26, 2017 at 5:10 pm

  વસુધૈવ કુટુમ્બકમ…..
  આતો બધાના જ મનની વાત થઈ ગઈ !

  • Darsha Kikani
   July 27, 2017 at 12:01 pm

   Thanks, Ketan! Yes, home is home, be it a small hut or a big palace!

 6. July 27, 2017 at 7:21 pm

  ‘ખાલી ઘર’ યાદ આવી ગયું …
  એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જુના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઉજાસ આંખે ઉડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે. અહીં હમણાંજ નવું નક્કોર ફર્નીચર ગોઠવવાવાનું છે; સોડમવાળી રસોઈ બનવાની છે. સંગીતની સુરાવલીઓ રેલાવા માંડવાની છે. અહીં દેવની પુજા કરીને મંગળગીતો ગવાવાનાં છે. અહીં થોડા જ વખતમાં બાળકોની કીલકારીઓ અને કલશોર થવાનાં છે. અહીં પ્રણયની મસ્તી અને શ્રુંગારની મદીરા છલકાવાની છે. અહીં હવે નવું જીવન જીવાવાનું છે, અને આ ઘર તે માટે તલપાપડ થઈને બેઠું છે.

  બીજું પણ એક ઘર છે, જે હમણાંજ ખાલી થયું છે. તેમાં વસનારાં, તેને તજીને બીજે રહેવાં જતા રહ્યાં છે. બચેલો, કોઈ કામ વીનાનો સામાન, ગાભા, ડુચા, નકામા કાગળો, ખસી ગયેલા ફર્નીચર પાછળથી હવે ડોકીયાં કરતાં કરોળીયાનાં જાળાં, ફર્શ ઉપર ભેગાં થયેલાં ધુળ અને કચરો અને ખાસ તો વીદાય થઈ ગયેલાં જીવતરના અભાવના ઓથારથી ભરાતાં ડુસકાં અને ડુમો – આ ખાલી ઘરના સમસ્ત અસ્તીત્વને ઘેરું અને સોગીયું બનાવી રહ્યાં છે.અહીં ખાલીપો છે, જે નજીકના ભવીશ્યમાં ભરાવાનો નથી. અહીં કેવળ નીરાશા અને એકલતા છે. અહીં હવે કોઈ જીવન નથી. એ માત્ર ખાલી મકાન જ છે. ઘર નથી.
  ———————-

  આ એક મકાન હોઈ શકે. એક નવો સંબંધ હોઈ શકે. એક નવો રસ્તો હોઈ શકે. એક નવો વીચાર, એક નવી અનુભુતી હોઈ શકે. એ સંગીતકારની મસ્તીમાં હમણાં જ પ્રગટેલી, સંગીતની લયબદ્ધ સુરાવલી પણ હોઈ શકે. અંતરના ઉંડાણમાંથી હમણાં જ પ્રગટેલી, પણ હજુ નહીં વંચાયેલી; ભાવથી છલકાતી અને છંદબદ્ધ કવીતા પણ હોઈ શકે. હમણાં જ ફુટેલી એક કળી કે તે કળી જેવું બાળક કે નવયૌવના પણ હોઈ શકે.

  અને એ ખાલી થયેલું મકાન પણ હોઈ શકે. વીજેતાના ક્રુર ઘણથી ખંડીત થયેલો અને ગયેલી સમૃદ્ધીને યાદ કરીને વલવલતો રાજાનો મહેલ પણ હોઈ શકે. હુલ્લડ પછી, કરફ્યુના અમલમાં સોરાતો, તુટેલા સ્વપ્નો અને જીવનો માટે આંસુ સારતો અને વલવલતો, નીસ્તેજ અને નીર્જન રસ્તો પણ હોઈ શકે. કે ટુંપાઈ અને નંદવાઈ ગયેલો સંબંધ પણ હોઈ શકે. અભરાઈએ મુકેલી પસ્તી જેવી બુઠ્ઠી લાગણીઓ કે વીચારશુન્યતા પણ હોઈ શકે. એ કેવળ ‘સ્વ’માં જ જીવાતું જીવન પણ હોઈ શકે કે સ્વજનની હમ્મેશની વીદાયથી ભેંકાર બનેલું એકલતાભર્યું અસ્તીત્વ પણ હોઈ શકે.

  સાચ્ચું કહું ? સાવ સ્વલક્ષી, સહીશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વીનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડીયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.

  જાતજાતનાં ખાલી ઘર. ખાલીપણાં ય કેવાં જાતજાતનાં અને ભાતભાતનાં ?

 7. Nikhil
  July 28, 2017 at 7:07 pm

  ઘર એવું કે જ્યાં પોતાના પણાનો નો પૂરો અને સાચો અહેસાસ થાય
  એક એવી જગ્યા કે જ્યાં કોઈ રોક ટોક નહિ, સર્વસ્વ મારુ
  જ્યાં સર્વ બંધન અનેરા અને બધુજ સન્મુખ સદ્રશ્ય
  શ્વાસ ઉરછવાસ પણ એક, હું તમે અમે ની એક સમાન લાગણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *