વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૮ : સ્વર્ગમાં ગાંધીજી (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ગાંધીજીની હત્યા 1948 માં થયા પછી પૃથ્વી પરનું તેમનું સત્તાવાર ‘નિવાસસ્થાન’ દિલ્હીસ્થિત તેમની સમાધિ રાજઘાટ ગણી શકાય. આ સિવાય તેમનું સ્થાન સ્વર્ગમાં તો ખરું જ. રાજઘાટ પર ગાંધીજીને દર્શાવતાં કેટલાંક કાર્ટૂનો અગાઉની કડીમાં જોયા પછી આ વખતે ગાંધીજીને સ્વર્ગમાં દર્શાવતાં કેટલાંક કાર્ટૂનો જોઈએ.

સામાન્યપણે આ કાર્ટૂનોમાં બે-ત્રણ મુખ્ય પ્રકાર જોવા મળે છે. ગાંધીજી કે તેમના સિદ્ધાંત સાથે સંકળાયેલી કોઈ અગત્યની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ગાંધીજીની સ્વર્ગમાં પ્રતિક્રિયા દર્શાવી હોય એવો એક પ્રકાર છે. બીજા પ્રકારમાં પૃથ્વી પર હિંસાચારની ઘટના બને કે ગાંધીજીને ગમે એવી અહિંસાને લગતી કોઈ ઘટના બને ત્યારે સ્વર્ગમાં રહેલા ગાંધીજી પ્રતિભાવ આપતા બતાવાયા હોય છે.

*** *** ***

કાર્ટૂનિસ્ટ કુશલનું આ કાર્ટૂન વેધક છે. ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા થઈ ત્યારે ગાંધીજીના મુખમાંથી ‘હે રામ!’ના ઉદ્‍ગાર નીકળ્યા હોવાની વાયકા છે. ત્યાર પછી અસુખ નીપજે એવી કોઈ પણ પરિસ્થિતિ માટે આ ઉદ્‍ગાર પર્યાયસમો બની ગયો છે.

અહીં આકાશમાં રહ્યે રહ્યે ગાંધીજી પૃથ્વી પર લોકો દ્વારા આચરવામાં આવતી હિંસા જોઈ રહ્યા છે. એકબીજાની હત્યા માટે તત્પર જાતિસમૂહો કેમે કરીને સમજવા તૈયાર નથી. આ જોઈને વ્યથિત થયેલા ગાંધીજી ગોડસેનો આભાર માનતાં કહે છે, ‘આ બધી ઝંઝટમાંથી મને મુક્ત કરવા બદલ તારો શી રીતે આભાર માનું?’ આ સાંભળીને ગોડસેના મુખમાંથી ‘હે રામ!’ના ઉદ્‍ગાર નીકળી જાય છે. અહીં ગોડસેના હાથમાં બંદૂક પણ બતાવવામાં આવી છે, તેમ તેને પાંખો તથા તેજવર્તુળ દ્વારા તે સ્વર્ગમાં ગયો હોવાનું પણ સૂચવાયું છે. ગાંધીજી સાથે ગોડસેને વાત કરતાં બતાવવો હોય તો આટલું જરૂરી છે. ધ્યાનથી જોતાં ગોડસેને ગાંધીજીની વાત સાંભળીને પરસેવો થતો બતાવાયો છે. ગોડસે ગાંધીજીથી દેશને મુક્ત કરવા માંગતો હતો,જ્યારે અહીં ગાંધી પોતે છૂટકારો પામ્યાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, જેનો આઘાત ગોડસેને લાગેલો સ્પષ્ટપણે જણાય છે.

****

‘પિટ્સબર્ગ પોસ્ટ ગેઝેટ’ના ખ્યાતિપ્રાપ્ત કાર્ટૂનિસ્ટ રોબ રોજર્સ દ્વારા દોરાયેલું આ કાર્ટૂન છે, જેમાં ગાંધીજી અખબાર વાંચી રહ્યા છે. ઈજિપ્તમાં થઈ રહેલા અહિંસક વિરોધના સમાચાર વાંચીને રાજીપો અનુભવી રહેલા ગાંધીજી મલકાતાં મલકાતાં કહે છે, ‘હું આની જ વાત કરતો હતો.’ અહીં 2011 માં ઈજિપ્તમાં થયેલી ક્રાંતિનો સંદર્ભ છે. રોબ રોજર્સનાં રેખાંકનો વિશિષ્ટ હોય છે, જેમાં રેખાઓમાં મોટે ભાગે ખૂણાઓ જોવા મળતા નથી. અહીં તેમણે ગાંધીજીને સામાન્યપણે સ્વર્ગમાં હોવાનું સૂચવતાં વાદળાં ચીતર્યાં નથી, તેમજ ગાંધીજીને ભોંય પર બેઠેલા બતાવ્યા છે. તેમનો પડછાયો પણ જમીન પર પડતો બતાવ્યો છે. અખબારનું નામ દેખાડવાને બદલે તેમણે માત્ર ‘ન્યુઝ’ લખ્યું છે. પણ ચિત્રની સાદી, એકરંગી પશ્ચાદ્‍ભૂ આ સ્થળ ધરતીથી ઉપર હોવાનો આભાસ કરાવે છે.

****

શ્રેયસ નવરેના આ કાર્ટૂનમાં ગાંધીજી સહિત અનેક મહાનુભાવો છે. ગાંધીજીની બાજુમાં ઉભેલા નેલ્સન મેન્ડેલા અને તેમની બાજુમાં માર્ટિન લ્યુથર કીંગ ઓળખાય છે. પાછળની હરોળમાં લીન્કન હોય એમ જણાય છે. શાંતિ માટે જીવન સમર્પી દેનારા આ શાંતિદૂતો સ્વર્ગમાંથી પૃથ્વીના હાલ જોઈને દુ:ખી થઈ રહ્યા છે. ધિક્કાર, હિંસા, યુદ્ધો, આતંક, ગુનાખોરી, અસહિષ્ણુતા જેવા ખડકો પરથી પૃથ્વીનો ગોળો પછડાટ ખાતો ખાતો ખાઈ તરફ ગબડી રહ્યો છે. આ જોઈને સ્વર્ગમાં રહેલા પેલા મહાનુભાવો કહે છે, ‘આપણે ક્યાં નિષ્ફળ ગયા?’ આ શાંતિદૂતોની ખાસિયત એ છે કે તેઓ પૃથ્વી પરના લોકોનો દોષ જોવાને બદલે પોતાનો દોષ કે કચાશ જોવાનો પ્રયત્ન કરે છે. આ આખી ઘટના પર શ્રેયસના ‘કૉમનમેન’ એવા ‘ઝીરો’ નામના ગધેડાની ટીપ્પણી લાજવાબ છે. તે વક્રોક્તિ કરતાં કહે છે: ‘ફૂલીને ફાળકો થયેલા અહમનો સંકોચાતો દડો?’ હવા નીકળતાં પૃથ્વીરૂપી દડાના પતનની અનિયમીત અને અનિયંત્રીત ગતિ તરફ તેનો નિર્દેશ છે.

****

આ કાર્ટૂન પણ શ્રેયસ નવરેનું છે. 2011માં દિલ્હીમાં અણ્ણા હજારે દ્વારા ભ્રષ્ટાચારમુક્તિ આંદોલન આરંભાયું ત્યારે ઘણાને તેમાં ગાંધીજીની આધુનિક આવૃત્તિનાં દર્શન થયાં હતાં. અંગ્રેજો સામે દેશ આખો એક થયા પછી ભ્રષ્ટાચાર સામે ફરી એક વાર આખું રાષ્ટ્ર એક થાય એવા સંજોગો સર્જાયા હતા. ‘આઈ એમ અન્ના’ લખેલી ટોપીઓ યુવાનોમાં લોકપ્રિય અને ચલણી બની ગઈ હતી. શ્રેયસે આ કાર્ટૂનમાં ખુદ ગાંધીજીને અન્નાના ચાહક બતાવ્યા છે. એ સૂચવતા ‘આઈ લવ અન્ના’ લખાણવાળું ટી-શર્ટ ગાંધીજીએ પહેરેલું છે, અને હાથમાં પકડેલા અખબાર થકી તેઓ આ આંદોલનના સમાચારોથી વાકેફ રહેતા બતાવાયા છે. આખું કાર્ટૂન શ્વેતશ્યામમાં ચીતરીને ગાંધીજીના ટી-શર્ટની બાંયને ત્રિરંગાના રંગે અને ‘લવ’ના પ્રતીક જેવા હૃદયને લાલ રંગે બતાવ્યું છે. ટી-શર્ટની નીચે ગાંધીજીએ પોતડી જ પહેરી છે.

‘ઝીરો’ આ ઘટનાને ‘બાપુના પુનર્જન્મ’ તરીકે જુએ છે. મોટે ભાગે વક્રોક્તિ કરવા પંકાયેલું આ ગધેડું અહીં કદાચ અન્નામાં ખરેખરી શ્રદ્ધા દેખાડી રહ્યું છે, જે કદાચ કાર્ટૂનિસ્ટની ખુદની માન્યતાનું સૂચક છે. અફસોસ કે આ આંદોલનનો ફિયાસ્કો પણ બહુ ઝડપથી અને ખરાબ રીતે થઈ ગયો.

****

ગાંધીજીના જીવન પર આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મ રિચર્ડ એટનબરોએ બનાવી, જે 1982માં પ્રદર્શિત થઈ. આ ફિલ્મને વિવિધ શ્રેણીમાં બધું મળીને અધધ કહી શકાય એટલા, આઠ એકેડેમી એવોર્ડ (ઓસ્કાર) પ્રાપ્ત થયા, જેમાં ‘શ્રેષ્ઠ ફિલ્મ’ અને ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’નો એવોર્ડ એટનબરોને ફાળે ગયો. 2014માં એટનબરોનું અવસાન થયું. હાથમાં ઓસ્કારની ટ્રોફી લઈને તેમને સ્વર્ગમાં આવેલા જોઈને ગાંધીજી રાજી થઈ જાય છે અને બોલી ઉઠે છે, ‘ઓહ! આવી ગયો મારો ઓસ્કાર!’ આ કાર્ટૂન સતીશ આચાર્યનું છે.

****

‘આવનારી પેઢી એ ભાગ્યે જ માનશે કે હાડચામનો બનેલો આવો એક માણસ આ પૃથ્વી પર થઈ ગયો.’ બહુ જાણીતા એવા આ ઉદ્‍ગાર વિજ્ઞાની આલ્બર્ટ આઈન્‍સ્ટાઈનના છે. ગાંધીજી વિશે તેમણે તેમના અવસાન નિમિત્તે આમ કહીને અંજલિ આપી હતી. સુધીર તેલંગના આ કાર્ટૂનમાં પોતાના વિશે કહેવાયેલું અવતરણ ગાંધીજી નેલ્સન મેન્‍ડેલાનું સ્વર્ગમાં આગમન થતાં તેમના અભિવાદન માટે તેમના વિશે વાપરે છે. એ રીતે તેના દ્વારા ગાંધીજીની ઉદારતા પણ પ્રતિબિંબીત થાય છે. પોતાને મળેલાં પ્રમાણપત્રોને મઢાવીને ઘરમાં રાખનાર મહાનુભાવો આવી ઉદારતા દેખાડી શકે કે કેમ એ સવાલ છે. આ કાર્ટૂનમાં નેલ્સને પહેરેલા શર્ટની ભાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

****

બ્રિટીશ કાર્ટૂનિસ્ટ ગેરી બાર્કરે દોરેલું આ કાર્ટૂન વાસ્તવમાં નેલ્સન મેન્‍ડેલાને અંજલિ છે. નેલ્સનનું અવસાન થતાં તેઓ સ્વર્ગમાં પહોંચે છે, જ્યાં ગાંધીજી અને માર્ટિન લ્યુથર કીંગ સાથે તેઓ ‘સેલ્ફી’ ખેંચાવી રહ્યા છે. ‘સેલ્ફી’ શબ્દમાં ‘સ્વ’ કેન્‍દ્રસ્થાને છે, જ્યારે આ ત્રણે મહાનુભાવો હંમેશાં ‘પર’ને કાજે જીવી ગયા. તેથી કાર્ટૂનિસ્ટે ‘સેલ્ફી’ને બદલે આ ત્રણે માટે ‘ધ સેલ્ફલેસ’ (નિ:સ્વાર્થ) શબ્દ પ્રયોજ્યો છે.

****

સ્વર્ગમાં ગાંધીજીનું વિવિધ રીતે નિરૂપણ કરતાં કેટલાક વધુ કાર્ટૂનો આગામી કડીમાં.

(ક્રમશ: )


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૮ : સ્વર્ગમાં ગાંધીજી (૧)

  1. Piyush Pandya
    July 28, 2017 at 2:57 pm

    ગોડસે વાળું અને ગાંધીજી સાથે મન્ડેલા તેમ જ કિંગ વાળું – આ બે કાર્ટૂન્સનાં Finer Points આ લેખની મદદ વડે વધુ સારી રીતે માણી શકાયાં.

  2. Devendrasinh Gohil
    July 28, 2017 at 11:35 pm

    વાહ..જેટલા અદભૂત રેખાકનો , એટલું જ પરફેક્ટ વર્ણન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *