શિક્ષણ ચેતના :: ટુ સર વિથ લવ – એરિક બ્રેથવેઇટ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરુપમ છાયા

કોઈપણ વ્યક્તિ કયા ક્ષેત્રમાં જોડાશે કે શું કામ કરશે એ કહેવું બહુ જ મુશ્કેલ છે. એવું બનતું હોય છે કે વ્યક્તિની ક્ષમતા કે અભીરુચિ જે હોય તેને બદલે એને કોઈક અન્ય ક્ષેત્રનું જ આકર્ષણ થાય, અથવા તો સંજોગો એવા આવી પડે કે અનિચ્છાએ, પસંદગીના ક્ષેત્રને બદલે કોઈ અન્ય ક્ષેત્રમાં જોડાવું પડે. આવી રીતે ઘણી જુદી જુદી પરિસ્થિતિ સર્જાતી હોય. શિક્ષણમાં પણ આવું થતું હોય છે. શિક્ષક જ બનવું છે એવી દૃઢ માનસિકતા સાથે બહુ જ ઓછા લોકો જોડાય છે. વિદ્યાર્થીઓ પાસેથી એમના અભ્યાસકાળ દરમિયાન, એમની કારકિર્દી પસંદગી વિષેનાં મંતવ્યો જાણવામાં આવે તો શિક્ષક થવાની માનસિકતા બહુ ઓછા વિદ્યાર્થીઓમાં જોવા મળે. કારણો ગમે તે હોય, પણ આ પરિસ્થિતિ પણ શિક્ષણક્ષેત્ર પર અસર કરે છે. શિક્ષક જ થવું છે એવી દૃઢતા સાથે જેઓ આ કાર્યમાં જોડાય છે તેમના થકી શિક્ષણ રળિયાત બને છે. પણ મનગમતું કામ ન મળે, તો જે કામ મળ્યું છે તેને ગમાડવું એ જીવનમાં આનંદ પામવાનો-મેળવવાનો ઉત્તમ માર્ગ છે. અને દરેક ક્ષેત્રની જેમ શિક્ષણ ક્ષેત્રમાં એવાં ઝળહળતાં ઉદાહરણો જોવા મળે છે કે જેનાથી શિક્ષણક્ષેત્ર ગૌરવવંતુ બને છે. આપણે આજે આવી જ એક ચેતનાનાં તરંગો ઝીલીશું.

એમનું નામ એરિક બ્રેથવેઇટ. ૧૯૪૫માં યુદ્ધ પછી એ રૉયલ એર ફોર્સમાંથી છુટા થયેલા અને ત્યાંથી તેમને ઇલેક્ટ્રોનિકસની તેમની ડીગ્રીને આધારે, એ પ્રકારનો વ્યવસાય ધરાવતી બે ત્રણ કંપની પર ભલામણપત્રો પણ મળેલા. એમણે આવેદનપત્રો પણ મોકલ્યાં, ઇન્ટરવ્યુ માટે પત્ર પણ આવ્યો, એમની કુશળતા, વિષયનું ઊંડાણ વગેરે બધું યોગ્ય જણાયું, તેમ છતાં તેમની પસંદગી ન થઈ. પછી તો આવું બે-ત્રણ વખત બન્યું. ધીરે ધીરે તેમને ખ્યાલ આવ્યો કે પોતે નીગ્રો હતા, એ એમની પસંદગીમાં અડચણરૂપ કારણ હતું. એમને ખુબ નિરાશા થઈ. એક સાંજે બ્રેથવેઇટ એક સરોવર પાસે બેઠા હતા અને એક અજાણ્યા સજ્જને એમને સામેથી બોલાવ્યા અને વાતચીત શરુ કરી. શરૂઆતમાં તો બ્રેથવેઇટને ગમ્યું નહિ અને ઉદાસીન રહ્યા. પણ પેલા સજ્જને એ ગણકાર્યા વિના વાત કરવાનું ચાલુ જ રાખ્યું. પરંતુ, વાત કરવાની તેમની પદ્ધતિ, વાતોમાં રહેલું સત્વ અને ડહાપણ, નિર્દોષ, મુક્ત હાસ્ય આ બધું એમને સ્પર્શી ગયું. “જો તમે કોઈ સાથે વાત કરો તો તમારી એકલતા અદૃશ્ય થઈ જાય છે, પછી તમે એકલા રહેતા નથી” એ ઉદ્‍ગારોએ તો જાણે અપરિચિતતા ઓગળી નાખી અને એકમેકને જાણે લાંબા સમયથી જાણતા હોય તેમ વાતો કરવા લાગ્યા. આવું આત્મીય વાતાવરણ રચાતાં જ બ્રેથવેઈટે પોતાનું હૃદય ખોલ્યું અને બધી જ વાત, પોતાની વેદના, નિરાશા, બધું જ વ્યક્ત કર્યું. એ બધું જ સંભાળ્યા પછી, પેલા સજ્જને કહ્યું, “તમે શિક્ષક બનો. એ જગ્યા માટે અરજી કરો.” બ્રેથવેઈટે પોતાની શંકા વ્યક્ત કરી, “પણ એ કાર્ય માટે મેં કોઈ તાલીમ મેળવી નથી.” ત્યારે સજ્જને જવાબ આપ્યો, “અરે, તમારી પાસે જે ડિગ્રી છે, એ જ પૂરતી છે અને તમારામાં એ માટેની શક્તિ હું જોઈ શકું છું.” ચર્ચા આગળ ચાલી અને જયારે કઈ શાળા વગેરે જેવા પ્રશ્નો આવ્યા ત્યારે પેલા વૃદ્ધે જ સૂચવ્યું કે પૂર્વ લંડનના છેવાડાના વિસ્તારની શાળામાં જવા કોઈ તૈયાર નથી અને ત્યાં અરજી કરવાથી ચોક્કસ પસંદગી થઈ જશે. સજ્જનની લાગણી બ્રેથવેઇટને સ્પર્શી ગઈ. પછી તો એ થઈને જ રહ્યું. એ વિસ્તારની એક શાળામાં એમની શિક્ષક તરીકે પસંદગી થઈ અને પરિસ્થિતિએ સર્જેલી એક ચેતના એવી પ્રગટી કે એના થકી અનેક જીવન કોળ્યાં એટલું જ નહીં, શિક્ષણક્ષેત્રમાં પણ એક આદર્શ પથ દર્શાવ્યો અને એક સાચુકલા શિક્ષક થવાનો એમનો ભવ્ય પુરુષાર્થ આત્મકથાત્મક નવલકથારૂપે આપણી સમક્ષ છે: ટુ સર વિથ લવ[i]. આ નવલકથા વાંચતાં વાંચતાં સમગ્રપણે એની સાથે આપણી પણ આત્મીયતા કેળવાતી જાય છે.

બ્રેથવેઇટ જ્યારે પોતાની નવી જવાબદારી સંભાળવા શાળામાં જવા નીકળે છે અને એ વિસ્તારમાં જતી બસમાં બેસે છે ત્યારે બસમાં પ્રવાસી સ્ત્રીઓ અને કંડકટર વચ્ચે થતી અભદ્ર મઝાક થકી જ આપણને એ વિસ્તાર, તેની સ્થિતિ, લોકો, તેમનું જીવન, વગેરેનો ખ્યાલ મળી રહે છે. બસમાંથી ઊતરીને જતાં રસ્તામાં ફેલાયેલી ગંદકી, ગીચતા વગેરે એને વધારે સ્પષ્ટ કરે છે. પછી તો શાળા, વર્ગ આચાર્ય, શિક્ષકો, વગેરેને મળવાનું થાય છે અને બધા પાસેથી એ શાળા અને વિદ્યાર્થીઓને સમજવા પ્રયત્ન કરે છે. સલાહો પણ મળે છે, જેમ કે, વિદ્યાર્થીઓ સાથે કડક ન થવું, તેમને જો સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો તેઓ એટલા ખરાબ નથી.

અને છેવટે તેમનું કામ શરુ થયું. તેમને મોટું ધોરણ સોંપવામાં આવ્યું. પ્રથમ દિવસે જ કડવો અનુભવ થયો. વિદ્યાર્થીઓ પાસે વાચન કરાવ્યું. પણ તેમને લાગ્યું કે વિદ્યાર્થીઓ ઘણા નબળા હતા. વળી તેમણે જોયું કે વિદ્યાર્થીઓ બેપરવાહ પણ હતા અને એક તો પોતાની અલગ જ પ્રવૃત્તિમાં મસ્ત હતો. એ પછી નિરીક્ષણ કરતાં શાળાનું સમગ્ર વાતાવરણ તેમને નિરાશાજનક લાગ્યું. બાળકોની ખોટી ધમાલ, અભદ્ર ભાષા અને રીતભાત, આ બધું જોતાં તેમને પોતાની શાળા યાદ આવી ગઈ. ધીમે ધીમે વર્ગ ચાલતો હોય ત્યારે વિદ્યાર્થીઓ વધારેને વધારે મજાક્મશ્કરી દ્વારા ખલેલ પહોંચાડવા લાગ્યા. એક વખત તદ્દન અનૌપચારિક રીતે જ આચાર્ય સાથે ચર્ચા થતાં વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓના પરિવાર મોટો હોય, ઘર નાનાં હોય , માંડ માંડ સમાઈ શકે એવડાં – અને ગરીબી એટલી કે સવારે પાતળી ચા અને બ્રેડના ટુકડાનો નાસ્તો મળે. આ પરિસ્થિતિમાં બાળકો શું ભણે? તેમણે સમજાવ્યું કે એમને હૂંફ આપીને માર્ગદર્શન આપવાનું છે અને તેમનામાં આત્મવિશ્વાસ જગાવવાનો છે. શાળાનું વાતાવરણ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય આપે, એવું બધા માને છે એનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે ખરેખર તો આપણો પ્રયત્ન અનુશાસિત સ્વાતંત્ર્ય આપવાનો છે. બ્રેથવેઇટ શાંતિથી સંભાળી રહે છે.

તેઓ પોતાના વર્ગને અભ્યાસ તરફ વાળવા પૂરો પ્રયત્ન કરે છે. વિષય માટે સંદર્ભો વાંચીને તૈયારી કરે છે; અરે, મનોવિજ્ઞાનનાં પુસ્તકો પણ વાંચે છે, વિદ્યાર્થીઓના વર્તન પર ગુસ્સે થયા વિના ખૂબ મન દઈને ભણાવે છે પણ પરિણામ શૂન્ય!

અને એક વખત તો કહી ન શકાય અને સહી પણ ન શકાય એવી ઘટના બને છે ત્યારે એમનાથી રહેવાતું નથી અને વિદ્યાર્થીઓ સાથે દૃઢ સ્વરમાં અને સ્પષ્ટ ભાષામાં, કદાચ ઠપકો પણ કહી શકાય એ રીતે સીધો સંવાદ સાધે છે. કઈ રીતે શાળામાંનાં સહુને માનપૂર્વક સંબોધન કરવું, માન આપવું એની સાથે જ અરસપરસની વાતચીતમાં કેવી ભાષાનો ઉપયોગ કરવો, અને વર્ગમાં આવવું અને જવું ત્યાંથી લઈને કેવો વ્યવહાર હોવો જોઈએએ બધી વાતો સોઈ ઝાટકીને કહી. આનો ખાસ્સો પ્રભાવ પડ્યો. પછી તો વર્ગમાં શિક્ષણકાર્ય બરોબર ચાલવા માંડ્યું. તોયે એક વખત એક વિદ્યાર્થીને કહેવું પડ્યું ત્યારે એ વાત મનમાં રાખીને બદલો લેવા માટે, પેલા વિદ્યાર્થીએ બોક્સિંગના ખેલ માટે વાતાવરણ ઊભું કર્યું અને એમાં પણ બ્રેથવેઇટને પોતાની સાથે જ રમવું પડે એવી સ્થિતિ જાણે નિર્દોષપણે ઊભી કરી. શરૂઆતમાં બ્રેથવેઇટને ખ્યાલ ન આવ્યો પણ રમત જેમ જેમ આગળ વધતી ગઈ અને ઘા થયો ત્યારે એમને સમજાયું અને પછી તો એમણે પણ એવો દાવ અજમાવ્યો કે પેલો પટકાયો. ત્યારે એ વિદ્યાર્થીને ભાન થયું કે માન્યા હતા તેવા, કોઈ રીતે આ કાચાપોચા શિક્ષક નથી. રહીસહી વિરોધ વૃત્તિને પણ નિર્મૂળ કરીને આ ઘટનાએ વર્ગની આશ્ચર્યજનક કાયાપલટ કરી નાખી.

બ્રેથવેઇટ આજીવિકા માટે ઝઝૂમતા હતા. શિક્ષક હતા નહીં, પણ આજીવિકા માટે બન્યા અને કેવી રીતે શિક્ષક ‘હોવું’ એ એમણે સિદ્ધ કર્યું એની જ જાણે આ કથા છે.

શિક્ષકનું હોવાપણું પ્રગટ થવામાં તેમનામાં જન્મેલી કરુણા પ્રથમ ભાગ ભજવે છે એવું દેખાય છે. એ વિસ્તારમાંની ગંદકી, ગરીબી, પારિવારિક અને સામાજિક વાતાવરણ, અનૈતિકતા આ બધું જોતાં અને સાંભળતાં વિદ્યાર્થીઓના વ્યવહાર પાછળનું કારણ ધ્યાનમાં આવતાં તેઓ ગુસ્સે થયા વિના તેમને શીખવતા રહે છે. એમાંયે, આચાર્ય સાથેની લાંબી ચર્ચા અને કોઈ આળપંપાળ વિના વિદ્યાર્થીઓના હૃદયમાં ભાવ જગાવવાનું તેમણે આપેલ સૂત્ર અને તેમનામાં રહેલા દુર્ગુણોને કાઢવા માટે આવશ્યક એવી પ્રતિભા પ્રગટ કરવા માટેની વાત સાંભળતાં બ્રેથવેઇટમાં જાણે ફૂટારો થયો. એમની ભીતર કંઇક સળવળતું લાગ્યું. પ્રગટ થતું હોય તેવી અનુભૂતિ થઈ. આ જ હતું શિક્ષકત્વ. આ શિક્ષકત્વને તેમણે કેમ પોષ્યું, એનું સંવર્ધન કર્યું , પ્રગટ કર્યું એનો સુંદર ચિતાર આ કથામાં મળે છે.

બ્રેથવેઇટ શિક્ષક તરીકે વિકસવા નિરીક્ષણ કરે છે, સહ શિક્ષકો, આચાર્ય, અને પોતે જેના આશ્રિત છે તેવા માતાપિતા સમાન વડીલ દંપતી સાથે પણ દરેક ઘટનાની ચર્ચા કરે છે. બાળકોના આદર અને વિશ્વાસ સંપાદન કરવાની દૃષ્ટિ આ બધામાંથી તેઓ મેળવે છે. શિક્ષક તરીકે તેઓ જિજ્ઞાસુ પણ છે. પોતાના વિષયના ઊંડાણમાં જવા એ વાચન કરે છે અને એ વિષયને બહુ રસપ્રદ અને સરળ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકે છે. એમનામાં ધીરજ અને સ્વસ્થતા અપાર છે. વિદ્યાર્થીઓના અવરોધો સર્જવાના પ્રયાસો, કટાક્ષબાણો આ ધાં વચ્ચે એકદમ શાંત રહે છે. એક સહ કાર્યકરની નકારાત્મક વાતોનો પણ શાંતિથી પ્રતિકાર કરે છે. વર્ગશિક્ષણમાં પણ એમના અવનવા પ્રયોગો જેમ કે, વિદ્યાર્થીઓને જ પ્રાધાન્ય આપી, ચર્ચારૂપે વિષય સ્પષ્ટ કરવો, વિદ્યાર્થીઓના દૈનંદિન વ્યવહારમાંની બાબતોને સાંકળી શીખવવું, પ્રત્યક્ષ નિદર્શન દ્વારા સમજ આપવી, એમની વયને કારણે થતી સમસ્યાઓનું સમાધાન, વગેરે અનેક બાબતો ઉદાહરણરૂપ બની રહે છે. એક નીગ્રો વિદ્યાર્થીની માતાનું અવસાન થાય છે ત્યારે સાંત્વના આપવા અને અંતિમ યાત્રામાં જવા વિદ્યાર્થીઓને સૂચવે છે ત્યારે અમે ત્યાં જશું તો લોકો શું કહેશે એવી મૂંઝવણ પ્રગટ થતી જોઈને તેમનાં મનમાં વમળો પેદા થાય છે પણ તેમની વાત શાંતિથી સાંભળી રહે છે. છેવટે એક વિદ્યાર્થિની તૈયાર થાય છે અને બ્રેથવેઇટ જ્યારે એ પ્રસંગે પહોંચે છે ત્યારે જે દૃશ્ય તેઓ જુએ છે તેનાથી તેમની આંખો ભીંજાય છે. ત્યાં આખો વર્ગ એક ખૂણામાં ગંભીર ભાવે એકસાથે ઊભો હતો! વિદ્યાર્થીઓમાં સંવેદના જગાવવામાં પણ તેઓ સફળ થાય છે, જે શિક્ષક તરીકેનું મહત્વનું કાર્ય છે.

બ્રેથવેઇટ એક શિક્ષક તરીકે નૂતન પ્રયોગોના પણ દૃષ્ટા છે. વિદ્યાર્થીઓને એક પ્રવાસ સાથે શિક્ષણને પોષક મ્યુઝિયમની મુલાકાત ગોઠવીને શાળામાં અત્યાર સુધી જેનો વિચાર પણ નહોતો થયો એવી પ્રવૃત્તિ દ્વારા એક નવો ચીલો પાડ્યો. વિદ્યાર્થીઓએ પણ જિજ્ઞાસાપૂર્વક નિરીક્ષણ કરી સુંદર ચર્ચા પણ કરી. એ જ રીતે નાટક અને સંગીતના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને લઇ જઈ એમનાં રસરુચિ કેળવવાની દિશા પણ આપી. આ બધાંની સાથે બ્રેથવેઇટ એક શિક્ષક તરીકે એટલાજ સજાગ છે. શાળાની મુલાકાતે આવેલા વર્તમાનપત્રના ખબરપત્રીને શાળાની સુંદર પ્રવૃત્તિઓને મહત્વ આપવાને બદલે એક નીગ્રો તરીકે શાળામાં શું અનુભવ, સ્થાન વગેરે વિષે પૂછે છે ત્યારે તેઓ બહુજ સ્પષ્ટતાથી કહે છે કે, “ હું કાળી ત્વચા ધરાવું છું એટલે મને અહીં પસંદ કરવામાં નથી આવ્યો. હું અહીં શિક્ષક અને માત્ર શિક્ષક છું, બીજું કશું જ નહિ.” એક શિક્ષકની હોવાપણાની કેવી દૃઢ અનુભૂતિ વર્તાય છે! એ શાળામાં બ્રેથવેઇટ જેવા બાહ્ય રીતે પણ સ્વચ્છ રીતે, વ્યવસ્થિત વસ્ત્રોમાં આવતા હોય તેવા કદાચ પ્રથમ યુવાન શિક્ષક છે. વધારામાં તેમનો પ્રેમપૂર્ણ વ્યવહાર અને ઉમદા શિક્ષણ, આને કારણે એક વિદ્યાર્થિની આકર્ષાય પણ છે. પણ એ એ દૃષ્ટિએ સજાગ પણ છે અને વિદ્યાર્થિનીને પ્રેમપૂર્વક વાળે છે. આવી સજાગતા ઉત્તમ શિક્ષકને ઉમદા બનાવે છે. આવા શિક્ષકની આસપાસ સુગંધ પ્રસરે એમાં નવાઈ પણ શી હોય?

જે વિદ્યાર્થીઓ એમનો વિરોધ કરતા હતા તેઓ તાસ પૂરો થયા બાદ પણ ‘સર’ ‘ સર’ કરતાં તેમને ઘેરી વળતા. વિશ્રાંતિ (RECESS )ના સમયે પણ તેમને છોડતા નહિ. શિક્ષણ અને પરિવાર તથા અનેક મૂંઝવતા વિષયો અંગે માર્ગદર્શન મેળવતા. એક વાલીની સામાજિક સમસ્યા હતી તો તેમાં પણ તેમણે વ્યવહારુ, દૃષ્ટિપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેઓ જયારે એ વિસ્તારમાંથી પસાર થતા ત્યારે શાકભાજીવાળા, હાટડીઓવાળા, હાથલારીવાળા, એમનું સ્મિતથી અભિવાદન કરતા અને પોતાનાં બાળકના શિક્ષક છે, ગ્રીનસ્લેડ શાળામાં છે એવું આસપાસનાને કહેતા. એક શિક્ષક માટે આનાથી વિશેષ ગૌરવની ક્ષણો કઈ હોઈ શકે? પણ શિખરસમી ક્ષણો નવલકથાને અંતે આવે છે. અંતિમ દિવસે સમગ્ર વર્ગ વતી એક વિદ્યાર્થિનીએ સહુ વતી મર્યાદાઓ, અવળચંડાઈઓ નિભાવી, યોગ્ય દિશામાં જીવનઘડતર કરતાં બાળકો તરીકે નહિ પણ મિત્રસમ વ્યવહાર કરી, અમારા માંગલ્યની કામના રાખી એવો ભાવ વ્યક્ત કર્યો. અને પછી એક બીજી વિદ્યાર્થીનીએ એક મોટું પેકેટ સહુ વતી આપ્યું , જેના પર લખ્યું હતું, ટુ સર વિથ લવ.

કથા તો અહીં પૂરી થાય છે પણ ભાવકનાં હૃદયમાં ભાવયાત્રાનો આરંભ કરાવી જાય છે. એ એવું તો સિદ્ધ કરે જ છે કે કોઈ પણ વ્યક્તિએ શિક્ષક થવાથી લઈને શિક્ષક હોવા સુધીની યાત્રા કેવી રીતે અને કેટલી કરવી પડે! સાથે જ શિક્ષકોને પણ વિદ્યાર્થીઓ પાસેથી પ્રેમપૂર્વક કશુંક પામવાની કળા પણ દર્શાવે છે.

૦-૦-૦

શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com


[i]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *