





– વીનેશ અંતાણી
મારા નાનપણના ગામની સીમમાં આવેલી વાડીઓની વાડ ઉપર જંગલી ફૂલોની વેલ પથરાઈ જતી. તેમાં ચોમાસામાં સાંજે બાળકની હથેળી જેવડાં સફેદ ફૂલો ખીલતાં. તે ફૂલોમાંથી કડવી-મીઠી સુગંધ હવામાં ફેલાતી. હવે મોટા થયા પછી મને જ્યારે કોઈ જગ્યાએથી કડવી-મીઠી સુગંધ આવે છે ત્યારે તરત જ મારા મનમાં મારા ગામની ગોધૂલી વેળાની સ્મૃતિ જાગી ઊઠે છે. ગામના પાદરમાં આવેલો, વડસીમમાંથી પાછાં ફરી રહેલાં ગાય-ભેસોના ધણની ગંધ, નમી ગયેલા સૂરજનું વરસાદી અજવાળું… તેવું બધું જ સાક્ષાત્ થઈ ઊઠે છે.
પ્રાઉસ્ટ નામના મોટા લેખકે પણ એમના તેવા જ અનુભવ વિશે જણાવ્યું છે. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમનાં એક ‘આન્ટી’ દર રવિવારની સાંજે બાળકોને ખાસ પ્રકારનાં પાંઉ ચામાં બોળીને ખાવા આપતાં. વરસો બાદ એક વાર પ્રાઉસ્ટ જ્યારે તેવો જ પાંઉ ચામાં બોળીને ખાવા લાગ્યા તેની સુગંધથી એમના મનમાં પેલાં આન્ટી, તે જૂનું મકાન, ગામની શેરીઓ વગેરેનાં દ્રશ્યો આબેહૂબ ખડાં થઈ ગયાં હતાં. શિગેયુકી આઈટો નામના સુગંધ વિષયક અભ્યાસીએ નોંધ્યું છે: “એક વાર હું ન્યૂ યૉર્કના એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. ત્યાંથી ઊઠતી સુગંધ મારા સુધી પહોંચતાં જ મારા મનમાં એક યાદ જાગી ઊઠી હતી. હું થોડાં વરસો પહેલાં જાપાનમાં ભરાયેલા મેળામાં ગયો હતો અને ત્યાં પણ મેં એવી જ સુગંધનો અનુભવ કર્યો હતો. મારા ચિત્તમાં તે મેળાના લોકો, ત્યાંનું વાતાવરણ, અવાજો બધું જ જેવું ને તેવું જાગી ઊઠ્યું હતું, જાણે તે વખતે પણ હું તે મેળામાં જ ફરી રહ્યો હોઉં. એક વાર કોઈ અજાણી યુવતી મારી બાજુમાંથી પસાર થઈ ત્યારે તેણે ‘ધારણ’ કરેલા પરફ્યૂમની સુગંધ આવી. રસ પડે તેવી વાત: આપણે અત્તર કે પરફ્યૂમ ‘લગાવ્યું છે’ તેવો શબ્દપ્રયોગ કરીએ છીએ, જ્યારે અંગ્રેજીમાં પરફ્યૂમ ‘લગાવવા’ માટે ‘વેરિન્ગ’ – wearing – ધારણ કર્યું છે – તેવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. તે યુવતીના પરફ્યૂમની સુગંધ આવતાની સાથે જ મને મારી સાથે હાઇસ્કૂલમાં ભણતી છોકરી યાદ આવી ગઈ હતી.”
સુગંધથી અનેક પ્રકારની સ્મૃતિઓ જાગી શકે છે. કહેવાય છે કે માણસની બધી જ ઈન્દ્રિયોમાં ઘ્રાણેન્દ્રિય ભૂતકાળની યાદો જગાડવાની બાબતમાં સૌથી વધારે ભાગ ભજવે છે. માણસ અમૂક પ્રકારની સુગંધનો અનુભવ કરે છે તે સાથે જ તે પાછલા સમયમાં સરી પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો આપણે જેના વિશે કદી વિચાર્યું પણ ન હોય તેવી ઘટના, વ્યક્તિ કે કોઈ ભુલાઈ ગયેલું દ્રશ્ય આપણા મનમાં જાગી ઊઠે છે. જાણે સુગંધથી માણસના મનના તળિયે છુપાઈ બેઠેલા ફોટોગ્રાફ્સ સજીવન થઈ ઊઠે છે.
પહેલા વરસાદની સુગંધ મને મારા બાળપણના બધા જ વરસાદ અને ત્યારે કરેલી ધિંગામસ્તીની વચ્ચે લઈ જાય છે. પાકી કેરીની સુગંધથી કચ્છમાં આવેલા મારા મોસાળના ગામ બિદડાની દેશી કેરીઓનો સ્વાદ મારી જીભ પર ફરી વળે છે. કોહવાતા પાણીની ગંધ મને મારા ગામના કાચા તળાવની પાળે લઈ જાય છે. બાજુમાં બેઠેલા કોઈ માણસના શરીરમાંથી આવતી પરસેવાની ગંધ મને મારી પ્રાથમિક શાળાના પટાવાળાની યાદ અપાવી દે છે. મને તો ચોમાસું ઊતરી જાય પછીના તડકામાંથી પણ નજીક આવી રહેલી નવરાતની સુગંધનો અનુભવ થાય છે.
યાદોનો કોઈ છેડા હોતો નથી. તે ક્યારે શરૂ થાય છે અને ક્યારે અંત પામે છે, ક્યારે જાગી ઊઠે છે તે વિશે કોઈ નિયમો હોતા નથી. એક લેખકે લખ્યું છે તેમ “ભૂતકાળ ક્યારેય મૃત હોતો નથી”. તેમાં પણ સુગંધથી જુદી જુદી યાદો જાગી ઊઠે તે વેળાએ તો એવું જ લાગે છે, જાણે ભૂતતકાળ તે ભૂતકાળ નહીં, પણ એક અર્થમાં વર્તમાનકાળ જ હોય છે. એક અવતરણ વાંચવા જેવું છે: “આપણને થતા આનંદનો અનુભવ કોઈ ખરી ગયેલાં ફૂલ જેવો હોય છે, જ્યારે તેના વિશેની સ્મૃતિ લાંબા સમય સુધી ટકી રહેતી સુગંધ જેવી હોય છે.” ટ્રાયગી એન્જેન નામના માનસશાસ્ત્રી સુગંધને પુસ્તકના આરંભે મૂકવામાં આવતી અનુક્રમમણિકા સાથે સરખાવે છે, જેમ અનુક્રમનાં પાનાં નંબર જોઈને આપણે વાંચવા માગતા હોઈએ તે પાનું શોધી શકીએ છીએ તે રીતે જ સુગંધ આપણા ચિત્તમાં બેઠેલી કોઈ યાદનું પાનું ઉઘાડી આપે છે.
અલબત્ત, સુગંધનો અનુભવ વ્યક્તિની સંવેદનશીલતાની માત્રા પર આધાર રાખે છે. માણસમાં જેટલી સેન્સેટિવિટી હશે તે પ્રમાણે જ તે જુદી જુદી ઈન્દ્રિયોથી થતા વિવિધ અનુભવોને પ્રમાણી શકે છે. કહેવાય છે કે માણસમાં જુદાજુદા પ્રકારની દસ હજાર સુગંધોને અલગ તારવી શકવાની શક્તિ રહેલી છે. તેમાંથી આપણે કેટલા પ્રમાણમાં તે શક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ તે વિચારવા જેવું છે. માણસ સામાન્ય રીતે એને જે દેખાય છે અને જે સંભળાય છે તેના તરફ વિશેષ સભાનતા ધરાવે છે. આપણે જુદાજુદા રંગોને યાદ રાખી શકીએ છીએ, સંગીતમાં જોવા મળતી વિવિધતાઓ તરફ આપણું ધ્યાન જાય છે, પણ તેવી અને તેટલી સભાનતા સુગંધની બાબતમાં હોતી નથી.
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com