શીરડી પાસેનું એક જીવતુંજાગતું સંગમતીર્થ

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

આકાશમાં રચાયેલી બે ગ્રહોની યુતિની જેમ પૃથ્વી પર રચાતો બે નદીઓનો સંગમ પણ અતિ પવિત્ર ગણાય છે. વિભિન્ન દિશાએથી આવતી બે નદીઓનું કોઈ એક સ્થળે મિલન થાય ત્યારે તે સ્થળ આપોઆપ પવિત્ર બની રહે છે. મહારાષ્ટ્રમાં આવેલા સાંઈબાબાનું યાત્રાધામ શીરડી તેના માહાત્મ્ય માટે જગપ્રસિદ્ધ છે, પણ એની તદ્દન નજીક એના જ સબર્બ જેવા ગામ કેલવડમાં કોઈ એક પ્રસંગે એવી બે વ્યક્તિઓનું મિલન થયું કે જેના પરિણામે એ આખા વિસ્તારની કાયાપલટ થઈ રહી છે.

એ બન્નેમાંથી એક વ્યક્તિ એટલે લક્ષ્મણ દેવરામ ગોરડે. પૂના યુનિવર્સીટીના મેથેમેટિક્સ સાથેના સાયન્સ ગ્રેજ્યુએટ લક્ષ્મણ દેવરામ ગોરડેનો વંશપરંપરાગત વ્યવસાય ખેતીનો છે. તેર એકર જમીનમાં તેઓ શેરડી, બાજરો, જુવાર જેવા પાકો લેતા હતા. પરંતુ તેમનું વિશેષ ધ્યાન નાની-મોટી વ્યક્તિગત સમાજસેવા ભણી રહેતું હતું. ખેતી પર થોડું ધ્યાન આપવાની સાથે શિક્ષકની નોકરી પણ કરતા હતા. કેલવડ(શીરડી)ની કે. વાય.ગાડેકર શાળામાં ધોરણ દસથી બારના વિદ્યાર્થીઓને ગણિત ભણાવતા હતા. ગરીબ વિદ્યાર્થીઓને પોતાને ઘેર બોલાવીને મફત ટ્યુશન પણ આપતા હતા, તેથી લોકો તેમને ‘ગોરડે સર’ના લાડકા નામથી સંબોધતા હતા. ગોરડે સર કોઈ કોઈ જરૂરતમંદોને થોડી ઘણી આર્થિક મદદ પણ કરતા રહેતા હતા, કોઈના ઝીણા મોટા કામ પણ આટોપી આપતા હતા. ગામમાં વાચનાલય ચલાવતા હતા. કોઈ બિમાર પડી ગયું હોય અને સેવાસુશ્રુષાની જરૂર હોય, કોઈની અંતીમયાત્રાની વ્યવસ્થા કરવાની હોય, તો એની ગોઠવણ પણ જાતે ગાંઠના ખર્ચીને કે કોઈ પાસેથી દાન ઉઘરાવીને એ કરી આપતા હતા. એકવાર નજીકના દુષ્કાળપિડીત પીવાના પાણીની ભયંકર તંગી ઉભી થઈ ત્યારે સતત ચાર મહિના સુધી રોજ આઠ હજાર લીટર જેટલું પાણી જાતે ટેંકરમાં લઈ જઈને તેમણે પૂરું પાડ્યું હતું. આ બધું એમનામાં પડેલી જન્મજાત વૃત્તિને આભારી હતું. એ એમ કહેતા કે શીરડીના સાંઈબાબાએ જિંદગી આખી ગરીબોની સેવા માટે ખર્ચી નાખી તો આ દેહ એ જ ભૂમિ પર વિચરે છે તો એનું એક હજારમાં ભાગનું અનુસરણ હું ના કરી શકું તો મારે આ સેવા-ભક્તિના વિચાર તરંગોવાળી ભૂમિનો ત્યાગ કરી દેવો જોઈએ.

લક્ષ્મણ દેવરામ ગોરડે

પણ એક દિવસ એવો ઊગ્યો કે બાબા આમટેના ગામ ચંદ્રપુરમાં સ્વયંસેવકો માટેનો સેમિનાર હતો. ત્યાં રસપૂર્વક હાજરી આપનારા ગોરડે સર પાછા ફર્યા ત્યારે એમાં રંગાઈને પાછા ફર્યા. એમ થવા માંડ્યું કે શું હું જે કાંઈ વ્યક્તિગત ધોરણે કરું છું તે શું પર્યાપ્ત છે ? આ વિચાર કંઈક આગળ જવાનો ધક્કો મારતો હતો. એ પછી થોડા દિવસે એમણે અણ્ણા હજારેનું કામ જોયું અને એ પછી બહુ વિશાળ પાયે સેવાકાર્ય કરતા ડૉ. પવારની પ્રવૃત્તિ જોઈ. એ બધું જોઈને તેઓ અચંબિત થઈ ગયા. કેવી જેવી સામાજિક જાગૃતીઓ લોકો ફેલાવી રહ્યા છે ! પણ સાથે એ પણ વિચાર આવતો હતો કે કોઈ સંસ્થાના પીઠબળ વગર સેવાપ્રવૃત્તિ એ કરનારને ભલે સંતોષ આપતી હોય પણ વ્યાપક વર્ગ સુધી એ પહોંચતી નથી. એવામાં ગોરડે સર સુભાષ દાંડેકરના ઉદ્યોગ શ્રી ઇંડસ્ટ્રીઅલ ગૃપના કોઈ સમારંભમાં શીરડી ગયા. એકબીજાની પિછાણ કરતાં કરતાં એમની મુલાકાત 2007માં ઉદ્યોગપતિ નરેશ રાઉત સાથે થઈ.

આ મુલાકાત આગળ જતાં ‘સંગમ’માં રૂપાંતરિત થવાની હતી.

મુંબઈના ઉદ્યોગપતિ નરેશ રાઉતની સદ અને બદ નસિબકથા સમાંતરે જ ચાલી આવે છે. 1947 ના સપ્ટેમ્બરની 19 મીએ ગુજરાતના દહાણુ તાલુકાના બોરડી ગામે જન્મેલા નરેશ રાઉતે 1983માં મુંબઈના જોગેશ્વરીમાં માત્ર ચાર કારીગરોથી એક નાનકડી ફેક્ટરીથી આરંભ કરીને આજ પોતાના ઉદ્યોગને મલ્ટીલેવલ ઓર્ગેનિઝેશન સુધી પહોંચાડ્યો છે. દાદરા-નગર હવેલી,સેલ્વાસ,ચાર્કોપ, કાંદિવલી, આંબડ નાસિક, મેંગ્રુલ (પૂને), કાંચીપુરમ (ચેન્નાઈ) જેવા સ્થળોએ તેમની ઉદ્યોગ શાખાઓ છે. કમનસિબ એ કે એમના એક પછી એક એમ બન્ને પુત્રો વિકલાંગ જન્મ્યા, પણ હિંમત હાર્યા વગર એમણે બન્ને પુત્રોને એન્જિનીયર બનાવ્યા અને કબડ્ડી જેવામાં નેશનલ ચેમ્પિયન બને તેટલી હદે તેમની શક્તિઓને વિકસવા દીધી. બન્નેના અત્યારે લગ્ન પણ થઈ ગયા. એક પુત્રનું નામ અભિજીત છે અને બીજાનું નિખીલ.

નરેશ રાઉત શરુથી જ સખાવતી ભાવના ધરાવે છે. ગોરડે સર સાથે એમની મુલાકાત ખરેખર શુભયુતિ સાબિત થઈ. ગોરડે સરે એમને શીરડી (કેલવડ) આવવાનું નિમંત્રણ આપ્યું. કારણ કે નરેશ રાઉતે એમના વતન બોરડીમાં કરેલી શુભ પ્રવૃત્તિઓથી તેઓ વાકેફ હતા. 1994 માં એમણે બોરડીમાં પ્રેરણા લાયબ્રેરીની સ્થાપના કરી હતી. 1997માં ‘નરેશ રાઉત ફાઉન્ડેશન’ના નામથી અનેકવિધ ક્ષેત્રમાં બોરીવલીમાં સમાજોન્નતિ ટ્રસ્ટની કામગીરી કરી હતી, એ ઉપરાંત એમના કામની સુવાસ ગોરડે સર સુધી પહોંચી હતી. એટલે કાંઈક વિચારીને જ એમણે નરેશભાઈને કેલવડ આવવાનું નિમંત્રણ આપ્યું. 2007 માં એ ગોરડે સરને ઘેર આવ્યા અને એમની સાથે ગામડાઓમાં ફર્યા પણ ખરા. ગોરડે સરનું કામ પણ જોયું અને સંસ્થાગત છત્રના અભાવે કરીને એમને નડતી મર્યાદાઓ પણ એ જોઈ શક્યા. એ જ વખતે એ બેઉએ ભેગા મળીને આ આખા ગ્રામ્ય વિસ્તારની અનેકવિધ ક્ષેત્રે સેવાઓ કરવાનો નિર્ધાર કર્યો અને એ અનુસાર 2007થી સંસ્થાની વિધીવત સ્થાપના કર્યા વગર જ પરંપરાગતને બદલે નવતર સેવા પ્રવૃત્તિઓનો આરંભ કરી દીધો.


તેમણે જોયું કે આ ગ્રામ્ય પ્રદેશની મહિલાઓમાં કેળવણીનું પ્રમાણ બહુ નીચું છે અને તેથી તેમનામાં રોજગારીનું પ્રમાણ અને જે છે તેમાં પણ મળતરનું સ્તર બહુ મામૂલી છે. અત્યારના યુગની આવશ્યકતા તેમને પરંપરાગત નહિં પણ રોજગારલક્ષી તાલીમ આપવાની છે. આના ઉકેલના પ્રથમ કદમરૂપે સૌથી પ્રથમ એમણે બીજાં કાર્યો કરવા ઉપરાંત મહિલા કમ્પ્યુટર કેન્દ્રની સ્થાપના કરી જેમાં નરેશ રાઉતે પોતાના એકલા તરફથી અગીયાર જેટલા કમ્પ્યુટર સેટ આપ્યા અને મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપવાની વ્યવસ્થા કરી. એ પહેલાં એ સગવડ માત્ર દૂર દૂરના ગામોમાં જ હતી અને ભારે ફી સાથે હતી. જેથી કન્યાઓ તેનો લાભ લઈ શકતી નહોતી. હવે આ કેંન્દ્રના આરંભથી એ સમસ્યા હલ થઈ ગઈ છે. હવે તો સમાજના સહકારથી ત્યાં વીસથી વધુ કમ્પ્યુટર છે. તાલીમ આપવા માટે બે શિક્ષકો કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર આવે છે. માત્ર કન્યાઓ જ નહિં .છોકરાઓ પણ ત્યાં તાલીમ મેળવે છે. આ તાલીમ પણ ડીટીપી, સીસીપી અને એમ.સી.આઈ.ટી જેવી રોજગારલક્ષી છે. આને કારણે બેકારીનું પ્રમાણ આ વિસ્તારમાં બહુ ઘટી ગયું છે.


સરકાર તરફથી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે પરંતુ તે ભોજન લેવા માટેની વ્યવસ્થા દરેક વિદ્યાર્થીએ પોતે કરવાની હોય છે. જે દૂર દૂરથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે બહુ અગવડભર્યું હોય છે, નરેશ રાઉત ફાઉન્ડેશને આ મુશ્કેલી પણ નિવારી આપી. અનેક શાળાઓમાં તેણે ભોજન લેવા માટે થાળી,વાટકા અને ચમચીના સેંકડો સેટ્સ આપ્યા. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને બચતની પ્રેરણા મળે તે વાસ્તે વિદ્યાર્થીઓના બચત જુથ રચી આપ્યા.


અત્યાર સુધી સરકારી રજીસ્ટ્રેશન વગર આવી અનેક સેવાપ્રવૃત્તિ ચાલતી હતી, પણ આખરે તો એકલા નરેશ રાઉત કે ગોરડે સરથી આનો બોજો ના ઉઠાવી શકાય તે સ્વાભાવિક છે. સમાજનો પણ ભરપૂર સહયોગ આમાં જોઈએ જ. અને તે માટે સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હતું. છેવટે એ માટેની કાર્યવાહી પણ સંપન્ન કરવામાં આવી અને 2013 ના ઑગષ્ટની 22 મીએ ચેરીટી કમિશ્નર દ્વારા તેને ચેરિટેબલ ટ્રસ્ટનો દરજ્જો પણ પ્રાપ્ત થયો.

નરેશ રાઉત

એ પછી પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો. ખેતીમાં અવનવા પ્રયોગો કરીને નવી દિશાઓ ખોલી આપનાર ખોળનાર તાલુકાના ગામ જળગાંવને આર્થિક તથા ટેક્નિકલ મદદ પૂરી પાડવાના હેતુથી દત્તક લેવામાં આવ્યું. કેલવડમાં જ ‘કવચ વિધાયક સંસ્થા’ની સ્થાપના કરી અને તેમાં એલ.સી.ડી. પ્રોજેક્ટર ભેટ આપ્યું અને ચારસો જેટલા વિદ્યાર્થીઓને માટે બોરવેલ, ઈલેક્ટ્રિક મોટર અને તેને લગતી સામગ્રી ઉપલબ્ધ કરાવી. વિજ્ઞાન શિક્ષણ માટેનાં સાધનો લઈ આપ્યાં, શાળાએ જતી બાળાઓને મફત ગણવેશ આપવાથી માંડીને તેમને રમત-ગમત અને અભ્યાસમાં ઉત્તમ પરિણામો લાવવા બદલ પ્રોત્સાહક ઈનામો આપવા જેવી અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે.

હજુ પણ તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો જ જાય છે.

રહાતા શારદા વિદ્યામંદિર જેવા અનેક સ્થળોએ મફત વાચનાલયની શરૂઆતથી માંડીને રહાતામાં પોલિસ સ્ટેશનનું સુવિધાપૂર્ણ બાંધકામ, આયુર્વેદિક દવાખાનાં, મહિલા કુટિર ઉદ્યોગ જેવી અનેક પ્રવૃત્તિઓથી આ આખો શીરડી-કેલવડ વિસ્તાર રાતદિવસ ધમધમી રહ્યો. છેલ્લે ગુજરાતીઓ માટે એક વિશેષ સુવિધા એ કરવામાં આવી છે કે જો તેઓ ફાઉન્ડેશનના આવા કાર્યોમાં સહયોગ આપીને ફાઉન્ડેશનના સક્રીય સભ્યો બને તો દર્શનાર્થે શીરડીની મુલાકાતે આવતી વખતે તેમણે રહેવા-જમવાની સુવિધાની કોઈ ચિંતા કરવાપણું નહિં રહે. અરે, તેમને માટે સાંઈબાબાના દર્શન કરાવવા સુધીના કાર્યોમાં ફાઉન્ડેશન તેમને મદદરૂપ થશે. હવે તેમનું આયોજન મહિલાઓ માટે કુટીર ઉદ્યોગ શરુ કરવાનો છે. અત્યારે પણ પાપડ, મસાલા અને અન્ય ગૃહોપયોગી વસ્તુઓનું ઉત્પાદન તો ચાલુ જ છે. પરંતુ હવે જો કોઈ દાતા આગળ આવે તો પેપર ડીશ,પતરાળી અને નાયલોન દોરી બનાવવાનાં ત્રણ મશીનો વસાવવાના છે. એક્ની કિમત અંદાજે પચાસથી સાઠ હજાર થાય છે, એમ તો લોકોનો આર્થિક સહયોગ મળે તો રખડતી-ભટકતી જાતીના અનાથ થઈ ગયેલા બાળકો માટે અનાથાશ્રમ ઉભું કરવાનું આયોજન છે. ગોરડે સરે એ માટે પોતાની પચાસથી સાઠ લાખની કિંમતની જમીન પણ આ ફાઉન્ડેશનને દાનમાં આપી દીધી છે. ‘કેલવડકર રત્ન’તરીકે લોકોમાં ઓળખાતા ગોરડે સર અને શ્રેષ્ઠી નરેશ રાઉત એને માટે ભંડોળ ઊભું કરવા પ્રયત્નશીલ છે. આવકવેરાની કલમ 80 જી મુજબનું સર્ટીફિકેટ પણ મળી ચુક્યું છે. વિદેશમાં વસતા મિત્રો પણ આ સેવાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી શકે છે. આ સંસ્થાની નોંધણી FCRA હેઠળ થયેલી છે. આ સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓનો વ્યાપ સતત વિસ્તરતો રહે છે. અનેકવિધ ક્ષેત્રે પ્રવૃત્તિઓ સતત ઉમેરાતી રહે છે.

ક્યારેક શીરડી અથવા એની નજીકના વિસ્તારમાં જવાનું બને તો ગોરડે સરનો આ લેખકના સંદર્ભ સાથે સંપર્ક કરવાથી એમની સામાજિક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણકારી મેળવી શકાશે.


સંસ્થાનો સંપર્ક-શ્રી નરેશ રાઉત ફાઉન્ડેશન, મુ.પૉસ્ટ-કેલવડ.તા,રાહાતા.જિ.અહમદનગર-પિન-423107/ ગોરડે સર-09527335912/ નરેશ રાઉત,મુંબઈ-09820922633 / E mail- nrfoundation13@gmail.com  / support@shrinareshfoundation.com/ સંસ્થાની વેબસાઈટ છે. : http://shrinareshrautfoundation.com


લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

6 comments for “શીરડી પાસેનું એક જીવતુંજાગતું સંગમતીર્થ

 1. narendrasinh gohil
  July 25, 2017 at 1:25 pm

  Saras Aalekhan .Nishwarth bhave lok seva aapta banne paropkari mahanubhavo ne vandan.

 2. July 25, 2017 at 5:17 pm

  વાહ… ખૂણે ખૂણે દિવડાઓ પ્રકાશે છે એમને અને એ અજવાળા સૌ સુધી પહોંચાડનારને સલામ ..

 3. Pravina
  July 25, 2017 at 5:56 pm

  પ્રણામ એ સમજભાવી અને સમાજભાવી સેવકોને,

 4. Piyush Pandya
  July 26, 2017 at 12:10 pm

  ખરા અર્થમાં ઉજળિયાત આવા લોકોને કહેવાય. આવી વાતો ઉજાગર કરીને તમે કેટલાયને પ્રેરિત કરો છો એ અમારે માટે ખુબ જ આનંદની વાત છે. આભાર અને ધન્યવાદ.

 5. July 27, 2017 at 7:23 pm

  આમને સાચા સંત કહેવાય. તે સૌને સાદર પ્રણામ.

 6. Paresh m shah
  January 25, 2018 at 10:05 pm

  Salute to both & Rajani sir for give a link to them.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *