





– બીરેન કોઠારી
આમ તો એ દુર્ઘટના છે. તેને જાણ્યા પછી એમ પણ થાય કે આમાં આપણે શું? જે થઈ ગયું એ થઈ ગયું. આમ છતાં, એક ઘટના જ્યારે દુર્ઘટના બને ત્યારે તેના વિષે વિચાર કરવો જરૂરી બની જાય છે.
જૂનના છેલ્લા સપ્તાહમાં હરિયાણામાં આ બનાવ બન્યો ત્યારે અખબારોમાં તે ખૂણેખાંચરે ચમક્યો હશે. સુમીત ખાતી નામના સત્તર વર્ષના તરુણને દોરડેથી બાંધીને કોથળામાં બંધ કરવામાં આવ્યો. કુલ એકવીસ ગાંઠ મારવામાં આવી હતી. સુમીત સહિત આ કોથળાને જમીનમાં છ ફીટ ઊંડો ખાડો ખોદીને તેમાં ઉતારવામાં આવ્યો. ખાડાને માટીથી પૂરી દેવામાં આવ્યો. તેની પર રેતી પાથરવામાં આવી અને લાકડાના પાટિયાં પણ મૂકવામાં આવ્યાં. ત્યાર પછી પૂજા કરવામાં આવી, એક કુંભ ફોડવામાં આવ્યો અને નાડાછડીઓ પણ ચડાવવામાં આવી.
તેને એક ફોન પણ આપવામાં આવ્યો હતો. બીજા દિવસે, એટલે કે ચોવીસ કલાક પછી માટી હટાવીને આ કોથળામાં રહેલા સુમીતને બહાર કાઢવાનો હતો. ના, કોઈ ‘સામાજિક’ ગુનાની સજારૂપે આમ કરવામાં નહોતું આવ્યું. આ એક સાહસ હતું, જેનો આશય નાણાં રળવાનો હતો. ખાડામાં ઉતાર્યા પછી ફોન દ્વારા તેની સાથે વાત કરવામાં આવી અને તે સલામત છે એવું હાજર રહેલા સૌને બતાવવામાં આવ્યું. બીજા દિવસે નિયત સમયે ખાડાને ખોદીને કોથળાને બહાર કાઢવામાં આવ્યો ત્યારે સુમીત બેહોશ હતો. તરત તેને દવાખાને લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.
હજી થોડા વરસો અગાઉ શેરીમાં આ પ્રકારના ખેલ અને કરતબ દેખાડતો આખો વર્ગ અસ્તિત્વમાં હતો. જમીનથી ઊંચે બાંધેલા તંગ દોરડા પર એક છેડેથી બીજે છેડે ચાલતા નટબજાણિયા, પોતાના નાનકડા સંતાનની જાહેરમાં ‘ગરદન કાપીને’ ફરી જોડી આપતા પિતા, બલ્બ અને ટ્યૂબલાઈટને ફોડીને તેના કાચ ચાવી જતા યુવાનો સહિત અવનવા ખેલ શેરીઓમાં દેખાડવામાં આવતા. કેટલાક શહેરોમાં અનાથઆશ્રમના વિદ્યાર્થીઓએ પણ શેરીઓમાં આવીને આવા કરતબ દેખાડતા. અલબત્ત, આ પ્રકારના ખેલોમાં સલામતીની વ્યવસ્થા તેઓ પોતે જ કરતા. તેમાં જોખમનું તત્ત્વ અવશ્ય રહેતું, પણ તે પ્રમાણમાં ગણતરીપૂર્વકનું અને સલામત રહેતું. કેટલાક સ્ટંટ કરવામાં સ્થાનિક સત્તાવાળાની પરવાનગીની પણ જરૂર પડતી. કદાચ દ્રશ્યમાધ્યમના આગમન અને તેના સતત વધતા રહેલા પ્રભાવને કારણે હવે આ પ્રકારના ખેલ શેરીઓમાં થતા દેખાતા નથી. ટી.વી. પર દેખાડાતા વિવિધ પ્રકારના ‘ટેલેન્ટ શો’માં હવે આવા કરતબ દેખાડાય છે, પણ તેમાં સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા આયોજક દ્વારા કરવામાં આવતી હોય છે.
સુમીતના પિતા મામ ચંદ ખેતમજૂરી કરે છે. સુમીતે પાંચમા ધોરણ પછી શાળા છોડી દીધી હતી. પાંચેક મહિના અગાઉ તે જગદીપ અને તેના મિત્રો સાથે કામ કરતો થયો હતો, જેઓ જાગરણ દરમ્યાન લાઈટોના ફીટીંગનું કામ કરતા હતા. આ ઉપરાંત તેઓ સાયકલ ચલાવતાં ચલાવતાં પોતાના માથા વડે કાચના બલ્બ ફોડવા જેવા સ્ટંટ કરી દેખાડતા. આ રીતે તેમને થોડીઘણી આવક થતી. સુમીતના માતાપિતાને પોતાનો દીકરો જગદીપ સાથે જાય એ પસંદ નહોતું, અને તેઓ તેને ના પાડતાં, પણ સુમીત તેમની વાત કાને ધરતો નહોતો. સુમીતને એક નાનો ભાઈ છે, જે ચૌદનો છે અને એક બહેન, જે દસની છે. હરિયાણાના કુરાર ગામના વાતની એવા સુમીતે આ ખેલ પોતાના ગામથી ત્રીસેક કી.મી.ના અંતરે આવેલા ચુલકાના ગામે કર્યો. આ તરફના ગામોમાં આ પ્રકારના ‘તમાશા’ સામાન્ય બાબત છે. એકઠા થયેલા લોકો વચ્ચે આ ખેલની જાહેરાત કર્યા પછી આયોજક જગદીપે નાણાં એકઠા કરવાનો આરંભ કર્યો. જોતજોતામાં 8,500 રૂપિયા એકત્ર થઈ ગયા. તેમનું લક્ષ્ય દસથી અગિયાર હજારની રકમનું હતું. આટલી રકમ એકઠી થઈ એટલે ગામવાળાઓએ આગહ કર્યો કે ખેલ શરૂ કરી દેવામાં આવે. બાકીના બે-અઢી હજાર તેઓ બીજે દિવસે, એટલે કે સુમીત સહીસલામત બહાર નીકળે એ પછી એકઠા કરી લેશે. માંડ અગિયાર હજારની વસતી ધરાવતા આ ગામમાં થોડી મિનિટોમાં આટલી રકમ ઘણી મોટી કહેવાય. તેથી ખેલ શરૂ કરી દેવામાં આવ્યો.
આ દુર્ઘટના પછી થયેલી તપાસમાં જાણવા મળ્યું કે ખાડામાં ઉતાર્યા પછી સુમીત સાથે ફોન દ્વારા એક વાર વાત કરવામાં આવી, પણ ત્યાર પછી સુમીતે બધું મળીને પચીસ વખત ફોન જોડ્યા, પણ એકે ફોન ઉપાડવામાં આવ્યો નહીં. અંદર ગયા પછી સુમિતે પોતાને થઈ રહેલી અસ્વસ્થતા જણાવવા માટે વારંવાર ફોન કર્યા હશે? સુમીતના પિતાના જણાવ્યા મુજબ જગદીપ અને બીજા સાતેક મિત્રો એ દિવસે બપોરે તેમને ઘેર આવ્યા હતા. તેમણે સુમીતને છસો રૂપિયાના બદલામાં સ્ટંટ કરવાનું કહ્યું હતું. તેના પિતાને એમ કે આ કોઈ સાયકલ પર કરવાનો સ્ટંટ હશે. એ રાતે સુમીત ગયો તે ગયો.
સુમીતના મૃત્યુ પછી તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે તેને પગલે જગદીપ તથા તેના બે મિત્રોની ધરપકડ પણ કરી છે. તપાસ આગળ વધશે એમ હજી કદાચ વધુ ધરપકડ થશે. આ તમાશો જોવા માટે ચુલકાના ગામના ઘણા બધા લોકો હાજર હતા, પણ તેના વિષે બોલવા કોઈ તૈયાર નથી. જગદીપના પરિવારજનોને પણ જગદીપની ધરપકડથી આઘાત લાગ્યો છે. જે બન્યું એમાં તેમણે જગદીપનો દોષ દેખાતો નથી અને તેઓ માને છે કે જગદીપને છોડી દેવામાં આવશે.
આ આખી ઘટના તેના બનાવોની રીતે એકદમ સ્પષ્ટ છે. તેમાં કોઈ કાવતરું કે અન્ય મલીન આશય જણાતો નથી. પણ થોડા નાણાં માટે યુવાનો કઈ હદે જઈને પોતાનો જાન જોખમમાં મૂકે છે એ વિચારતા કરી મૂકે એવું છે. પરિવારની ગરીબી અને જરૂરિયાત તેમને બીજું કશું વિચારવા દેતી નથી. છસો રૂપિયાથી વધુ તો એક સામાન્ય પરિવારનો ફક્ત દૂધનો માસિક ખર્ચ હોય છે. સુમીતના પરિવારની સ્થિતિ અને સંજોગો જોતાં તેણે માત્ર સાહસ ખાતર સાહસ નહીં, પણ થોડા રૂપિયા મળી જાય એ લાલચે આ કામ કરવાનું સ્વીકાર્યું હશે એમ લાગે છે. વગર ટિકિટના આવા તમાશાનો આનંદ લૂંટવા માટે એકઠી થયેલી ભીડ હરિયાણાની હોય કે અન્ય રાજ્યની, પણ તેની માનસિકતા સરખી જ હોય છે. વિકાસ થઈ રહ્યો હોવાનું કહેવાય છે, પણ ઉત્ક્રાંતિ ક્યારે થશે એ સવાલનો જવાબ મળવો મુશ્કેલ છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૭-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)