બાળઉછેરની બારાખડી (૩) : બાળકોના કાનની સ્વાસ્થ્ય સંભાળ

Facebooktwitterredditpinterestlinkedinmail

અલીહુસેન મોમીન

કાન એ આપણા શરીરનું મહત્ત્વનું અંગ છે, જે આપણને શ્રવણશક્તિ આપે છે. શ્રવણશક્તિ એ એક એવી સંવેદના છે જેનો વિકાસ બાળકમાં એના જન્મથી પણ પહેલાં, એટલે કે માતાના ગર્ભમાં જ થઈ જતો હોય છે. કાન એ માણસનું સુવિકસિત અને સંવેદનશીલ અંગ છે, જેનું મુખ્ય કાર્ય વિવિધ પ્રકારના અવાજોને મગજ સુધી પહોંચાડવાનું છે, જેથી આપણું મગજ એ અવાજોને સમજીને એનો પ્રતિસાદ આપી શકે. સાંભળવાની શક્તિ એક અતિ મહત્ત્વનું માધ્યમ છે, જેનાથી આપણે મનુષ્યો, એકબીજા સાથે સંવાદ કરી શકીએ છીએ તથા આસપાસના પર્યાવરણમાંથી આવતા અવાજના સંકેતોને પારખી શકીએ છીએ. સ્વસ્થ કાન એ માનવશરીરનું સહુથી ચપળ અને કાર્યદક્ષ અંગ છે. એ અવિરતપણે આસપાસના અવાજોને આપણા મગજ સુધી પહોંચાડતું રહે છે. આંખો અથવા બીજાં અંગની જેમ આપણે એને બંધ કરી શકતા નથી, ત્યારે પણ જયારે કે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ. 

આપણા કાન આપણા મગજ સાથે એક ઘનિષ્ટ સમન્વય સાધીને કામ કરે છે. જયારે આપણે કોઈ ચોક્કસ અવાજને ધ્યાનથી સાંભળવા માગીએ છીએ, ત્યારે આપણાં કાન અને મગજ એકબીજા સાથે સમન્વય કેળવીને એ ચોક્કસ અવાજ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે અને આસપાસના બીજા અવાજોને અવગણે છે. પછી આપણું મગજ એ ચોક્કસ અવાજનું અને તે અવાજના સ્ત્રોતનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરે છે. એટલે જો આપણા કાન બરાબર કાર્ય ન કરતા હોય તો મગજને અવાજને લગતી પર્યાપ્ત માહિતી મળતી નથી અને એથી એ અવાજનું પૂરતુ મૂલ્યાંકન મગજ કરી શકતું નથી. 

આપણે આપણા કાનની સંભાળ પ્રત્યે ઘણું ખરું બેધ્યાન રહીએ છીએ. કાનની સારસંભાળ અને આરોગ્યને લગતી બાબતો ઉપર આપણે પૂરતા સતર્ક રહેતા નથી. અવારનવાર ખૂબ મોટેથી વાગતું સંગીત સાંભળીએ છીએ, એની સંભવિત આડઅસરો અને નુકસાનનો વિચાર સુધ્ધાં કર્યા વગર. એકવાર જો તમારી શ્રવણશક્તિ ક્ષીણ થઈ જાય, તો પછી એને પાછી જીવંત કરી શકાતી નથી. એટલે એ બહુ જરૂરી છે કે માતાપિતા પોતાનાં બાળકોને કાન અને તેના મહત્ત્વ પ્રત્યે સભાનતા કેળવતાં શીખવે. વળી, કાનમાં થતા અલગ અલગ પ્રકારના ચેપ, બહેરાશ, અને કાનનું મહત્ત્વ વગેરે જેવાં વિવિધ પાસાંઓ પ્રત્યે બાળકને જાગૃત કરે.  કોઈ મોટું નુકસાન થઈ જાય ત્યાં સુધી રાહ જોવાને બદલે બાળકોને જેટલું બને એટલું જલ્દી પોતાના કાનની સંભાળ લેતાં શીખવી દેવું જોઈએ. 

તમારા બાળકના કાનનું રક્ષણ કેવી રીતે કરશો :

ઘોંઘાટથી :

ઘોંઘાટને લીધે ઘણી નાની ઉંમરે જ શ્રવણ શક્તિમાં ઘટાડો થવાનું શરૂ થઈ શકે છે, જે ઉંમરના વધવાની સાથે વધતો જાય છે. ધ્વનિ પ્રદુષણને લીધે કાનની સાંભળવાની શક્તિને થતું નુકસાન અદૃશ્ય અને કાયમી હોય છે. 

૧. જયારે પણ વધુ પડતા ઘોંઘાટવાળા વાતાવરણમાં જવાનું થાય, ત્યારે કાન ઉપર ધ્વનિ અવરોધક પેડ લગાવી દો. “ઈયર પ્લગ”નો પણ ઉપયોગ કરી શકાય. આવા ધ્વનિ અવરોધકોનો ઉપયોગ માતાપિતાએ સ્વયં પણ કરવો જોઈએ, જેથી બાળક એમ કરવાનું મહત્ત્વ સમજે. વળી, બાળકોને એ પણ સમજાવવું કે વધુ પડતા ઘોંઘાટનો અચાનક સામનો કરવાનો થાય ત્યારે પોતાની આંગળી કાનમાં નાખી દેવી. 

૨. કોઈ ઓડિટોરિયમ અથવા થિએટર વગેરે જેવી જગ્યાએ બાળકોને લાઉડસ્પીકરની નજીક ક્યારેય ન બેસવા માટે તાકીદ કરો, જેથી તેઓ ખૂબ મોટા અવાજથી થતા નુકસાનથી બચી શકે. 

૩. તમારા મોબાઈલના સ્પીકર, ટીવી, કારના રેડિયો વગેરેનો અવાજ બને તેટલો ઓછો રાખવાની આદત રાખો.  બાળકો માટે પણ એક ધ્વનિ મર્યાદા નક્કી રાખો અને તેઓ કોઈપણ આવા ઉપકરણનો અવાજ તે મર્યાદાથી ઊંચો ન સાંભળે એ નિયમનું કડકાઈથી પાલન થવા દો.

૪.બાળકોનાં રમકડાં પણ એવાં પસંદ કરો કે જે વધુ પડતો અવાજ ઉત્પન્ન ન કરતાં હોય.

૫. જો તમને એવું લાગે કે બાળકને સાંભળવામાં કોઈ અડચણ થઈ રહી છે અથવા તેની સાંભળવાની ક્ષમતા ઘટી રહી છે, તો તાત્કાલિક કાનના ડૉક્ટરનો સંપર્ક કરો. 

કોઈ પણ પ્રકારના સંક્રમણથી :

બાળકોને કાનમાં કોઈ પણ પ્રકારનો ચેપ(સંક્રમણ) લાગવાની ઘટના સામાન્ય છે. સર્વેક્ષણ પ્રમાણે ૭૫% બાળકો પોતાના ત્રીજા જન્મદિવસ પહેલાં ઓછામાં ઓછું એક વાર કોઈ ને કોઈ પ્રકારના કાનના ચેપ અથવા સંક્રમણ (ઈન્ફેકશન)ની ફરિયાદ કરી ચૂક્યા હોય છે. ઉછરતાં બાળકોમાં કાનમાં થતું સંક્રમણ બહુ સામાન્ય હોવાથી બહુ જરૂરી છે કે તમે આવા ઈન્ફેકશન થવાનાં કારણો, તેના લક્ષણો અને તેના ઉપચાર વિષે જાણકારી મેળવી લો; જેથી તમે આવી પરિસ્થિતિથી તમારા બાળકનું રક્ષણ કરી શકો. 

સંક્રમણનાં કારણો :

આપણા કાનની રચના ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય છે; બાહ્ય ભાગ, માધ્ય ભાગ અને આંતરિક ભાગ. કાનનો મધ્ય ભાગ, આપણા ગળાના પાછળના ભાગ સાથે એક નાળથી જોડાયેલો હોય છે, જેને “ઓસ્તાચીન ટ્યૂબ” કહેવામાં આવે છે. જયારે બાળકને શરદી, ખાંસી અથવા અન્ય કોઈ પ્રકારની એલર્જી થઈ હોય છે ત્યારે આ ઓસ્ટાચિન ટ્યૂબ ઉપર સોજો આવે છે. એથી હવાની અવરજવર માટે અવકાશ ઓછો થઈ જાય છે. કાનને સાફ રાખતું પ્રવાહી અંદર જ પુરાઈને રહી જાય છે, જ્યાં પછી કીટાણું પાંગરવા લાગે છે અને પરિણામ સ્વરૂપે કાનમાં સંક્રમણને લીધે થતી તકલીફનો સામનો કરવો પડે છે. બાળકની ઓસ્તાચીન ટ્યૂબ સુવિકસિત ન હોવાને કારણે તેઓ આવા સંક્રમણનો શિકાર સરળતાથી બની જાય છે. 

લક્ષણો:

કાનના દુખાવાની વિશેષતા અથવા વિચિત્રતા એ છે, કે ઘણી વાર બાળક નક્કી જ નથી કરી શકતું કે દુખાવો ખરેખર કાનના કયા ભાગમાં થાય છે. એટલે બહુ જરૂરી છે કે માતાપિતા કાનને લગતી તકલીફોના દેખીતા લક્ષણોનું અવલોકન કરીને વિસ્તૃત પરીક્ષણ કરે. 

૧. કાનમાંથી કોઈ પણ પ્રકારના પ્રવાહીનું નીકળવું  .

૨. કાનના સ્નાયુઓમાં એક પ્રકારના ખેંચાણનો અનુભવ થવો. 

૩. ભૂખ ઓછી થઈ જવી. 

૪. અનિદ્રા

૫. શરીરમાં તાવ

૬. ચીડિયાપણું

૭. કાનમાં થતો દુખાવો

કાનમાં થતી તકલીફો પ્રત્યે સાવચેતીનાં પગલાં  :

કાનના ઈન્ફેક્શનને થતું અટકાવી શકાય છે. આપણે જાણીએ છીએ કે, શરદી અને કફ એ કાનમાં ચેપ થવાનાં મુખ્ય કારણો છે, તેને મૂળથી જ થતાં અટકાવવા માટે નીચે અમુક સૂચનો જણાવેલ છે :

૧. બાળકોને શરદી, ખાંસી, કફ, ગાળાનું ઈન્ફેકશન વગેરે જેવી તકલીફથી પીડાતી કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવતાં અટકાવો, કારણ કે આવી તકલીફો ઝડપથી સંક્રમિત થઈ જાય છે. 

૨. પોતાનાં રમકડાં અથવા કોઈ પણ એવી રોજિંદા વપરાશની વસ્તુ, કે જે બાળકો મોંઢામાં મૂકતાં હોય એને બીજાં બાળકો સાથે સહિયારું કરવા ન દો.

૩. બોટલમાંથી દૂધ અથવા કોઈ પણ પ્રવાહી પીતી વખતે સૂતાં સૂતાં પીવા ન દો, કારણ કે એમ કરવાથી બોટલમાંનું પ્રવાહી કાનમાં પેસી જવાની સંભાવના રહે છે, જે એસ્તાચીન ટ્યૂબ સુધી પહોંચીને ચેપ ઉત્પન્ન કરી શકે છે. 

૪. બાળકને છીંક આવે અથવા ખાંસી આવે ત્યારે પોતાના મોં આગળ રૂમાલ રાખવાની ટેવ પાડો. 

૫. બાળકોને વારંવાર હાથ ધોવાની ટેવ પાડો. 

૬. જો બાળકો શિશુ સંભાળ કેન્દ્રમાં જતાં હોય, અથવા આંગણવાડીમાં જતાં હોય, તો એક વર્ગમાં છ થી

સાત બાળકો કરતાં વધુ બાળકો ન હોય એનો આગ્રહ રાખો; કારણ કે સર્વેક્ષણથી સિદ્ધ થયું છે કે ઓછી સંખ્યામાં સાથે રહેનારાં બાળકોમાં ચેપ અથવા સંક્રમણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 

૭. બાળકને ઓછામાં ઓછી એક વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરવો. એથી એમની રોગપ્રતિકારક શક્તિ ઉત્તમ બની રહે છે, અને જીવનભર તેમની આવા સંક્રમણોનો ભોગ બનવાની સંભાવના ઘટી જાય છે. 

૮. બાળકોના મોંઢામાં આપવામાં આવતી રબરની ચૂસણી અથવા ચાવણીનો ઉપયોગ કદાપિ ન કરો. સર્વેક્ષણ મુજબ જે બાળકો તેનો ઉપયોગ કરે છે, તેઓ કાનના માધ્ય ભાગમાં ઈન્ફેકશનનો અનુભવ વારંવાર કરે છે. 

૯. બાળકોની સામે ધુમ્રપાન કયારેય ન કરો, કારણ કે એમાંથી નીકળતા ધુમાડાથી કાનની અંદર રહેલાં ઝીણાં ઝીણાં રોમ નાશ પામે છે, જે બાળકોના કાનના સંક્રમણની સામે રક્ષણ કરતાં હોય છે.

૧૦.  બાળકોના ડૉક્ટર પાસે જઈને બાળકને નિયમિત બધી જાતની રસી પીવડાવો. ઘણી બધી રસીઓ, જેમ કે ઈન્ફ્લૂએન્ઝા, પ્રીવનર વગેરે કાનનાં ઈન્ફેકશનનાં કારણો સામે બાળકને રક્ષણ આપવાનું કામ કરતી હોય છે. 

તરણવીરના કાન (Swimmer’s ear )ઈન્ફેક્શનો એક પ્રકાર :

કાનની નળીમાં થતું આ એક સંક્રમણ છે. જો તમારું બાળક નબળી સ્વચ્છતા ધરાવતા પાણીમાં રમતું હોય અથવા તરતું હોય તો તેને આ સંક્રમણ થવાની સંભાવના વિશેષ હોય છે. “Swimmer’s ear” નામના ઈન્ફેકશનમાં બાળક કાનમાં દુખાવો, કાનની અંદરના ભાગમાં ખંજવાળ વ્યક્ત કરશે, વળી એને એવું પણ લાગશે, જાણે કે એના કાન બંધિયાર થઈ ગયા છે. તકલીફની ચરમસીમામાં કાનમાંથી પરુ નીકળતું પણ જોવા મળે છે. 

આ સંક્રમણથી બચવાના ઉપાયો:

. તરતી વખતે ઈઅરપ્લગનો ઉપયોગ ટાળવો, એથી કાનની નળીમાં સોજો આવે છે અને એ સંક્રમણનું કારણ બને છે. 

૨. તરણક્રિયા પછી દરેક વખતે બાળકને વાંકા વળીને માથું હલાવી, કાનમાં પેસેલું પાણી ખંખેરવાનું કહો. 

૩. દરેક વખતે તરણ પછી સ્વચ્છ પાણીથી સ્નાન કરવાનું અને પોતાના કાનને સરખી રીતે સાફ કરવાનું બાળકને શીખવો.

૪. હેયર ડ્રાયરને એની લઘુત્તમ મર્યાદામાં, કાનથી એક ફુટના અંતરે રાખીને, કાનને બિલકુલ સુકવી નાખવા.

૫. કાનના ડૉક્ટરનો સંપર્ક કરીને ખાસ ‘Swimmer’s ear’ નામના સંક્રમણ માટે કાનનાં ટીપાં વિષે જાણો અને એનો ઉપયોગ સૂચના અનુસાર કરો. 

૬. અસ્વચ્છ પાણીમાં બાળકને ક્યારેય રમવા અથવા તરવા ન દો. 

કાનના પ્રવાહી સાથે જોડાયેલી ભ્રમણાઓ :

કાનમાંથી બહાર આવતો ચીકણો પદાર્થ એ કાનની ગંદકી અથવા સફાઈની ઉણપનું પ્રતીક છે, એવી આપણી સામાન્ય ધારણા છે. પરંતુ એવું નથી કાનમાંથી બહાર આવતો પીળાશ પડતો ચીકણો પદાર્થ, કે જે કાનની નળીમાંથી નીકળીને બહાર આવે છે, એ કોઈ ખરાબ અથવા નુકસાનદેય વસ્તુ નથી. એ કોઈ ગંદકી પણ નથી, પણ એ કાનને લગતી સહજ અને કુદરતી બાબત છે. આ ચીકણા પદાર્થને સતત સાફ કરતા રહેવું એ તમને કાનમાં થતા ચેપથી બચાવશે, એવું જરાય નથી, ઉલટું એમ કરવાથી તો તમારા કાનના સંક્રમિત થવાની સંભાવના વધી જાય છે.  હકીકતમાં તો આ ચીકણો પદાર્થ કાનની નળીની નાજુક ચામડીનું રક્ષણ કરે છે અને બેક્ટેરિયા જેવા કીટાણુઓથી, ઝીણાં ઝીણાં જીવજંતુઓથી, અને પાણીથી કાનનું રક્ષણ કરે છે. કાનનું આ ચીકણું પ્રવાહી ત્યારે જ ચિંતાનો વિષય બને છે જયારે એનો અતિરેક થઈ જાય, એ કઠણ થઈને જામી જાય અથવા એને લીધે દુખાવો અથવા અકળામણ અનુભવાય, કે પછી શ્રવણશક્તિમાં ઘટાડો અનુભવાય,પરંતુ એવું ભાગ્યે જ થાય છે. 

બાળકોના કાનની સફાઈ :

દરેક વખતે સ્નાન પછી તમારા બાળકના કાન નરમ સ્વચ્છ કપડાથી સાફ કરો. કાનની આસપાસના ભાગને સરખી રીતે સાફ કરો. કાનની નળીને સાફ કરવા માટે રૂ વાળી સળી (Ear buds) નો ઉપયોગ ન કરો. એમ કરવાથી કાનનું પ્રવાહી અને કચરો બંને અંદરની તરફ ધકેલાય છે. જે કાનના પડદાને હાનિ પહોંચાડે છે. એટલે એવી રૂ વાળી સળીનો ઉપયોગ ફક્ત કાનના બહારના દૃશ્યમાન ભાગને સાફ કરવા માટે જ કરવો . 

જો બાળકના કાનમાં કાનનું પ્રવાહી કઠણ થઈ ગયેલું જણાય, તો બાળકને એ અસરગ્રસ્ત કાન ઉપર રહે એમ સુવાડવો, પછી બાળકના કાનમાં નવશેકા ઓલિવના તેલનાં અથવા ખનીજતેલનાં ત્રણ ચાર ટીપાં ડ્રોપરની મદદથી નાખો. થોડી વાર માટે બાળકને એ જ સ્થિતિમાં રાખો. પછી જયારે બાળકને બેસાડશો ત્યારે ચીકણો પદાર્થ આપોઆપ બહાર આવશે, ત્યારે સ્વચ્છ કપડાથી અથવા રૂથી કાનની સફાઈ કરી દો. 

જો કાનમાંથી પરુ અથવા લોહી નીકળતું જણાય અથવા બાળકને કાનમાં દુખાવો થતો હોય અથવા સાંભળવામાં તકલીફ જણાય અથવા કાનમાં કંઈક ફસાઈ ગયું હોય, એવી સ્થિતિમાં તાત્કાલિક કાન, નાક, ગળાના નિષ્ણાત ડૉક્ટર (ENT સ્પેશ્યાલિસ્ટ) નો સંપર્ક કરો. 

બાળકની શ્રવણ શક્તિ એ વિશ્વ સાથેની એની સંવાદિતાનું માધ્યમ છે, એટલે બાળકને એના કાનની કાળજી લેતાં શીખવીને એની એ સંવાદિતાને નિર્વિઘ્ન બનાવો.

 

* * *

નોંધ :

આ જ આર્ટિકલ ને અંગ્રેજીમાં વાંચવા માટે વિઝિટ કરો :

http://in.parentingnations.com/ear-health-for-children/

* * *

સંપર્કસૂત્રો :-

Alihusen Momin <ali@parentingnations.com>

Mob. +91 99250 41865

Blog : Parenting Nations – www.parentingnations.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *