





કિશોરચંદ્ર ઠાકર
બ્રાહ્મણો એમ માને છે કે ચાણક્ય બ્રાહ્મણ હતો. કોઈ શિક્ષકે ક્યાંકથી ચાણક્યનું એક કથન શોધી પાડ્યું કે “શિક્ષક સાધારણ નહિ હોતા.” આથી બધા શિક્ષકો એમ માને છે કે ચાણક્ય શિક્ષક હતો. જે પણ હોય, પરંતુ તેનો મુખ્ય વ્યવસાય ‘અવતરણો(quotations)’ બનાવવાનો હશે તેમ વારંવાર સામાયિકોમાં, ફેઈસબુક અને વોટ્સેપ પર આવતા સંદેશાઓમાં તેમના નામે આવતાં અવતરણો પરથી લાગે છે. આ ચાણક્યના નામે એક એવું અવતરણ પણ છે કે “જેમ પાણીમાં રહેતી માછલી કદી પાણી પીતી હોય તેમ દેખાતું ન હોવા છતાં તે પાણી પીધા વગર રહી શકતી નથી, તેમ ભલે કોઈને જાણ ન થતી હોય પરંતુ રાજ્યના અધિકારીઓ લાંચરુશ્વત લીધા વિના રહી શકતા નથી.” આમ ભ્રષ્ટાચારને તેમણે જળ જેટલો અનિવાર્ય માન્યો.
પરંતુ કોઈ દુષ્પ્રચારને કારણે ભ્રષ્ટાચાર કોઈ દૂષણ હોય તેમ પ્રગટપણે માનવામાં આવે છે. કેટલાક તો તેને ભોરિંગ કહે છે. પરંતુ ભ્રષ્ટાચારને પોતાને આનાથી કોઈ ફરક પડતો નથી. તે તો ભર્તૃહરિના પેલા શ્લોકમાં આવે છે તેમ
નિંદંતુ નીતિનિપુણા યદિ વા સ્તુવન્તુ
લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ્ I
અદ્યૈવ વા મરણમસ્તુ યુગાન્તરે વા
ન્યાયાત્પથ: પ્રવિચલન્તિ પદં ન ધીરા: II
(નીતિનિપુણ લોકો નિંદા કરે કે પ્રશંસા, લક્ષ્મી આવે કે જાય, આજે મરણ થાય કે યુગો પછી – પરંતુ ધીર પુરુષો પોતાના માર્ગમાંથી વિચલિત થતા નથી).
આ રીતે ભ્રષ્ટાચાર પણ અનેક આફતોની વચ્ચે પોતાની ફરજ બજાવ્યે જાય છે. જેમ ઈશ્વરના નિવાસ તરીકે આપણે મંદિર, મસ્જિદ કે ગિરિજાઘરને માનીએ છીએ, પરંતુ તેની અનુભૂતિ તો અત્ર તત્ર સર્વત્ર થાય છે, તેમ આપણે ભ્રષ્ટાચારના આશ્રયસ્થાન તરીકે સરકારી ઓફિસોને માનીએ છીએ પરંતુ તે જૂજવે રૂપે સર્વત્ર જોવા મળે છે.
રોતા બાળકને છાનું રાખવા માટે આપણે ચોકલેટ આપીને તેના જીવનમાં અનિવાર્ય એવા ભ્રષ્ટાચારની તાલીમ આપવાની શરૂઆત કરીએ છીએ. આ પ્રકારની દીક્ષા પામ્યા પછીથી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે તેમાં આગળ વધે છે.
ભ્રષ્ટાચાર એ નીતિશાસ્ત્રનો વિષય છે કે અર્થશાસ્ત્રનો એ હજી સુધી નક્કી થયું નથી. પરંતુ વિચાર કરતાં એમ લાગે છે કે પ્રગટપણે (એટલે કે હાથીના દંતશૂળની જેમ)તે નીતિશાસ્ત્રનો વિષય છે, પરંતુ તેનો સાચો સંબંધ અર્થશાસ્ત્ર સાથે છે. આમ છતાં અર્થશાસ્ત્રીઓએ ભ્રષ્ટાચારની કોઈ વ્યાખ્યા આપી હોય તેમ જણાતું નથી. જો કોઈ પ્રયત્ન કરશે તો આ પ્રકારે હશે: “કોઈ પણ ચીજવસ્તુ, સેવા, માન, પદ કે હોદ્દો સહેલાઈથી મેળવવા કે આપવા માટે તેની મુકરર કરેલી, કાયદેસરની કે વેદિયા લોકોએ પ્રમાણેલી કિંમત કરતા અધિક કિંમત આપવી કે લેવી તેને ભ્રષ્ટાચાર કહેવાય છે.”
ભ્રષ્ટાચારની રકમનું મૂલ્ય કામ કરનારની સત્તા અને કામની અનિવાર્યતાના સમપ્રમાણમાં તેમજ કામ કરાવનારની સત્તાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જરૂરી નથી કે આ મૂલ્ય રૂપિયાપૈસાના સ્વરૂપમાં જ હોય.. કોઈ સેવાના કે બીજા સ્વરૂપે પણ હોય. પરંતુ મુક્ત અર્થતંત્રમાં છેવટે તો દરેક બાબત રૂપિયામાં જ મપાય છે.
કદાચ પૂરા બ્રહ્માંડની જાણકારી આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીને નહિ હોય, આથી તેમણે આપણી પૃથ્વીના સંદર્ભમાં જ કહેલું કે “ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી (International phenomenon) છે”
જે ભ્રષ્ટાચારને આપણે સરકારી કાર્યાલયો વગેરેમાં જોઈએ છીએ તે તો ગૃહઉદ્યોગ જેવી વાત છે. તેનાં મોટાં સાહસો તો રાજકારણમાં હોય છે. ત્યાં તેની ઉપયોગિતા પણ વિવિધ છે. ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન ચલાવીને સત્તા મેળવી શકાય છે. આ આંદોલન ચલાવવા માટે પણ ભ્રષ્ટાચારનો આશરો લેવાય છે. સત્તા ઉપર આવ્યા પછી સત્તા ટકાવવા અને ફેલાવવા માટે પણ ભ્રષ્ટાચાર અનિવાર્ય બને છે. ગ્રામપંચાયતથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધી સામેના પક્ષના સભ્યનું હૃદયપરિવર્તન કરાવવા માટે ભ્રષ્ટાચારનો જ આશરો લેવો પડે છે. જેમ કેટલીક દુકાનોમાં જથ્થાબંધ માલ જ વેચાય છે તેમ, હવે પક્ષપલટા વિરોધી કાયદો આવ્યા પછી છૂટક હૃદય પરિવર્તન બંધ થયાં પરંતુ જથ્થાબંધ હૃદય પરિવર્તનો ચાલુ રહ્યાં. જેનાં હ્રદય પરિવર્તન શક્ય ન લાગે તેવા વિરોધીને ભ્રષ્ટાચારને નામે કાયદાના સાણસામાં લઈને ચૂપ કે ખતમ કરી શકાય છે.
વાહનને ફક્ત પેટ્રોલ કે ડીઝલ વડે સરળતાથી (smoothly) ચલાવી શકાતું નથી પરંતુ તેમાં ઑઇલ નાખવું જ પડે છે, તે જ પ્રમાણે આપણા ઘણાખરા વ્યવહારો ભ્રષ્ટાચારથી સરળ બને છે, જરૂરી નથી કે તે નાણાંના સ્વરૂપે જ હોય. ખુશામત વગેરેના સ્વરૂપે પણ તે હોઈ શકે છે, અલબત આ કલાના જાણકારો આ રીતે નાણાં બચાવી લેતા હોય તેમ લાગે છે પરંતુ આખરે કલાની પણ કિંમત તો હોય જ છે ને!.
દેશદેશની સરકારો લાંચરૂશ્વત વિરોધી ખાતું ખોલે છે. આનાથી ભ્રષ્ટાચાર ઓછો થયાનું જણાયું નથી. કેટલીક વખત તો લાંચ લેતાં પકડાયેલા લાંચ આપીને છૂટી જતા હોય છે. પરંતુ અહીં અનેક લોકોને રોજગારી તો મળે જ છે. આમ ભ્રષ્ટાચારની ઉપયોગિતા રોજગારીના નિર્માણ માટે પણ છે.
આમ છતાં ભ્રષ્ટાચારનો આટલો બધો વિરોધ શા માટે કરાતો હશે તે સમજાયું નહિ. કંઈક અંશે તેનો જવાબ આપણા ભક્તિ સંપ્રદાય પાસેથી મળે છે. અહીં ઇશ્વરને પ્રેમભાવે ભજવાની જોગવાઈ છે તેમ વેર ભાવે પણ ભજી શકાય છે. એ રીતે જેની ડગલે ને પગલે જરૂર પડે છે તે ભ્રષ્ટાચારની નિંદા કરીને આપણે તેને વેર ભાવે જ ભજીએ છીએ.
કહેવાય છે કે સોનાના દાગીના બનાવવા માટે તાંબાની ભેળસેળ અનિવાર્ય છે. તે જ રીતે જીવનને ભૌતિક રીતે વૈભવી બનાવવા માટે શુદ્ધ નાણાં ઉપરાંત ભ્રષ્ટાચારનાં નાણાં ભેળવવાં પડે છે. આથી જ જે લોકો પોતાના જીવનમાં સાદગી આણે છે તેમણે નથી પહેરવા પડતા તાંબું ભેળવેલા સોનાના દાગીના કે નથી જરૂરી હોતું ભ્રષ્ટ માર્ગે મેળવેલું નાણું. નીતિમય જીવન જીવનારને જેમ ઇશ્વરની જરૂર નથી હોતી તે જ રીતે સાદું જીવન જીવન જીવનાર સર્વવ્યાપક એવા ભ્રષ્ટાચારથી મુક્ત રહી શકે છે.
૦-૦-૦
શ્રી કિશોરચંદ્ર ઠાકરનું ઇ-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in
kishor bhai,
Nice Article.Congratulations.Continue.All the best.
kishor bhai,
Nice Article.Congratulations.Continue.All the best.
કિશોર ભાઈ ,
હાર્દિક અભિનંદન
ખુબજ કટાક્ષ યુક્ત અને રમુજી લેખ વાંચીને મજ। આવી. અભિનંદન
આભાર અશ્વિનભાઈ
સરસ લેખ
પણ જેમ બે હાથ વગર તાળી ના પડે તેમ ભ્રષ્ટાચાર/લાંચમાં એક પક્ષ આપણે પ્રજા છીએ.
આભાર ગૌતમભાઉ
Dear Kishorbhai,
You have beautifully expressed your thoughts on corruption. Both contents and presentation are very good. It is always pleasure and informative to read your articles. Thank you Kishorbhai. We worked together in CBO 6 but I was grossly involved in my duties and never got a chance to see this side of your talent. This is also true in case of Devani. But today I am proud to have friends like you and Devani..! Wish you all the very best……!
આભાર બિપીનભાઈ. આપના જેવા મિત્રોનિ પ્રતિભાવ મને પ્રોત્સાહિત કરે છે.