મારી બારી (૧૦૦) : બસ, હવે જરા વિરામ કરું તો?

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

‘મારી બારી’ શ્રેણીમાં ૧૦૦ હપ્તા પૂરા થાય છે. લગભગ ચાર વર્ષથી વેબગુર્જરી પર લખતો રહ્યો છું. મારા પોતાના બ્લૉગ ‘મારી બારી’ પર તો એનાથી પણ પહેલાંથી લખું છું. હવે થોડો વખત આરામ કરવા માગું છું. લખવાનું મને ગમે છે. લખવામાં મને પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી સુધારાવધારા કરતો રહ્યો છું. લખવા માટે સંદર્ભો શોધતો રહ્યો છું. આખી પ્રક્રિયા એક અદ્ભુત યાત્રા જેવી રહી છે.

હું જે લખું છું તે સર્જનાત્મક સાહિત્ય તો નથી જ. એટલે કશું મનમાંથી નથી ઊગતું. મનમાં માત્ર એક વિષય આકાર લેવા માંડે છે. ઇતિહાસ, રાજકારણ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન મારા રસના વિષય રહ્યા છે કોઈ પણ નવો વિષય મને બહુ આકર્ષિત કરે છે. એટલે મારું મન આવા જ વિષયોની આસપાસ ભમતું રહે છે. લખ્યું પણ એવું જ છે, મને ખબર નથી કે વાંચનારને કેટલું ગમ્યું. પણ હું જેવો છું તેવો તમે સૌએ મને સ્વીકાર્યો છે તે મારા માટે ગર્વની વાત છે.

વાંચું છું. બહુ વાંચું છું. એટલા માટે વાંચું છું કે ભલે મારી પોતાની મર્યાદા હોય, તેમ છતાં જે લખવું તે પ્રામાણિકતાપૂર્વક લખવું એમ મને લાગે છે. વાંચનારને લાગે કે લખનાર ખરા હૃદયથી લખે છે. આમ છતાં મને એમ કેમ લાગ્યા કરે છે કે હું કંઈ વાંચતો નથી? કેટલુંયે વાંચવાનું પડ્યું છે અને હું એને હાથ પણ લગાડી શકતો નથી. એક આંતર્વિરોધ મારી જ વાતમાં છે. એક બાજુથી કહું છું કે બહુ વાંચું છું, અને બીજી બાજુથી કહું છું કે વાંચતો નથી.

વાત એ છે કે લખવાની પ્રક્રિયા બહુ જ સારી લાગતી હોવા છતાં, અને મારા માટે એ માનસિક અને બૌદ્ધિક કસરત હોવા છતાં આખી પ્રક્રિયા એકરાગી થઈ ગઈ છે. એ મશીન જેમ ચાલ્યા કરે છે. આ મૉનોટોની થકવી દે તેવી છે. સાપ અને નોળિયાની લડાઈમાં નોળિયાને થાક લાગે ત્યારે એ નોળવેલ સૂંઘવા જાય. મારે પણ નોળવેલ સૂંઘવી છે.

આનો અર્થ એ નથી કે લખવાનું બંધ કરીશ. જે કંઈ બનશે તે લખીશ પરંતુ મારી બારીમાંથી ડોકિયું કરતાં જે કંઈ જોવા મળે તે લખતો હોઉં છું, એવું કદાચ ન હોય. તમે મને હંમેશાં સાથ આપ્યો છે એટલે જ લખવાનું બની શક્યું છે, હવે થોડા આરામની, નવી તાજગીની જરૂર છે. બસ, હવે જરા આરામ કરવા માગું છું, તો રજા આપશો.


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો :

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

9 comments for “મારી બારી (૧૦૦) : બસ, હવે જરા વિરામ કરું તો?

 1. July 19, 2017 at 4:00 am

  દીપકભાઈ, તમે નોળવેલ સૂન્ઘીને આવો ત્યા સુધી રાહ જોઈશુ.

 2. M. Gada
  July 19, 2017 at 9:16 am

  Dear Deepakbhai,

  This is surely heart warming and touching statement. What I understand from this is that only “Mari Bari” is taking a breather. Science and mathematics articles will still continue. Right? Nothing wrong in taking a breather. We do get tired.
  Most of us readers have enjoyed your writing immensely. I, like many others, for sure am going to miss your articles.
  I also stopped writing about a year ago for partly similar and partly other reasons. But I couldn’t say it so candidly even if I tried to. Only yesterday, you were encouraging me to write. What a difference one day makes.!
  Enjoy whatever else you have planned to do. Anyway we will be in touch by email and phone calls, if not on wegu or Abhivyakti platforms.

 3. અમિત જોશી
  July 19, 2017 at 10:41 am

  બારી પૂર્વાભિમુખ છે એટલે અજવાળું અને પુરવૈયા બંનેથી અમે વંચિત થવા નથી માંગતા.પુસ્તક પરિચય ખાસ તો વિચારધારા વૈવિધ્ય મને એક કલ્પિત મર્યાદા રેખાની બહારની દુનિયા બતાડે છે એ આજની સમય માંગ છે.મારી ઈચ્છા કે હવે થોડું મુક્ત લખાય જેમકે દિલ્હીની ખાસિયતો,દિલ્હીના બદલાતા સામાજિક પરિવેશનું તમારું ત્રણ ચાર દાયકાનું અવલોકન,ભાષા અંગે સમાન જેવી લાગતી હિંદી -ગુજરાતી ભાષા વચ્ચેના તફાવત,આત્મકથા તો નહિ પણ તમારા સંસ્મરણો,રેડિયો જેવા માધ્યમના અનુભવો,અનુવાદ ના ism વિષે,જાહેર જીવન સાથે સંકળાયેલી વાતો, દિલ્હી ની ગુજરાતી કમ્યુનીટી…હજી યાદી લાંબી થઇ શકે છે પણ મૂળ વાત એ કે બારી ના બંધ થાય કે ના અધખુલી રહે,બસ વાતાયન બની રહે.પ્રણામ સહિત – અમિત

 4. July 19, 2017 at 6:11 pm

  Old order changeth yielding place to the new !

  http://www.bartleby.com/246/392.html
  ——–
  બીજી પ્રવૃત્તિ ગોતતા હો તો આપડી કને બૌ બૌ સે !!!

  • Dipak Dholakia
   July 19, 2017 at 9:22 pm

   કહેતા હો તો મારી થોડી પ્રવૃત્તિઓ તમને પાર્સલ કરી દઉં!

 5. July 19, 2017 at 10:55 pm

  દીપકભાઈ વેબ ગુર્જરીના સાથી છે તે ઉપરાંત બહુ સારા મિત્ર પણ છે. કોઈ એક જ પરાકરનું કામ કરતા રહેવાનો “નોકરી’નો તબક્કો માંડ માંડ પૂરો કર્યા પછી હવે તો પોતાને જે ગમે તે કરવું એવી અમારી મૂળ ઈચ્છા ખરી. એટલે થોડે થોડે સમયે કંઈક નવું કરવાનું મન થયા કરે. એમાં પાછા અમે મૂળ તો વાંચનના જીવડા. એટલે લખવાનું નક્કી તો કરી નાખ્યું છે, પણ એ અમારી સ્વાભાવિક ક્રિયા ન હોવાથી દરેક લેખ સમય પણ ઘણો માગી લે.
  આવા સંજોગો મને દેખાય છે. એટલે દીપકભાઈને હાથે ‘મારી બારી’ ચડે એ પણ સમજી શકાય.
  બંધ કરવાને બદલે, ઉઘાડ બંધ કરવી અને નવાં નવાં દૃશ્યો વિષે મન થાય ત્યારે લખવું એવો ‘નિયમ’ કરે તો સાપ પણ મરે અને લાઠી પણ ભાંગે નહીં. બારી બંધ કરવા વિષ એતેમણે મન બહુ ઉઘાડું રાખ્યું છે તે વાતે પણ સધિયારો રહે છે.

 6. Kishor Thakr
  July 20, 2017 at 9:39 am

  નોળવેલ સુંઘવાનું લખવાનો વિચાર કરતો રહી ગયો અને ચિરાગભાઈએ લખી નાખ્યું. હવે હું મેઘાણીનું કાવ્ય જ ફટકારી દઉં છું,
  રણવગડા જેણે વીંધ્યા,
  વહાલી જેને વનવાટ;
  જે મરતાં લગ ઝંખેલો
  ઘનઘોર વિજન રઝળાટ :
  જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ –
  એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’
  દમ દમ કર્મે મચી રહેતાં
  ઊછળે ઉરમાં ધબકાર;
  ભલી એ એની વિશ્રાંતિ,
  એ સુખ, જીવનઆધાર :
  એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે યુદ્ધ અવિરામ-
  એ સુભટ કાજ કો’ નવ કહેજો : ‘પ્રભુ દે એને વિશ્રામ !’
  ધગધગ ધખતા સહરામાં
  એ મહાલે શીતળ સેજ;
  ઘન ઘન અંધારનિશામાં
  ભાળે ભાસ્કરનાં તેજ:
  વંટોળ વિષે પણ પામન્તો ફૂલદોલ તણા આરામ-
  એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
  જ્યમ શતશત પહાડશિખરથી
  જળધોધ ઘૂઘવતો જાય,
  જ્યમ ખુશખુશાલ કો’ જોદ્ધો
  નિજ અશ્વ નચવતો જાય;
  ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ-
  એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
  વનવનમાં વદન હસવતી
  કો’ સરિતા ચાલી જાય;
  દુર્ગંધ જગતની વહતી
  સાગરમાં શાંત સમાય :
  સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌન વિરામ-
  એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
  [૧૯૨૮-૨૯]
  ઝવેરચંદ મેઘાણી
  -સિંધુડો

 7. July 21, 2017 at 9:29 pm

  અરે.. “રજા આપશો” કહો છો અને નિર્ણય પણ જણાવો છો? રજા ક્યાં આપી છે અમે?!!!

 8. vijay joshi
  July 22, 2017 at 1:38 am

  Dipakbhai,

  Readers of WG have come to expect from you, a prolific high quality discourse on wide ranging topics. Going against the adage ” You can never have too much of a good thing “, I do understand your need for a repose to rejuvenate, reignite, re-energized after a much deserved stepping back period. This phase of looking from outside in, we all hope will be a temporary pause. Just like Microsoft, may your windows too come back with a new look.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *