સ્ટેપ્લર

Facebooktwitterredditpinterestlinkedinmail

અનિલ ચાવડા

 

                                                અછાંદસ

 

ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાંથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!

પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે

અને હું એને બદલી નથી શકતો.

 

                                                                         * * *

સંપર્ક સૂત્રો :-
ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com મો. 09925604613

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *