સજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ:: ૧

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

મહાભારત , રામાયણ અને અન્ય ધાર્મિક – પૌરાણિક ગાથાઓને બાદ કરતાં હિંદી ફિલ્મોમાં મહાન અને વિશુદ્ધ સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મો સર્જવાનું ચલણ લગભગ નહિવત્ છે, વિશેષ કરીને જે વિપુલ માત્રામાં ફિલ્મો બને છે એને લક્ષમાં લેતાં. હા, બંગાળી ફિલ્મ જગત એમાં અપવાદરુપ છે. ખરેખર તો હિંદીમાં જે આવી ફિલ્મો કાલજયી સાહિત્ય પરથી બની છે તેમાં પણ બંગાળી સાહિત્ય જ પ્રમુખ છે. અન્ય હિંદી અને પ્રાદેશિક સાહિત્ય પરથી જે ફિલ્મો બની તે જૂજ અને મહદંશે નિષ્ફળ- આંગળીના વેઢે ગણાય એટલા અપવાદોને બાદ કરતાં !  મોટા ભાગની આવી ફિલ્મો આવી એવી જ ઓલવાઈ ગઈ, કેટલીકના આગમનની જાણ જ ન થઈ અને કેટલીક એવી કઢંગી રીતે બનાવવામાં આવી કે  ‘ અતિ- પ્રબુદ્ધ ‘ દર્શકોને બાદ કરતાં મોટા ભાગનાંને એ નિતાંત કંટાળાજનક લાગી. અનેક ફિલ્મો એવી પણ જેમને વ્યાવસાયિક રીતે સિનેમાનો પરદો જોવાનું સૌભાગ્ય જ ન સાંપડ્યું !  હા, થોડીક એવી પણ જે ઠીક- ઠીક સફળ નીવડી. અહીં આપણે ગુલશન નંદા કે ચેતન ભગત જેવા  ‘ લેખકો ‘ ના  ‘ સાહિત્ય ‘ નો અને એના પરથી બનેલી ફિલ્મોનો ઉલ્લેખ સોદ્દેશ્ય ટાળીએ છીએ !

આવી ફિલ્મો અહીં જૂજ સંખ્યામાં બની એનું કારણ એ હરગીઝ નથી કે આપણે ત્યાં આ કક્ષાનું સાહિત્ય નથી. હિંદી, ગુજરાતી અને ભારતીય લેખકો દ્વારા લખાયેલા કેટલાક અંગ્રેજી પુસ્તકો સુદ્ધા વાંચીએ તો લાગે કે એ બધી કમાલની નાટકીયતા અને ઘટના- પ્રચૂરતા થી છલોછલ અને પકડદાર ફિલ્મ બને એવી સંભાવનાઓથી ભરપૂર કૃતિઓ છે, એને ન્યાય આપી શકે એવા મેધાવી સર્જકો અને કલાકારો પણ પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ છે પણ ખાટલે મોટી ખોટ કે એવા સાહસોમાં પૈસા રોકે એવા નિર્માતાઓ ક્યાં ? સિનેમા પોતે જ એક અતિજોખમી વ્યવસાય છે જેમાં નિર્માતા કાં તો નિહાલ થાય કાં કંગાલ, એટલે વેચાય અને જોવાય એવો મરીમસાલો ભરીને ફિલ્મો બનાવવી એને જ સલામત માનવામાં આવે છે. ક્વચિત આવી રચનાઓ પરથી ફિલ્મ એટલે પણ ન બની કે સાહિત્યકાર ( હયાત હોય તો ! ) પોતાની કૃતિમાં નિર્માતા સૂચવે એવા ફેરફારો ( સમાધાનો ! ) કરી ફિલ્મને સેલેબલ બનાવવા દેવા સંમત ન થાય !  આજના વિષયની પૂર્વભૂમિકા અર્થે જોઈએ એવી કેટલીક ફિલ્મો જે આવી મહાન અને/ અથવા લોકપ્રિય સાહિત્યિક કૃતિઓ પરથી બની :

 

ફિલ્મ

વર્ષ

દિગ્દર્શક

મૂળ કૃતિ

લેખક

દેવદાસ

૧૯૩૬

પ્રથમેશ બરૂઆ

દેવદાસ

શરદ બાબૂ

દેવદાસ

૧૯૫૫

બિમલ રોય 

દેવદાસ

શરદ બાબૂ

દેવદાસ

૨૦૦૨

સંજય લીલા ભણશાળી

દેવદાસ

શરદ બાબૂ

પૃથ્વી વલ્લભ

૧૯૪૩

સોહરાબ મોદી

પૃથ્વી વલ્લભ

કન્હૈયાલાલ મુનશી

મિલન

૧૯૪૬

નિતિન બોઝ

નૌકા ડૂબી

રવિંદ્રનાથ ટાગોર

પરિણીતા

૧૯૫૩

બિમલ રોય

પરિણીતા

શરદ બાબૂ

પરિણીતા

૨૦૦૫

પ્રદીપ સરકાર

પરિણીતા

શરદ બાબૂ

બિરાજ બહુ

૧૯૫૪

બિમલ રોય

બિરાજ બહુ

શરદ બાબૂ

હીરા મોતી

૧૯૫૯

કૃષ્ણ ચોપરા

દો બૈલોં કી કહાની

મુનશી પ્રેમચંદ

કાબુલી વાલા

૧૯૬૧

હેમેન ગુપ્તા

કાબુલી વાલા

રવિંદ્રનાથ ટાગોર

સાહબ, બીબી ઔર ગુલામ

૧૯૬૨

અબ્રાર અલવી

સાહેબ બીબી ગોલામ

બિમલ મિત્ર

ગોદાન

૧૯૬૩

ત્રિલોક જેટલી

ગોદાન

મુનશી પ્રેમચંદ

ગાઇડ

૧૯૬૫

વિજય આનંદ

ગાઇડ

આર. કે. નારાયણ

ગબન

૧૯૬૬

કૃષ્ણ ચોપરા / ઋષિકેશ મુખર્જી

ગબન

મુનશી પ્રેમચંદ

સારા આકાશ

૧૯૬૯

બાસૂ ચેટર્જી

સારા આકાશ

રાજેન્દ્ર યાદવ

ભૂવન શોમ

૧૯૬૯

મૃણાલ સેન

ભૂવન શોમ

બનફૂલ

ઉપહાર

૧૯૭૧

સુધેંદૂ રોય

સમાપ્તિ

રવિંદ્રનાથ ટાગોર

ગર્મ હવા

૧૯૭૪

એમ. એસ. સથ્યુ

ગર્મ હવા

ઇસ્મત ચુગતાઈ

તપસ્યા

૧૯૭૬

અનિલ ગાંગૂલી

તપસ્યા

આશાપૂર્ણા દેવી

શતરંજ કે ખિલાડી

૧૯૭૭

સત્યજીત રે

શતરંજ કી બાઝી

મુનશી પ્રેમચંદ

જુનૂન

૧૯૭૯

શ્યામ બેનેગલ

અ ફ્લાઇટ ઓફ પિજીયન્સ

રસ્કીન બોંડ

અપને પરાયે

૧૯૮૦

બાસૂ ચેટર્જી

નિષ્કૃતિ

શરદ બાબૂ

ઉમરાવ જાન

૧૯૮૧

મુઝફ્ફર અલી

ઉમરાવ જાન અદા

મિર્ઝા મુહમ્મદ હાદી રૂસવા

એક ચાદર મૈલી સી

૧૯૮૬

સુખવંત ઢઢ્ઢા

એક ચાદર મૈલી સી

રાજીંદરસિંગ બેદી

રૂદાલી

૧૯૯૩

કલ્પના લાઝમી

રૂદાલી

મહાશ્વેતા દેવી

હઝાર ચોરાસી કી માં

૧૯૯૮

ગોવિંદ નિહાલાણી

હઝાર ચૌરાશીર માં

મહાશ્વેતા દેવી

પિંજર

૨૦૦૩

ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી

પિંજર

અમૃતા પ્રીતમ

અને

તીસરી કસમ 

૧૯૬૬

બાસૂ ભટ્ટાચાર્ય

મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ 

ફણીશ્વરનાથ રેણુ

આ લિસ્ટ કેવળ ચિત્રાત્મક છે, પરિપૂર્ણ નથી અને આટલી લાંબી પૂર્વભૂમિકા કેવળ એટલા માટે કે આજે આપણે, ઉપરોક્ત લિસ્ટમાં સહુથી છેલ્લે ઉલ્લેખેલી શૈલેન્દ્રની મહાનતમ કવિતા ‘તીસરી કસમ’ની અને એના બારમાંથી માત્ર બે ગીતોની મિમાંસા વિગતે કરવાના છીએ અને ત્યાર બાદ આ લેખમાળાને વિરામ (પૂર્ણવિરામ કે અલ્પવિરામ એ સંજોગો અને ભાવકોને આધીન !) આપવાના છીએ.

કોઈ કલાકાર-વિષયક લેખમાળાની પૂર્ણાહુતિ એમની શ્રેષ્ઠ કૃતિ દ્વારા કરીએ એનાથી વિશેષ રૂડું પણ શું ? શૈલેન્દ્ર રચિત બધા કાવ્યોમાંનુ મહાકાવ્ય નિ:શંકપણે ‘તીસરી કસમ’ હતું, એમની બેહતરીન કૃતિ, એમનું Magnum Opus ! ફિલ્મના નિર્દેશક તરીકે આમ તો ‘અનુભવ’, ‘આવિષ્કાર’ અને ‘ગૃહ પ્રવેશ’ જેવી ફિલ્મોના સન્માનનીય સર્જક બાસૂ ભટ્ટાચાર્યનું નામ હતું પણ શૈલેન્દ્રના અંતરંગ વર્તુળો અનુસાર સમગ્ર નિર્દેશનનો દોરીસંચાર શૈલેન્દ્રએ પોતાના હાથમાં રાખ્યો હતો, પોતાનું સપનું અક્ષરશ: પોતાની કલ્પનાનૂસાર સાકાર થાય એ અર્થે ! એ હૈયું વલોવી નાંખે એવું દર્દનાક કાવ્ય છે જે શૈલેન્દ્ર જ કંડારવાની હિંમત કરી શકે !

ફિલ્મના સર્જન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ – દિગ્દર્શક, સંગીતકાર, ગીતકાર, પટકથાકાર, સંવાદ લેખક, સિનેમેટોગ્રાફર – બધા જ કોઈક ને કોઈક કળાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે એક નિર્માતા જ છે જે કળાકાર નહીં, શુદ્ધ વ્યવસાયી છે. એનો મુખ્ય ઉદ્દેશ અર્થોપાર્જન છે. આમ, કોઈ કલાકાર જ્યારે ફિલ્મ નિર્માણ માથે લે છે – વિશેષ કરીને શૈલેન્દ્ર જેવા સંવેદનશીલ કલાકાર- ત્યારે એ બેધારી તલવાર કે દોરડા પર ચાલનાર નટની કામગીરી બજાવે છે. એક બાજૂ કવિતારૂપી નાજુક, રેશમી સ્વપ્નજગત તો બીજી બાજૂ પૈસારૂપી દૈત્યની વિકરાળ વાસ્તવિકતા ! ભલભલી સંવેદનાઓ એ બે પડ વચ્ચે ભીંસાઈને ચૂરેચૂરા ન થાય તો જ નવાઈ ! તીસરી કસમનું નિર્માણ પાંચ વર્ષ ચાલ્યું અને એ દરમિયાન શૈલેન્દ્ર એ જે જોયું, અનુભવ્યું, વેઠ્યું, ઝીલ્યું એ અનુભવે કદાચ એમને અંદરથી તોડી નાંખ્યા. એ અનુભવો સ્વયં એક ઉચ્ચ કક્ષાની વાર્તા અને ફિલ્મની કથાવસ્તૂ બની શકે એટલા સભર હશે ! ફિલ્મ ના અંતિમ તબક્કા મા એ અતિ વ્યસ્ત અને ત્રસ્ત હતા છતાં એમણે બર્મન દાદા અને વિજય આનંદના આગ્રહને વશ થઈને ફિલ્મ ‘જ્વેલ થીફ’ માટે કેવળ એક ગીત લખ્યું ‘રુલાકે ગયા સપના મેરા, બેઠી હું કબ સવેરા‘ એ ગીતના શબ્દો શૈલેન્દ્ર ના અંતરતમના ઊંડાણેથી ઉભર્યા હતા કારણકે જે સપનું એમને રોવડાવી ગયું એ જ આ ‘તીસરી કસમ’ ! (આ ગીત ‘રુલાકે ગયા સપના મેરા’ ની સ્વતંત્ર ચર્ચા આપણે આ અગાઉ આ જ લેખમાળાની એક અલગ મણકામાં કરી ચૂક્યા છીએ.) એ સ્વપ્ન વાસ્તવિકતાની ધરતીને સ્પર્શે એ પહેલાં જ માત્ર ૪૩ વર્ષની વયે એમણે આ જગતને અલવિદા કરી. જો કે વિડંબના એ પણ કે જો ફિલ્મની રજૂઆત અને એને મળેલી પ્રારંભિક નિષ્ફળતા જોવા એ જીવતા રહ્યા હોત તો એ પણ એમના માટે એક આકરો ઘા પૂરવાર થાત !

‘મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ’ હિંદીના મૂર્ધન્ય સાહિત્યકાર ફણીશ્વરનાથ રેણુની યાદગાર ટૂંકી વાર્તા. ઉત્તર બિહારના (જ્યાંના લેખક પોતે રહીશ હતા) ગ્રામ્ય પરિવેશમાં આકાર લેતી એક ગાડીવાન-ગાડું હાંકનાર અને એક નૌટંકીમાં નાચનારી સ્ત્રીની સંવેદનશીલ, ઋજુ વાત. એ કથાને પ્રેમકથા કહીએ તો બન્ને પાત્રો અને લેખકને અન્યાય કર્યા જેવું થાય. એ કદાચ એક સમ્મોહન કથા છે, આત્માની વાત, આત્મા દ્વારા કહેવાયેલી. એનો અંત વિહ્વળ કરી મૂકે એવો છે, કારણ કે એ વાસ્તવિક છે. કહે છે કે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં રાજકપૂર અને ફિલ્મના વિતરકોનો આગ્રહ હતો કે ફિલ્મનો અંત બદલીને નાયક-નાયિકાનું સુભગ મિલન થતું દર્શાવવામાં આવે તો ફિલ્મ ચોક્કસ સફળ થાય. બધાની મિટીંગ પણ મળી, જેમાં શૈલેન્દ્ર અને રેણુ ટસના મસ ન થયા, અંત મૂળ વાર્તા મૂજબનો (અને ખરેખરી જિંદગીમાં બને છે એવો !) જ રહેશે. એ પછી જે થયું તે ઇતિહાસ છે !

રસપ્રદ વાત એ કે ફિલ્મના નાયક- નાયિકા તરીકે શરૂઆતમાં મહમૂદ અને મીનાકુમારીને લેવાનું નક્કી થયું હતું ! મહેમૂદની વરણી વિચિત્ર લાગે પણ આ વાત માત્રથી એ કેવો અભિનેતા હશે જાણકારોના મંતવ્યે, એ પણ ખ્યાલ આવે.

આપણે ફિલ્મની વાર્તા અને ફિલ્માંકનની નાની-નાની બારીકીઓ (જે મને અંગત રીતે સ્પર્શી છે)ની વાત તો કરીશું જ પણ સાથે સાથે ફિલ્મના નીચે દર્શાવેલા ૧૨ માંથી બે ગીતોની વાત પણ વિગતે કરીશું :

 

૧.

સજન રે જૂઠ મત બોલો

મૂકેશ

શૈલેન્દ્ર

૨.

સજનવા બૈરી હો ગએ હમાર

મૂકેશ

શૈલેન્દ્ર

દુનિયા બનાને વાલે

મૂકેશ

હસરત

૪.

પ્રીત બનાકે તૂને જીના સિખાયા

સુમન કલ્યાણપૂર

હસરત

૫.

ચલત મુસાફિર મોહ લિયો રે

મન્ના ડે કોરસ

શૈલેન્દ્ર

૬.

પાન ખાએ સૈયાં હમારો

આશા ભોંસલે

શૈલેન્દ્ર

૭.

મારે ગએ ગુલફામ

લતા

હસરત

૮.

હાએ ગઝબ કહીં તારા ટૂટા

આશા ભોંસલે

શૈલેન્દ્ર

૯.

લાલી લાલી ડોલિયા મેં

આશા ભોંસલે, કોરસ

શૈલેન્દ્ર

૧૦.

રહેગા ઇશ્ક તેરા ખાક મેં મિલાકે મુજે

લતા

શૈલેન્દ્ર

૧૧.

કિસ્સા હોતા હૈ શુરૂ

શંકર શંભૂ

હસરત

૧૨.

મૈં સુનાતી હૂં એક માજરા

મુબારક બેગમ, શંકર શંભૂ

હસરત

રેણુની મૂળ વાર્તા વાંચીએ ત્યારે કોઈક લાક્ષણિક સાહિત્યિક કૃતિને બદલે બિહારની ભોજપુરી કે મૈથિલી ‘બતરસ’ શૈલીમાં કોઈ આપણને કિસ્સો સંભળાવી રહ્યું હોય એવું વધુ લાગે. વાંચતા- વાંચતાં આપણને એ અહેસાસ પણ થાય કે આપણા બુદ્ધિજીવી, ચબરાક અને ગણતરીબાજ લોકોના ચિરપરિચિત જગત સિવાયનું એક વિશાળ જગત પણ આપણી આજૂબાજૂના ગ્રામ્ય ભારતમાં છે, કદાચ હજી પણ છે. આ જગત હીરામનનું જગત છે, આ જગત હીરાબાઈનું જગત છે પરંતુ એથી યે વિશેષ આ જગત, ફિલ્મમાં નાની-નાની ભૂમિકાઓમાં આવતા હીરામનનાં મોજીલા-ગમતીલા દોસ્તારો ધુન્નીરામ, લાલમોહર, લહસનવા અને પલટરામનું જગત છે ! એવું પણ નથી કે એ લોકોમાં આપણા જેવી બેઈમાનીઓ, લુચ્ચાઈઓ કે બદમાશીઓ નથી પણ એ એટલી નાનકડી અને નિર્દોષ છે કે એ આપણને અનિચ્છનીય લાગવાને બદલે મીઠડી લાગે !

ફિલ્મને અવિસ્મરણીય બનાવવાના કારણોમાં એ પણ કે ફિલ્મની પટકથા બિમલ રોય જેવા સર્જકના કાયમી પટકથાકાર નબેન્દૂ ઘોષે લખેલી છે અને સંવાદો સ્વયં રેણુએ લખ્યા છે. જેનું સંતાન હોય એ વાચા આપે ત્યારે અનોખું જ સર્જાય ! ફિલ્મના કેમેરામેન છે સત્યજીત રે કેમ્પના સુબ્રોતો મિત્ર. શૈલેન્દ્ર એ મૂળ કૃતિ તરફની વફાદારી એ હદે રાખી છે કે ફિલ્મના કુલ ગીતોમાં થી પાંચ ગીતોના મુખડાનો ઉલ્લેખ તો મૂળ વાર્તામાં જ આવે છે, ભોજપુરી અને મૈથિલી લોકગીતોની પંક્તિઓ તરીકે જેને શૈલેન્દ્ર એ પૂર્ણ કક્ષાના ગીત તરીકે વિકસાવ્યા છે.

ફિલ્મની વાર્તા જોઈએ.

આધેડ વયે પહોંચવા આવેલો અભણ ગામડિયો હીરામન (રાજકપૂર) ગાડીવાની કરે છે. બે બળદના ગાડામાં એક ગામથી બીજે ગામ માલની હેરાફેરી કરવાનું કામ. આમ તો ગામડાની રીતિ પ્રમાણે એના લગ્ન બચપણમાં જ બાજૂના ગામની કુમારિકા જોડે કરી નાંખવામાં આવેલા પણ એ છોકરી તો આણું વાળતાં પહેલાં ગુજરી ગઈ એટલે હીરામનનું મન લગ્ન પરથી જ ઊઠી ગયું. જો કે એની ભોજાઈ (દુલારી) અને ભાઈ (હંગલ)ને હજી પણ એને કુમારિકા જોડે પરણાવવાના ઓરતા હતા.

ફિલ્મની શરૂઆત જ, મૂળ વાર્તામાં જેના મુખડાનો ઉલ્લેખ થયો છે એ ‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ’ ગીતથી થાય છે. એ ગીત ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત પણ છે, શબ્દો અને બંદિશની સાદગી અને સરળતાના કારણે. પોતાના ગાડામાં કંટ્રોલનો ગેરકાયદેસર માલ લાદી ગાડીવાન હીરામન અન્ય ગાડાના કાફલા સાથે સરહદપાર નેપાળ જવા રાત્રે નીકળે છે અને પોલીસ ત્રાટકે છે. હીરામન અફરાતફરી અને અંધારાનો લાભ લઈ જેમતેમ પોતાના વહાલસોયા બળદોને ગાડાથી અલગ કરી, ગાડું જતું કરી ભાગી છૂટે છે. ઘરે પહોંચી સોગન ખાય છે હવેથી ચોરી-ચકારીના માલની ‘લદની’ પોતાના ગાડામાં નહીં લાદે. એ પહેલાં પણ એક કસમ તો એ લઈ ચૂક્યો હતો. ગાડાની લંબાઈ કરતાં ત્રણગણી લંબાઈના વાંસના ભારા લાદીને જતો હતો અને ધ્યાન ચૂકતાં વાંસનો આગલો હિસ્સો સામેથી આવતા ટાંગામાં ઘૂસી જતાં ટાંગો ઊથલી પડ્યો હતો અને નાહકની ટાંગાવાળાની ધોલધપાટ ખાવી પડી હતી. બસ, ત્યારથી ગાડામાં વાંસની લદની બંધ !

એક વાર અચાનક હીરામનનાં નસીબ ખૂલી ગયા હતા. છેલ્લા સોગન વખતે ગાડું ગુમાવ્યા પછી અન્યનું ગાડું ભાગીદારીમાં પોતાના બળદ જોડે જોતરી ગાડીવાની કરતા હીરામનને દલ્લો લાગે છે. સરકસના વાઘની વાઘગાડી એક ગામથી બીજે ગામ પહોંચાડવા જ્યારે બધા ગાડીવાનોના બળદ ભયથી ભડકતા હતા ત્યારે હીરામન અને એના બળદોએ એ કામ બહાદુરી અને બાહોશીથી પાર પાડ્યું . એ ખેપમાંથી મળેલ દોઢ સો રૂપિયા જેવી માતબર રકમમાંથી હીરામને, અગાઉના અનુભવોમાંથી બોધપાઠ લઈને ટપ્પર ગાડી ખરીદી. ખાલી મુસાફરોની જ હેરાફેરી માટે, તસ્કરીનો માલ કે વાંસ તો ભૂલી જ જવાના ! ટપ્પર ગાડી હોય એટલે લીધેલા સોગન તૂટવાનો સવાલ જ નહીં !

એક સમી સાંજે ગામના રેલવે સ્ટેશનની બહાર ટપ્પર ગાડી લઈને સવારીની રાહ જોતા હીરામનને અચાનક થોડેક દૂરથી ટપ્પરમાં ચડતી કોઈક સ્ત્રીનો ઉઘાડો પગ દેખાય છે. ગાડીની નજીક આવતાં એ બાઈ સાથેનો માણસ ( સી. એસ. દુબે ) એને ગઢબનૈલીના મેળે જવાનું ભાડું પૂછે છે. વીસ ગાઉ દૂર આવેલા એ સ્થળનું ભાડું પૂરા રૂપિયા ત્રીસ હીરામન એ રીતે કહે છે જાણે પેલાને પોસાવાનું જ ન હોય ! એ માણસ તુરંત હા પાડી, હીરામનને હાથમાં પેશગી પાંચ રૂપિયા મૂકી, જે ટ્રેનમાંથી ઉતર્યો હતો એમાં પાછો ચડી જવા દોટ મૂકે છે. જતાં- જતાં  ‘ બાઈ માણસ છે, સંભાળજે ‘ ની તાકીદ કરતો જાય છે.

આ બાજૂ કિંકર્તવ્યવિમૂઢ હીરામન અનેક શંકાઓ- કુશંકાઓ વચ્ચે ગાડી ગઢબનૈલી તરફ બળદોની સંગાથે ચાલતી તો કરે છે પણ ગાડીના પડદાની પેલી બાજૂની સરસરાહટ એના મનમાં અજબ ફડક પેદા કરે છે. એમાં વળી અંધારી રાત અને જંગલના રસ્તે કેવળ ટપ્પરની છતે લટકતા ટમટમિયાનું અજવાળું ! રસ્તામાં ભોળાનાથની અવાવરુ દેરી આવતાં ગાડું રોકી, એ ભગવાનને કશું અજુગતુ ન બને એ માટે વિનવી, સવા રૂપિયાના પ્રસાદની માનતા માની ગાડું આગળ ચલાવે છે.

રસ્તામાં એની અને ટપ્પરની વચ્ચેનો પડદો હવાથી ખસી જતાં દેદીપ્યમાન સૌંદર્યની દેવી સમાન હીરાબાઈ (વહીદા રહેમાન)ના ચેહરાના દર્શન થાય છે અને એ છળી ઊઠે છે ! આ તે માનવી કે પરી ! હીરાબાઈ પણ હીરામનની ચીસ સાંભળી જાગી જાય છે અને એને છાનો પાડે છે. પરિચય અને એકબીજાના સરખા નામની જાણ થતાં હીરાબાઈ કહે છે કે તૂ તો મારો મીતા કહેવાય ! એક જ નામવાળા લોકો એકબીજાને મીતા કહીને બોલાવે !

હીરામનનો જીવ પણ એ જાણી હાશકારો અનુભવે છે છે કે એની સવારી કોઈ ભૂત-પ્રેત- ડાકણ નહીં પણ હાડ-ચામની માણસ જ છે. બળદને ડચકારી એ ઝડપ કરવા ચાબુક ઉગામે છે અને હીરાબાઈ એને રૂપાની ઘંટડી જેવા અવાજે  ‘ મારો મત ! શું ઉતાવળ છે ? જવાય છે ધીમે ધીમે ‘ કહીને વારે છે.

રસ્તો કાપતાં ઔપચારિક વાતો દ્વારા બન્નેનો પરિચય અને એ પ્રશ્નોમાંથી નીપજતા પેટા- પ્રશ્નો થકી બન્નેને એકબીજાની પ્રકૃતિમાં ઝાંકવાનો મોકો મળે છે. હીરાબાઈને હીરામનનું ભોળપણ, ઇમાનદારી અને વિશેષ તો એનું નિર્મળ નિશ્છલ પારદર્શક હાસ્ય સ્પર્શી જાય છે તો સામે પક્ષે હીરામનને હીરાબાઈના જીવનમાં રહેલી વિસંગતિઓ અને મજબૂરીઓનો ખ્યાલ આવે છે.

હીરાબાઈ ટપ્પરમાં બેઠા- બેઠા, પોતે ભજવવાનું છે એ નાટકના સંવાદોનું રિહર્સલ કરે છે અને એ દરમિયાન જાણે પોતાની જ કથની હોય એવો શેર કહે છે :

કહીં  ભી  કોઈ  ભી  અપના  નહીં  ઝમાને  મેં

ન   આશિયાને   કે  બાહર   ન  આશિયાને  મેં

હીરામન એની વાત અને એ શેરનો અર્થ સમજતો હોય એમ એનો ચહેરો કહે છે. એના કંઠેથી જાણે હીરાબાઈએ કહેલા શેરનો પ્રત્યુત્તર હોય એમ એમ એના પ્રદેશના ગીતની પંક્તિઓ વહેવા માંડે છે :

સજનવા બૈરી હો ગએ હમાર

ટપ્પરમાં ટીંગાડેલ ફાનસ ઝૂલે છે અને સિતારમાં રાગ કલાવતીના ધીમા સુર અને દાદરાના તાલે મુખડાનું પુનરાવર્તન થાય છે.

ચિઠીયા હો તો હરકોઈ બાંચે

ભાગ ન બાંચે કોયે

કરમવા બૈરી હો ગએ હમાર

અમારો પોતાનો સાજણ જ અમારો વેરી થઇ ગયો ત્યારે પારકાને શું દોષ દેવો ? આવું થશે એવું તો કોણે કલ્પ્યું હતું ! કાગળ- પત્તર હોય તો વાંચી પણ લઇએ પણ કરમનાં લેખ તો કોણે વાંચ્યા કે અમે વાંચીએ ? આ તો કિસ્મત ખોટી, બાકી આવું થાય !

અહીં ગીતના શબ્દોમાં સમાયેલી વ્યથા સાથે કોઈ પૂર્વાપર ઘટના સંકળાયેલી નથી પણ કોઈક ત્રીજી જ વ્યક્તિનું દર્દ અહીં હીરામન ગાય છે અને એ પારકું દર્દ હીરાબાઈને પોતીકું લાગવા માંડે છે. હીરાબાઈ એ ભોળા ગામડિયાના મોઢેથી નીકળતા ધારદાર શબ્દો અને દર્દસભર સુરાવલિને એકચિત્તે સાંભળી રહે છે અને એના ચહેરાને કોઈ ચિઠ્ઠીની જેમ વાંચી રહે છે !

અંતરામાં સિતાર અને અંતમાં વાંસળીનો વળાંક :

જાએ બસે પરદેસ સજનવા

સૌતન કે ભરમાએ

ના સંદેસ ન કોઈ ખબરીયા

રુત આએ રુત જાએ

ડૂબ ગએ હમ બીચ ભંવર મે

કર કે સોલહ પાર ….

હીરાબાઈ ઘડીક હીરામનના ચહેરાને તો ઘડીક દૂર શૂન્યમાં જાણે પોતાના ભાવિને નિહાળતી હોય તેમ તાકી રહે છે, હાથમાં રિહર્સલના સંવાદોવાળો કાગળ પકડીને ! એ કદાચ વિચારે છે કે આ ભોળો માણસ આટલું બધું દર્દ લાવ્યો ક્યાંથી ?

અમારો પોતાનો સજન જ કોણ જાણે કઈ સૌતનની વાતમાં ભરમાઈને રાતોરાત પારકો બનીને દૂર-સુદૂરના દેશે વસી ગયો. મોસમો એક જાય ને એક આવે પણ એના ન કોઈ ખેર ન ખબર. અમે તો સોળ વરસનો ઊંબરો ઓળંગી સીધા મઝધારે ઘૂમરાતા વમળમાં પટકાયા !

ફરી એ જ સિતાર અને નેપથ્યે વાંસળી અને હીરાબાઈની સજળ આંખો હીરામન અને આકાશ ભણી મીટ માંડે છે :

સૂની સેજ ગોદ મોરી સૂની

મરમ ન જાને કોયે

છટપટ તડપે પ્રીત બિચારી

મમતા આંસુ રોયે

ના કોઈ ઇસ પાર હમારા

ના કોઈ ઉસ પાર ….

અમારે તો ન કોઈ ખોળાનો ખૂંદનાર કે ન કોઈ સુહાગની સેજને સજાવનાર. આ બન્ને બાજૂના સૂનકારને ને સમજવાવાળું કોઈક હોય તો પણ જન્મારો લેખે લાગે, અમારે તો એવું ય કોઈ નહીં. અહીં તો એકલી પ્રીતડી વલખાં મારે અને છાતીમાં ફાટ-ફાટ થતી મમતા ભીતર ને ભીતર રડે ! અમારું પોતીકું કોઈક ન આ પાર ન પેલે પાર.

અહીં ક્ષણાર્ધ માટે  ‘ છટપટ તડપે પ્રીત બિચારી ‘ પંક્તિના ઉચ્ચારણ વખતે હીરાબાઈ-વહીદાના ચહેરા પર સાક્ષાત્ પીડાની ઝલક ઝબૂકે છે. એના હોઠ અને હડપચી પર એક અદ્ભૂત કંપન ઘડીવાર આવીને અલોપ થઈ જાય છે. આવો ભાવ, આવો અલોકિક અભિનય કરાતો નહીં હોય, બસ થઈ જતો હશે ! આ ક્ષણો દર્શકો સમક્ષ આણવા માટે વહીદા અને શૈલેન્દ્ર ને સલામ ! સામે પક્ષે હીરામન- રાજકપૂર બધું સમજતો હોવા છતાં નિર્લેપ ભાવે કંઠમાં દર્દને લપેટી ગીતને આગળ વધાર્યે રાખે ત્યારે જાણે બે મહારથીઓ વચ્ચે અભિનયની જુગલબંધી ચાલતી હોય એવું મહેસૂસ થાય !

સિતાર અને વાંસળીના ધીમે ધીમે વિલાતા જતા સુરોમાં ગીત સમાપ્ત થાય છે.

હીરામન ટપ્પરનો પડદો પાડી દે છે ત્યારે હીરાબાઈ એને પડદો પાડવાનું કારણ પૂછે છે અને હીરામન  ‘ અહીંના લોકોની ખણખોદ કરવાની ટેવ’ નું પાંગળું કારણ આપી વાત ઉડાડી દે છે. વાસ્તવમાં એ દિલથી ઇચ્છે છે કે કોઈ  ‘ પારકા’ ની નજર આ દૈવી સૌંદર્ય પર ન પડે તો સારું ! પસાર થતો ગાડાવાળો એની લઢણમાં પૂછપરછ કરે તો એને પણ ભળતા જ ગામનું નામ આપી  ‘ બિદાગી’  (સાસરે પાછી વળતી પરિણીતા) ને મૂકવા જાઉં છું’ કહીને ઠેકાડી દે છે.

આ ગીતની સંક્ષિપ્ત ચર્ચા શૈલેન્દ્રના  ‘ઉસ પાર’ વિષયક ગીતો વાળા લેખમાં થોડાક મહીના પહેલાં આપણે કરી ચૂક્યા છીએ.

હવે પછીના અને આ લેખમાળાના અંતિમ હપ્તામાં ફિલ્મની વાર્તાના બાકીના ભાગ અને વધુ એક હ્રદયસ્પર્શી ગીતની વિગતે વાત કરીશું .


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

15 comments for “સજનવા, દુલ્હનિયા અને તીસરી કસમ:: ૧

 1. KVVyas
  July 15, 2017 at 10:27 am

  Excellent emotional analysis of this Classic Story and Movie !! We feel as if we are seeing listening the folk song, which expresses pain and read it on face of Hiraman and Hirabai.. with their suberb acting.. I eagerly IInd part. Salute to Thavrani jee such literrary article…

  • bhagwan thavrani
   July 22, 2017 at 11:50 pm

   Thanks a lot..Kishorbhai!

 2. samir dholakia
  July 17, 2017 at 2:47 pm

  Waiting for second “hafta” eagerly !

  • bhagwan thavrani
   July 22, 2017 at 11:52 pm

   Dhanyavaad Samirbhai!

 3. July 18, 2017 at 8:12 am

  મિત્ર, કવિ શૈલેન્દ્ર ની સુંદર કલાત્મક કૃતિ અને તેમનાં પ્રણય – દર્દ ભીના ગીતો નું રસપાન કરી ને અભભૂત તૃપ્ત થઇ ગયો ..
  “તીસરી કસમ” ની 3 કસમ જો કે મને ભુલાય ગઈ હતી તે પુન:સ્મૃતિ થઈ..!
  શૈલેન્દ્ર ના ગીતો -ફિલ્મ હોવા છતાંય હઝરત સાબ ના 2 ગીતો ” તું ભી તો તડપા હોગા મન કો બનકર ..& મારે ગયે ગુલફામ પણ અદભુત રચના હતી .
  શૈલેન્દ્ર ને મંજરા RK હેરાન કરી મુક્યો હતો & છેલ્લે મૃત્યુ નું કારણ પણ બન્યો હતો.
  – વિશેષ, આપનો આભાર ..!
  – હે, “મન ” પરમાર.
  ( સુરત )

  • bhagwan thavrani
   July 22, 2017 at 11:55 pm

   Pratibhav ane ras daakhavva badal aabhar !

 4. July 18, 2017 at 11:52 am

  વાહ! અદભુત રસદર્શન! અને આરંભે આપેલી વિગતવાર યાદી માટે વિશેષ આભાર.

  • bhagwan thavrani
   July 22, 2017 at 11:57 pm

   Haardik aabhar birenbhai !

 5. vijay joshi
  July 22, 2017 at 7:51 pm

  Bull’s eye! This is one of the reasons, as a rule, we refrain from watching Hollywood or Bollywood main stream movies
  and prefer instead, independent non-English moves where you could find gems like Separation and Children of Heaven from Iran, Together from Hong Kong, Roshoman from Japan, to name a few. Lovers of art and arty movies are
  far and few, so it is natural for money making studios to make movies which “sell”.

  As usual, you never seem to disappoint your readers with mediocrity.

  • bhagwan thavrani
   July 23, 2017 at 12:01 am

   Thanks Vijaybhai! Your inspiring comments always prompt me to do justice to expectations of enlightened readers like you !

 6. નરેશ પ્ર. માંકડ
  July 26, 2017 at 8:28 pm

  વર્ષો પછી ફરી, નવી દૃષ્ટિ સાથે ફિલ્મ નિહાળતો હોઉં એવું લાગ્યું. ખૂબ સુંદર, અત્યંત ભાવવાહી રસદર્શન. ફિલ્મને કળા અને ક્રાફ્ટ તરીકે સભાન પણે ના જોનારા પણ આવું રસદર્શન વાંચ્યા પછી વધુ સંવેદના સાથે આ ફિલ્મને માણશે.

  • Bhagwan thavrani
   July 27, 2017 at 12:00 am

   હાર્દિક ધન્યવાદ નરેશભાઈ !

 7. lalit trivedi
  August 2, 2017 at 11:18 pm

  આદરણીય થાવરાણીસાહેબ,
  નમસ્તે.
  ઘણાં વારસો પહેલાં આ ફિલ્મ….મુગ્ધાવસ્થામાં…જોઈ હતી.ખાસ કઈ યાદ પણ નહિ.
  આજ આપે આ ફિલ્મ જોવાની રીત અને દ્રષ્ટિ….બન્ને …જાણે કે કહી બતાવ્યા…
  શૈલેન્દ્રજીનો હું પહેલેથી જ ચાહક છું…પણઆપે તો કમાલ કરી .ગીત સાથે ગીતના ફિલ્માંકનની ઝીણવટ-સભર છણાવટ ….
  વાહ…
  હવે પછીના હપ્તાની વાટ જોઉં છું

  • bhagwan thavrani
   August 3, 2017 at 10:04 am

   Dhanyavaad मेरे चारागर !

 8. August 16, 2017 at 7:47 am

  I saw this film in 1968 in a tent – turned into a cinema “Hall” for jawans in a field army Unit next to mine. The impact of Tisri Kasam was such that I did not forget any part of the movie or a scene of the movie for a long time. I even refused to read its review in any newspaper or magazine for all these years because none of those critics had the caliber to understand this masterpiece – that is, till today. I doff my hat to you, Mr. Thavrani, for such a beautiful appreciation of this gem and for bringing to light all those sparkling facets and nuances one by one. You have not missed a single incident right from the first scene. Well done. I cannot wait to read the second part!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *